Prem - Nafrat - 90 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૯૦

Featured Books
Share

પ્રેમ - નફરત - ૯૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૯૦

આરવનું મન ભયગ્રસ્ત બન્યું હતું. એને આમ ખાતરી હતી કે રચના પરિપકવ સ્ત્રી છે અને ધંધામાં કાબેલ છે. એ કોઈ અનુચિત પગલું ભરે એટલી મનની નબળી નથી. એ આ વિકટ પરિસ્થિતિને બહુ સહજ રીતે સ્વીકારી રહી છે અને મને હિંમત આપી રહી છે ત્યારે કોઈ ખોટું પગલું ભારે એવી શક્યતા નથી. પરંતુ આવા સમય અને સંજોગ માણસના મનને બદલી નાખે છે. મારી જ મનોસ્થિતિ આવી છે કે આ સમસ્યામાંથી છૂટવા કોઈ અંતિમ પગલું ભરી બેસવાનો ભય ઊભો થઈ રહ્યો છે. નવી કંપની સ્થાપી ત્યારથી એક પછી એક સમસ્યા મોં ફાડીને ઊભી રહે છે.

આરવે મનને જેમતેમ કરીને મનાવ્યું અને રચનાનો ફોન ચાલુ થવાની કે એનો જ સામેથી ફોન આવવાની આશા રાખી બીજા કામમાં જાતને પરોવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. છતાં આળું મન એ જ દિશામાં પહોંચી જતું હતું. બાકી હપ્તાના રૂપિયા ચૂકવવાની ચિંતા પીછો છોડે એમ ન હતી. પિતાએ હૈયાધારણા આપી હતી પણ એ શું કરી શકશે? એમની પાસે અત્યારે એટલા રૂપિયા નહીં હોય કે મદદ કરી શકે. એમનાથી બને એવી મદદ કરવાનો એ પ્રયત્ન જરૂર કરશે.

આરવ પિતા વિશે જ વિચારતો હતો ત્યારે એને ખબર ન હતી કે રચના અત્યારે એના પોતાના ઘરે ગઈ છે.

આરવને હૈયાધારણા સાથે પોતે બેઠા હોવાનો વિશ્વાસ આપ્યા પછી લખમલભાઈએ થોડો વિચાર કર્યો અને રચનાની માતા મીતાબેનને ફોન કરી કોઈ વાત કરી. એ પછી તરત જ મીતાબેને રચનાને ફોન લગાવ્યો અને ઘરે આવી જવા કહ્યું. રચના વિચારમાં પડી ગઈ હતી. પોતાને મા બંગલા પર બોલાવી રહી હતી અને કશું કહી રહી ન હતી. આ વાતને ખાનગી રાખવાની સૂચના આપી હતી. એટલું જ નહીં હમણાં કોઈની સાથે ફોન પર વાત ન કરવાની અને શક્ય હોય તો થોડો સમય ફોન બંધ રાખવાનું કહ્યું હતું. રચનાએ વારંવાર પૂછ્યું છતાં મીતાબેને એને રૂબરૂમાં જ વાત કરવાનું રટણ કર્યા કર્યું.

રચનાએ નક્કી કરી લીધું કે એણે તાત્કાલિક જ માને મળવા નીકળવું પડશે. આ અંગે હમણાં આરવને કોઈ જાણ કરવી નથી. એ રૂપિયાની વ્યવસ્થા કરવા દોડધામ કરી રહ્યો છે પણ એનો મેળ પડવાનો નથી. કંપની વેચાઈ જવાની છે અને એનું અસ્તિત્વ મીટાઈ જવાનું છે. આ પછી બહુ જલદી કિરણ અને હિરેનની કંપનીનો વારો લાવવાનો છે. રચનાએ ફોન બંધ કરી દીધો અને કાર લઈ મા પાસે જવા નીકળી ગઈ.

એક તરફ આરવ પિતાને મળીને કંપની પર આવવા નીકળ્યો ત્યારે બીજી તરફ રચના પોતાની માના બંગલા પર જવા નીકળી હતી.

કાર ચલાવતી વખતે રચના મનમાં જ મુસ્કુરાતી હતી કે એના દરેક દાવ સફળ રહ્યા છે. બલ્કે એ કોઈ અવરોધ વગર પોતાના ધ્યેયમાં સતત આગળ વધી રહી છે. મારી માને વિધવા બનાવનાર અને અમારી જિંદગી બરબાદ કરનાર લખમલભાઈને એક પછી એક અદ્રશ્ય ઝાટકા આપીને પોતે એમને નાની યાદ કરાવી રહી છે એવો ગર્વ થયો. એમને આરવની કંપની ડૂબી રહી હોવાની ખબર તો મળી જ હશે. એ કદાચ એમ વિચારતા હશે કે રચનાને હવે ખબર પડશે કે ધંધો કેવી રીતે થાય છે. એની બધી હોશિયારી અવળી નીકળી જશે. પણ એમને કલ્પના નહીં હોય કે મેં એમના પરિવારને બરબાદ કરવા કેવી હોશિયારી વાપરી છે.

રચના ઝડપથી કાર ચલાવીને મીતાબેનના બંગલા પર પહોંચી ત્યારે એને કલ્પના ન હતી કે આગળ શું બનવાનું છે. એણે દોડતા પહોંચીને મીતાબેનને હાંફતા હાંફતા સવાલ કર્યો:મા શું વાત છે? આમ મને મારતે ઘોડે અચાનક કેમ બોલાવી છે?’

આવ બેટા, આપણે ત્યાં મહેમાન આવ્યા છે. એમને મળવા બોલાવી છે. મીતાબેન એને બંગલા બહાર બનાવેલા એક ગેસ્ટરૂમ તરફ દોરતાં બોલ્યાં.

કોણ આવ્યું છે મા? નામ તો કહે... રચના એમની પાછળ દોરાતી પૂછવા લાગી.

આ બેઠા... કહી ગેસ્ટ રૂમમાં બેઠેલી વ્યક્તિ તરફ એમણે માત્ર ઈશારો કર્યો. એમણે નામ આપવાની જરૂર ન હતી.

તમે...?’ રચના ચોંકીને પૂછી રહી.

ક્રમશ: