Barood - 1 books and stories free download online pdf in Gujarati

બારૂદ - 1

[સનસનાટીભરી રહસ્યકથા]

કનુ ભગદેવ

********

બારૂદ... ! જી, હા...

પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ મેં ભારતનાં વડાપ્રધાનને સાંકળીને લખી છે. ભારતનાં વડાપ્રધાન મંત્રણા માટે રશિયા જવાનાં હોય છે અને એવામાં જ ગુપ્તચર વિભાગને બાતમી મળે છે કે મોસ્કોમાં ભારતીય વડાપ્રધાનનાં ખૂનનું કાવતરું ઘડાઈ ચુક્યું છે અને આ કાવતરું ઘડ્યું છે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ. એસ.આઈ.નાં ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું... !

પરિણામે ફરીથી એક વાર નાગપાલ-દિલીપની જોડીને આઈ.એસ.આઈ.નો દાવ નિષ્ફળ બનાવવા માટે. મેદાનમાં ઉતરવું પડે છે.

– અને પછી સર્જાય છે એક પછી એક સનસનાટીભર્યા બનાવોની હારમાળા.. !

આઈ.એસ.આઈ.નાં મુખ્ય હેતુની જ્યારે દિલીપને ખબર પડે છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. ભારતનાં વડાપ્રધાનનું ખૂન નહીં પણ અપહરણ થાય છે અને આ અપહરણ પાછળનો તેમનો હેતુ પણ જુદો હોય છે.

પરંતુ દિલીપ પોતાની અસીમ બુદ્ધિમત્તાનાં જોરે છેવટની ઘડીએ આઈ.એસ.આઈ.ની બાજી ઉંધી વાળી દે છે અને... પાને પાને હૃદયનાં ધબકરા વધારતી આ નવલકથાનાં સાચા નિર્ણાયક તો આપ સૌ વાંચકો જ છો.

આપનો નિષ્પક્ષ અભિપ્રાય જરૂરથી લખી મોકલશો.

********

૧. ખોફનાક ષડ્યંત્ર..... !

સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ ડિપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ આજકાલ કરતાં ઘણા સમયથી રશિયામાં હતો. રજની પરમાર પણ એની સાથે જ ગઈ હતી.

ત્યાર બાદ કૅપ્ટન દિલીપને પણ તાબડતોબ રશિયા બોલાવવામાં આવ્યો.

આદેશ મળતાં દિલીપ રશિયા પહોંચી ગયો. મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસમાં દિલીપની મુલાકાત નાગપાલ સાથે થઈ.

દિલીપ તાજેતરમાં જ ચીન ખાતે એક ખતરનાક મિશન પાર પાડીને ભારત પાછો ફર્યો હતો અને તાબડતોબ નાગપાલનો સંદેશો મળતાં તેને મોસ્કો જવું પડ્યું હતું.

અત્યારે દૂતાવાસની ઑફિસમાં નાગપાલ બેઠો હતો. એના વ્હેરા પર ચિંતામિશ્રિત ગંભીરતાના હાવભાવ છવાયેલા હતા. રહી રહીને એ પોતાના હાથમાં જકડાયેલી પાઇપમાંથી કસ ખેંચી લેતો હતો.

ઑફિસમાં ‘પ્રિન્સ હેનરી' તમાકુની કડવી-મીઠી મહેક પ્રસરેલી હતી.

‘તને અહીં પહોંચવામાં કોઈ તકલીફ તો નથી પડીને દિલીપ....?' એણે પાઇપમાંથી કેસ ખેંચ્યા બાદ પ્રશ્નાર્થ નજરે પોતાની સામે બેઠેલા દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘ના, બિલકુલ નહીં... ! અહીંની પરિસ્થિતિ કેવીક છે... ?’

‘અત્યાર સુધી તો બધું સામાન્ય જ છે, પરંતુ આવીને આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહેશે એવું નથી લાગતું.' નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘પોલીસ તથા રશિયાની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા કે.જી.બી. પૂરી તત્પરતાથી કામ કરે છે. અહીંના દરેક સરકારી વિભાગોમાં અત્યારે પૂરેપૂરી સજાગતા અને સરગર્મી છે... !?'

‘છતાંય મોસ્કોમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ હું વિગતવાર જાણવા માગું છું અંકલ... !' દિલીપનો અવાજ પણ બેહદ ગંભીર હતો.

‘દિલીપ.... !’નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને ધુમાડાના ગોટા ઉડાડતો પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘ભારતના વડાપ્રધાન આગામી ૨૫મી તારીખે મોસ્કોની યાત્રાએ આવવાના છે એ તો તું જાણે જ છે.

તેમની આ યાત્રા રાજકીય દૃષ્ટિએ ખૂબ જ અગત્યની છે. એનાથી ભારત તથા રશિયાના મૈત્રીપૂર્ણ સંબંધો વધુ ગાઢ બનશે ઉપરાંત અત્યારે સમગ્ર વિશ્વને આતંકવાદના જે અજગરે પોતાના ભરડામાં લીધું છે, તેને નાથવાની દિશામાં શું શું પગલાં ભરવાં એ વિશે પણ ચર્ચા- વિચારણા થશે. આ સિવાય અમુક શસ્ત્ર-સંરજામનો સોદો થવાની પણ આશા છે.

રાજીવ ગાંધી પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પહેલી મોસ્કોની મુલાકાત છે. વડાપ્રધાનની આ યાત્રાને કારણે શહેરના લોકો પણ ખૂબ જ આનંદ-ઉલ્લાસમાં છે. પરંતુ કે.જી.બી.ને પોતાનાં ગુપ્ત સૂત્રોના માધ્યમથી એવી બાતમી મળી છે કે પાકિસ્તાનની સરકારે ભારતના વડાપ્રધાનની આ ઐતિહાસિક યાત્રા દરમિયાન કોઈક જબરદસ્ત બખેડો કરવાની યોજના બનાવી છે.

‘કેવો બખેડો.... ?’ ‘કે.જી.બી.ને મળેલી બાતમી મુજબ મોસ્કોમાં પગ મૂકતાં જ વડાપ્રધાનનું ખૂન કરી નાખવામાં આવશે... !'

‘શું... ?’ દિલીપ ઊછળી પડ્યો.

‘આ બાબતમાં આપણા વડાપ્રધાનને જાણ કરી દેવાઈ છે... ?’

'હા...તેમને જાણ કરી દેવાઈ છે એટલું જ નહીં, હાલતુરત મોસ્કોની યાત્રા મુલતવી રાખવા માટે વિનંતી પણ કરવામાં આવી છે.

નાગપાલે પુનઃ પાઇપનો કસ ખેંચ્યો, ‘પરંતુ વડાપ્રધાને કોઈ પણ ભોગે આ યાત્રા મુલતવી રાખવા માટે ઘસીને ના પાડી દીધી છે. તેમના કહેવા મુજબ બંને દેશોની આટલી જબરદસ્ત સિક્યોરિટી હોવા છતાંય જો તેઓનું ખૂન થઈ જાય, તો પછી આ ખૂન ગમે ત્યાં થઈ શકે છે... ! પછી તો કોઈ પણ જગ્યાએ તેઓની સલામતી નથી.'

‘તેમની વાત પોતાના સ્થાને બરાબર જ છે.' દિલીપ બોલ્યો, ‘વારુ, એક વાતનો જવાબ આપો... !'

‘બોલ.... !’

‘આપણે પાકિસ્તાનમાં આ ષડયંત્ર વિશે જાણી ચૂક્યા છીએ એની પાકિસ્તાનની સરકારને ખબર છે?'

‘હા....વાસ્તવમાં પાકિસ્તાનની સરકાર ભવિષ્યનો લાભ જુએ છે. તે ભારત તથા રશિયાના મૈત્રીભર્યા સંબંધોને છિન્નભિન્ન કરી નાખવા માગે છે. પહેલાં તો તેઓ ખૂનનો આરોપ સીધો રશિયા પર આવે એટલા માટે ગુપ્ત રીતે અહીં મોસ્કોમાં આપણા વડાપ્રધાનનું ખૂન કરાવી નાખવા માગતા હતા. તેમની આ ગણતરી સાચી પણ હતી. જો અહીં વડાપ્રધાનનું ખૂન થાય તો તેની બધી જવાબદારી રશિયાની સરકાર પર આવે એમાં તો કોઈ બેમત નથી. આ સંજોગોમાં રશિયા સાથે ભારતના મૈત્રીભર્યા સંબંધો સમાપ્ત થઈ જાય એટલું જ નહીં, બંને દેશો વચ્ચે દુશ્મનાવટ પણ ઊભી થાય. પરંતુ પોતાનું આ કાવતરું ઉઘાડું પડી ગયું છે એની ખબર હોવા છતાંય પાકિસ્તાને

તેને પાર પાડવાનો વિચાર પડતો નથી મૂક્યો.' ‘કેમ... ?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘જો રશિયામાં આપણા વડાપ્રધાનનું ખૂન કરવાનું પાકિસ્તાનનું કાવતરું પાર પડે તો, રશિયાની સ૨કા૨ સાથે ભલે આપણી દુશ્મનાવટ ઊભી ન થાય... ! દુશ્મનાવટ એટલા માટે ન થાય કારણ કે પાકિસ્તાનના આ કાવતરા વિશે અગાઉથી જ આપણને સાવચેત કરી દેવાયા છે,

પરંતુ તેમ છતાંય જો અહીં વડાપ્રધાનનું ખૂન થઈ જાય, તો રશિયાને દુનિયાના અન્ય દેશો સામે બદનામી વહોરવી પડે એમાં તો શંકાને કોઈ સ્થાન નથી. પછી તો દુનિયાના બધા દેશો રશિયા સામે જ આંગળી ચીંધે.... ! અને ષડ્યંત્ર ઉઘાડું પડ્યા પછી આવું થાય એમ જ પાકિસ્તાનની સરકાર ઇચ્છે છે... ! તેમની યોજના એક કાંકરે બે પંખી મારવાની છે. પહેલું, ભારતના વડાપ્રધાનનું ખૂન અને બીજું રશિયાને દુનિયાના દેશો સામે બદનામ કરવાનું.. !'

‘ઓહ...પાકિસ્તાનનું આ ષયંત્ર તો ખૂબ જ ‘હા, એમાં તો કોઈ બેમત નથી... !' ભયંકર છે.’

‘તો હવે મોસ્કોની યાત્રા દરમિયાન વડાપ્રધાનના રક્ષણની જવાબદારી સી.આઈ.ડી.ને સોંપવામાં આવી છે, એમ ને... ?' દિલીપે પૂછ્યું.

‘હા....’ નાગપાલે પાઇપમાંથી હળવો કસ ખેંચતાં કહ્યું, ‘માત્ર સી.આઈ.ડી.એ જ નહીં, રશિયાની જાસૂસી સંસ્થા કે.જી.બી.એ પણ વડાપ્રધાનના રક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત એસ.પી.જી. અર્થાત્ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પણ તન-મનથી આ સમગ્ર મામલા પર નજર રાખે છે. વડાપ્રધાનના રક્ષણ માટે શક્ય તેટલી બધી જ વ્યવસ્થા ચાલી રહી છે.'

દિલીપ ખૂબ જ રોમાંચ અનુભવવા લાગ્યો.  મામલો ખરેખર વિસ્ફોટક અને કાળજું કંપાવી મૂકનારો હતો. - વડાપ્રધાનના ખૂનની વાત જ હૈયું હચમચાવી મૂકનારી હતી.

કોઈ પણ ઘડીએ ગમે તે બની શકે તેમ હતું. ‘હવે હું તને બીજી પણ અમુક ખાસ વાતો જણાવવા માગું છું.’

નાગપાલ બોલ્યો, ‘જેમકે ૨૫મી તારીખે બપોરે વડાપ્રધાન એક ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોસ્કોના એરપોર્ટ પર આવી પહોંચશે !'

‘ક્યારે... ? કેટલા વાગ્યે.... ?'

‘ટાઇમ તો હજુ નક્કી નથી થયો, પરંતુ બપોરના સમયે ગમે ત્યારે તેઓ આવશે.’

‘હું....’ દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો, ‘પછી.... ?’

‘એ વખતે વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર રશિયાના રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન તથા તેમની કૅબિનેટના અન્ય મંત્રીઓ પણ હાજર હશે. આપણા વડાપ્રધાન ચાર્ટર્ડ પ્લેનમાંથી નીચે ઊતરશે કે તરત જ એ બધા ફૂલોના ગુલદસ્તા આપીને તેમનું સ્વાગત ૨શે. ત્યાર બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પછી રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન તથા આપણા વડાપ્રધાન એરપોર્ટ પર જ એક પ્રેસ- કોન્ફરન્સને સંબોધશે !'

‘પ્રેસ-કોન્ફરન્સમાં કયા દરજ્જાના રિપોર્ટર હાજરી આપવાના છે?' દિલીપે પૂછ્યું.

‘રિપોર્ટરને બોલાવવામાં ઘણી સાવચેતી રાખવામાં આવી છે.' નાગપાલે જવાબ આપતાં કહ્યું, ‘બધા મોટાં મોટાં અખબારોના તંત્રીઓ તેમ જ સાપ્તાહિક કોલમ લખનારા ખ્યાતિપ્રાપ્ત લેખકો છે. આ ઉપરાંત ટી.વી.ની ન્યૂઝ ચેનલોના પ્રતિનિધિઓ પણ હશે. બહુ સમજી-વિચારીને આ બધાની પસંદગી કરવામાં આવી છે.'

‘ગુડ....’ દિલીપના ચહેરા પર સંતોષના હાવભાવ છવાયા.

‘એરપોર્ટ પર પ્રેસ-કોન્ફરન્સ પૂરી થયા પછી આપણા વડાપ્રધાન રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન સાથે એક ખુલ્લી ગાડીમાં બેસશે અને પછી મોટા લાવલશ્કર સાથે તેમની મોટરોનો કાફલો પ્રેસિડેન્ટ હાઉસ તરફ રવાના થશે.’

‘મોસ્કોના એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ વચ્ચેનું અંતર કેટલું છે... ?' દિલીપે પૂછ્યું.

‘તારો સવાલ ઉત્તમ છે... !' નાગપાલના અવાજમાં પ્રશંસાનો સૂર હતો, ‘એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ વચ્ચેનું અંતર લગભગ આઠેક કિલોમીટર જેટલું છે. આ આઠ કિલોમીટરના રાજમાર્ગ ૫૨ શહે૨ની જનતા ઊમટી પડશે. આપણા વડાપ્રધાનને જોવા માટે લોકો એટલા બધા આતુર છે કે આટલી મોટી ભીડને કાબૂમાં રાખવાનું રશિયન પોલીસ માટે ભારે થઈ પડશે એવું સલામતી દળોને લાગે છે. ખેર, વડાપ્રધાન તથા બોરીસ યેલન્સિન જે લાંબી ગાડીમાં સફર કરશે, તે સંપૂર્ણ રીતે બૂલેટપ્રૂફ છે, પરંતુ આ આઠ કિલોમીટરના રાજમાર્ગ પરથી પસાર થતી વખતે ગાડીની ફોલ્ડિંગ છત ખસેડી નાખવામાં આવશે. એટલું જ નહીં, બધી બારીઓના કાચ પણ નીચે સરકાવી દેવાશે !'

‘કેમ... ?’ દિલીપે ચમકીને પૂછ્યું.

‘શહેરની જનતા વડાપ્રધાનનાં દર્શન કરી શકે અને વડાપ્રધાન હવામાં હાથ લહેરાવીને તેમનું અભિવાદન ઝીલી શકે એટલા માટે... !'

‘આ તો ખૂબ જ ચિંતાજનક બાબત છે.' દિલીપ મૂંઝવણભર્યા અવાજે બોલ્યો,

‘આપણા વડાપ્રધાનનો જીવ જોખમમાં છે, એ વાતની ખબર હોવા છતાંય કારની ફોલ્ડિંગ છત ખસેડવાની કે બારીના કાચ સરકાવવાની જરૂર જ શું છે... ? આ તો હાથે કરીને તેમના પરનું જોખમ વધારવાનું પગલું ગણાશે... !'

'તારી વાત બરાબર છે, પરંતુ આ પગલું પણ વડાપ્રધાનની ઇચ્છાથી જ ભરવામાં આવ્યું છે.'

'કેમ...?’

‘કારણ કે પોતે ડરપોક છે અગર તો પોતાના ખૂનના ભયથી ગભરાઈ ગયા છે, એવું બિલકુલ આપણા વડાપ્રધાન દર્શાવવા નથી માગતા... ! બધું સામાન્ય ઢબે જ થવું જોઈએ એવો કડક આદેશ તેમણે આપ્યો છે.'

‘પણ આમ કરવામાં તો ખૂબ જ જોખમ છે.'

‘હા, જોખમ તો છે જ... ! પરંતુ ઘણું સમજાવ્યા પછી પણ તેમણે આ કાર્યક્રમમાં કશોય ફેરફાર કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમણે એવું કહ્યું છે કે-

'જો મારે મારો ગભરાટ જ જાહેર કરવો હોય તો એનાથી વધુ યોગ્ય એ છે કે હું મારી મોસ્કોની યાત્રા જ રદ કરી નાખું... ! બાકી મારો જીવ જોખમમાં છે એટલે મારે નક્કી થયેલા કાર્યક્રમમાં ફેરફાર કરી નાખવો, એ તો કાયરતાની નિશાની છે. જો મારા નસીબમાં મરવાનું જ લખ્યું હશે તો એ તો ગમે તે સ્થળે ને કોઈ પણ ઘડીએ મોત મને ઝડપી લેશે.'

‘તેમની વાત પણ મુદ્દાની છે.'

‘એટલા માટે જ તો સલામતી દળોએ તેમની સાથે વધુ દલીલ નથી કરી કે તેમના કાર્યક્રમનો વિરોધ પણ નથી કર્યો.' નાગપાલ બોલ્યો,

‘પરંતુ એક વાતની મને પૂરી ખાતરી છે.'

‘કઈ વાતની.....?’

‘જો ખરેખર પાકિસ્તાનની સરકારે આપણા વડાપ્રધાનના ખૂનનું કોઈ કાવતરું ઘડ્યું હશે તો આ કાવતરાનો અમલ તેઓ એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસની વચ્ચેના માર્ગમાં જ ક્યાંક કરશે. અર્થાત્ આ આઠ કિલોમીટરના રાજમાર્ગ પર જ કોઈક જગ્યાએ આપણા વડાપ્રધાનના ખૂનનો પ્રયાસ થશે.'

‘આ વાત તમે આટલી ખાતરીથી કેવી રીતે કહો છો અંકલ... ?

દિલીપે પૂછ્યું. ‘એટલા માટે કે આ રાજમાર્ગ પર હજારો માણસોની મેદની વચ્ચે પોતાની જાતને છુપાવવાનું ખૂની માટે એકદમ સ૨ળતાભર્યું હશે. ભીડ વચ્ચેથી ખૂની સહેલાઈથી પોતાનું કામ પાર પાડી શકે તેમ છે. એટલા માટે જ આ સમગ્ર માર્ગ પર આજ સુધી ક્યારેય ન થઈ હોય એટલી જડબેસલાક રક્ષણની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. લશ્કરની કેટલીયે ટુકડીઓ મોસ્કો પહોંચી ગઈ છે. શંકાસ્પદ માણસો પર ખાસ નજ૨ ૨ખાય છે. ઉપરાંત ભૂતકાળમાં જે જે ગુનેગારો મોટા મોટા ગુનાઓ આચરી ચૂક્યા છે અને જરૂર પડ્યે વડાપ્રધાન જેવા વી.આઈ.પી.નું ખૂન કરતાં પણ અચકાય તેમ નથી એવા લોકોની યાદી પણ તૈયાર થઈ રહી છે.

‘યાદી તૈયાર કરવાથી શું વળશે... ?’

‘યાદી તૈયાર થયા પછી આવા શંકાસ્પદ લોકોની ૨૫મી તારીખ પહેલાં કોઈ ને કોઈ બહાને ધ૨પકડ કરી લેવાશે અથવા તો પછી તેમને નજરકેદ રાખવામાં આવશે.' નાગપાલ બોલ્યો, ‘ખેર, વડાપ્રધાનના રક્ષણ માટે શક્ય તેટલી વધુમાં વધુ વ્યવસ્થા ચાલી રહી છે.'

દિલીપ રક્ષણવ્યવસ્થા વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ખરેખર વડાપ્રધાનના રક્ષણ માટે કોઈ ઊણપ રાખવામાં નહોતી આવતી.

રશિયાની સરકાર આ વ્યવસ્થા માટે પાણીની જેમ પૈસા વાપરતી હતી.

‘એક વાત મને નથી સમજાતી અંકલ. .. !' છેવટે દિલીપ વ્યાકુળ અવાજે બોલ્યો.

‘કઈ વાત... ?’

‘રશિયાનાં સલામતી દળો જ વડાપ્રધાનના રક્ષણ માટે આટલી જડબેસલાક વ્યવસ્થા કરે છે તો પછી આપણે આમાં નવું શું કરી શકીએ તેમ છીએ.... ? તેમનાથી અલગ કયા પ્રયાસો કરી શકીએ તેમ છીએ... ?'

‘તારો સવાલ પોતાના સ્થાને એકદમ વ્યાજબી છે…… !' નાગપાલ પાઇપનો કસ ખેંચતાં બોલ્યો, ‘આ બધું સાંભળ્યા પછી એમ જ લાગે છે કે આપણે આમાં વિશેષ કશુંય કરી શકીએ તેમ નથી. કારણ કે જે કંઈ થઈ શકે તેમ છે એ તો પહેલેથી જ થાય છે અને જોરશોરથી થાય છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી એવું નથી. આવી પરિસ્થિતિમાં પણ કરવા માટે આપણી પાસે ઘણું બધું છે, કારણ કે આવી જડબેસલાક વ્યવસ્થા વચ્ચે પણ ખૂની પોતાનું કામ પાર પાડી શકે તેમ છે,

એ શક્યતાને નકારી શકાય તેમ નથી. જે રીતે સલામતી દળો રક્ષણની વ્યવસ્થાને વધુમાં વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે, એ જ રીતે ખૂની પણ આ વ્યવસ્થાને તોડવાની કોઈક યોજના વિચારતો હશે. આના અનુસંધાનમાં મારા મગજમાં એક નવી જ યુક્તિ સૂઝે છે.’

'શું ?'

‘તું પોતે જ તારી જાતને ખૂનીની જગ્યાએ ગોઠવીને વિચાર… !' નાગપાલે કહ્યું, ‘ઘડીભર માટે માની લે કે તારે વડાપ્રધાનનું ખૂન કરવાનું હોય તો આટલી જડબેસલાક વ્યવસ્થાને ભેદીને તું કેવી રીતે આ કામ પાર પાડીશ ? જો તારા મગજમાં આવી કોઈક તરકીબ આવશે તો મારો દાવો છે કે એ જ તરકીબ ખૂનીના મગજમાં પણ આવી શકે છે તેમ છે. આપણે અન્ય સલામતી દળોથી એકદમ અલગ રીતે કામ કરવાનું છે... ! આ પરિસ્થિતિમાં ખૂનીનો દૃષ્ટિકોણ કયો હશે, એને મગજમાં રાખીને આપણે આગળ વધવાનું છે.'

નાગપાલની વાતથી દિલીપ ખૂબ જ પ્રભાવિત થયો. ખૂનીની યોજનાનું અનુમાન કરવા માટે આ એકદમ સચોટ ઉપાય હતો.

‘મારી વાત ખોટી છે... ?’ એને ચૂપ જોઈને નાગપાલે પૂછ્યું. ‘ના, બિલકુલ નહીં... !' દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો,

‘તમારી વાતમાં વજૂદ છે અંકલ... ! જો આપણે આ રીતે વિચારીએ તો ચોક્કસ આપણને સફળતા મળી શકે તેમ છે. હવે તમારી જ વાત પ્રમાણે હું મારી જાતને ખૂનીના સ્થાને ગોઠવીને જણાવું તો સૌથી પહેલાં તો હું જે માર્ગેથી વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો છે એ માર્ગનો જ બારીકાઈથી અભ્યાસ કરું………… !'

‘રાઇટ... !’ નાગપાલ પ્રસન્ન અવાજે બોલ્યો, ‘તેં એકદમ સાચી દિશા પકડી છે. હું પણ એમ જ માનું છું કે ખૂની સૌથી પહેલાં એ માર્ગનો જ બારીકાઈથી અભ્યાસ કરશે !'

આનો અર્થ એ થયો કે મારે પણ એ જ માર્ગનો અભ્યાસ કરવાનો છે, ખરું ને ?'

‘હા...’નાગપાલે હ'કારમાં માથું હલાવ્યું, 'એટલું જ નહીં, તારે માર્ગના અભ્યાસની સાથે સાથે એ માર્ગ પર આવેલ એક એક સ્થળ, દરેકે દરેક ઇમારત જોઈને, જો વડાપ્રધાન પર ગોળી છોડવામાં આવે તો કઈ જગ્યાએથી વધુ સારી રીતે નિશાન સાધી શકાય તેમ છે, એ જાણવા-સમજવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. વડાપ્રધાનની મોસ્કોયાત્રાને હજુ પંદર દિવસ બાકી છે. આપણી પાસે ઘણો સમય છે. આપણે આરામથી આ કામ કરી શકીએ તેમ છીએ. ઉપરાંત કામ કરવા માટે એક બીજી દિશા પણ બાકી છે!' ‘બીજી દિશા... ?’

‘હા...’

‘એ વળી કઈ.... ?'

કે.જી.બી. અત્યારે જે શંકાસ્પદ ગુનેગારોની યાદી તૈયાર કરે છે અને જે લોકોને ૨૫મી તારીખ પહેલાં કાં તો પકડી લેવાશે અથવા તો નજરકેદ રાખવામાં આવશે, તેમના સિવાય પણ અપરાધી આલમ સાથે સંકળાયેલા કેટલાય ગુનેગારો મોસ્કોમાં હશે એમ હું માનું છું. મારો સંકેત એવા ગુનેગારો તરફ છે જેમનો પોલીસમાં કોઈ રેકોર્ડ નથી. આ કારણસર કે.જી.બી.ની યાદીમાં તેમનાં નામ પણ નહીં આવે અને તેઓ પકડાશે પણ નહીં... ! આવો જ કોઈક ગુનેગાર સૌથી વધુ ખતરનાક પુરવાર થઈ શકે તેમ છે. આપણે આ જાતના ગુનેગારોની અલગ યાદી બનાવીને તેમનામાંથી કોણ તાબડતોબ પૈસાદાર બનવા માગે છે, એની તપાસ કરવાની છે. આ પગલું ભરવાથી કદાચ આપણે ખૂની સુધી પહોંચી જઈએ એ બનવાજોગ છે.’

નાગપાલની વાત સાંભળીને દિલીપની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ.

આ મિશનમાં નાગપાલનું દિમાગ ખૂબ જ તીવ્રતાથી કામ કરતું હતું.

‘તમે સાચું કહો છો અંકલ... !' દિલીપ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો. ‘આ કામમાં આપણને ઘણી મહેનત પડશે, પરંતુ એ તો આપણે કર્યા વગર છૂટકો જ નથી... ! પગ પર પગ ચડાવીને બેસી રહેવાથી કશુંય નહીં વળે... ! કંઈ ન કરવા કરતાં કંઈક કરવું સારું…… ! સારા કામ માટે કોઈ પણ દિશામાં કરેલી મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. વ્હેલું-મોડું આપણને તેનું ફળ અચૂક મળે જ છે.'

‘બરાબર છે...પરંતુ આ યાદી બનાવવા માટે આપણને કોઈક મોસ્કોમાં જ વસતા અને અહીંની અપરાધી આલમથી વાકેફ હોય એવા માણસની મદદની જરૂર પડશે.'

‘આવા એક માણસને હું ઓળખું છું.’ નાગપાલ બુઝાઈ ગયેલી પાઇપને ફરીથી પેટાવતાં બોલ્યો, ‘અને તું પણ એનાથી પરિચિત છો !’

‘કોણ છે એ.... ?’

‘તું આપણા બાબુભાઈને શા માટે ભૂલી જાય છે... ?'

‘બાબુભાઈ... !' .

આ નામ સાંભળતાં જ દિલીપના ચહેરા પર રોનક ફરી વળી ખરેખર બાબુભાઈ આ કામ કરી શકે તેમ હતો.

‘પણ આવડા મોટા શહેરમાં બાબુભાઈને શોધવાનું કામ સહેલું નથી અંકલ... !'

'સહેલું નથી તો બહુ મુશ્કેલ પણ નથી.' નાગપાલ બોલ્યો, પ્રયાસ કરવાથી દરેક કામ શક્ય બની જાય છે.'

'ઠીક છે... !' દિલીપે કહ્યું, ‘તો સૌથી પહેલાં હું બાબુભાઈને જ શોધું છું. બાબુભાઈ સાથે મુલાકાત થયા પછી જ આગળ જે કંઈ કરવાનું હશે તે કરીશું.'

‘એ જ વધુ યોગ્ય રહેશે... !'

‘હવે હું જઉં છું.' દિલીપ ઊભો થતાં બોલ્યો.

નાગપાલ પણ ઊભો થઈ ગયો. બાબુભાઈની મુલાકાત થાય એટલે તરત જ મને અહીં દૂતાવાસમાં સમાચાર આપી દેજે.'

દિલીપે હકારમાં માથું હલાવ્યું. ત્યાર બાદ એ ત્યાંથી વિદાય થઈ ગયો.

*

બાબુભાઈનું સાચું નામ ચમનલાલ મારવાડી હતું, પરંતુ આ નામથી લગભગ કોઈ જ તેને નહોતું ઓળખતું. બધા તેને બાબુભાઈ તરીકે જ ઓળખતા હતા. આજની તારીખમાં એનું ઉપનામ ‘બાબુભાઈ’ એટલું પ્રખ્યાત થઈ ચૂક્યું હતું કે ક્યારેક ક્યારેક તો ચમનલાલ પોતે પણ, પોતાનું ‘બાબુભાઈ’ સિવાય બીજું કોઈક નામ છે એ વાત ભૂલી જતો હતો.

આજથી વીસેક વર્ષ પહેલાં બાબુભાઈ ઉર્ફે ચમનલાલ મારવાડી માત્ર ફરવાના ઈરાદાથી જ મોસ્કો આવ્યો હતો. એ સાવ એકલો- અટૂલો જ હતો. પોતાનું કહી શકાય એવું આ દુનિયામાં એનું કોઈ જ નહોતું. ફરવાનો એ ખૂબ જ શોખીન હતો.

પોતાના પગમાં ચક્કર હોવાથી પોતે ક્યારેય એક જ શહેરમાં નથી ટકી શકતો એમ તે કહેતો હતો, પરંતુ મોસ્કોમાં પગ મૂક્યા પછી એ શહેર તેને એટલું બધું ગમ્યું કે એના પગનું ચક્કર કોણ જાણે ક્યાં ઉડનછૂ થઈ ગયું. શરૂઆતમાં તે ગ્રાહમ રોડ પર લેનિનની પ્રતિમા પાસે આવેલ પાર્કમાં ચાદર ઓઢીને સૂઈ જતો અને દિવસ આખો ભાડાની ટૅક્સી ચલાવતો હતો.

મહેનતુ અને ઈમાનદાર તો એ હતો જ.... ! છેવટે એની મહેનત રંગ લાવી.

બે વરસમાં જ એણે એક જૂની ટેક્સી લઈ લીધી એટલું જ નહીં, પોતાને રહેવા માટે એક મકાન પણ ભાડે રાખી લીધું. પછી અનાયાસે જ એની જિંદગીમાં નેન્સી નામની એક યુવતી પ્રવેશી. એ દરરોજ નેન્સીને પોતાની ટેક્સીમાં તેની ઑફિસે મૂકી આવતો. ધીમે ધીમે આ પરિચય વધુ ગાઢ બનીને પ્રેમમાં પરિણમ્યો. નેન્સી જેવી અત્યંત સ્વરૂપવાન યુવતી પોતાના જેવા સાધારણ દેખાવના મામૂલી ટેક્સી ડ્રાઇવરને પ્રેમ કરે છે, એ જાણ્યા પછી બાબુભાઈને પોતાના નસીબ પર ભરોસો નહોતો બેસતો. પરંતુ આ એક હકીકત હતી. નેન્સી ખરા હૃદયથી તેને ચાહતી હતી.

બાબુભાઈ અને નેન્સીનાં લગ્ન થઈ ગયાં.

નેન્સી સાથે લગ્ન કર્યા પછી બાબુભાઈ પ્રગતિનાં એક પછી એક સોપાનો સર કરતો ગયો. આજની તારીખમાં એ કુલ પચીસ ટૅક્સીઓનો માલિક હતો અને મોસ્કોમાં વૈભવશાળી જીવન જીવતો હતો. પરંતુ પોતાના વતન....પોતાના હિંદુસ્તાનને એ આજે પણ નહોતો ભૂલ્યો.

વિદેશમાં રહેતા, પરંતુ પોતાના વતન માટે કંઈ પણ કરી છૂટવા માટે તત્પર રહેનારા ભારતીયોનાં નામ-સરનામાંનું સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં અલગ જ રજિસ્ટર રહેતું હતું. બાબુભાઈએ પોતે જ સામેથી આ રજિસ્ટરમાં પોતાનું મોસ્કોનું નામ-સરનામું નોંધાવ્યું હતું તથા જરૂર પડ્યે કોઈ પણ જાતની સેવા આપતાં પોતાને આનંદ થશે એવું પણ જણાવ્યું હતું. તે હેડક્વાર્ટરમાં દિલીપ અને નાગપાલને પણ બે-ત્રણ વખત મળ્યો હતો તથા પોતાની આંતરિક ઇચ્છા તથા લાગણી તેમની પાસે વ્યક્ત કરી હતી.

–અને ખરેખર દિલીપને અત્યારે આ બાબુભાઈનું કામ પડ્યું હતું.

બપોરનો સમય હતો.

દિલીપ બાબુભાઈને શોધવા માટે એક ટૅક્સીસ્ટેન્ડ પર પહોંચ્યો. ત્યાં એક છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતો એક યુવાન, ભીના કપડાથી એક ટૅક્સી સાફ કરવામાં મશગૂલ હતો. એણે જીન્સનું પેન્ટ તથા ગંજી પહેર્યાં હતાં.

દિલીપને જોઈને ટેક્સી પર ફરી રહેલો એનો હાથ થંભી ગયો. ‘કોનું કામ છે સાહેબ... ?' એણે પ્રશ્નાર્થ દૃષ્ટિએ દિલીપ સામે જોયું.

‘બાબુભાઈનું... !’ દિલીપે રશિયન ભાષામાં જ કહ્યું, ‘બાબુભાઈ... ?’ કોણ બાબુભાઈ ?'

‘એ જ કે જે ભારતીય છે. તેમની માલિકીની કેટલીયે ટેક્સીએ પણ છે... ! પહેલાં તેઓ ગ્રાહમ રોડ પર રહેતા હતા !'

‘તમે શું એના કોઈ સગા છો…… ?'

‘હા...’ દિલીપે હકારમાં માથું હલાવ્યું, ‘મારે તાત્કાલિક તેમનું કામ છે... !'

‘કમાલ કહેવાય... !' યુવાન બોલ્યો, ‘તમે બાબુભાઈના સગા હોવા છતાંય તમને એના સરનામાની ખબર નથી... !'

‘મેં કહ્યું તો ખરું કે પહેલાં તેઓ ગ્રાહમ રોડ પર એક બે રૂમના નાનકડા મકાનમાં રહેતા હતા. પરંતુ તાજેતરમાં જ તેમણે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું છે, પરંતુ મને તેમના નવા સરનામાની ખબર નથી.’

દિલીપની વાત સાંભળીને યુવાનના ચહેરા પર ખમચાટના હાવભાવ ઊપસી આવ્યા.

‘એ તો મને પણ ખબર નથી... !'

‘શું ખબર નથી... ?’

‘બાબુભાઈના નવા સરનામાની !'

'વાંધો નહીં, તું બાબુભાઈને ઓળખે તો છે ને ?' ‘ના...’ યુવાને નકારમાં માથું હલાવ્યું, ‘હું તેમને ઓળખતો પણ નથી... !'

‘ખરેખર નથી ઓળખતો...?'

ક્યારેય એમનું નામ પણ નથી સાંભળ્યું.. દિલીપને યુવાન પર ખૂબ જ રોષ ચડ્યો.

ખરેખર એ કોઈક ઘનચક્કર હતો. જાણે પોતે બાબુભાઈથી બહુ સારી રીતે પરિચિત હોય એવી અદાથી તે દિલીપને સવાલ-જવાબ કરતો હતો. જરૂર તે ટેક્સીની દુનિયામાં નવો નવો આવ્યો હોવાને કારણે જ બાબુભાઈને નહોતો ઓળખતો.

દિલીપ એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા યુવાન ફરીથી ટેક્સી ચમકાવવામાં મશગૂલ થઈ ગયો હતો. પછી સિગારેટનો કસ ખેંચતાં ખેંચતાં અચાનક દિલીપની નજર લાગ્યો.

એક આધેડ માણસ પર પડી.

એ માનવી કાચની કૅબિનમાં એક ટેબલ પાછળ બેસીને કંઈક લખતો હતો.

દિલીપે સિગારેટનો અંતિમ કસ ખેંચી, તેનું ઠૂંઠું જમીન પર ફેંકીને બૂટના તળિયા વડે મસળી નાખ્યું.

ત્યાર બાદ તે આગળ વધી, કેબિનનો દરવાજો ઉઘાડીને અંદર પ્રવેશ્યો અને ત્યાં બેઠેલા આધેડને પણ બાબુભાઈ વિશે એ જ સવાલ પૂછ્યો.

બાબુભાઈનું નામ સાંભળતાં જ એ માણસે લખવાનું કામ પડતું કી દીધું.

એના ચહેરા પર હજાર વૉલ્ટના બલ્બ જેવી ચમક પથરાઈ

‘બાબુભાઈ.... !' એ તરત જ ખુશખુશાલ અવાજે બોલી ઊઠ્યો,

‘બાબુલાલને વળી અહીં કોણ નહીં ઓળખતું હોય...? અરે, એ તો મારો જિગરી દોસ્ત છે... ! આ શહેરની ટૅક્સીની દુનિયામાં તો એનું નામ ખૂબ જ જાણીતું છે.

‘તમે બાબુભાઈને ઓળખો છો, ખરું ને...? ‘હા...ચોક્કસ ઓળખું છું.. ! તમે ઊભા શા માટે છો. ? બેસો, બેસો... !'

બાબુભાઈ સુધી પહોંચવાનો માર્ગ મળી ગયો હતો એ જાણીને દિલીપ મનોમન ખૂબ જ આનંદ અનુભવવા લાગ્યો.

એની આશા કરતાં પણ આ કામ વહેલું પત્યું હતું.

એ ત્યાં જ પડેલી એક ખુરશી પર બેસી ગયો.

‘શું તમે બાબુભાઈના મુલકમાંથી આવ્યા છો... ?' ‘હા...’ દિલીપે પણ એવા જ ટોનમાં જવાબ આપ્યો, ‘હું એના મુલકથી જ આવ્યો છું.'

‘સરસ.... !’

‘મારી પાસે બાબુભાઈનું ગ્રાહમ રોડવાળું સરનામું તો છે. દિલીપ બોલ્યો, ‘પરંતુ અહીં આવ્યા પછી મને ખબર પડી કે તેમણે રહેઠાણ બદલી નાખ્યું છે એટલે હું મુશ્કેલીમાં મુકાઈ ગયો છું. ‘એમાં મુશ્કેલી શાની.... ? તમારી બધી મુશ્કેલી દૂર થઈ જશે... !' આધેડ માણસે કહ્યું, ‘હું પોતે હમણાં તમને એને ઘેર લઈ જઉં છું.' વધુ

'ના...એની જરૂર નથી... !' દિલીપ બોલ્યો, ‘હું તમને તકલીફ આપવા નથી માગતો.’

‘અરે, ભાઈબંધીમાં તકલીફ કઈ વાતની.... ?’ ‘ના...તમે મને બાબુભાઈનું સરનામું જણાવી દો... ! હું પોતે જ ચાલ્યો જઈશ !'

‘પણ...’

‘તમે ચિંતા ન કરો...આ શહેરથી હું પરિચિત છું.'

‘ભલે...જેવી તમારી ઇચ્છા... ! પણ પહેલાં હું તમારે માટે ચા મંગાવું છું.’

‘નાક જ શા માટે તકલીફ લો છો...?'

‘ના...’ આધેડ આગ્રહભર્યા અવાજે બોલ્યો, ચા તો તમારે પીવી જ પડશે... ! બાબુભાઈને ખબર પડશે કે મેં તેના મહેમાનની સરભરા નથી કરી તો એ નારાજ થઈ જશે... !'

‘એ નારાજ નહીં થાય.. !'

પરંતુ આધેડ ન માન્યો તે ન જ માન્યો. એણે બે ચા મંગાવી.

થોડી વારમાં જ બહાર ટૅક્સી ચમકાવી રહેલો લંબૂસ ઘનચક્કર થર્મોકોલના બે ગ્લાસમાં ચા લઈને આવી પહોંચ્યો.

દિલીપ ચૂપચાપ ચાના ઘૂંટડા ભરવા લાગ્યો. તે ઘૂંટડા ભરતો હતો એ દરમિયાન આધેડ બાબુભાઈની જ વાતો કરતો રહ્યો હતો.

દસ મિનિટમાં તો એણે બાબુભાઈ વિશે એટલી બધી વાતો જણાવી દીધી કે જે દિલીપ એક અઠવાડિયાની મહેનત પછી પણ જાણી શકે તેમ નહોતો.

ત્યાર બાદ એણે બાબુભાઈના નવા રહેઠાણનું સરનામું પણ જણાવ્યું.

દિલીપે પોતાની પોકેટ ડાયરીમાં એ સરનામું લખી લીધું.

‘અત્યારે તો બાબુભાઈ ઘેર નહીં મળે... !'

'એમ...?’

‘કારણ કે એ તો આખો દિવસ પોતાની મોરીસ માઇનર કારમાં બેસીને શહેરમાં આંટા મારતો હોય છે.’

આ એક નવી માહિતી હતી.

‘છતાંય તેને મળવાનું કોઈક ચોક્કસ સ્થળ તો હશે જ ને... ?’

‘હા, એક સ્થળ છે.’

‘કર્યું ?’

‘સાંજે સાત વાગ્યે બાબુભાઈ ગ્રાહમ રોડના ટૅક્સીસ્ટેન્ડ પર જરૂર જાય છે.’ આધેડ સ્મિતસહ બોલ્યો, ‘ત્યાં એના બધા ડ્રાઇવરો ટૅક્સીઓ લઈને આવે છે અને આખા દિવસનો હિસાબ તેને આપે છે.’

‘ગ્રાહમ રોડ પર ટૅક્સીસ્ટેન્ડ તો એક જ છે ને... ?’

‘ભલે....તો હું સાંજે એને ત્યાં જ મળી લઈશ... !' આધેડે હકારમાં માથું હલાવ્યું. દિલીપ એનો આભાર માનીને ત્યાંથી વિદાય થઈ ગયો.

******