Is your child stubborn? books and stories free download online pdf in Gujarati

શું તમારુ બાળક જીદ્દી છે ?

શું તમારુ બાળક જીદ્દી છે ?


નમસ્તે વાચક મિત્રો. અત્યાર સુધીમાં એક આદર્શ બાળક માટેની વાતો મારી આ કોલમમાં વર્ણવવામાં આવી હતી. આજથી બાળકોનાં સંસ્કાર ઘડતર કરી રહ્યાં છે તેવાં માતા પિતા, શિક્ષકો અને વડીલો માટે ઉપયોગી ટીપ્સ આપીને આપણાં બાળકોને સમજવાનો પ્રયત્ન કરીએ. બાળક એ ક્યાંક ને ક્યાંક આપણી જ પ્રતિકૃતિ છે. બાળક જે કંઈ શીખે છે તે આપણાં માંથી શીખે છે. બાળક જીદ કરે છે તો તેમાં કંઈ ખોટું નથી. દરેક બાળક નાનપણમાં હઠ કરતા જ હોય છે. માટે જ તેને ‘બાળહઠ’ કહેવાય છે. પરંતુ બાળક આ જીદ ક્યારેક કરે છે કે વારંવાર કરે છે ? તે પ્રશ્ન અગત્યનો છે. ક્યારેક કરતો હોય તો તે સામાન્ય કહી શકાય. માતા-પિતા અને પરિવારના સભ્યોનું વર્તન બાળકના સ્વભાવને અસર કરે છે. બાળક અતિશય ગુસ્સે થવા લાગે છે, અને જીદ્દી બનવું એ ઉંમરની બાબત પણ હોઈ શકે છે, પરંતુ જ્યારે બાળક મર્યાદાની બહાર જીદ્દી બનવાનું શરૂ કરે છે, ત્યારે માતાપિતાએ સજાગ રહેવું જોઈએ. જો ઉંમરની સાથે બાળકની જીદ વધે તો તેને ભવિષ્યમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમારું બાળક ખૂબ જ જીદ્દી છે, તો આજે, જિદ્દી બાળકો સાથે શું કરવું ? તે જોઈએ.

બાળક જીદ્દી બનવાના કારણો શું છે? :

જ્યારે કોઈ સમસ્યા કે મુશ્કેલી હોય, જ્યારે બાળક બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માગે છે,આ કારણે તે જીદ્દ કરે છે.જો બાળકને વધારે પડતો પ્રેમ અને સ્નેહ મળે છે, તો આ પણ તેને જીદ્દી બનાવે છે.
જો તમે બાળકને વધુ ઠપકો આપો છો, તો આ તેની જીદનું કારણ પણ બની શકે છે.જ્યારે તમે કોઈ પણ બાબત માટે બાળક પર બિનજરૂરી દબાણ કરો છો તો તેની બાળકના મન પર પણ વિપરીત અસર પડે છે અને તે જિદ્દી બની શકે છે.બાળકની જીદ પાછળ ક્યારેક કેટલીક ન ગમતી ઘટનાઓ પણ હોય શકે છે. જેના વિશે માતા-પિતા જાણતા નથી. આવી ઘટનાઓને કારણે પણ બાળકોના કોમળ મન પર ખોટી અસર થાય છે અને તેઓ જીદ્દી બની જાય છે.


બાળકોને સાંભળીએ અને સમજીએ :

વાચક મિત્રો, બાળકોને સંભાળવું ખૂબ જ અગત્યનું છે. તોત્તોચાન પુસ્તકમાં તેના આચાર્યશ્રી કોબાયાસી સાહેબે તેને ચાર કલાક ફક્ત અને ફક્ત સાંભળી જ. જ્યારે આપણે બાળકોને સાંભળીએ છીએ ત્યારે બાળકોનો આત્મવિશ્વાસ વધે છે. એ સમજવું જરૂરી છે કે જો તમારું બાળક જિદ્દ કરે છે તો તેની પાછળ જરૂર કોઈ કારણ હોવું જોઈએ. તમારે તે કારણ અને બાળક બંનેને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. તમારા બાળક માટે તમારી સાથે વાત કરવી અને બાળક તમારી સાથે વાત કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાતચીત એ સેતુ છે જેના દ્વારા દરેક અંતરને નિકટતામાં ફેરવી શકાય છે. જો કોઈ બાળકની વાત સાંભળશે કે સમજશે નહીં, તો તે તમને કેવી રીતે સાંભળશે અને સમજી શકશે? એ સાચું છે કે કોઈ પણ માતા-પિતા સર્વજ્ઞ નથી.

જીદ્દી બાળકને અન્ય વિકલ્પ આપીએ :

બાળકને પસંદગી આપો, આદેશ નહીં, કારણ કે જ્યારે એક નાનું બાળક કંઈક કરવાનું કહેવામાં આવે ત્યારે ઘણા પ્રશ્નો પૂછે છે. જ્યારે બાળકો ઘણીવાર તે કામ કરે છે, ત્યારે તેમને તે કરવાની મનાઈ હોય છે. તેથી બાળકોને પસંદગી આપો. ઉદાહરણ તરીકે, જો તે કોઈ વસ્તુ માટે આગ્રહ કરે છે, તો તે વસ્તુની જગ્યાએ તેની સામે કોઈ અન્ય વિકલ્પ મૂકો. જેથી તે પોતાની જીદ ભૂલી જાય. જો તમે બાળકને સુઈ જવા કહ્યું છે અને ઊંઘવા તૈયાર નથી અને ન સુવાની જીદ પર અડગ છે તો તમે તેને પૂછી શકો છો કે શું તે સૂતા પહેલા ગીત કે વાર્તા સાંભળવા માંગે છો? આમ કરવાથી, બાળકને લાગશે કે તેનો અભિપ્રાય તમારા માટે મહત્વપૂર્ણ છે. જીદ્દી બાળકને સમજાવવા માટે આ પદ્ધતિ ખૂબ જ સારી છે. આ સાથે, તમારા બાળકને લાગશે કે તે તમારા દ્વારા આપવામાં આવેલા વિકલ્પોમાંથી યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ છે. હઠીલા બાળકને કેવી રીતે સુધારવું તે માટેની આ એક સૌથી મહત્વપૂર્ણ ટીપ્સ છે.

બાળકે કરેલી ભૂલો કંઇક નવું શીખવે છે :

બાળકે કરેલી ભૂલો કંઇક નવું શીખવે છે, માટે બાળકને ભૂલો કરવા દો એ પછી જાતે જ સમજશે, આપણે કંઈ જ કહેવું નહીં પડે. હઠીલા બાળકને હેન્ડલ કરવા માટેની ટિપ્સમાં આ મુદ્દો પણ સામેલ છે. જ્યારે બાળક જીદ્દી હોય ત્યારે તેનું વર્તન અયોગ્ય હોય તે સ્વાભાવિક છે. ખાસ કરીને જો બાળક આ જીદ બધાની સામે બતાવે તો માતા-પિતા શરમ અનુભવે છે. પરંતુ ભૂલશો નહીં કે તે બાળક છે. તેને હંમેશા અહેસાસ કરાવો કે તે તમારી સાથે ગમે તેટલો નારાજ હોય, તમે હંમેશા તેને પ્રેમ કરશો અને તે જેમ છે તેમ સ્વીકારશો. જો બાળક ભૂલ કરે છે, તો ખાતરી કરો કે તે જાણે છે કે તેણે શું ખોટું કર્યું છે અને તેના બદલે તે શું કરી શક્યો હોત. આ પછી, તેને તેની ભૂલ સુધારવાની તક પણ આપો.


બાળકના વખાણ કરવાનું ભૂલશો નહીં:


બાળકની જીદને દૂર કરવા માટે જરૂરી છે કે તમે બાળક શું કરી રહ્યું છે તેના પર ધ્યાન આપો. ઘણા બાળકો ફક્ત એટલા માટે જ હઠીલા હોય છે કારણ કે તેઓ તેમના માતા-પિતાનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. આવી સ્થિતિમાં, તમારા બાળક સાથે સમય વિતાવો અને તેના વખાણ કરવાની તકો શોધો. તમારું પ્રોત્સાહન અને વખાણ તમારા બાળકના આ વર્તનને બદલી શકે છે.


વારંવાર ન ટોકો અથવા વધુ પડતી અપેક્ષા રાખવાનું ટાળો:


જો તમે તમારા બાળકને દરેક બાબતમાં ટોકો છો અથવા તેની પાસેથી જરૂર કરતાં વધુ અપેક્ષા રાખો છો, તો તે તમારા બાળકને જીદ્દી પણ બનાવી શકે છે. બાળકને દરેક વસ્તુ અથવા કોઈપણ વસ્તુ માટે રોકવાથી તે બંધિયાર અનુભવશે. આવી સ્થિતિમાં તે દરેક વખતે પોતાની વાત મનાવવાનો આગ્રહ રાખશે. આટલું જ નહીં, તમારા બાળક પાસેથી વધુ પડતી અપેક્ષા રાખવાથી પણ બાળક જીદ્દી બની શકે છે. બાળક પાસેથી અપેક્ષા રાખો, પરંતુ બાળક હળવું રહે તેમ.