Jalpari ni Prem Kahaani - 28 books and stories free download online pdf in Gujarati

જલપરી ની પ્રેમ કહાની - 28

મીનાક્ષી ના ગળે વળગીને રડી રહેલા મુકુલનો સ્પર્શ મીનાક્ષી ને મુકુલ તરફ આકર્ષિત કરી રહ્યો છે. એ મુકુલ ને આશ્વાશન આપવા માંગે છે પણ એ ખુદ મૂંઝવણ માં છે કે તેની પોતાની સાથે આખરે આ શું થઈ રહ્યું છે.


જીવનમાં પહેલી વાર એવું બની રહ્યું છે કે કોઈ મીનાક્ષી થી આટલું નિકટ આવી ગયું છે. એના ખભા ઉપર દુઃખથી, પીડાથી તડપી રહેલા મુકુલ નું માથું છે, મીનાક્ષી ને મુકુલ સાથે પૂરી સહાનુભૂતિ છે છતાં ખબર નહિ કેમ પણ મુકુલ નો આ સ્પર્શ મીનાક્ષી ને જાણે રોમાંચિત કરી રહ્યો છે. મુકુલ નો સ્પર્શ એને ગમી રહ્યો છે.


મુકુલે મીનાક્ષી ની કમરને પોતાના બે હાથ થી ભીંસી લીધી છે. આખરે મીનાક્ષી પણ પોતાની જાતને મુકુલ ના હુફાળા સ્પર્શ માં ઓગળી જતા રોકી ના શકી. મીનાક્ષી ના બંને હાથ ક્યારે મુકુલનાશરીર ને વીંટળાઈ ગયા એની ખબર એને ખુદને ના પડી. બંને ની વચ્ચે ફક્ત શૂન્યાવકાશ હતો.


થોડી ક્ષણોમાં મુકુલ ને ભાન થયું કે એ પોતાના દુઃખમાં સ્થળ, સમય બધું ભૂલી ગયો છે. એણે પોતાની જાત ને મીનાક્ષી થી દુર કરી. એને પોતાની જાત ઉપર ક્ષોભ થયો. મારાથી આવું વર્તન કેમ થઈ ગયું? મીનાક્ષી શું વિચારતી હશે મારા માટે? એની આંખો નીચે ઢળી ગઈ છે, એ મીનાક્ષી સાથે નજર મિલાવી નથી શકતો. મન પણ કેટલું તરંગી છે એકજ ક્ષણમાં કેટકેટલું વિચારી લે છે.


મીનાક્ષી ને લાગતું હશે આ કેવો પુરુષ છે જે બાળકોની જેમ એક સ્ત્રી ના ખભાનો સહારો લઇ રડે છે. ક્યાંક એને એવું તો નહિ લાગતું હોય ને કે મેં જાણી જોઈને એના શરીર ને સ્પર્શ કર્યો છે દુઃખી હોવાના બહાને? હે ભગવાન મારાથી આ શું થઈ ગયું. જીવનમાં ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માં મેં મારી જાત ઉપર કે મન ઉપર નો કાબૂ નથી ગુમાવ્યો પણ આજે આમ કેમ થઈ ગયું.


મુકુલને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો છે, મીનાક્ષી સામે નજર કેમ મેળવું હું, એને શું કહું? મુકુલ ના મનમાં એટલી ગડમથલ ઊભી થઈ કે તે ભૂલી ગયો કે હમણાં થોડી વાર પહેલા એ પોતાના મમ્મી પપ્પા ની ચિંતા માં દુઃખી હતો. હવે ઊભી થયેલી આ નવી મુસીબત નું શું કરવું.


મીનાક્ષી મુકુલ ના ચહેરાને જોઇ રહી હતી , એને મુકુલના મનની વાત સમઝતા વાર ના લાગી. ચિંતા ના કરો વ્યક્તિ જ્યારે દુઃખી હોય છે કે વ્યથિત હોય છે ત્યારે એ સામે વાળી વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક સહારો શોધે છે એમાં કોઈ જ વ્યભિચાર કે અન્ય કુવિચાર નો ભાવ નથી હોતો એટલી સમઝણ મારામાં છે.


મીનાક્ષી ના શબ્દો એ મુકુલના મન પરથી અપરાધ ભાવ ને ઓછો કરી નાખ્યો. મુકુલે હિંમત કરી મીનાક્ષી સામે ઊંચું જોયું. મીનાક્ષીની આંખ માં જાણે કોઈ અમી નો કુંપો હતો જેમાં થી નિરંતર અમી વર્ષી રહી હતી. મનુષ્ય ના હોવા છતાં પણ મનુષ્યના મન અને વર્તન ને આટલું ઝીણવટ થી કંઈ રીતે તે સમજી શકે છે? મુકુલ ના મનમાં આ પ્રશ્ન રમવા લાગ્યો.


મીનાક્ષી નું વ્યક્તિત્વ મુકુલ ને તેની તરફ ચુંબક ની જેમ આકર્ષી રહ્યું હતું. જીવન માં પહેલી વાર મુકુલ ને કોઈ સ્ત્રી પાત્ર થી આટલો આકર્ષણ નો ભાવ ઉત્પન્ન થયો છે. મુકુલના મન, શરીર અને વિચારો માં એક અજાણ્યા સ્પંદન નો અણસાર થયો છે. બંને મૌન છે પણ બંને નું મન ઘણું બધું બોલી રહ્યું છે.


મીનાક્ષી અને મુકુલ પોતાના જ મન અને હૃદય વચ્ચે ઘર્ષણ મહેસુસ કરી રહ્યા છે અને મઝાની વાત એ છે કે બંને જણ પોતાની આ મનોદશા ને એક બીજા થી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બંને ઈચ્છે છે કે બોલવાની શરૂઆત સામે થી થાય.


થોડી વાર તો બંને વચ્ચે ફક્ત મૌન રહ્યું આખરે મીનાક્ષીથી ના રહેવાયું તેણે થથરતા શબ્દોમાં મુકુલ ને પૂછ્યું, આપ આટલા દુઃખી કેમ છો? થોડી વાર પહેલા જ્યારે હું અહી થી પિતામહારાજ સાથે ગઈ ત્યાંરે આપ સ્વસ્થ હતા તો અચાનક આમ શું થઈ ગયું?


મીનાક્ષી નો પ્રશ્ન સાંભળી ફરી થી મુકુલ ને હૃદય માં એજ પીડા અને એજ દર્દ નો અનુભવ થયો પણ આ વખતે એણે પોતાની જાતને સંભાળી લીધી, એક ઊંડો શ્વાસ લઈ છોડ્યો અને સહેજ ક્ષોભ સાથે મીનાક્ષી સામે જોયું. મીનાક્ષી ના ચહેરા પર જીજ્ઞાશા સ્પષ્ટ દેખાઈ રહી છે.


ક્રમશઃ..............