Hitopradeshni Vartao - 31 books and stories free download online pdf in Gujarati

હિતોપદેશની વાર્તાઓ - 31

31.

એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એને ચાર પુત્ર હતા. તેમના નામ ઉત્તમબુદ્ધિ, પરમબુદ્ધિ, મહાબુદ્ધિ અને અગમબુદ્ધિ. ચારમાં પહેલા ત્રણ ઘણા ચપળ અને હોશિયાર હતા. સૌથી નાનો અગમબુદ્ધિ સીધો સાદો અને શાંત હતો.

બ્રાહ્મણે ચારેય પુત્રોને ગામના મહાપંડિત ગુરુદત્તને ત્યાં ભણવા મૂક્યા. પંડિત વિદ્વાન અને તેજસ્વી હતા. એમણે પુત્રોને ધર્મ, જ્યોતિષ ગણિત, સાહિત્ય તમામ શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. પહેલા ત્રણ પુત્ર હોશિયાર હતા એટલે ભણવામાં આગળ નીકળી ગયા જ્યારે અગમબુદ્ધિ ભણવામાં પાછળ હતો પણ વ્યવહારિક જ્ઞાનમાં આગળ હતો. પંડિતજીના આશ્રમના સંચાલનનું કામ એ કરતો અને બધાની સેવા કરતો. ત્રણ મોટા પુત્રો ફક્ત ભણવામાં જ ધ્યાન આપતા. પરિણામ એ આવ્યું કે ભણતરમાં તેઓ આગળ નીકળ્યા પણ વ્યવહારિક જ્ઞાનમાં પાછળ રહી ગયા. ગાય ભેંસને ચારો નિરવો હોય કે બજારમાંથી જોઈતી વસ્તુ ખરીદવી હોય, ત્રણે એકબીજાનું મોઢું જોયા કરે. કંઈ સમજ પડે નહીં. અગમબુદ્ધી આ બધા કામોમાં પારંગત હતો. ઘણીવાર તો એ એકાદ દિવસ માટે બહારગામ જાય તો આશ્રમના દૈનિક કાર્યક્રમમાં ગૂંચવણ ઊભી થઈ જાય.

આમને આમ ચારે ભાઈઓ મોટા થયા. તેમનું શિક્ષણ પૂરું થવા આવ્યું. પંડિત ગુરુદત્તે ચારેય ભાઈઓને બોલાવી ખૂબ જ ગુપ્ત અને મહત્વની વિદ્યા વિશે કહ્યું.

"તમે તમારો અભ્યાસ ખૂબ જ ખંત પૂર્વક કર્યો છે. હું તમારાથી ખૂબ જ સંતુષ્ટ છું એટલે આજે તમને એક ખૂબ જ ગુપ્ત વિદ્યા શીખવું છું. આ વિદ્યાનો ઉપયોગ કરી તમે મરેલાં પ્રાણીને જીવતું કરી શકશો. પણ એટલું ધ્યાન રાખજો કે આ વિદ્યા ખૂબ જ ગુપ્ત રાખજો અને એનો ઉપયોગ કાળજીથી કરજો."

આમ કહી ચારેય ભાઈઓને પંડિતજીએ મરેલા પ્રાણીને જીવતું કરવાની વિદ્યા શીખવી પછી બીજા દિવસે એમને અનેક શિખામણો આપી ઘેર જવાની રજા આપી. ચારે ભાઈઓ ઘેર પહોંચ્યા.

હવે ઉત્તમ બુદ્ધિ, પરમબુદ્ધિ અને મહાબુદ્ધિ વચ્ચે સારું બને કેમ કે તેમને ફક્ત ભણવામાં જ રસ. આખો દિવસ ત્રણેય જણા વાંચે, લખે કે વાદવિવાદ કરે. જ્યારે અગમ બુદ્ધિ તો પિતાને ઘર ચલાવવામાં મદદ કરવા લાગ્યો. સવારે ઊઠે ત્યારથી કામે લાગી જાય. ગુરુને ત્યાં જે કાંઈ ભણ્યો જે જ્ઞાન મેળવ્યું એનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરે અને પોતાનું વ્યવહારિક જ્ઞાન પણ અજમાવે. આમ ભાગ્યે જ કોઈ કામ પાર પાડવામાં એ પાછો પડે. એ પિતાનો લાડકો બની ગયો. ત્રણેય મોટા ભાઈઓને એ દીઠો ગમે નહીં પણ અગમબુદ્ધિ બધું નભાવી લે. પહેલા ત્રણે બેઠા બેઠા ખાય અને આખો દિવસ વાદવિવાદ કર્યા કરે અને નાનો ભાઈ અને બુઢા બાપની મશ્કરી પણ કરે છતાં અગમબુદ્ધિ ચૂપચાપ બધું સહન કરે. આમ ને આમ એક દિવસ પિતાનું મૃત્યુ થઈ ગયું. પછી ઘરમાં ચાર ભાઈઓ સિવાય કોઈ રહ્યું નહીં. માતા પહેલેથી મૃત્યુ પામી હતી. ઘરની જવાબદારી મોટાભાઈ પર આવી પડી. આમ તો નાનોભાઈ અગમબુદ્ધિ બધું કામ કરતો પણ પિતાની હાજરી ન હોવાથી નવી પરિસ્થિતિમાં મોટાભાઈને ઘર સંભાળવું પડે. ઘણા વાદવિવાદને અંતે નક્કી કર્યું કે ઘરને તાળું મારી ચારે ભાઈઓએ પરદેશ કમાવા જવું. નાનાભાઈ અગમબુદ્ધિએ ત્રણેય મોટા ભાઈઓને ઘણી ના પાડી. સમજ પાડી કે પરદેશ જવાની કોઈ જરૂર નથી. મહેનત કરવાથી અહીં જ પેટ પૂરતું આસાનીથી મળી રહે એમ છે. પણ ત્રણેય માન્યા નહીં એટલે ના છૂટકે અગમબુદ્ધિ તેમની સાથે જવા તૈયાર થયો. એક દિવસ સવારે મૂહુર્ત જોઈને ચારે ભાઈઓ નીકળી પડ્યા.

રસ્તામાં ત્રણેય ભાઈઓ સાથે ચાલે. અગમ બુદ્ધિને પોતાની સાથે ભળવા ન દે અને હડધૂત જ કર્યા કરે. અગમબુદ્ધિ ત્રણેયનો તાલ જોતો ચૂપચાપ ચાલ્યા કરે. ચાલતા ચાલતા મહાબુદ્ધિની નજર બાજુમાં ઝાંખરાં માં પડેલા વાઘના મડદાં પર પડી. ઘણા સમય પહેલા તે મરી ગયો હશે. મડદું આખું ચુંથાઈ ગયું હતું. મડદું જોઈને મહાબુદ્ધિને ગુરુએ શીખવેલી સંજીવની વિદ્યા યાદ આવી ગઈ. એણે બધાને અટકાવ્યા અને કહયું કે પેલું વાઘનું મડદું પડ્યું છે. ગુરુજીએ સંજીવની વિદ્યા શીખવી છે તેનો ઉપયોગ કરી આપણે આ વાઘને જીવતો કરી જોઈએ. ઉત્તમબુદ્ધિ અને પરમબુદ્ધિ તેનો ઉપયોગ કરવા તૈયાર થઈ ગયા પણ અગમબુદ્ધિએ કહ્યું કે આ સંજીવની વિદ્યાનું પારખું કરવાનો સમય નથી. આ અજાણી અને વેરાન જગ્યા છે. દૂર સુધી વસ્તીનું નામ નિશાન નથી. અને વાઘ સજીવન થઈ જશે તો પહેલાં આપણને જ ફાડી ખાશે. માટે મહેરબાની કરી અહીંથી ચાલી નીકળો.

" છટ ,ડરપોક! જે ભણેલી વિદ્યાનો ઉપયોગ ન કરે એ મહામૂર્ખ છે. એટલું સમજ કે વાઘને જીવત દાન આપીએ તો આપણને થોડો મારી નાખશે! એ આપણો ઉપકાર માનશે અને મદદરૂપ પણ થશે. એના જેવા બળવાન પ્રાણીની મદદ મળી જાય તો કેટલું સારું થાય?" મહાબુદ્ધિ બોલ્યો.

" તને બીક લાગતી હોય તો અહીંથી જતો રહે. અમને તારી જરૂર નથી." ઉત્તમબુદ્ધિ છાતી ફુલાવીને બોલ્યો.

અગમબુદ્ધિએ બહુ સમજાવ્યા પણ ત્રણેમાંથી કોઈ માન્યું નહીં એટલે તે કંટાળીને નજીકના ઝાડ પર ચડી ગયો.

આ બાજુ ત્રણેય ભાઈઓએ મંત્ર ભણવા માંડ્યા. મોટાભાઈ ઉત્તમ બુદ્ધિએ મંત્ર જળની પહેલી અંજલી છાંટી એટલે વાઘનું છૂટું પડેલું શરીર ભેગું થઈ ગયું. બીજા ભાઈ પરમબુદ્ધિએ બીજી અંજલી છાંટી એટલે વાઘનું શરીર પહેલાં હતું એવું થઈ ગયું. હવે ચેતન આવવાનું બાકી. એ કસર ત્રીજા ભાઈએ પૂરી કરી. મહાબુદ્ધિએ મંત્ર જળની અંજલી વાઘના શરીર પર છાંટી. એ સાથે જ વાઘ આળસ મરડી ઉભો થયો. વાઘની આંખ ખુલી એવું જ એનું ધ્યાન ત્રણેય ભાઈઓ તરફ ગયું. પેટમાં પકડીને ભૂખ લાગી હતી અને શિકાર સામે હાજર હતો. ત્રણેય ભાઈઓ કુતહલ પુર્વક જીવતા થયેલા વાઘને જોઈ રહ્યા હતા એટલે વાઘની ગતિવિધિ પ્રત્યે તેમનું ધ્યાન નહોતું.

શિકાર સામે હોય પછી કયો વાઘ ભૂખ્યો રહે? આંખના પલકારામાં ભાઈઓ કાંઈ વિચારે એ પહેલાં એ લોકો પર વાઘ તૂટી પડ્યો. થોડીક ક્ષણોમાં ત્રણેયના રામ રમી ગયા. ઝાડ પર ચડેલો અગમબુદ્ધિ આ જોઈને ખૂબ જ દુઃખી થયો પણ શું કરી શકે?

આમ શાસ્ત્રોમાં પારંગત પણ વ્યવહારમાં અભણ એવા ભાઈઓનો અંત આવ્યો અને બીજાં શાસ્ત્રો સાથે વ્યવહાર જાણતો અગમબુદ્ધિ બચી ગયો.