Hitopradeshni Vartao - 8 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 8

Featured Books
Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 8

8.

આમ ગીધની વાત પૂરી થઈ.

કાગડાએ કહ્યું "હરણભાઈ, એટલે જ તમને કહું છું કે જેને ઓળખતા ન હોઇએ જેના સ્વભાવ વિશે જાણતા ન હોઈએ તેવા અજાણ્યા સાથે દોસ્તી કરવી નહીં.

શિયાળ તો ભડક્યું. "ઓ, ચુપ રહે. તું જ્યારે પહેલીવાર હરણને મળ્યો ત્યારે તમે એકબીજાને ઓળખતા હતા? તો તમારા વચ્ચે દોસ્તી કેવી રીતે થઈ?

દુનિયામાં બધાએ એકબીજા સાથે મિત્રતા કરવી જ જોઈએ. જેમ આ હરણ સાથે મારી દોસ્તી થઈ છે એમ હું તારી સાથે દોસ્તી કરું છું. આપણે ત્રણ સાથે રહીશું, ખાઈ પીને મોજ કરીશું. નવું નવું જોશું, શીખશું. આપણે ત્રણ ભેગા થઈશું તો આપણી શક્તિ કેટલી બધી વધશે? એકબીજાનું રક્ષણ પણ કરશું અને શાંતિથી જીવન જીવશું.

શિયાળના લાંબાચોડા ભાષણનો કાગડા પર પ્રભાવ પડ્યો. એ બોલ્યો "ચાલો, ઠીક છે. મિત્રતા કરવાથી શું ગેરફાયદો? જોઈએ."

તેઓ મિત્રો બની ગયા. થોડા દિવસ રહી શિયાળે પોતાની યોજના અજમાવી.

હરણને એકલું ચરતું જોઈ કહયું "ચાલો નજીકમાં એક ખેતર છે ત્યાં શું મીઠો પાક ઉગ્યો છે! ત્યાં જઈ આવીએ."

"ચાલ ત્યારે. તું કહે છે તો જઈએ." કહી હરણ શિયાળ સાથે ગયું. શિયાળને ખબર હતી કે માલિકે ત્યાં પાક બચાવવા પ્રાણી પકડવા જાળ બાંધી રાખી છે અને તે દેખાતી નથી. ખેતર આવતા તે પાછળ રહ્યું. તેણે હરણને આગળ કર્યો અને સાવચેતીથી તેની પાછળ જવા લાગ્યું. ચરવા જતા હરણ બિચારું જાળમાં ફસાઈ ગયું. દૂરથી શિયાળે આ દૃશ્ય જોયું એટલે સંતાઈને બેસી ગયું.

હરણે બૂમ પાડી " મારા મિત્ર શિયાળભાઈ, જાળ કાપી મને છોડાવો નહીંતર આ ખેતરનો માલિક મને જીવતો નહીં છોડે." શિયાળના મોમાં પાણી છૂટવા લાગ્યું. "વાહ વાહ. મારી યોજના સફળ થઈ. બસ ધમ પછાડા કરી હરણ મરે એટલે આપણી ઉજાણી પાકી. કેટલા વખતથી હરણનું માસ ખાવાની ઈચ્છા હતી! એ પૂરી થશે."

એ ઉભો થઈ હરણ ફસાયો હતો તે તરફ ગયું. જેવું શિયાળ નજીક આવ્યું એટલે હરણ બોલ્યું " મારા પ્રિય દોસ્ત, તું ખરા સમયે આવી પહોંચ્યો. જો ચરવાના લોભમાં હું આ જાળમાં ફસાઈ ગયો. જલ્દી એ કાપી મને છૂટો કર નહિતર ખેતરનો માલિક મને જીવતો નહીં છોડે."

હરણની વાત સાંભળી ખંધું શિયાળ બોલ્યું "મારા પ્રિય મિત્ર, તારી વાત સાચી પણ તને કદાચ ખબર નહીં હોય કે હું રવિવારે વ્રત કરું છું એટલે ચામડાને મોઢામાં નહીં લઉં. આ જાળ ચામડાની છે. હવે આમેય સાંજ પડવા આવી છે. ખેતરનો માલિક સવાર પહેલા નહીં આવે. તું નિરાંતે ઊંઘી જા અને હું પણ થોડે દૂર ઊંઘી જાઉં. બસ સવાર સુધી રાહ જો. "

શિયાળ ત્યાંથી ધીમે ધીમે સરકી ગયું. હરણ નિ:શ્વાસ નાખી બેસી ગયું. એને મોત નજીક દેખાણું પણ તે મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યું.

આ બાજુ હરણ આવ્યું નહીં એટલે કાગડાને તેની ચિંતા થવા લાગી. તેને થયું, ચોક્કસ આ લુચ્ચા શિયાળે સીધા સાદા હરણને ફસાવી માર્યું હશે. કાગડો જીવના જોખમે મિત્રને શોધવા નીકળ્યો. અંધારામાં દેખાય ઓછું પણ જ્યાં જ્યાં ચરવાની જગ્યા હતી ત્યાં તે ફરી વળ્યો. હરણ કે શિયાળ નો પત્તો લાગ્યો નહીં. સદ્નનસીબે એ પેલાં ખેતર તરફ જ ગયો. દૂરથી એને ખેતરમાં હલચલ લાગી. તેને ખબર હતી કે અહી માલિક પાક બગાડનાર જાનવર માટે ઝાડ બાંધે છે. એને થયું, ચોક્કસ હરણ જાળમાં ફસાવ્યું હશે.

અને તેને જોયું એટલે તેને કહ્યું "અરે હરણભાઈ, કેવી રીતે ફસાઈ ગયા?" હરણ કહે "હે મિત્ર, અંધારી રાતમાં તમે જીવના જોખમે મને શોધતા અહીં આવી ગયા. મેં તમારી વાત ન માની એટલે મારા આ હાલ થયા. મિત્રની કસોટી મુસીબતમાં જ થાય છે. મિત્ર શિયાળ તો મારો દુશ્મન નીકળ્યો. એના મોં ઉપર હંમેશા રામનું નામ છે પણ બગલમાં સંતાડેલી છરી કાઢતા અચકાતું નથી. એ ક્યાંક રાહ જોઈને બેઠું છે કે મને ખેતરનો માલિક મારીને ફેંકી દે એટલે મારું માસ ખાય.

કાગડાએ કહ્યું "ભલા મિત્ર, એટલે જ મેં કહ્યું કે આવતા જતા બધા પર વિશ્વાસ નહીં કરો. દગાબાજ સાથે દોસ્તી પણ સારી નહીં તેમજ દુશ્મની પણ નહીં. એ દરેક સંજોગોમાં બૂરું જ કરે છે.

ખરાબ મિત્રો અંગારા જેવા છે જે જલતા હોય ત્યારે દઝાડે બુઝાઈ જાય તો રાખ ઉડાડી કાળું કરે. કંઈ નહીં, હું આવી પહોંચ્યો છું. કોઈ રસ્તો ગોતું છું. "

કાગડાએ દૂરથી ખેતરના માલિકને દંડો પકડી આવતો જોયો. એણે કહ્યુ કે "હરણભાઈ, ખેડૂત આવે છે. તમે પેટમાં હવા ભરી પગ અક્કડ કરી મર્દાની જેમ પડી રહો. હું તમારા શરીર પર બેસી તમારી આંખ ખાવાનું નાટક કરું છું. માલિકને લાગશે કે તમે મરી ગયા છો એટલે તમને ઝાડમાંથી મુક્ત કરી ફેંકી દેશે. પછી એ જશે એટલે હું શોર મચાવીશ. મારો અવાજ સાંભળી તમે ભાગી જજો. "

હરણ કાગડાના કહેવા મુજબ કરવા સુઈ ગયો. નજીક આવી ખેડૂતે મરેલું હરણ જોઈ તેને જાળમાંથી છૂટું કર્યું, બાજુમાં નાખ્યું અને જાળ વ્યવસ્થિત કરી કુવા તરફ ગયો. એને જતો જોઈ એ કાગડાએ કાકા કરી મૂક્યું. અવાજ આવતાં જ હરણ ઊભું થઈ જીવ લઈને નાઠું.

નસીબદાર હરણ તો બચી ગયું પણ જિંદગીભર યાદ રહી જાય તેવો પાઠ ભણવામાં મળ્યો કે અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહીં. કોઈ પણ પર જલ્દીથી વિશ્વાસ મૂકવો નહીં.