Hitopradeshni Vartao - 4 books and stories free download online pdf in Gujarati

હિતોપદેશની વાર્તાઓ - 4

4.

બીજે દિવસે ગુરુજીએ વાત આગળ ચલાવી. કહ્યું કે હવે કબૂતરો તો ફસાઈ ગયાં હતાં. તેમનો રાજા આ દાણા ખાવાથી દૂર રહ્યો તો રાજા બચી ગયો પણ દાણાની લાલચમાં નીચે ઉતરી પડેલાં કબૂતરો જાળમાં ફસાઈ ગયાં. આમથી તેમ પોતાની પાંખો, પગ, ચાંચ બધું ચલાવ્યા કરે. દરેક કબૂતર પ્રયત્ન કરે પણ પગ જાળમાંથી નીકળે તો ને! આખરે સહુ થાકી નેક હતાશ થઈ ગયાં. કબૂતરના રાજાએ કહ્યું કે આખરે લાલચનું ફળ બૂરું જ હોય છે. માણસે કોઈ દેખીતી સુવર્ણ તક લેતા પહેલાં આગળપાછળનો વિચાર કરવો જ જોઈએ. કેમ કે કેમ આવી તક ઓચિંતી સામે આવીને ઊભી ન રહે. સીતાજી સુવર્ણમૃગ જોઈ મોહ પામી ગયાં પણ એમને વિચાર ન આવ્યો કે આવા જંગલમાં આ મૃગ ક્યાંથી આવ્યું અને સુવર્ણ રંગનું મૃગ હોય ખરું? આમ મોહમાં અંજાયેલો માણસ ઘણું ઘણું ગુમાવે છે કબુતરોમાંના એક યુવાન કબૂતરે કહ્યું " અમે ભૂખ્યાં હતાં અને હજી પણ ભૂખ્યાં છીએ પણ અત્યારે તમે ઉપદેશ આપો છો. ઉપદેશથી કાંઈ વળવાનું નથી. ઉપદેશથી કોઈની ભૂખ શમતી નથી. હાથ જોડીને બેઠા રહેવાથી કોઈનું ભલું થતું નથી. માણસે કે પશુ પક્ષીએ જોખમ તો લેવું જ પડે. ભલે અહીં અમે જોખમ લેવા ગયા અને ફસાઈ ગયા.

બીજાં કબુતરોએ એમ કહેનાર યુવાન કબૂતરને ધમકાવ્યો. તેઓ અંદરોઅંદર ઝઘડી પડ્યાં કે તારે લીધે તો અમારી આ દશા થઈ છે. જો અમને આ દાણા ખાવા નીચે ન ઉતાર્યા હોત તો અમે છુટા હોત. હવે તેં અમને ફસાવ્યા છે તો તું બહાર કાઢ. એ કબૂતર શું કહી શકે? એનાથી ભૂલ થઈ ગઈ એ વાત સાચી પણ હવે તેની પાસે કોઈ ઉપાય હતો નહીં.

આખરે રાજા પોતે નીચે ઉતરી જાળની અંદર બેસી ગયો. જે મુક્ત હતો તે પણ જાણી જોઈને ફસાયો.

બધાએ કહ્યું કે રાજાજી, તમે આવું કેમ કર્યું? તો કહે પ્રજાનું હિત રાજાએ પોતાના હિતની પહેલાં જવું જોઈએ એટલે તમને ફસાયેલા જોઈ હવે શું થઈ શકે તે મદદ કરવા હું પોતે અહીં આવી ગયો છું. આ અનુભવ લઉં છું અને શું કરવું તે વિચારું છું. થોડીવાર આપણે ઝઘડો કરવો બંધ કરીએ. જ્યારે બહારથી આપત્તિ આવે ત્યારે દુશ્મનો પર પ્રહાર કરતાં પહેલાં આપણે એ સમજી લેવું જોઈએ કે આપણે એક હશું તો દુશ્મનો ફાવશે નહીં. બહારથી આપત્તિ આવે ત્યારે અંદરોઅંદર લડતા રહેશું તો દુશ્મનોને આસાનીથી વિજય મળી જશે. અત્યારે સંકટ સમયે આપણે એક થઈ જવું પડશે.

બધા કબૂતરો કહે ભલે રાજાજી. અમે એક થઈ જઈએ. તો હવે શું કરવું?

રાજાએ થોડો વિચાર કરી કહ્યું " જો, જે એક ઘાસનું તણખલું આપણે ઊંચકીને માળો બનાવવા લાવીએ છીએ તેને તોડી શકીએ છીએ પણ એ જ તણખલાં ભેગાં થઈ એને વીણીને એને તેનો હાર બનાવે તો હાથીને પણ અંકુશમાં લઈ શકે છે. એક બિંદુ કંઈ કરી શકતું નથી પણ તેની બનેલી નદી પહાડને પણ કોતરી શકે છે. આમ સંકટ સમયે એક થઈ કામ કરીએ તો અવશ્ય સફળતા મળે છે.

રાજાએ થોડો વિચાર કર્યો અને કહ્યું "આપણી પાંખોમાં એટલી તાકાત છે કે આપણે જોજનો સુધી થાક્યા વગર ઉડી શકીએ છીએ. ચાલો, બધા પોતાની પાંખો હલાવવા લાગો એક સાથે સહુ. પહેલાં હું ફ્ફડાવું ત્યાર પછી હું ફરીથી પાંખ હલાવું ત્યારે બધાએ એક સાથે હલાવવાની. બને એટલા જોશથી ફ્ફડાવે જ રાખવાની. થોડી વારમાં બધાની પાંખો ફફડાવવાથી જાળ ઊંચી થઈ આપણે ઉડીને નાસી શકશું. ભૂખ્યા તરસ્યા છીએ એ વાત સાચી પણ મરણિયા બની પ્રયત્ન કરશું.

મહેનત તો પડી પણ કબૂતરો ઉડ્યાં. પારધી આ જોઈને તેમની પાછળ દોડ્યો. તેને તો જાળ પણ ગઈ અને શિકાર પણ ગયો. તેણે બાણ મારવા પ્રયત્ન કર્યો પણ કબૂતરો તો ઊંચે ઉડી ગયેલાં.

હવે ઉડીને દૂર તો ગયાં પણ જાળમાંથી મુક્ત કેમ થવું?

રાજાએ સૌને નીચે ઉતરવા કહ્યું. તેણે કહ્યું કે મારો મિત્ર હિરણ્યક નામનો ઉંદર છે તે આપણી જાળ કાતરી આપશે. ઉંદરના દાંત તો ખૂબ તીક્ષ્ણ હોય છે. તે હીરણ્યકની ગુફા પાસે આવ્યો. હિરણ્યક પહેલા તો ગભરાઈ ગયો કે આટલા બધા કબૂતરો એક સાથે મારી પર હલ્લો તો નહીં કરે! પરંતુ રાજાએ કહ્યું કે અમે તારી મદદ માગવા આવ્યા છીએ. આ જાળમાંથી અમને મુક્ત કર.

પરંતુ ઉંદરે થોડા પ્રયત્ન કરી કહ્યું "જાળ એટલી બધી મજબૂત છે કે મારા દાંત પણ તોડી નાખે અને આવડી મોટી જાળ કાપતાં કેટલો બધો વખત જાય?

ત્યાં તો પેલો પારધી પાછળ આવી પણ જાય." તો શું કરવું ?થોડો વિચાર કરી તે પોતાના મિત્ર ઉંદર અને લેતો આવ્યો બધાએ સાથે મળી પોતાના દાંતથી જાળ કાપી અને જોતજોતામાં કબૂતરો મુક્ત થઈ ગયાં. જાળમાં પડેલા દાણા કબુતરોની સાથે ઉંદરોએ પણ ખાધા. હિરણ્યક અને કબૂતરના રાજાએ કહ્યું કે આ એકતાની તાકાત છે.

હવે ગુરુજીએ કહ્યું "કુમારો, સંપ ત્યાં જંપ. સંકટ સમયે કે બહારથી દુશ્મન આવે ત્યારે અંદરોઅંદરના ઝઘડા ભૂલી એક થઈ સામનો કરવાનો વિચાર કરવો. ક્યારેય પણ લાંબો સમય ગભરાયેલા રહેવું નહીં. ગભરાયેલા રહેવાથી વિચાર શક્તિ કુંઠિત થઈ જાય છે. તેને બદલે સંકટમાંથી છૂટવાનો વિચાર કરવો અને વિચારીને વ્યૂહરચના બનાવો તો સફળતા મળશે જ.