Dayri - 2 books and stories free download online pdf in Gujarati

ડાયરી - સીઝન ૨ - ટીખળીનું આઝાદી જ્ઞાન

શીર્ષક : ટીખળીનું આઝાદી જ્ઞાન
©લેખક : કમલેશ જોષી

અમે આઠમું કે નવમું ભણતા એ દિવસોની વાત છે. પંદરમી ઓગષ્ટનો આગલો દિવસ હતો. ક્લાસમાં સંખ્યા ઓછી હતી. પંદર-વીસ વિદ્યાર્થીઓ પંદરમી ઓગષ્ટની વિવિધ સ્પર્ધાઓ અને પરેડના ફાઈનલ રિહર્સલ માં ગયા હતા. પી.ટી.ના સાહેબ આજે આખો દિવસ અમારા ક્લાસમાં પ્રોક્સીમાં હતા. અમારા રખડું અને સ્પોર્ટ્સના શોખીન ટીખળી મિત્રના એ ફેવરીટ સર હતા. તમે નહિ માનો, થોડી ઘણી ચર્ચા પછી અમારા ક્લાસમાં આઝાદી વિષય પર વકતૃત્વ ચર્ચા શરુ થઈ. હોંશિયાર તો બધા સિલેક્ટ થઇને સ્કૂલની સ્પર્ધામાં જતા રહ્યા હતા એટલે અમે સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ વિદ્યાર્થીઓએ ક્લાસમાં આઝાદી અને પંદરમી ઓગષ્ટ અને સ્વતંત્રતા દિવસ ઉપર જેવું આવડે એવું શીઘ્ર વકતૃત્વ શરુ કર્યુ.

પહેલો વારો પાંચમાં નંબરની છોકરીનો આવ્યો. એણે મેઇન સ્પર્ધામાં ભાગ લીધો હતો પણ નંબર નહોતો આવ્યો એટલે એણે પેલી સ્પર્ધા માટે તૈયાર કરેલું ભાષણ ચાલુ કર્યું, "માનનીય પ્રિન્સીપાલ સાહેબ, શિક્ષક ગણ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો.." એ બોલી અને અમારી બેન્ચમાં બેઠેલો ટીખળી સહેજ હસ્યો. અમે સૌ ગંભીર હતા. એ બેંચ પર હાથ આડે મોં છુપાવી બોલ્યો, "આ શું બોલે છે? ક્લાસમાં પ્રિન્સીપાલ ક્યાં છે? પી.ટી.ના સર સિવાયના શિક્ષકો પણ નથી તોય એના નામ લ્યે છે." અમને પણ એના ઓબ્ઝર્વેશન બદલ સહેજ હસવું આવ્યું પણ ત્યાં સુધીમાં તો પેલી પાંચ નંબર ચોથા ગિયરમા પડી ચુકી હતી. "શહીદ ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બીપીનચંદ્ર પાલ.." એ તો એંશીની સ્પીડે બોલ્યે જતી હતી. ક્લાસ આખો આઝાદીના રંગે રંગાવા લાગ્યો હતો. એણે પૂરું કર્યું અને સૌએ તાળીઓ પાડી. એ પછી બે'ક જણા બોલ્યા એમાં કોઈએ ‘એ મેરે વતન કે લોગો’ વાળી પંક્તિઓ ગાઈ ‘જો શહીદ હુએ હૈ ઉનકી’ કહાની યાદ અપાવી ત્યારે બે'ક છોકરીઓની આંખોમાં સહેજ ભીનાશ પણ આવી ગઈ. એકે દેશની વર્તમાન દશા અંગે ‘આજ કે ઇસ ઇન્સાન કો યે ક્યાં હો ગયા’ ગાયું તો કોઈએ ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો કહ્યા. જેમ-જેમ બોલાતું ગયું એમ-એમ વાતાવરણ ગંભીર બનતું ગયું અને અમારા હૃદયના ધબકાર વધવા લાગ્યા કેમકે હવે અમારી બેંચનો વારો નજીક હતો. "રોલ નંબર સુડતાલીસ" પી.ટી.ના સર બોલ્યા અને અમે સૌએ ટીખળી સામે જોયું.

એ "મારે નથી બોલવું, મને ના આવડે." એમ કહેતો હસતો હતો.
"તને કોઈ ગુલાબ જાંબુ ખાવાનો આગ્રહ નથી કરતું, છાનો માનો ઉભો થા." પી.ટી.ના સાહેબે સહેજ મસ્તીભર્યા અને સહેજ કડક અવાજે કહ્યું એટલે એ ‘ના-ના’ કરતો ઊભો થયો અને આખા ક્લાસમાં ‘એ ઓલાનો વારો આવ્યો’ એવી ખુસરફુસર સાથે હાસ્યનું મોજું ફરી વળ્યું. ટીખળી પણ જાણે ફિલ્મી હીરો ઓડીયન્સ સામે હાથ હલાવતો ઓસ્કાર એવોર્ડ લેવા જતો હોય એમ હસતો હસતો સૌ સામે હાથ હલાવતો બોર્ડ પાસે જઈ સૌની સામે જોતો અદબ વાળીને ઉભો. એના ચહેરા પર હજુ હાસ્ય અકબંધ હતું, અમે સૌ માંડ માંડ હસવું દાબીને બેઠા હતા. એણે શરુ કર્યું,

"મારા ફેવરીટ પી.ટી.ના સાહેબ અને ભાઈબંધુ... અને છેલ્લી બેન્ચે બેઠેલી મારી ટોળકી.." એ અટક્યો અને ક્લાસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. એણે બંને હાથ ઊંચા કરી અમને શાંત રહેવા કહ્યું, "સાંભળો તો ખરા.." કહી ગળું ખંખેરી એ બોલ્યો, "આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા, ક્યાંથી આવ્યા એ દેશનું નામ તો હું ભૂલી ગયો પણ પંદરમી ઓગષ્ટની આગલી સાંજે, ઈ બધાય અંગ્રેજોને ગોતી-ગોતી, ભેગા કરી, સ્ટીમરમાં બેસાડી આપણા દેશના લોકોએ એમને થેપલી મારી ગેટ આઉટ કરી દીધા એના માનમાં પંદરમી ઓગષ્ટે આપણે આઝાદી દિવસની પાર્ટી કરીએ છીએ." આટલું કહી સહેજ ખોંખારો ખાઈ એણે ગીત ઉપાડ્યું,"છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની, નયે દૌર મેં લિખેંગે હમ મિલકર નયી કહાની.. હમ હિન્દુસ્તાની.. હમ હિન્દુસ્તાની.." અને આખા ક્લાસની આંખોમાં ચમક આવી ગઈ. એ ભણવામાં 'ઢ' હતો પણ એનો વોઇસ મસ્ત હતો. આખા ક્લાસે એની સાથે એ કડી બે વાર ગાઈ. ફરી એણે બંને હાથ ઊંચા કરી સૌને શાંત પાડ્યા.

"સાયબ, મારે એક પ્રશ્ન પૂછવો છે." એણે પી.ટી.ના સાહેબ સામે જોઈ કહ્યું એટલે અમારા સૌના કાન સરવા થયા, નક્કી હવે આ બાફશે. એ બોલ્યો, "સાયબ, હમણાં મારી પહેલાં જે બધાં બોલ્યાં ઈ બધાંયે મોટાં મોટાં માણસુંના નામ લીધા, પણ સાયબ મારે તમને ઈ પૂછવું છે કે આજે આઝાદ થયા પછી ઈ ભગતસિંહ કે ગાંધીજી જેવા માણસો આપણા ક્લાસમાં કે ઓફિસમાં કે શેરીમાં રે'વા આવે તો આપણે એની શું હાલત કરીએ?" એ અટક્યો. આખા ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો.
"આ થોડા દિવસ પહેલા આપણા ગણિતના સરને સ્કૂલમાંથી કાઢી મુય્કા કેમ? તો ક્યે ઈ પ્રિન્સીપાલ સાયબની વાતુંમાં હા એ હા નહોતા કરતા, હું ઈને ઓળખું છું, અમારી શેરીમાં જ રયે છે, ઈ કોઈથી દબાતા નથી એટલે અમારા કોર્પોરેટરનેય ઈ સાયબ સાથે વાંધો છે, તમે જ કયો સાયબ કેટલી ઓફીસુંમાં ગાંધીજી ટાઈપના સત્યવાદી અને સત્યાગ્રહી લોકો સુખેથી નોકરી કરતા હશે? કેટલી સોસાયટીના કોર્પોરેટરને તેમના વોર્ડમાં રહેતા ભગતસિંહ ટાઈપના લોકો માટે સન્માનનો ભાવ હશે? કેટલી જ્ઞાતિમાં સાચુકલા સરદાર વલ્લભભાઈ જેવી દુરન્દેશી વાળા જ્ઞાતિભાઈની વાત જ્ઞાતિના મોટા માથાઓ સાંભળતા હશે?" ક્લાસમાં પીનડ્રોપ સાયલન્સ પથરાઈ ગયું હતું.

એ બોલ્યો, "સાયબ અંગ્રેજો ખટપટિયા હતા, લુચ્ચા હતા, કોઈક રાજાને એકલો પાડી એનું રાજ લઈ લેતા તો કોઈને છેતરીને તો કોઈને ડરાવી ધમકાવીને ગુલામ બનાવી દેતા, તો આજે શું છે? જેની પાસે માર્ક કે પગાર કાપવાની સત્તા છે એ વિદ્યાર્થીને કે કર્મચારીને ગુલામ રાખવા કોશિશ નથી કરતો? તમે પોતે જ વિચાર કરો ઉપરથી.. કોઈનો ફોન આવે એટલે ઠોબારા છોકરાને પણ ઊંચા માર્ક તમે નથી આપી દેતા? પોલીસ વાળા લાકડીના જોરે પચાસ-સો કે પાંચસો નથી ઉઘરાવતા? સાયબ, ખોટું ના લગાડતા, પણ મને લાગે છે કે હજુ અંગ્રેજો ગયા નથી પણ એ બહેરુપિયાઓ રૂપ બદલીને આજેય મેનેજર, પ્રિન્સીપાલ, પ્રમુખ, અધિકારી, મંત્રી કે સંત્રી બનીને આપણી આસપાસ બલકે આપણી અંદર જ ઘુસીને બેસી ગયા છે." એ આટલું બોલી સહેજ અટક્યો ત્યારે એના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. સૌ એની સામે તાકી રહ્યા હતા.
"સાયબ, આજના દિવસે આપણા દિમાગમાં બેસી ગયેલી અંગ્રેજી મેન્ટાલીટીને દેશવટો આપવાની જરૂર છે. શું અમે સાયન્સ વાળા અને તમે આર્ટસ વાળા, સિનીયર અને જુનિયર, ગરીબ અને તવંગર, સ્લમ વિસ્તાર અને પોશ વિસ્તાર, ફર્સ્ટ બેન્ચર અને લાસ્ટ બેન્ચર એ મેન્ટાલીટી અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની મેન્ટાલીટી જેવી નથી? મારો દીકરો ઠોઠ હોય તોય એની લાગવગ લગાડું અને પારકો હુંશિયાર હોય તોય એને પાણીચું આપું, ઈમાનદારને ઓવરટાઈમ કરાવું અને ચમચાગીરી કરનારને મૌજ કરાવું, ગુનેગાર દીકરાને છોડી મુકું અને નિર્દોષ પારકાને દંડ ફટકારું એ મેન્ટાલીટી અંગ્રેજોની દુગુના લગાનવાળી કે દ્વિમુખી શાસન પદ્ધતિ જેવી નથી?" એ સહેજ અટક્યો અને પછી બોલ્યો, "જ્યાં સુધી આ અંગ્રેજી મેન્ટાલીટી આપણી અંદર છે ત્યાં સુધી ભલે લોકો આપણને છગન કે મગનના નામે ઓળખતા હોય પણ આપણે ભીતરથી તો લોર્ડ કર્ઝન કે લોર્ડ ડેલહાઉસી જ છીએ." આટલું બોલી એ સહેજ અટક્યો અને સૌની સામે જોઈ બોલ્યો,

"મિત્રો આજના દિવસે આ મેન્ટાલીટીને સ્ટીમરમાં બેસાડી, જોરદારની લાત મારવાની હિમ્મત કરીશું તો આપણી સ્કૂલ કે ઓફીસુંની દીવાલે લટકતી ભગતસિંહ કે ગાંધીજીની તસ્વીર પર સાચું સ્માઈલ આવી જશે. અસ્તુ. જય હિન્દ.. જય ભારત.." આટલું બોલી એ ચુપ થઈ ગયો. સૌ એની સામે તાકી રહ્યા અને પછી ક્યાંય સુધી તાળીઓ વર્ગખંડમાં ગુંજતી રહી.

મિત્રો, આજનો રવિવાર તમારી જ્ઞાતિ, ઓફિસ, શેરી, સોસાયટી કે મિત્ર ગ્રુપમાં રહેતા ભગતસિંહ, ગાંધીજી કે નીડર આઝાદ ટાઈપના લોકોને મોટીવેટ કરી એમની આઝાદીનું સન્માન કરી ભીતરી અંગ્રેજીયતને ‘ગેટ આઉટ’ કરવા પ્રયત્ન કરીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)