Tribhuvan Gand - 17 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 17

૧૭

મુંજાલને વધુ સમજણ પડે છે

સોમનાથના મુખ્ય મંદિરને ફરતાં સેંકડો મંદિરો હતાં. એક તરફ ગર્જના કરતો સોમનાથી જલનિધિ અને બીજી તરફ પવનના ઝપાટામાં ગાજી રહેતાં ગાંડી ગિરનાં વન – અને એમાં કુદરતબક્ષી વનરાજિની પરંપરામાં ઊભેલાં સેંકડો મંદિરો – એ આખી રચના જ અલૌકિક હતી. મંદિરોની સેંકડો ધજાઓ ત્યાં નિરંકુશ, રાત ને દિવસ ફરફર ફરફર્યા કરતી. મીનલદેવી એ હજારો ધજાને નિહાળતી સૂર્યમંદિર તરફ જવા ઉપડી. અત્યારે મુંજાલના મનમાં ગડભાંગ તો થતી હતી કે મહારાજ પોતે સૂર્યમંદિરમાં હશે કે નહિ: થોડુંક ચાલ્યા પછી તે આગળ વધતો અટકી ગયો.

‘કેમ, મહેતા? કેમ અટક્યા?’

‘સૂર્યમંદિર તો પેલું સામે રહ્યું, બા! પણ પહેલાં  હું એ બાજુ આંટો મારી આવું. ભોંયરામાં જવાનું દ્વાર પેલા બાજુનાં મુખ્ય રસ્તા ઉપર છે. તમને સંકેત આપીશ – પેલું ઝાડ દેખાય ત્યાં આવીને, તમે બા! આંહીં જ થોભો, હું આ આવ્યો!’

મીનલદેવી ત્યાં ઝાડની ઘટામાં શાંત ઊભી રહી ગઈ. મુંજાલ વૃક્ષરાજિને આધારે-આધારે સૂર્યમંદિરના મુખ્ય દ્વારના પગથિયા પાસે પહોંચી ગયો.

મંદિર એક નાના સરખા ટેકરા ઉપર આવ્યું હતું અને ગર્ભદ્વારમાં પહોંચવા માટે સોએક પગથિયાં ચડવા પડે એટલું ઊંચાણમાં હતું. ટેકરાની નીચેના ભાગમાં ભૂગર્ભસ્થ મહાન ખંડ હતો. ત્યાં જવા માટે સોપાનપરંપરા ચડવાની જરૂર ન હતી. પડખેથી એક નાની પગદંડી એ તરફ જતી. મુંજાલે એ કેડી પકડી.

ભૂગર્ભસ્થ મહાન ખંડના દ્વાર ઉપર એ આવ્યો તો ત્યાં અત્યારે કોઈ ન હતું. એણે ધીમેથી બે-ચાર પગથિયાં ઉતરી, વિસામા ઉપર ઊભા રહી, અંદર દ્રષ્ટિ કરી અને એનું અંત:કરણ નાચી ઊઠ્યું.

અંદરના કોઈક ખૂણામાં ક્યાંક દીપક જલી રહ્યા હતાં. એનો આછો પ્રકાશ એની નજરે પડતો હતો. એની સામે સેંકડો કોતરેલા સ્તંભોને આધારે રચાયેલો મહાન ખંડ પડ્યો હતો. એક રીતે તો નીચેની આ સ્તંભાવલિની રચના ઉપર જ આખું મંદિર ઊભું કર્યું હતું. ખંડ, આખા મંદિર જેવડો વિશાળ હતો અને માણસ ઊભો ઊભો સુખેથી અંદર હરીફરી શકે એટલો ઊંચો હતો. આંહીં, જ્યાં અનેક મંદિરો ઊભાં હતાં ત્યાં, આ સૂર્યમંદિરનું ખાસ એવું મહત્વ ન હતું. માણસોની આંહીં ભાગ્યે જ ભીડ જામતી, તે છતાં મુંજાલે કાન સરવા કરીને અવાજ પકડવાનો પ્રયત્ન કર્યો. સઘળે શાંતિ હતી. માત્ર જે દિશામાં દીપક જલી રહ્યો હતો, ત્યાંથી કાંઈક અવાજ આવતો લાગ્યો. તે અત્યંત સાવચેતીથી એક-એક સ્તંભને આધારે આગળ વધ્યો.

દીપકની છેક પાસે, એક સ્તંભને આધારે એ આવીને ઊભો રહી ગયો, એણે પોતાની સામે જે જોયું તે દિવાસ્વપ્ન હોય તેમ એક પળભર તો એનું મગજ વિચારતું જ બંધ થઇ ગયું. એણે પણ વાતને આ રૂપમાં જોવાની આશા રાખી ન હતી. એ દિગ્મૂઢ જેવો થઇ ગયો.

ગુજરાતનો મહાપ્રતાપી નૃપતિ જયસિંહ સિદ્ધરાજ ત્યાં ઊભો હતો – અને એની સામે એક અનુપમ લાવણ્યવતી સ્ત્રી બેઠી હતી!

પૃથ્વીભટ્ટ અને ધુબાકાએ વાતચીતમાં જેનો નામનિર્દેશ કર્યો હતો તે જ આ નારી હોવી જોઈએ એમ મુંજાલે અનુમાનથી જ કલ્પી લીધું. તેણે એની સામે જરાક વધારે ધ્યાનથી જોવા માંડ્યું. એણે પોતાના જીવનકાળમાં અનેક રાજવંશી રૂપ જોયાં હતાં. અસાધારણ કહેવાય એવી રૂપની સરિતાઓ પણ દીઠી હતી. પણ આ જે નારી, એણે અત્યારે આંહીં જોઈ, એ પૃથ્વીની ન લાગી – કે આંહીંની રહેનારી પણ ન લાગી. એ જે રૂપ હતું એ મનોહરી રૂપ શરીરનું નહિ, એટલું સ્વપ્નનું હતું. કોઈ મહાકવિનું સ્વપ્ન જાણે ઘનીભૂત થયેલું લાગે એવું એ અરૂપ હતું. પોતે સમજી ન શક્યો એવું કાંઇક એનામાં હતું. એને એટલું જ લાગ્યું કે જે એણે જોયું એ સત્ય હોય તો એ ખરેખર અદભુત હતું, ને એ અસત્ય હોય તો સત્ય કરતાં વધુ સુંદર હતું!

પણ એને અત્યારે આ વસ્તુસ્થિતિ ઉપર વિચાર કરવા માટે થોભવાનું પાલવે તેમ ન હતું. જે નારી ત્યાં બેઠી હતી તેના ઉપર એણે એક વધુ ઊડતી નજર નાખી તેનું પાણી માપી લેવાનો પ્રયત્ન કરી જોયો. પણ કોઈક વખત એક નાની સરખી, સ્વછંદે રસળતી, નિરભ્ર આકાશની, ખરા બપોરની મનોરમ વાદળી, માણસના અંતરમાં બેસી જાય અને પછી ત્યાંથી એ ના નીકળે, કે ન ગગનપંથે ફરી જડે – મુંજાલ મહેતાની અત્યારે એવી દેશ થઇ. પેલી લાવણ્યવતી નાજુક નારીનું જે રૂપ, ક્ષણ પહેલાં હમણાં જે પહેલવહેલું એની નજરે ચડ્યું હતું એ રૂપ એના અંતરમાં ઘર કરી ગયું અને ખૂબી તો એ હતી કે એમાં હવે આ નારીનું પણ, બીજું કોઈ રૂપ પ્રવેશ પામે તેવું રહ્યું ન હતું – એના માટે આ નવો જ અનુભવ હતો, એના જેવા ચાલક મુત્સદ્દીને પણ મૂંઝવે એવો આ અનુભવ હતો. મીનલદેવીને આંહીં લાવવી કે ન લાવવી એનો એ વિચાર કરી રહ્યો. એટલામાં એના કાને મહારાજ જયસિંહનો શબ્દ કાને પડ્યો:

‘તમને ભુવનેશ્વરી! આ નૃત્ય – આવું કોણે શીખવ્યું? ગુરુ ભાવબૃહસ્પતિએ?’

‘ના મહારાજ! એ તો મારા વિદ્યાગુરુ છે.’ મુંજાલને સ્વરની મોહિની રૂપની મોહિની કરતાં પણ ચડે એવી લાગી: નાની નાજુક ઘંટડી જેવો એ અવાજ સ્મરણમાં રહી જાય તેવો હતો. ભુવનેશ્વરી બોલી રહી હતી: ‘આવી દિવ્ય વિદ્યાઓ માલવામાં પરંપરાથી આવે છે. વિદ્યા શીખવી – એ એક વસ્તુ છે, પરંપરાથી મેળવવી એ જુદી જ વસ્તુ છે. માલવામાં પરંપરા છે, મહારાજ! અને પરંપરા વિના કોઈ મહાન વસ્તુ રહી શકતી નથી.’

‘ખરી, અત્યારે આ માલવાની છે એ ચોક્કસ. રાજવંશની તો લાગે છે જ.’ મુંજાલે મનમાં વિચાર કર્યો. એના મુત્સદ્દી મને એક ગાંઠ વાળી લીધી – ‘આને જો તાત્કાલિક આંહીંથી કાઢવામાં નહિ આવે તો એ ઘાણ કાઢી નાખશે. એની વાણીમાં એવી મોહકતા હતી કે સામાને એ વશ કરી લે. આવો પ્રતાપી, સ્વાભિમાની, વિચિત્ર, સ્વતંત્રસ્વભાવી રાજા પણ આંહીં એને સાંભળવામાં જે રસ લઇ રહ્યો હતો – એ બેઠી હતી ને પોતે સામે ઊભો હતો – એ વસ્તુ જ એનામાં કેટલું સામર્થ્ય છે એ બતાવી દેનારી હતી. 

એનું વધુ માપ કાઢવા તેના તરફ એણે એક દ્રષ્ટિ કરી: એ વધુ છક્ક થઇ ગયો. કોઈક જ વખત કલ્પી શકાય એવો રૂપનો મહાસાગર જાણે શાંત સમીરણમાં, આછી મધુર સહેજ તરંગાવલિ પ્રગટાવતો, ત્યાં ભુવનેશ્વરીના શરીરમાં અત્યારે રેલી રહેતો એણે અનુભવ્યો. એટલે મહારાજને એણે આકર્ષ્યા એમાં કાંઈ નવાઈ ન હતી. પણ એ આકર્ષણે આટલો બધો ગાઢ પરિચય સાધ્યો છે – આ વસ્તુએ એને અસ્વસ્થ કરી મૂક્યો. એટલામાં એ પરિચયની વધુ પ્રતીતિ આપતા મહરાજના શબ્દો એને કાને પડ્યા:

‘તમે આંહીંથી ઊપડી જવાનાં છો એમ મેં સાંભળ્યું. સાચું?’

‘મારે જવું તો જોઈએ જ, મહારાજ! સોમનાથ જોયું. મહારાજને મળી. હવે મારો સમય થઇ ગયો છે – પાછો ફરવાનો!’

‘મેં એ સાંભળ્યું એટલે તો હું – આવે વખતે પણ – તમને મળવા આવ્યો!’

મુંજાલને હવે સમજણ પડી – મહારાજે લીલીબાનું કામ કેમ કૃપાણને સોંપ્યું હતું. એટલામાં ભુવનેશ્વરી બોલી:

‘મહારાજનો પરિચય મને તો જીવનભર યાદ રહેશે. શું વિચાર કરો છો પ્રભુ?’

‘તમને આવું નામ કોને આપ્યું?’

‘કેમ, મહારાજ? નથી ગમતું તમને? એક નામ તો મારી ફોઈબાએ પાડ્યું હતું. બીજું ગુરુ ભાવબૃહસ્પતિએ આપ્યું છે!’

‘ફોઈબાએ કયું આપ્યું હતું?’

‘ભુવનેશ્વરી!’

‘અને ત્યારે બીજું – ત્યાગવલ્લી – એ કોણે, ગુરુ ભાવબૃહસ્પતિએ આપ્યું?’

‘હા, મહારાજ! મહારાજને કયું રુચ્યું? પહેલું કે બીજું? કે એકે નહિ?’

મુંજાલે અધીરાઈથી પોતાનો હાથ હવામાં ખંખેર્યો. તે ત્વરાથી પાછળ સરકવા માંડ્યો. મહારાજની સાથે એટલો પરિચય આણે સાધ્યો છે એ વસ્તુ એને ભયંકર લાગી. રાજમાતાને સંકેત આપવા માટે એ બહાર જવા ઊપડ્યો. એને લાગ્યું કે એણે હવે જે રાજનીતિ ઘડવી પડશે – ખાસ કરીને આ માલવી નારીને આહીંથી ખસેડવાની – તેમાં રાજમાતાની સહાય અનિવાર્ય છે. એક તરફથી જેમ યુદ્ધના સફળ સંચાલન માટે એ નવી રચના કરવા માગતો હતો, તેમ બીજી તરફથી એ સંચાલન નવું ઘર્ષણ ન જન્માવે એ પણ જોવા માગતો હતો. એટલે જે એક જ વ્યક્તિ પાસે, પોતાના મૂંગા પ્રતાપથી, આ સિદ્ધરાજને વશ કરવાની શક્તિ હતી તેના તરફ એ વળ્યો.

થોડી વાર પછી મીનલદેવી સાથે મુંજાલ પાછો ફર્યો. મીનલદેવીએ પણ ભુવનેશ્વરીને જોઈ. એ છક્ક થઇ ગઈ. એને સમજાયું નહિ, ધરતીપેટે આટલું રૂપ હોઈ શકે?

મોટી, તેજસ્વી, નિર્મળ, અર્થવાહી આંખોમાં રસિકતા અને સરળતા બંનેનો સુંદર સમન્વય નજરે ચડે એટલો સ્પષ્ટ હતો. તો નાનું સુંદર દીપશિખા જેવું એનું અણિશુદ્ધ નાક આખા ચહેરાને અનોખી મોહકતા આપી રહ્યું હતું, પાતળા, સુંદર, જરાક નૈસર્ગિક લાલરંગી હોઠમાં કવિતાની રાણીનું છાનું ચિરંતન સ્મિત એવી તો અજબ મીઠાશભરેલી રીતે બેસી ગયું હતું કે ચિત્રકાર અથવા કવિ એને ભાગ્યે જ પકડી શકે, તો માનવ ભાગ્યે જ સમજી શકે. એ કોના માટે હતું એની એને પોતાને પણ ખબર ન હતી. પણ એ પોતાને માટે જ હતું એની દરેક જોનારને પ્રતીતિ થઇ જાય, એવું એ રીતે ત્યાં હતું. મીનલદેવીએ આટલું બધું રૂપ જોવાની આંહીં આશા રાખી ન હતી.

તેણે બહુ જ ધીમા સ્વરે મુંજાલને પૂછ્યું: ‘શું એનું નામ તેં કીધું, મુંજાલ?’

‘એનું નામ ભુવનેશ્વરી!’

મીનલ ફરીને ભુવનેશ્વરીને નિહાળી રહી. આટલા થોડા પરિચયમાં પણ એક વાત એને સમજાઈ ગઈ. એની પાસે રૂપ હતું, વાણી હતી, વિદ્યા હતી, સ્વપ્ન હતું, કલ્પના હતી, ઊંચું ખમીરવંતુ રાજવંશી ગૌરવ હતું અને મહાકવિ કાલિદાસની કલ્પનાને પણ ઉત્તેજિત કરી મૂકે એવું પરંપરાનું નૈસર્ગિક તેજ હતું. વાતચીત ઉપરથી એને જણાયું હતું કે જયદેવ એના આટલા થોડા પરિચયે એક પ્રકારનું સમર્થ આકર્ષણ અનુભવી રહ્યો હોત. મુંજાલની પેઠે એને પણ આ ભયંકર લાગ્યું – ખાસ કરીને અત્યારે, જ્યારે પાટણથી એ આટલે દૂર હતાં, અને જબરદસ્ત લડાઈમાં રોકાયા હતા, ત્યારે માલવાની આ અજાણી નારી ભયંકર પણ હોઈ શકે. 

એને એક પ્રશ્ન ઘણો મુશ્કેલ જણાયો: જયસિંહદેવના હ્રદયમાંથી હવે આ નારીને કોઈ કાઢી શકશે ખરું? અને કાઢી શકે તો આંહીં નવું ઘર્ષણ જન્માવ્યા વિના કાઢી શકશે ખરું?

તેણે મુંજાલ સામે જોયું. મુંજાલે હજી શાંત રહેવાની સંજ્ઞા આપી વાતચીતના શબ્દો પકડવા તે એકકાન થઇ ગયા. એટલામાં ભુવનેશ્વરીનો પ્રત્યુત્તર એમને કાને પડ્યો: ‘મહારાજ! મારો અને તમારો આ પરિચય થયો છે, એ તમારે ત્યાં  કોઈને ન રુચે એ સ્વાભાવિક છે. ગમે તેમ પણ હું માલવાની છું. ભાવબૃહસ્પતિ જેવા ત્યાંના રાજવંશના નિકટવર્તી વિદ્વાનની શિષ્યા છું. આંહીં તમારે ત્યાંની વાત, પ્રભુ! નાના ક્ષેત્રની અને નાના માપની છે, એટલે આંહીં મારું સ્થાન ન હોય!’

‘ઓત્તારીની!’ મુંજાલ ચમકી ગયો, ‘નાનું પણ નાગનું બચ્ચું!’ તે મનમાં બોલી ગયો. મહારાજનાં પરિવર્તનની હવે સાચેસાચી માહિતી એને મળી ગઈ. આ ભુવનેશ્વરી માલવાનું કોઈ કાર્ય સિદ્ધ કરવા આવી હતી કે માલવાનો નૃપતિ નરવર્મદેવ જેમ કાવ્ય-કવિતામાં આનંદ માનતો તેમ આ પણ કાવ્ય-કવિતાની ઘેલી સૃષ્ટિમાં આનંદ માનનારી હતી, તે હજી નક્કી થઇ શક્યું નહિ. પરંતુ એના પોતાના નિશ્ચય માટે તો બંને વસ્તુ સરખી હતી. માલવાના કામ માટે આવી હોય તો તો એણે જવું જ જોઈએ. અને કવિતાની ઘેલી સૃષ્ટિમાં એ રાચતી હોય તોપણ એણે મહારાજ પાસેથી જવું જોઈએ.

‘આંહીં તમારું સ્થાન ન હોય – એ તમે કહ્યું!’ મહારાજ જયદેવનો અવાજ હતો, ‘ખરી રીતે તમારું સ્થાન જ આંહીં છે. તમે જે સ્વપ્નમાં રમી રહ્યાં છો – આખા ભારતવર્ષને એક મહાન શાસન નીચે આણવાનું – એ જ સ્વપ્નને હું પણ રાતદિવસ ઝંખી રહ્યો છું. તમારું સ્થાન આંહીં ન હોય તો બીજે ક્યાં હોય? અને આટલા પરિચય પછી હવે તો આંહીં જ હોય.’

‘જો મહારાજ! માણસને દિલમાં શાંતિ ત્યાં સુધી જય છે, જ્યાં સુધી એણે કલ્પનાનાં જળ પીધાં નથી! એ આકાશી મેઘબિંદુ ઝીલનારની અવસ્થા એક વખત ચાતક જેવી થઇ રહે છે. જે છે એનાંથી એ પ્રસન્ન થતો નથી; જે નથી એના વિરહમાંથી એ કદી પણ મુક્તિ મેળવતો નથી. મારી અવસ્થા એવી છે મહારાજ! હું તો માલવાની એક સામાન્ય નારી છું, પણ મારી ભૂમિની જે પરંપરા છે, એ મને ક્યાંય શાંતિથી રહેવા દે તેમ નથી. રાત ને દિવસ હું એક જ મહાપ્રશ્નની અશાંતિ અનુભવી રહી છું, આંહીં, આ ભારતવર્ષમાં, હવે કોઈ બીજો વિક્રમાદિત્ય આવે કે શું નહિ જ આવે? વિક્રમાદિત્યની પરંપરા જાળવવા માટે કોઈ નારીની તૈયારી હશે કે નહીં? છેવટે તો મહારાજ! નારી વિના બીજું કોણ પરંપરા જાળવી શકે તેમ છે? હું એ પ્રકારની નારી છું, પરંપરા જાળવનારી, એમ તમારે ગણવું. અને આ છેલ્લા વર્ષોનો ઈતિહાસ જુઓ, મહારાજ! હૈહયનો ગંગરાજ કેટલો પરાક્રમી! એ વિક્રમાદિત્ય થયો – છતાં એ વિક્રમાદિત્ય ન થઇ શક્યો. અમારા ભોજરાજ, ભારતવર્ષમાં એના જેવા બીજા ન જડે, એ પણ ન થઇ શક્યા. કર્ણાટકનો વિક્રમ, એ પણ વિક્રમ છે, વિક્રમાદિત્ય નથી. કોઈ પાસે એવો દુર્ઘર્ષ પ્રતાપ નથી, મહારાજ! વિક્રમાદિત્યનો જાણે કે જમાનો જ ગયો. ભારતવર્ષે એ ફરી નહિ આવે – ફરી નહિ આવે – મને લાગે છે કે ફરી નહિ આવે; મને આ પ્રશ્નનો જ્યાં પ્રત્યુત્તર મળે – મારું સ્થાન મહારાજ! ત્યાં છે!’

ભુવનેશ્વરી બોલીને અનેક સ્તંભો તરફ જોઈ રહી. એના શબ્દોનો એ ભસ્મ રણકો હજી હવામાંથી સંભળાઈ રહ્યો હતો!

જયસિંહદેવ એક ક્ષણ શાંત ઉભો રહ્યો; પછી તેણે મક્કમતાથી, દ્રઢતાથી પણ સ્પષ્ટ  નિખાલસતાથી પ્રત્યુત્તર વાળ્યો: ‘તો તમારું સ્થાન આંહીં છે, ભુવનેશ્વરી! વિક્રમાદિત્ય એ તમારા માટે સ્વપ્ન છે. મારું તો જીવનનું જીવન છે! પછી ભલે હું એ મહાપુરુષના કીર્તિસ્તંભને પહેલે પગથિયે જ હજી ઉભો હોઉં!’

અચાનક સમુદ્રસ્નાનનો શંખનાદ થયો. મુંજાલે જયસિંહદેવને ઉતાવળો થતો જોયો. તેણે રાજમાતા સામે જોયું. ત્વરિત છાની ગતિએ બહાર નીકળવાની જરૂરિયાત ઊભી થઇ હતી. તે સપાટાબંધ સ્તંભ છોડીને બીજા સ્તંભ પછવાડે ગયો. રાજમાતા મીનળદેવીએ એનું અનુકરણ કર્યું.

થોડી વારમાં તે બહાર નીકળી આવ્યાં. રાજમાતા ઉપર શી અસર થઇ એ જાણવાની મુંજાલને જરૂર હતી. એટલામાં મીનલદેવીએ જ કહ્યું: ‘મુંજાલ! આ નારી માલવાની છે?’

‘એ તો એણે પોતે જ કહ્યું ને, બા!’

‘અત્યારે તો સમુદ્રસ્નાનનો શંખનાદ થાય છે એટલે મારે ત્વરાથી જવું જોઈએ...’

‘હા... બા...! પણ આ રસ્તે ચાલો!’ બંને જણાએ સીધો રસ્તો તજી ઝાડ-ઝાંખરાને આધારે જાતાં દેખાય નહિ એવો માર્ગ પકડ્યો.

મુંજાલ હરપળે રાજમાતાનું મન જાણવા આતુર હતો.

‘છે. અદભુત! – શું નામ કહ્યું? ભુવનેશ્વરી?’

‘હા, બા! ભુવનેશ્વરી, બીજું પણ એક નામ છે એનું – ત્યાગવલ્લી!’

‘ત્યાગવલ્લી? આ દક્ષિણની છે?’

‘ના, બા! એ એનું નૃત્યાંગના તરીકેનું નામ છે!’

‘શું એણે કહ્યું જયદેવને? આંહીં દરેક વસ્તુ નાના માપની છે?’

‘જુઓ બા, કહેવાની અનેક રીત હોય છે. તમને તમારા ધ્યેયથી ચલિત કરવા માટે એક જ વસ્તુની ખરી અગત્ય દરેક રાજનીતિજ્ઞ માને છે – તમે જે માનો છો એ ખોટું છે એવી માન્યતા તમારામાં પ્રગટાવવાની. એક વખતે આત્માનો એવો અવિશ્વાસ આવે, એટલે પછી થઇ રહ્યું. આંહીંની દરેક વાત નાના માપની હશે – ધારો કે છે – પણ મહાન પ્રવાહો ઝરણામાંથી બને છે. એ કેમ ભૂલી જવાય છે? પણ અત્યારે એ વાત જવા દો; અત્યારે તો બ! એનું શું કરવું છે એ કહો!’

‘કોનું?’

‘આ ભુવનેશ્વરીનું!’

‘મુંજાલ મંત્રી! બહુ જરૂરી ન હોય તો હું જયદેવના કામમાં આડી આવતી નથી!’ મીનલદેવીએ ત્વરિત જવાબ વાળ્યો.

મુંજાલ જરાક લેવાઈ ગયો. તેણે આ ઉત્તરની આશા રાખી ન હતી. પણ તેણે શાંતિથી કહ્યું.

‘જુઓ, બા! તમને હજી આ વસ્તુનું ઊંડાણ દેખાતું નથી. આ ખતરનાક જુદ્ધ આ સ્ત્રી કોઈ દિવસ પૂરું નહિ થવા દે. એ એટલા માટે તો આંહીં આવી છે. તમે વિચાર કરો. પગલું ભરવાનું છે ત્યારે નહિ ભરો તો પછી પગલું ભરો કે ન ભરો એ સરખું છે.’

‘જયદેવ ઘણો આગ્રહી છે, મુંજાલ! એ લીધી વાત નહિ છોડે. અને આ ભુવનેશ્વરી એ ખરેખર ભુવનેશ્વરી છે.’

‘આ તો આપણી કસોટી આવી રહી છે બા! એ ભુવનેશ્વરી છે એટલે આપણે ચેતવાનું છે!’

‘પણ એ આંહીં આવી પડી ક્યાંથી?’

‘મને પણ એ જ શંકા છે. એટલે તો મારી શંકા વધુ દ્રઢ થાય છે. એ ગમે તે હોય, પણ એ ભલે નિષ્ણાત હોય, રાજાનું મન ભલે આકર્ષી શકી હોય, પણ એ અચાનક ઊગી નીકળી છે. અત્યારે આંહીં આ રમત મારાથી ચલાવી નહિ લેવાય, બા! તમારે પણ તાત્કાલિક નિર્ણય કરવો જ પડશે.’ મુંજાલે દ્રઢ રીતે એક પછી એક પગથિયાં મૂકવા માંડ્યાં. ‘ત્રિભુવનપાલની હાજરી આવે વખતે આ પ્રશ્નને વધુ જટિલ બનાવી મૂકે. માટે ત્રિભુવનપાલે લાટમાં જવું પડશે; મહારાણી લક્ષ્મીદેવીને આંહીં બોલાવવાં પડશે; ઉદયનને અને સજ્જનને આ મોરચા આણવા પડશે; જગદેવને વિદાય દેવી પડશે; તમે તાત્કાલિક નિશ્ચય – આ ક્ષણે જ – લઇ લો. પછી વખત નહિ હોય. મારે પણ મારી પરંપરા છે. પાટણનું સુકાન જેવું તેવું પણ અત્યારે મારા હાથમાં છે. ઘર્ષણ નવું જ જન્મે – એ જોવાની મારી ઈચ્છા છે, પણ ઘર્ષણ આવે કે ન આવે વિમળ મંત્રીની પરંપરા જળવાવી જ જોઈએ. તમે આગળ આવીને હિંમતભરેલું પગલું લ્યો, તો અમે પાછળ ઊભા રહીએ... સમય તાત્કાલિક નિર્ણયનો છે, બા! વિચારવાનો નથી, અને થોભવાનો પણ નથી.’

‘મુંજાલ મહેતા! અત્યારે તો એક ઝડપી સાંઢણી રવાના કરો – લક્ષ્મીદેવીને બોલાવો. એ વંથળી મોરચે આવે. ઉદયનને અને સજ્જનને આ મોરચે આવવાનું કહેવરાવો! ઉદયનને તો સોમનાથનો માર્ગ છે. આજે જ એ કરો. ત્રિભુવનને ક્યાં લાટ મોકલવો છે? એને પણ મોકલી દ્યો. એને મારી વતી કહી દેજો – તૈયાર થઇ જવાનું.’ મીનલદેવીએ એકદમ જ કહ્યું. મુંજાલને જરાક નવાઈ તો લાગી. ત્રિભુવનની વાત મીનલે કેમ એકદમ સ્વીકારી લીધી? પણ અત્યારે એ વિચારવાનો વખત ન હતો.

‘પણ આ કોણ કહેવરાવે છે?’

‘કેમ કોણ? હું પોતે! મારે નામે સંદેશાવાહક મોકલી દે... બસ?’ મહારાણી મીનલદેવીએ પોતાની રાજમુદ્રા તેના હાથમાં આપી, ‘ઉદયન પાસે કોણ જાશે, કોઈ જાણીતો જાય.’

મુંજાલ અંતરમાં આનંદી ઊઠ્યો. આ પગલું રાજમાતા જ ભરે છે એમ એને કરવાનું હતું. તેણે જવાબ વાળ્યો: ‘ઝાંઝણને જ મોકલું છું, બા!’

એટલામાં તો ફરી શંખનાદ થયો. આ શંખનાદ મુંજાલ મહેતાને અત્યારે ઉપકારક હતો. મીનલદેવી ઉતાવળે ચાલવા માંડી: ‘તમે મને પછી મળજો – આપણે આ વાતને ખીલે બાંધવી પડશે!’

મુંજાલનું હ્રદય નાચી ઉઠ્યું. તેણે બે હાથ જોડ્યા: ‘હા, બા! ખીલે બાંધવી પડશે – અને તે પણ જલદીથી.’

મીનલદેવીને જતી મુંજાલ જોઈ રહ્યો. તેનો છાનો પ્રતાપ હજી એનો એ હતો. આંજે મુંજાલે એ ઘણે સમયે અનુભવ્યો. એણે પોતાના ભાગ્યનો ખરો ઉદય થતો હવે જોયો. જયસિંહ દેવ એની સલાહ લેતો હતો, એને મહત્વ આપતો હતો, છતાં હજી પણ એ અમાત્ય હતો – અને અમાત્ય ન હતો. જયસિંહદેવનો એવો વિચિત્ર પ્રતાપ એણે વારંવાર જોયો હતો. પણ હવે એને રાજમાતાની આજ્ઞા મળવાની, ને દોર એના હાથમાં આવવાનો. અથવા આવવાનો શું? આવી ગયો છે.

પોતાની પરિસ્થિતિ પલટાવનારી આજની ઘટના ઉપર વિચાર કરતો એ ત્યાંથી ચાલી નીકળ્યો.

એ શી રીતે ટકાવવી એ એને મોટો પ્રશ્ન હતો. તો એ નવું ઘર્ષણ ન જન્માવે એ જોવું, એ બીજો પ્રશ્ન હતો.

અને કેટલોક, લાંબો ગણાય તેવો સમય, એમનો એમ ચાલ્યો ગયો. એ દરમિયાન મોરચાની રચના એણે માંડી; ત્રિભુવનને તૈયાર રહેવા કહેવરાવ્યું; પરશુરામને ફરી સોમનાથ મોકલ્યો. ત્યાગવલ્લીને રવાના કરવાની યોજના કરી, લક્ષ્મીદેવી, સજ્જન, ઉદયન સૌ આવે ત્યાં એ દેખીતી રીતે શાંત રહ્યો.