Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 92 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 92

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 92

(૯૨) ઠાકોર બીહડસિંહ

          રાજપૂતાનાનો ચારણ કવિ હરદ્વારથી પાછો ફરી રહ્યો હતો. પંજાબના એક ગામમાં એણે રાતવાસો કર્યો. ગામના મુખી ઠાકોર બીહડસિંહે એમની આગતા-સ્વાગતા કરી.

“કવિરાજ, રાજપૂતાનાના શા સમાચાર છે?”

“ઠાકોર, રાજપૂતાનામાં તો સર્વત્ર મહારાણા પ્રતાપ જેમ કાળા વાદળો આસમાન પર છવાઈ જાય તેમ છવાઈ ગયા છે. ઇતિહાસરૂપી મહાસાગરમાં, સ્વતંત્રતાની નૈયા માટે મહારાણા પ્રતાપે દીવાદાંડી જેવુ કાર્ય કર્યું છે, જ્યારે જ્યારે સ્વતંત્રતાની નૈયા, જુલ્મના કિનારે અથડાવાની હોય છે, ત્યારે ત્યારે મહારાણાનું જીવન, દીવાદાંડી માફક એને ચેતવે છે.

હાલ તો મહારાણા મેવાડ છોડીને, શાહબાઝખાનની પેરવીને લીધે મેવાડમાંથી પ્રસ્થાન કરી ગયા છે. એ પ્રસ્થાન વેળા હું પણ ત્યાં હતો. વતનની માટીને માથે લગાવીને એ નરશાર્દુલ વતનનો ત્યાગ કરવા પ્રસ્તુત થયો. એ એવો લાગતો હતો કે, જાણે સ્વાતિબુંદનો તરસ્યો પપીહા, નવા સહારાની શોધમાં પ્રસ્થાન કરી રહ્યો હોય.

“કવિરાજ, રાણા પ્રતાપ અને અકબરશાહ સામસામે હોવાને બદલે એક સાથે હોત તો...” ઠાકોરે વેધક સવાલ કર્યો.

“ઠાકોર, એ અશક્ય છે. અકબરશાહ સામ્રાજ્યની સીમાઓ વધારવા ઇચ્છનારો શહેનશાહ છે જ્યારે રાણા પ્રતાપ સ્વતંત્રતાનો પૂજારી છે. બે ધ્રુવો કદી એક થાય જ નહિ. બંને વચ્ચે સહઅસ્તિત્વની કલ્પના જ ન કોઇ શકે. સાંભળો, અકબરશાહના દરબારમાં એક રાજપૂતાનાનો કવિ છે. એનું નામ દુરસા આઢા છે. એણે આનો જવાબ પોતાની રચનામાં આપી દીધો છે.

નર જેબિ નિમાણા, નીલજ નારી,

ઘણુંઘિનડિજે, ઘણા ઘટ

આવે તે હાટે, ઉદા ઉત

વેચૈ કિય, રજપૂત વટ.

ભાવાર્થ :        જ્યાં મર્દોને વેચાવું પડે છે. સ્ત્રીઓનો શીલભંગ થાય છે. (અકબરના નવરોજામાં) અનેક પ્રકારે તેમની મર્યાદાઓ લોપાય છે. એ બજારમાં ઉદયસિંહના પુત્ર આવીને પોતાની રાજપૂતી કેવી રીતે ગુમાવે?

“ઠાકોર, સાચો વીર મોતની પરવા કરતો નથી. સમર્પણ એ તો એને મન સાહજિક છે.

મરદાં મરણો હક્ક હૈ, ઉબરસી ગહલાંહ;

સાપુરસાંશ જીવણા, થોડા હી ભલ્લાહ;

ભલા થોડ જીવિયા, નામ રાખૈ ભવાઁ;

કલ ચડૈ જોય ચંદ જસનામી કરૈ;

મરદ સાંચા જિકૈ આય અવસર મરૈ.

ભાવાર્થ :        વીરપુરૂષોનું અવસાન ઉચિત છે. એ એમનો અધિકાર છે. એનાથી જ વીરગાથા બને છે. સજ્જન પુરૂષોનું અલ્પાયુ જ ઉત્તમ છે. દુનિયામાં એમનું નામ રહી જાય છે. આવા વીર પુરૂષો જ સાહજિકતાથી, કાયરો, દુષ્ટોના મસ્તક-ખભે અસિ ચલાવી જાણે, તેઓ સમરાંગણે પ્રસ્થાન કરી અક્ષય કીર્તિને વરે છે. સાચો વીર પુરૂષ સમયની માંગ સમજીને જીવન સમર્પણ કરી દે છે.”

         “કવિરાજ, તમારી છેલ્લી વાત મારા હૈયામાં ઉતરી. હું રાણા પ્રતાપનો પૂજક છું. તેઓ મારા પ્રેરણાદાતા છે. હું પ્રતિજ્ઞા લ‍ઉં છું કે, મોગલોની જોહુકમી સામે મસ્તક કપાવીશ પરંતુ નમું તો નહિજ.”

         જનમેદનીએ, જે ડાયરામાં જમા થઈ હતી, કરતલ ધ્વનિથી બિહડસિંહ ઠાકોરને વધાવી લીધા.

         “મોગલ સલ્તનતમાં જોહુકમી?” કવિરાજે સામો પ્રશ્ન કર્યો.

         “કવિરાજ, ઉજળું એટલું દૂધ નથી હોતું અને પીળું એટલું સોનું નથી હોતુ, સમ્રાટ અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો, ફતેહપુર સિકરીનો મહેલ બંધાવ્યો, બુલંદ દરવાજો બનાવડાવ્યો, કળાકારોને દરબારમાં સ્થાન આપી પુરસ્કારથી નવાજ્યા, ઠીક છે. પોતાના સામ્રાજ્યના ઠેકેદારો ઉભા કરવા આ જરૂરી હોય છે, પરંતુ આ રાજ્યમાં અમીરો વધુ અમીર બન્યા છે. ગરીબો તો ઘોર દારિદ્રયમાંજ જીવન ગુજારે છે, જાણે સામ્રાજ્ય ચલાવવાના યંત્રો! ગરીબો માટે તો હજુ અન્ન અને દાંતને વેર જ છે. પ્રજા માટે તો સ્થાનિક સતાધીશો વરૂ જેવા ક્રૂર જ છે, ખેડૂતો, મજૂરો બિચારા ચોવીસે કલાક  ભયથી ફફડે છે. કાયદા તો મુખ્ય પ્રધાન રાજા ટોડરમલે બનાવ્યા. એનું કડક પાલન થોડા વર્ષો થયું. પરંતુ એક ઝનૂનીએ આ બાબતમાંજ એમનું ખૂન કરી નાંખ્યુ. ઠેકેદારો હજુ મનમાની કરવાનું ચુક્તા નથી.

         એક બાજુ બાદશાહ અકબરના શાસનના વખાણ થતા હતા તો બીજી બાજુ એની કડક આલોચના પણ થતી હતી.

         બાદશાહ અકબરે શું કર્યું ? એણે માનવીય મુલ્યોનો હાસ કર્યો. તેની આરઝુ તલવારના બળે જગતનો સ્વામી બનવાની છે. બધા ધર્મો પર વર્ચસ્વ જમાવવા “દીને-ઇલાહી” ની સ્થાપના કરી, એણે તિલક, ચોટલી, જનેઉ અને માળાને ખંડિત કરી, પોતાના જનાનખાનામાં હિંદુ કન્યાઓને ઠાંસી ઠાસીને ભરી. એણે ગાયોને કાપી, મંદિરોને તોડી પાડ્યા. આ કાર્યો દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂળમં ઘા કર્યો. ઝરૂખા દર્શન, મીનાબાજાર, નવરોઝનો મેળો જેવી ઘાતક પ્રવૃત્તિઓ બેફામ ચલાવી. ઉપનિષદની ઢબે “અલ્લોપ્‌નિષદ” ની રચના કરાવી, અકબરના ખોળામાં આ ગ્રંથ મુકીને ખુશામતિયાઓ “દિલ્હીશ્વરો વા જગદીશ્વરો” નો નાદ ગજવતા. ભારતીય સંસ્કૃતિ ડચકાં લઈ રહી હતી.

         પરંતુ મહારાણા પ્રતાપે આ પરિસ્થિતિમાં પલટો લાવવા પ્રચંડ પુરૂષાર્થ કર્યો. જોધપુર, બુઁદીશિરોહી, ડુંગરપુર, વાંસવાડા પ્રતાપગઢ વગેરે રાજ્યોમાં પણ વિરોધનો વંટોળ ફુંકાયો. આ સ્વતંત્રતાની આગ ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પણ ફેલાઈ.

         આ પ્રદેશના રાજપૂતોમાં પણ અકબરી શાસન વિરૂદ્ધ બગાવત કરવાનું જોમ ચડી આવ્યું.

         સ્થળે સ્થળે બંડ થવા લાગ્યા. શાસનના ટેકેદારોની હત્યા કરીને શાહી ખજાના લુંટાવા લાગ્યા. બંડખોરો અવસરની તાકમાં જ રહેતા.

         એ ખુનામરકીના યુગમાં નાનકડા કેડી ગામમાં એક બનાવ બન્યો.

         વાત એમ હતી કે, હાથીઓ પર લાદીને મોગલ ખજાનો કેડી ગામેથી જઈ રહ્યો હતો. આ ગામના ઠાકોર તે વખતે જોગી દાસ પુંડિર હતા. તે અકબર બાદશાહના અનેક કાર્યોથી ખૂબ નારાજ હતા. તેમાંયે પુંડીર ગામ આગળથી પસાર થતા ગામલોકો સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યા. આથી બળતામાં ઘી હોમાયું.

         હાથીઓ પર લાદેલી માલગુજારીની રકમ લૂંટીને રાજ કર્મચારીઓને ખતમ કરી દીધા.

         આ સમાચાર બાદશાહને મળ્યા ત્યારે તે ગુસ્સાથી સળગી ઉઠ્યા, “મોટી સેના લઈને કેડી પહોંચો, શીઘ્રએ બાગીને દરબારમાં હાજર કરો, બગાવતીની ગરદન કાપ્યા સિવાય મને ચેન નહીં પડે.”

         સિપેહસાલાર કેડી ગામ, મોટી સેના લઈને પહોંચ્યો “ક્યાં છે ડાકુ જોગીદાસ?” આનો ક્યાંય જવાબ મળ્યો નહીં. જોગીદાસ પુંડીર તો સિપેહસાલાર આપતાં પહેલાજ કેડી ગામ છોડીને ચાલ્યો ગયો હતો.

         “આ ગામને તોપથી ઉડાવી દો.” ક્રૂરતાથી આખા ગામને તોપથી ઉડાવી દેવામાં આવ્યું.

         મોગલસેનાથી બચવા માટે જોગીદાસ મડાહ તરફ નીકળી નાઠા. કરનાલમાં આવેલુ મડાહ મોગલો માટે ખતરનાક હતુ. મોગલ બાદશાહ તૈમૂરને સન-૧૩૯૮ માં આ વિસ્તારમાંથી ભગાડ્યો હતો. સન-૧૫૨૯ માં બાદશાહ બાબરના નાકે દમ લાવી દીધો હતો. કૈથલના મોહનસિંહ મડાઢે, ઘાઘરા નદીના કિનારે, રાણા સંગ્રામસિંહે બાદશાહ બાબર સામે ભયાનક જંગ ખેલ્યો હતો. એમાં બલિ થયેલા રાજપૂતોની ગાથાઓ જોગીદાસે સાંભળી હતી. કરનાલમાં આવેલા ખાલવન ખાતે તે પહોંચ્યો.

         ખાલવનમાં ગંગાદાસ મડાહના પુત્ર ઠાકોર બીહડસિંહની વીરતા વિખ્યાત હતી. એ દુશ્મનો માટે યમ હતો તો મિત્રો માટે ફરિસ્તા હતો.

         જોગીદાસ એના શરણે ગયો. સમગ્ર ઘટના સાંભળી ઠાકુર બીહડસિંહે અકબરના દર્પ-ભંગ માટે જોગીદાસને ધન્યવાદ આપ્યા.

         “જહાઁપનાહ, કેડીને તોપથી ઉડાવી દેવામાં આવ્યું છે. જોગીદાસ ભાગીને ખાલવનના ઠાકોર બિહડસિંહ ........ ના શરણે ગયો છે.”

         “મડાહ, આ લોકો માટે મને બહુજ ગુસ્સો છે. એમણે મારા પૂર્વજો સામે શમશેર ઉઠાવી હતી.

         “હું ભારતનો સમ્રાટ. મારા ચોરને ખાલવન જેવા નાનકડા ગામનો ઠાકોર આશરો આપે. એટલી બધી એની હિંમત? સિપેહસાલાર મોટી સેના લઈને ખાલવન ઉપડો. જોગીદાસ અને બુહડસિંહ બંનેને જીવતા અથવા મરેલા મારી સામે હાજર કરો.”

         ઠાકોર બુહડસિંહ દુરંદેશી હતો. એને ખાતરી હતી કે, બાદશાહ ખાલવન પર મોટી સેના મોકલશે. એણે શાહી હાથીને પોતાના કુવાની પાસેના ખાડામાં સંતાડી દીધો. જોગીદાસને પાસે આવેલા દનોલીના જાટોને ત્યાં સંતાડી દીધો.

         “ઠાકોર બુહડસિંહ, જોગીદાસને અમારે હવાલે કરો.”

         “સિપેહસાલાર, જોગીદાસ ખાલવનમાં નથી. તપાસ કરો.”

          સિપેહસાલારે તપાસ કરી. જોગીદાસ ન મળ્યો.

          છતાં આખા ગામની નાકાબંધી તો ચાલુ જ રાખી. જોગીદાસને લીધા સિવાય બાદશાહને મોં બતાડાય જ નહિ.

         “ઠાકોર બિહડસિંહ જબરા દાનવીર છે. એકવાર આખા ગામની માલગુજારી ઉઘરાવીને તેઓ દિલ્લી જઈ રહ્યા હતા. રસ્તામાં એમને સમાચાર મળ્યા કે, એક વિધવા બ્રાહ્મણીની પુત્રીના વિવાહ છે ગરીબાઈના કારણે તે પોતાના પતિ અને ભાઈઓને, જે સ્વર્ગવાસી હતા તેમને યાદ કરી કરીને રડી રહી છે.

         એના રૂદનથી ઠાકોરને કરૂણા ઉપજી. એમણે એને ધર્મની બહેન માની અને માલગુજારીની બધી રકમ એની દીકરીના લગ્નમાં ખર્ચી નાખી. આજુબાજુના ગામડાઓને જમાડ્યા. પછીથી તેમણે દંડ સાથે પેલી રકમ ભોગવી લીધી.”

         આવા ખાલવનમાં પણ એક રામગુપ્ત કે હાહુલીરાય નીકળ્યો. એણે સિપેહસાલારને જોગીદાસને છુપાવાની જગ્યા બતાવી દીધી.

         સિપેહસાલાર થોડી સેના સાથે દનોલી પહોંચ્યો પરંતુ એ પહેલાં ભયગ્રસ્ત ગામલોકોએ જોગીદાસને ઠાકોર બિહડસિંહ પાસે મોકલી આપ્યો.

         હવે તો સિપેહસાલાર બેહદ ગુસ્સે થયો. એણે આખા ગામને ઉડાવી દેવા તોપોનું નિશાન લીધું. આથી ઠાકોર બુહડસિંહ પોતાના નિર્ણયથી ચલિત થયા. પોતાના લીધે, પોતાના ગામનો નાશ થાય એવું તેઓ ઇચ્છતા ન હતા. તેમણે આત્મ-સમર્પણ કર્યું.

         ઠાકોર બુહડસિંહને કેદી બનાવીને શાહીસેના દિલ્હીના લાલ કિલ્લામાં આવી. એની પાસે રાજ્યનો ગુન્હેગાર જોગીદાસ માંગ્યો. ઠાકોર ઇન્કાર કરતો રહ્યો અને બાદશાહ જુલ્મ કરતો ગયો. અનેક પ્રકારની આમાનવીય સજાઓ એના શરીર પર ગુજારવામાં આવી. લોખંડના ધગધગતા સળિયાથી એના શરીરને ડામ આપવામાં આવતા. સોય વડે એના શરીરમાં છિદ્ર પાડવામાં આવતા. ગરમ ધગધગતા પાણીમાં ડૂબાડવામાં આવ્યા. આવી યાતનાઓથી તંગ આવીને ઠાકોર બુહડસિંહે જોગીદાસને સોંપવાની માંગણી સ્વીકારી.

         “ચોરને (જોગીદાસને) પકડવા માટે ખાલવન જવું પડશે.” સેના સાથે એને ખાલવન લાવવામાં આવ્યો. ખાલવન આવતાં જ એણે જોગીદાસને સોંપવાનો ઇન્કાર કરી દીધો.

         ખિજાયેલા સિપેહસાલારે દિલ્હી લાવી ખૂબ સિતમ ગુજાર્યો. ફરી એણે ત્રાસીને ખાલવન જવાનું કહ્યુ. પરંતુ ખાલવન પહોંચતા ફરી ઇન્કાર કર્યો. આમ ત્રણ વખત ઠાકોર બુહડસિંહ ખાલવન આવતાંજ જોગીદાસને સોંપવાની ધરાર ના પાડી.

         બાદશાહ અકબરે વિચાર કર્યો કે, માનો યા ન માનો ખાલવનની માટીમાં કોઇ અજબ તત્વ છે. જેના કારણે ઠાકોર બુહડસિંહ ફરી જાય છે. એમણે ખાલવનની થોડી માટી મંગાવી રાખી.

         ફરી જુલ્મનો સિલસિલો ચાલુ થઈ ગયો. અંતે બુહડસિંહ જોગીદાસને સોંપવા તૈયાર થયો. ખાલવનથી આવેલી માટીએ સમયે એને બતાવવામાં આવી. માટી જોતાં જ ઠાકોર બુહડસિંહ ગર્જી ઉઠ્યો.

         “શાહી ચોર જોગીદાસ પ્રાણ ગુમાવવાની બીકથી મારી પાસે આવીને છુપાયો છે. જોગીદાસ મારી શરણમાં આવ્યો એટલે એને મેં મારા ત્રણ પુત્ર તારાચંદ્ર, રામચંદ્ર અને અટોરા પછીનો ચોથો પુત્ર માન્યો છે, હવે તો તમે મારા શરીરના ટુકડે-ટુકડા કરશો તોપણ ક્ષત્રિયધર્મ શરણાગતની રક્ષાને હું કલંકિત નહિ થવા દ‍ઉં.

         બાદશાહ ગુસ્સે થયા. એમેણે ખાલવનથી બુહડસિંહની પત્ની અને કેટલાક માણસોને બોલાવી મંગાવ્યા.

         “ઠાકોર બુહડસિંહ તો મોતને ભેટવા તૈયાર થયો છે પરંતુ જો તમે શાહીચોર મને સોંપી દો તો હું એનો ગુન્હો તો માફ કરીશજ. ઉપરથી મોટી જાગીર પણ આપીશ. પરંતુ જો તમે ચોર નહીં સોંપો તો તમારી નજર સમક્ષ એના દેહના ટુકડે-ટુકડા કરાવી નાખીશ.”

         આ સમયે મોગલ સલ્તનતનો સૂર્ય મધ્યાહને તપતો હતો.

         આવી નિર્મમ ધમકી સાંભળીને બુહડસિંહની પત્ની છંછેડાયેલી નાગણ સમાન ફુફાડો મારીને બોલી. “શરણાગતની રક્ષા કરવી એ અમારો ક્ષત્રિયોનો પરમ ધર્મ છે. અમે ક્ષત્રિયો મહારાજા શિબિ, મહારાજા હમ્મીરદેવની પરંપરાના રક્ષક અને પોષક છીએ. જોગીદાસ અમારે શરણે આવ્યો એટલે પ્રાણાંતે એની રક્ષા કરવી એ અમારો ધર્મ થઈ પડે છે. આપને હવાલે કરીને અમે ધર્મભ્રષ્ટ થવા માંગતા નથી. અમે પ્રાણ ગુમાવીશું પરંતુ ધર્મના માર્ગેથી તસુ પણ ચલિત નહિ થઈએ.”

         હવે સમ્રાટ અકબરે ઘાતકી નિર્ણય લીધો. મસ્તક ઉપર આરી રાખીને જલ્લાદો હુકમની રાહ જોતા ઉભા હતા. શાહી ફરમાન થતાં જ બુહડસિંહના મસ્તકને ધીરે-ધીરે કાપવા માંડ્યા. લોહીની ધાર વહેવા માંડી. માથાની ચામડી કપાઈ. ખોપરીની હાડકી કપાઈ અને આરા મસ્તક પર આવતાંજ, બુહડસિંહનું બલિ અપાઈ ગયું. એનો પ્રાણપંખેરૂં ઉડી ગયો. પરંતુ નિર્દય જલ્લાદાએ પોતાની આરી ફેરવવાનું ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યા સુધી એના બે ટુકડા ન થઈ જાય.

         ઠાકોર બુહડસિંહની શરણાગત વત્સલતા ચારે દિશાઓમાં ગુંજતી થઈ. ક્ષત્રાણીના અડગ મનોબળની પ્રશંસાના પુષ્પો વડે વધામણી થઈ. ઠેર-ઠેર શહેનશાહ અકબરની ક્રૂરતા અને જલ્લાદોની નિર્દયતાપર ફિટકાર વરસાવવામાં આવ્યો.

         ધરતી રક્તથી ભિંજાઈ ગઈ. જલ્લાદો લોહીથી ખરડયા, ઠાકોરસિંહના શરીરના ટુકડા જોઇને બાદશાહે ક્રૂર હાસ્ય વેર્યું. છાતી કાઢીને વિજેતાની અદાથી સમ્રાટ પોતાના મહેલે ગયો.

         સંધ્યાનું સિંદુર વેરાઈ ગયું, કાળરાત્રિના ભયંકર ઓળાઓ ચારેકોર ફરી વળ્યા. સૌ નિદ્રાદેવીની લપેટમાં ચેતનહીન-સા આરામ કરી રહ્યા હતા ત્યારે બાદશાહ જાગતો બેઠો હતો. એનો આત્મા ડંખી રહ્યો હતો.

         અકબર, તારે અશોક બનવું છે. ના બનાય, અશોકે લાખો માનવીઓને પ્રાણ બક્ષ્યા, સેવા કરી, ને તેં ક્ષાત્રધર્મના દિવાનાઓને સતાવ્યા, આ દેશની પરંપરા સાચવનારાઓને રંજાડ્યા મેં રાજપૂતો તો ઘણાં જોયા પરંતુ રાણા પ્રતાપના પંથે ફનાગીરી વહોરનાર ઠાકોર બુહડસિંહ તો લાખોમાં એક હતો. મારી આટલી શક્તિ છતાં હું અંદરથી ખતમ થઈ ગયો છું. મારા ત્રણે દીકરા દારૂના દૈત્યમાં દિવસે દિવસે ક્ષીણ થતા જાય છે. સલીમ મારા આદેશની અવગણના કરવા લાગ્યો છે. માનસિંહ મારો રહ્યો નથી. મારા મિત્રો બિરબલ, ટોડરમલ, અબુલફઝલ, તાનસેન હવે આ જગતમાં નથી. હું ભારતનો સમ્રાટ, સ્વાર્થી વરૂઓથી ઘેરાઈ ગયો છું. મારૂં આંતર મન કહે છે કે, મારો રાજપથ કોણ ચલાવશે? ક્ષાત્રધર્મ તો અજર અમર રહેશે. બુહડ તેં મરીને મને માર્યો છે.

હું સમ્રાટ નથી, હત્યારો છું.”