Tribhuvan Gand - 20 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20

Featured Books
Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 20

૨૦

બે મુત્સદ્દીઓ

ઉદયન અંદર આવ્યો. ત્યાં યુદ્ધસભા શરુ થવાની તૈયારી હતી. મહારાજ આવી પહોંચ્યા હતા. એ ઉતાવળે અંદર આવ્યો. મહારાજને પ્રણામ કર્યા. એક બાજુ પોતાની જગ્યા લીધી.

‘આ કોણ? મુંજાલ! ઉદો છે? ઉદા! તું ક્યારે આવ્યો?’

મહારાજે પ્રશ્ન કર્યો અને તેની સામે જોઈ રહ્યા. ઉદયન ક્ષોભ પામ્યો. ઉત્તર આપવામાં એણે સંકોચ અનુભવ્યો.

‘મહારાજ! હું તો હમણાં આંહીં છું!’ તેણે બે હાથ જોડ્યા.

‘કેમ?’

‘પ્રભુ! રાજમાતાએ મને બોલાવ્યો હતો.’

‘જયદેવ! એને મેં બોલાવરાવ્યો છે,’ મીનલે કહ્યું, ‘આપણે સોરઠી જુદ્ધ લંબાવવું નથી. ઉદયન આંહીં ઉપયોગી થઇ પડશે!’

જયદેવ કાંઈ બોલ્યો નહિ, તેણે એક બગાસું ખાધું, હાથ લંબાવ્યા. ઉદયને એ જોયું. રાજમાતાનો પ્રભાવ સર્વોપરી હતો – એ વાત એ સમજી ગયો. પણ રાજા બુદ્ધિશાળી હતો. તેણે આ દેખીતી અવગણનાની વાતને નવો વળાંક આપી દીધો: ‘હાં હાં... એ તો ત્યાં છેલ્લા સમાચાર મેળવવા માટે. શું કરે છે કોકણચક્રવર્તી? એ બિરુદ ધારણ કર્યું છે નાં. મા!’

‘કોને જયકેશીએ નાં? હા. સમસ્ત કોકણચક્રવર્તી. સમસ્ત કોકણમાં તારી નવસારિકા પાસે એનાં ઘોડાંની ધૂળ ઊડશે, જયદેવ! પૂછી જો ઉદાને.’

‘અને એ ત્યાં બેઠો જોયા કરશે, એમ? કેમ ઉદયન! તું શું માને છે?’ જયકેશી શાંત રહેશે? આંહીંના યુદ્ધ ઉપર છે, આંહીં યુદ્ધ પૂરું થવું જોઈએ!’

‘જયદેવ! સાંભળ્યું? અને તું તો...’ રાજમાતા વાક્ય ગળી ગયાં, પણ વાતાવરણ ગંભીર થઇ ગયું.

‘મા! લાટનો મને ભય નથી. ત્રિભુવનનને ત્યાં મોકલવાની વાત મને ગમતી નથી. મેં તમને એ કહી દીધું છે. હવે તમને ગમે તે કરો!’ રાજાએ સ્પષ્ટ વિરોધ કર્યો.

‘મહારાજ! ત્રિભુવને હાથ જોડ્યા: ‘રાજમાતાની વાત બરાબર છે. આપણે ગફલતમાં રહેવું નથી. ભય હોય કે ન હોય, હું ત્યાં જ હોઉં એ ઠીક. અત્યારે પરિસ્થિતિ પણ એવી છે, કાકા!’

‘ત્રિભુવન! તારા મનમાં શું છે એ હું તને કહી દઉં. તેં દેવુભાને શું કહ્યું’તું! તને બર્બરકની મદદ લેવામાં નામોશી લાગે છે. મારે એ મદદ ન લેવી, બસ – ભગવાન સોમ...’

‘પણ...! પ્રભુ! પ્રભુ! મહારાજ! મારી એક વિનંતી સાંભળો,’ ત્રિભુવન બોલ્યો. એના અવાજમાં એ જ ભક્તિ હતી: ‘હું દીકરો દેવીપ્રસાદનો; મારો બાપ પાટણમાં બળી મૂઓ – મહારાજ કર્ણદેવનો વિયોગ એનાથી સહન ન થયો માટે, મને આહીંથી આ જુદ્ધમાંથી – મહારાજની પડખેથી ખસવું મીઠું લાગતું હશે?’

‘એ તો કોઈને મીઠું ન લાગે, ત્રિભુવન!’ મીનલ બોલી, ‘પણ ખસવું પડે. રાજધર્મ કોને કહે?’

ઉદયન સાંભળી રહ્યો હતો. મુંજાલે ઉદયન તરફ જરાક નિશાની કરી બોલવાની. પણ ઉદયન નીચે જોઈએ ગયો. મહારાજ ને મીનલદેવીના સંવાદમાં એ કાંઈક વધારે જોઈ રહ્યો હતો. એને એમાં પડીને એક કે બીજો પક્ષ લેવો ન હતો.

‘જુઓ, ત્રિભુવનપાલજી!’ મુંજાલ બોલ્યો: ‘સમય પ્રમાણે ફેરફાર તો કરવા પડે. કાલે મારે ઊઠીને દોડવું પડે, મહારાજનું સાંનિધ્ય જ એવું – કે કોઈને ખસવું ન ગમે, શું તમને કે શું મને કે શું ઉદયનને. કેમ ઉદયન?’

‘હા, પ્રભુ! એ તો એમ જ!’ ઉદયને જોઈએ એટલો જ જવાબ વાળ્યો. પણ મુંજાલે એને આગળ ધર્યો.

‘ઉદયન તો કાંઇક બીજું કહેતો હતો: વહેલેમોડે જયકેશી આ બાજુ ઢળશે જ. કેમ ઉદયન?’

‘એને કર્ણાટકે બે બંધન નાંખ્યાં છે, પ્રભુ! એક પ્રેમનું, એક ભયનું. એક તોડે તો બીજું ઊભું જ છે! એ હવે ક્યાં જાય?’ ઉદયને પ્રત્યુત્તર વાળ્યો.

‘પણ એનો સ્વભાવ ઉત્પાતિયો, ઉદા! એ કાંઈ જાય? હું એને ઓળખું તો – ઉત્પાત હજી એનો એ હશે?’

‘હા, બા!’ ઉદયને હાથ જોડ્યા. પણ એક શબ્દય ઉમેર્યો નહિ. એને ત્રિભુવન રહે કે જાય એમાં કાંઈ ખોટ ન હતી.મહારાજા એને અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ પક્ષમાં ન ગણે. એ એને સંભાળવાનું હતું.

‘શું કીધું તે બંધનનું ઉદા? એ બંધન એ શું’મહારાજે પૂછ્યું.

‘પ્રભુ! વિક્રમાંકદેવે એની પુત્રી મૈમલદેવીને એને પરણાવી, એ પ્રેમનું બંધન. મૈમલદેવી સાથે લક્ષ્મણરાજને ત્યાં મોકલ્યો, એ ભયનું બંધન!’

‘કોણ, લક્ષ્મણરાજ ત્યાં છે? જયકેશીને ત્યાં?’

‘હા બા!’

‘ત્યારે તો; જયદેવ! તું એને ન ઓળખે; હું એની રગેરગ જાણું. આ લક્ષ્મણરાજ ભયંકર સેનાનાયક છે. જયકેશી કાંઈ એને વીણાવાદન કરવા માટે લાવ્યો નહિ હોય. તારા ઉપર યુદ્ધ આવી રહ્યું છે. ત્રિભુવન! તું તૈયાર થા – બેટા!’

‘બા! હું તો તૈયાર જ છું – મહારાજ આજ્ઞા આપે એટલી જ વાર!’

‘આ લક્ષ્મણરાજ આવ્યા છે – સ્થાનક સુધી તો એને વધ્યો જાણો!’ મીનલદેવીએ કહ્યું: ‘મારા ભત્રીજા જયકેશીને હું ઓળખું તો! એ કોઈને કોઈ રીતે પારકો મુલક દબાવવામાં જ માને છે!’

‘પણ આપણી સામે જયકેશી લડશે, મા?’

‘કેમ ન લડે, જયદેવ? વિક્રમાદિત્ય દોરીસંચાર કરે, તો લડે પણ ખરો. અને એણે તો ક્યારનો દોરીસંચાર કર્યો પણ હશે!’

‘કર્યો છે!” મુંજાલે કહ્યું.

‘લે... જો...’

‘શો કર્યો છે મુંજાલ?’

‘મહારાજ! આપણી અને કોકણની વચ્ચે સ્થાનકના શિલાહાર હતા. છેલ્લો મર્યો ત્યાર પછી સ્થાનક પણ જયકેશીના પ્રદેશમાં ભળી ગયું છે. અને વિક્રમ એને હવે આગળ ધકેલશે. નવસારિકા પાસે જયસિંહનો છોકરો વસ્યો છે, એ વસ્તુ પણ નોંધવા જેવી છે!’

‘જયસિંહનો છોકરો?’

‘વિજયસિંહ.’

‘વિક્રમાદિત્યનો ભાઈ જયસિંહ.’ મીનલદેવી બોલી.

‘હા, મહારાજ! એ. એણે વિક્રમ સાથે જુદ્ધ કર્યું. હાર્યો, નાઠો, રખડી રખડીને આંહીંના ગાઢ જંગલમાં કાંઇકસ્થિર થયો. એનો પુત્ર વિજયસિંહ. એણે ત્યાં મંગલ દુર્ગ રચ્યો છે. પણ વિક્રમને તો એ હંમેશનું શૂળ થયું નાં! એ કાંઈ હાથ લંબાવ્યા વિના રહેશે? એનો દોરીસંચાર થવાનો!’

‘અને આપણે સૂતા રહીશું, એમ?’

મુંજાલે તરત જ પ્રત્યુતર વાળ્યો: ‘એટલે તો, મહારાજ! ત્રિભુવનપાલજી જેવા ખરા સમર્થ સેનાનીને ત્યાં મોકલીએ છીએ – લાટમાં. આપણે પણ જાગતા છીએ એટલું એ જાણે, તો હજાર વખત વિચાર કરે. કેમ, ઉદયન?’ 

‘હા. પ્રભુ, ત્રિભુવનપાલજી ત્યાં હોય તો ફેર પડે!’

પણ મહારાજનાં દિલમાં હજી અટક હતી: ‘પણ ત્રિભુવનને એ ગમે છે?’

‘જયદેવ!’ મીનલદેવીએ ત્વરાથી કહ્યું, ‘આમાં ગમવા ન ગમવાની વાત નથી. આ તો રાજધર્મ છે. તું આજ્ઞા આપે તો મુંજાલને પણ જવું પડે! અને ગલઢેગઢપણ મારે પણ નીકળવું પડે! આ તો રાજધર્મ છે, જયદેવ!’

‘કાકા!’ ત્રિભુવન બોલી ઉઠ્યો. એના ભાવભીના અવાજે ઉદયન ચોંકી ઉઠ્યો. એને જોયું કે એ ‘મહારાજ!’ પણ કહી શક્યો ન હતો. ‘કાકા! મારે તો તમારે ચરણે ગમે ત્યાં દેહ પાડવો છે. આંહીં ગિરનારની છાયા છે. સોમનાથનું ક્ષેત્ર છે. ત્યાં રેવાજીનો કાંઠો છે. તમે આજ્ઞા આપો, મહારાજ! મારો ઘોડો પણ બહાર તૈયાર ઊભો છે!’

‘ત્રિભુવન!’ જયદેવને એના સ્વરની ભીનાશ સ્પર્શી ગઈ: ‘એક જ વખત ચાલ તો, તું મને મળી લે – જગદેવજી!’

જયદેવ ઊઠીને ઊભો થયો, તે અંદરના ખંડમાં ગયો.

ત્રિભુવન અને જગદેવ એની પાછળ ગયા.

‘ઉદા! તને લાગે છે, લાટ બાજુ પણ સળગે?’ મીનલદેવી એ ગયા કે તરત પૂછ્યું.

ઉદયને બે હાથ જોડ્યા: ‘હા, બા! સળગશે તો ખરું – વહેલે મોડે – એ સવાલ છે!’

મુંજાલ એની સામે જોઈ રહ્યો: ‘તો પછી ઉદયન! ત્રિભુવનપાલજી ત્યાં હશે તો ફેર પડશે!’

‘એ તો એવું છે, પ્રભુ! એક સમય એવો હતો – સ્તંભતીર્થ આપણું દક્ષિણદ્વાર હતું. પછી ભૃગુકચ્છ હતું; હવે તો નવસારિકા છે. ભૃગુકચ્છમાં ત્રિભુવનપાલજી હોય, સ્તંભતીર્થમાં હું છું ને નવસારિકામાં કોઈ પરમાર જેવો હોય – એમ થાણાં ત્યાં માંડે એટલે થઇ રહ્યું – કર્ણાટક, કોકણ કે દેવગિરિ કોઈ નામ ન લ્યે. માલવા ઉપર શેહ પહોંચશે. સૌરાષ્ટ્રને પણ એ પ્રભાવની જાણ રહે!’

‘આણે તો પોતાનું લાકડું વધાર્યું!’ મુંજાલે વિચાર કર્યો, ‘એય થશે, ઉદા! જયદેવને ચક્રવર્તી થવાના કોડ છે. ને એય કરવું પડશે!’ મીનલ બોલી.

‘હા, બા!’ ઉદયને હાથ જોડ્યા: ‘નૈમિત્તિક એક સ્તંભતીર્થમાં આવ્યો હતો!’

‘નૈમિત્તિક!’ મીનલ ચમકી ગઈ. ઉદયન સમજી ગયો. તેણે તરત જ પૂરું કર્યું,

‘એ કહેતો હતો, પાટણની ગાદીએ વીર વિક્રમ જેવો ચક્રવર્તી થાશે – ને મહારાજની બરાબર એ જ વાત છે!’

મીનલદેવી સ્વસ્થ થઇ: ‘એમ? તમો સૌ છો – એને પણ મોટાં સ્વપ્નાં છે. આનો છોકરો, ઉદા! એ બાજુ ક્યાં રખડતો’તો ને?’ 

‘કોની વાત કરી, બા?’ મુંજાલે બે હાથ જોડ્યા.

‘એ તો ત્રિભુવનનો – નાનકડો કુમારપાલ!’

ઉદયન એક ક્ષણ તો સ્તબ્ધ જ થઇ ગયો. વાત પરશુરામની સોએ સો ટકા સાચી હતી. મીનલદેવીના અંતરમાં ઘોર વિશોદનો એક પડછાયો પડેલો એણે જોયો. એ પડછાયામાં ત્રિભુવન આવી ગયો હતો. કુમારપાલ થોડો વખત થયાં કેમ અચાનક રખડવા માંડ્યો, એનો ભેદ હવે એને મળ્યો. પણ તરત એ સ્વસ્થ થઇ ગયો: ‘એ તો – બા! ચારે તરફ રખડતો લાગે છે!’

‘ક્યાં છે હમણાં?’

ઉદયને એને જોયો હતો. આટલી વયમાં પણ એનામાં અદભુત દયા વસી રહી હતી. તેણે બે હાથ જોડ્યા: ‘હમણાં તો વળી કઈ બાજુ છે – એ ખબર નથી બા! પણ એનું શું ઠેકાણું? કેમ મુંજાલ મહેતા?’

મુંજાલને એમાં કાંઈ મહત્ત્વ લાગ્યું હોય એમ જણાયું નહિ.

‘એમાં કાંઈ નથી, બા! એ તો પાટણ, સ્તંભતીર્થ, વટપદ્ર, સ્થાનક – એમ રખડ્યા કરે છે. ત્રિભુવનપાલજી ભૃગુકચ્છ જશે, એટલે ભૃગુકચ્છ આવશે!’

ઉદયને મુંજાલ તરફ જોયું. એનું છેલ્લું વાક્ય આકસ્મિક હતું કે હેતુપૂર્ણ એ કાંઈ સમજાયું નહિ. તેણે મીનલદેવી તરફ દ્રષ્ટિ કરી. તે કાંઇક ચિંતામાં પડી હતી.

‘મુંજાલ! હવે તો આ જુદ્ધ પૂરું થાય તો મારે સિદ્ધરાજ પાસે સોમનાથની જાત્રા કરાવવી છે!’

‘અત્યારે આ જાત્રા જ છે નાં, બા?’

‘એમ નહિ – છેક પાટણથી ચાલતો આંહીં આવે, ગંગાજળની કાવડ ખભે લઈને, ભગવાન સોમનાથને સ્નાન કરાવે.’

‘બધું થશે, બા! અત્યારે તો આ જુદ્ધે – અને વળી આ નવું...’ મુંજાલ વાક્ય ગળી ગયો.

ઉદયન જાણતો ન હોય તેમ શાંતિથી એની સામે જોયું, ‘મુંજાલ મહેતા! આ નવું જ જુદ્ધ હવે લંબાશે, તો પાટણ ઉપર ઘા પડી જશે!’

‘એ જ વાત છે, ભૈ! હમણાં મહારાજ આવે એટલે હલ્લાની યોજના આપણે મૂકીએ!’ મુંજાલે પ્રત્યુત્તર વાળ્યો.

‘હલ્લો કર્યે ફાવીશું, મહાઅમાત્યજી?’

મુંજાલ એની સામે જોઈ રહ્યો: ‘ત્યારે?’

‘મહારાજ શું કહે છે?’ ઉદયને પોતાની પાસેનું અનુમાન ન આપવાની સાવચેતી રાખી. એટલામાં જયદેવનો અવાજ સંભળાયો. સૌ આવી રહ્યા હતા.