Barood - 8 books and stories free download online pdf in Gujarati

બારૂદ - 8

૮ ઝીણા હાઉસ

દિલીપ સવારે આઠ વાગ્યે જ નિર્ધારિત ઇમારતમાં પહોંચી ગયો હતો. એની સાથે બાબુભાઈ પણ હતો, દિલીપ બાબુભાઈને સાથે લાવવા નહોતો માગતો, પરંતુ બાબુભાઈના અનહદ આગ્રહ સામે છેવટે તેને નમતું જોખવું પડ્યું હતું, તે એક કપડામાં રાઈફલ વીંટાળીને લાવ્યો હતો. કમિશ્રરની ગાડી તેમને આ ઈમારત  સુધી મૂકી ગઈ હતી એટલે કોઈએ તેમની તલાશી પણ નહોતી લીધી.

બંને છઠ્ઠા માળ પર એક રૂમમાં પહોંચી ગયા. આ રૂમની બારીમાંથી ‘ઝીણા હાઉસ' સ્પષ્ટ રીતે નજરે ચડતું હતું.

‘બિરાદર……… !’ રૂમમાં પહોંચતાં જ બાબુભાઈ એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, ‘અત્યાર સુધી તો બધું બરાબર ચાલે છે. મોસ્કોમાં હું આટલાં વર્ષોથી રહું છું, પરંતુ શહેરની સડકો પર મેં આજ સુધી આટલી પોલીસ ક્યારેય નથી જોઈ.’

દિલીપ કશુંય ન બોલ્યો, એણે રાઇફલ એક તરફ મૂકી અને પછી બારીથી ચાર-પાંચ ફૂટ દૂર ઊભા રહીને ઝીણા હાઉસ' તરફ નજર કરી, ત્યાંથી ‘ઝીણા હાઉસ’ની દરેક બારીઓ, દરેક ઝરુખા  સ્પષ્ટ રીતે નજરે ચડતા હતા. એણે સંતોષથી માથું ધુણાવ્યું

‘શું થયું બિરાદર...?'

‘કંઈ નહીં... !' દિલીપ ગજવામાંથી સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢતાં બોલ્યો, ‘અહીંથી ડેનિયલની ખોપરીનું બરાબર નિશાન તાકી શકાશે કે નહીં, એ હું ચેક કરતો હતો.’

‘ચેક કરી લીધું...?’

‘હા...આ જગ્યા એકદમ ફર્સ્ટ ક્લાસ છે. ડેનિયલ ભલે 'ઝીણા હાઉસ'ની ગમે તે બારીમાં દેખાય.. અહીંથી આરામથી એની ખોપરીના ભુક્કા બોલાવી શકાય તેમ છે... !'

દિલીપની વાત સાંભળીને બાબુભાઈના ચહેરા પર પણ રાહતના હાવભાવ ઊપસી આવ્યા..

દિલીપે એક સિગારેટ પેટાવીને ઉપરાઉપરી તેના બે-ત્રણ કસ ખેંચ્યા.

ત્યાર બાદ આગળ વધીને એણે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો.

હવે ત્યાં તેઓ સલામત હતા. થોડી વાર પછી અચાનક કંઈક અવાજ સાંભળીને તેઓ એકદમ ચમકી ગયા. અવાજ એ જ ઇમારતના નીચેના ભાગ તરફથી આવતો હતો.

‘આ અવાજો શેના છે... ?' બાબુભાઈએ ચમકીને પૂછ્યું. દિલીપ ધ્યાનથી અવાજ સાંભળવા લાગ્યો જે પ્રત્યેક પળે તીવ્ર બનતો જતો હતો.

‘લશ્કરી બૂટોનો અવાજ છે…… !' એ ધીમેથી ગણગણ્યો, ‘પોલીસ તથા લશ્કરના સૈનિકો પગથિયાં ચડીને આ માળ તરફ જ આવતા હોય એવું લાગે છે.'

‘જરૂર તેઓ તલાશી લેવા માટે જ આવતા હશે.' બાબુભાઈ કંપતા અવાજે બોલ્યો, ‘હવે શું થશે...?’

‘કશું જ નહીં થાય.. ! કંઈ થશે તો પડશે એવા દેવાશે... !' દિલીપે કહ્યું.

બાબુભાઈ ચૂપ થઈ ગયો.

દિલીપ સિગારેટ ફૂંકવાનું ભૂલીને દરવાજાની તિરાડમાંથી બહાર નજર કરવા લાગ્યો.

આગંતુકો સૈનિકો જ હતા. તેઓ છઠ્ઠા માળ પર આવીને ચારે તરફ ફેલાઈ ગયા હતા.

‘આખી ઇમારતની બરાબર તલાશી લો... !' તેમના કમાન્ડરનો ઊંચો અવાજ દિલીપને સંભળાયો, ‘ક્યાંય કોઈ જગ્યા બાકી ન રહેવી જોઈએ.'

બાબુભાઈએ પણ દ૨વાજાની તિરાડ પર પોતાની એક આંખ ગોઠવી.

બહારના ભાગમાં સૈનિકો આમતેમ દોડાદોડી કરતા હતા. ‘મિસ્ટર કાર્નિવો…… !'

કમાન્ડરનો ગર્જનાભર્યો અવાજ ફરીથી ગુંજી ઊઠયો.

‘યસ સર……… !'

કાર્નિવો નામનો સૈનિક બૂટ ખટખટાવતો તેની સામે આવીને ઊભો રહ્યો.

‘તમે તાબડતોબ તમારી ટુકડીને લઈને ઉપરના માળ પર જાઓ..' કમાન્ડરે આદેશાત્મક અવાજે કહ્યું, આપણે જેમ બને તેમ જલ્દી આ ઇમારતની તલાશી લઈને બહાર નીકળવાનું છે.'

કાર્નિવો નામનો સૈનિક પોતાની ટુકડી સાથે ઉપરના માળ તરફ આગળ વધી ગયો. બાબુભાઈએ પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી. પરંતુ દિલીપ કે બાબુભાઈ માટે જોખમરૂપ નીવડે એવો કોઈ બનાવ ન બન્યો. તેઓ છુપાયા હતા એ રૂમની નજીક પણ કોઈ સૈનિક ન કહ્યો. અને આ બધું નાગપાલના પ્રયાસોનું જ ફળ હતું. ચોક્કસ જ એ રૂમની તલાશી ન લેવાનો આદેશ સૈનિકોને આપી દેવામાં આવ્યો હતો. ખેર, સૈનિકો જે રીતે ધડાધડ ઇમારતમાં આવ્યા હતા, એ જ રીતે ત્યાંથી પાછા પણ ચાલ્યા ગયા.

'બિરાદર... !' તેમના વિદાય થયા પછી બાબુભાઈ છુટકારાનો શ્વાસ લેતાં બોલ્યો, ‘જે રીતે આ બધી ધમાચકડી થાય છે તે જોતાં કુરેશીને પોતાના ષડયંત્રમાં સફળતા મળે એવું મને નથી લાગતું. વડાપ્રધાનનો કાફલો કશીયે અડચણ વગર પ્રેસિડેન્ટ હાઉસ પહોંચી જશે.’

તો તો વધુ સારું !' દિલીપ સિગારેટનો કશ ખેંચતાં કહ્યું. અત્યારે પણ એ પોતાના કાયમી પહેરવેશમાં સજ્જ હતો. લાંબો ઓવરકોટ અને માથા પર ગોળ હૅટ... | એની હૅટમાં કાયમ એક રિવોલ્વર છુપાયેલી રહેતી હતી. કટોકટીના સમયે તે એનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત એક રિવોલ્વર તે ઓવરકોટના ગજવામાં પણ રાખતો હતો.

એ જ વખતે અચાનક તેના ટ્રાન્સમીટરમાંથી બીપ્...બીપ્...નો અવાજ ગુંજવા લાગ્યો. દિલીપ તાબડતોબ ઓવરકોટના ગુપ્ત ગજવામાંથી ટ્રાન્સમીટર બહાર કાઢીને તેના ઇયરપીરા કાનમાં ભરાવ્યા અને માઇક હાથમાં પકડયું.

'હલ્લી...દિલીપ સ્પીકિંગ....ઓવ... ! દિલીપ 'સ્પીકિંગ...ઓવર... !' દિલીપ ઝપાટાબંધ માઇક પર બોલવા લાગ્યો. 'દિલીપ, હું નાગપાલ બોલું છું…… !' સામેથી નાગપાલનો અવાજ તેને સંભળાયો.

'બોલો, એકલ... !'

'તેં ઇમારતમાં તારી પોઝિશન સંભાળી લીધી છે ને ?'

'હા...’ દિલીપ ઉત્સાહભેર બોલ્યો, ‘અત્યારે બાબુભાઈ પણ મારી સાથે છે !'

'વેરી ગુડ...એ ઇમારતની તલાશી લેવાઈ ગઈ... ?'

‘હા...થોડી વાર પહેલાં પચીસેક જેટલા સૈનિકો તલાશી લેવા માટે આવ્યા હતા, પરંતુ અમે જે રૂમમાં છીએ એની નજીક પણ તેઓ નથી ફરક્યા !'

''ગુડ... !' નાગપાલનો પ્રસન્ન અવાજ એના કાને અથડાયો, ‘એ ટુકડીના કમાન્ડરને સીધો કે,જી.બી. તરફથી જ આ જાતનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તારે માટે એક આનંદના સમાચાર છે. તારી સૂચના પ્રમાણે મેં સી.આઈ.ડી. એજન્ટ નીલેશ મહેતાને પતંગ-દોરો લઈને ‘ઝીણા હાઉસ’ની બાજુમાં આવેલી એક ઇમારત પર મોકલી આપ્યો છે. વખત આવ્યે એ નક્કી થયા મુજબ પતંગ ઉડાડીને તને સંકેત આપી દેશે. તું બરાબર ધ્યાન રાખજે.' ‘અર્થાત્ અત્યાર સુધી બધું યોજના મુજબ જ ચાલે છે, ખરું...?''

'હા...!'

‘ઓ.કે....ઓવર...’

વળતી જ પળે સામેથી સંપર્ક કપાઈ ગયો. પતંગવાળું કામ પણ પતી ગયું છે એ વાત જાણીને દિલીપ મનોમન આનંદ અનુભવતો હતો. ત્યાર બાદ એણે રાઇફલને તેના સ્ટેન્ડ પર ફીટ કરી.

રાઇફલ હવે પોતાના સ્થાનેથી સ્હેજ પણ ચસકી શકે તેમ નહોતી

અને હવે તેનાથી વધુ સારી રીતે નિશાન તાકી શકાય તેમ હતું. દિલીપે રાઇફલના ટેલિસ્કોપિક લેન્સને ‘ઝીણા હાઉસ'ની બારીઓ તથા ઝરૂખાઓ તરફ સ્થિર કર્યો.

ડેનિયલ કોઈ પણ ઘડીએ આમાંથી કોઈક બારી કે ઝરૂખામાં નજરે ચડી શકે તેમ હતો અને તે નજરે ચડે કે તરત જ દિલીપે પોતાની અચૂક નિશાનબાજીની કમાલ બતાવી દેવાની હતી. પોતે અચૂક નિશાનબાજ છે એ વાત એણે પુરવાર કરી બતાવવાની હતી..

ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો.

ભારતીય વડાપ્રધાનના એરપોર્ટ પર ઊતરવાનો સમય નજીક આવતો જતો હતો.

રૂમમાં બે સ્ટૂલ પડ્યાં હતાં. દિલીપ એક શક્તિશાળી દૂરબીન આંખો પર માંડીને એક સ્ટૂલ પર બેસી ગયો.

બાબુભાઈ પણ એની બાજુમાં ગોઠવાઈ ગયો હતો.

દિલીપ વચ્ચે વચ્ચે સિગારેટના કસ ખેંચી લેતો હતો. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ તેઓની વ્યાકુળતા વધતી જતી હતી.

હજુ સુધી ‘ઝીણા હાઉસ'ની કોઈ બારીમાં ડેનિયલ નહોતો ડોકાયો. અત્યારે રહી રહીને દિલીપને એક જ વાત અકળાવતી હતી. વડાપ્રધાનની જિંદગી અને મોતનો બધો આધાર તેના એક નિશાન પર હતો. જો તે સ્હેજ પણ નિશાન ચૂકે તો વડાપ્રધાનનો જીવ જોખમમાં મુકાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. અલબત્ત, દિલીપને પોતાના નિશાન પર ખૂબ જ ભરોસો હતો. પરંતુ ગમેતેમ તોય છેવટે તો તે પણ એક માણસ જ હતો. અને માણસથી કોઈ પણ ભૂલ થઈ શકે તેમ હતી. પોતાની નજીવી ભૂલ પણ પોતાને બહુ ભારે પડી શકે તેમ છે એ વાત તે બરાબર જાણતો ને સમજતો હતો. આ તેની જિંદગીની કદાચ સૌથી વધુ ભયંકર ભૂલ બની શકે તેમ હતી.

આ ઉપરાંત દિલીપને હવે એક બીજો ભય પણ સતાવતો હતો. ઘડીભર માટે માની લો કે પોતે (દિલીપ) અણીના સમયે ડેનિયલને ગોળી ઝીંકી દે છે, પરંતુ જો કુરેશીએ વડાપ્રધાનના ખૂન માટે વિકલ્પ રૂપે અન્ય કોઈ માણસને બીજે ક્યાંક રાઇફલ સાથે ગોઠવ્યો હશે, તો શું થશે... ? આ સંજોગોમાં વડાપ્રધાનનો કાફલો ‘ઝીણા હાઉસ’ સામેથી તો હેમખેમ પસાર થઈ જશે, પરંતુ આગળ જતાં કુરેશીએ ગોઠવેલો બીજો માણસ વડાપ્રધાનને શૂટ કરી નાખશે. અને આ બીજો માણસ કુરેશી પોતે પણ હોઈ શકે તેમ હતો.

આ વાતની કલ્પનાથી જ દિલીપના દેહમાં ધ્રુજારી ફરી વળી.

એણે સિગારેટનો એક વધુ કેસ ખેંચ્યો. ‘વડાપ્રધાનનું પ્લેન કેટલા વાગ્યે મોસ્કો પહોંચવાનું છે બિરાદર... ?' બાબુભાઈએ પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘અગિયારને પચાસ મિનિટે !'

અત્યારે અગિયારને ઉપર દસ મિનિટ થઈ છે... !' બાબુભાઈએ પોતાની કાંડાઘડિયાળમાં સમય જોતાં કહ્યું, 'હજુ ચાર્લોસ મિનિટની વાર છે. બિરાદર, એક વાતનો મને ખૂબ જ ભય સતાવે છે'

'કઈ વાતનો... ?’

કુરેશી વિશે તમારી પાસેથી મને જે કંઈ જાણવા મળ્યું છે, તેના પરથી એટલું તો ચોક્કસ પુરવાર થઈ ગયું છે કે તે ખૂબ જ ભયંકર હોવાની સાથે સાથે અત્યંત ચાલાક, ગણતરીબાજ અને તીવ્ર બુદ્ધિશાળી પણ છે. એના આ વ્યક્તિત્વ પરથી જ મારા મનમાં એક શંકા ઊપજે છે કે ક્યાંક એ શરૂઆતથી જ તો આપણને અંધારામાં નથી રાખતો ને... ? જરા વિચારો... આપણે એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ વચ્ચેના તમામ માર્ગોનું બારીકાઈથી અવલોકન કર્યું અને કૂદીને એવા પરિણામ પર પહોંચી ગયા કે વડાપ્રધાનના કાફલાનો રૂટ ભલે ગમે તે હોય, પરંતુ તે ‘ઝીણા હાઉસ’ સામેથી જ પસાર થશે અને તેમના પર ગોળી પણ ‘ઝીણા હાઉસ'માંથી જ છોડવામાં આવશે. એટલું જ નહીં, સી.આઈ.ડી.ના એજન્ટોએ ડેનિયલને નિશાનબાજીની પ્રેક્ટિસ કરતો તથા આપણે કુરેશીને ‘ઝીણા હાઉસ'માં રાઈફલ પહોંચાડતો જોયો છે. આ બંને દૃશ્યો જોયા પછી હવે તો વડાપ્રધાન પર ‘ઝીણા હાઉસ'માંથી જ ગોળી છોડવામાં આવશે એવી આપણી શંકા ખાતરીમાં પલટાઈ ગઈ. પણ હવે આ સમગ્ર મામલાના બીજા પાસા પ્રત્યે ધ્યાન આપો બિરાદર... !'

‘બીજું કયું પાસું... ?’ ઘડીભર માટે માની લો કે કુરેશી આપણી કાર્યવાહી વિશે અગાઉથી જ બધું જાણતો હતો.' બાબુભાઈ ગંભીર અવાજે બોલ્યો, ‘પોતાના પર તથા ડેનિયલ પર નજર રાખવામાં આવે છે એની તેને ખબર હતી, પરંતુ તેમ છતાંય વડાપ્રધાન પર ‘ઝીણા હાઉસ'માંથી ગોળી છૂટવાની છે, એવું આપણા મગજમાં સજ્જડતાથી ઠસી જાય એટલા માટે તે જાણી જોઈને જ રમત રમ્યો. આ સંજોગોમાં આપણું સમગ્ર ધ્યાન ઝીણા હાઉસ' પર જ કેન્દ્રિત થઈ જાય એ સ્વાભાવિક જ છે. અને બન્યું પણ એમ જ.... ! આપણે અત્યારે ઝીણા હાઉસ” સામે જ મીટ માંડીને ડેઠા છીએ, જ્યારે કુરેશી કોઈઃ બીજા સ્થળે વડાપ્રધાનને શૂટ કરી નાખવા માટે ટાંપીને બેઠો હશે. બાબુભાઈની વાત સાંભળીને દિલીપ સ્તબ્ધ બની ગયો.

બાબુભાઈએ વ્યક્ત કરેલી શંકાથી એનું હૈયું હચમચી ઊઠ્યું. મારી શંકા ખોટી છે બિરાદર...? એને ચૂપ જોઈને બાબુભાઈએ પૂછ્યું.

'ના....ના... દિલીપ કંપતા અવાજે બોલ્યો. આ પળે સિગારેટનો કસ ખેંચવાનું પણ એ જાણે કે ભૂલી ગયો હતો, ‘તમારી વાત ખૂબ જ મુદ્દાની છે ભાઈ..! આ વાત મારા મગજમાં શા માટે ન આવી એની મને નવાઈ લાગે છે.....કુરેશીની તો રગેરગમાં દગાબાજી ભરેલી છે... !

બાબુભાઈ ચૂપ રહ્યો. અલબત્ત, આ વાત પોતાને પણ રહી રહીને શા માટે સૂજી એનો તેને ખૂબ જ અફસોસ થતો હતો. હવે કંઈ થઈ શકે તેમ નથી...?’ એણે વિચારવશ અવાજે પૂછ્યું.

'હવે શું થઈ શકે તેમ છે...? દિલીપ સિગારેટનો અંતિમ કસ ખેંચી, તેના ઠૂંઠાને જમીન પર ફેંકીને બૂટના તળિયા વડે મસળતાં બોલ્યો, હવે તો રાહ જોઈને કુરેશી આવી કોઈ ચાલબાજી ન રમ્યો હોય એ માટે ઈશ્વરને પ્રાર્થના જ કરી શકીએ તેમ છીએ... ! આપણે આશા રાખીએ કે ડેનિયલ વડાપ્રધાન પર ગોળી છોડવા માટે ‘ઝીણા હાઉસમાં જ આવે...'

પરંતુ હજુ સુધી ડેનિયલનાં ઝીણા હાઉસમાં ક્યાંય દર્શન નથી થયાં !!

‘હા...’ દિલીપના એરા પર ચિંતાની લકીરો ફરી વળી.

વાતાવરણ ભારેભરખમ બની ગયું હતું.

નીચે સડક પર ટ્રાફિકની અવરજવર હવે બંધ કરાવી દેવામાં આવી હતી. ‘ઝીણા હાઉસ'ની સામેથી આ સડક ૧૫૦ ડિગ્રીના કોણથી વળી જતી હતી. ‘ઝીણા હાઉસ' અને આ વળાંકની વચ્ચે એક વિશાળ મેદાન હતું. સૌથી વધુ ભીડ આ વળાંક પાસે જ હતી કારણ કે આ વળાંક એરપોર્ટથી આવતી સડકના ખૂણા પર હતો. વડાપ્રધાનનો કાફલો ત્યાંથી જ ફરીને બીજી સડક પર પહોંચવાનો હતો. એ સ્થળેથી વધુ સારી રીતે તેમનાં દર્શન થઈ શકે તેમ હતાં.

દિલીપ આંખો પર દૂરબીન માંડીને ‘ઝીણા હાઉસ' સામે તાકી રહ્યો હતો.

ડેનિયલનો હજુ પણ ક્યાંય પત્તો નહોતો.

‘ઝીણા હાઉસ'ની કોઈ બારી કે ઝરૂખામાં કશીયે હિલચાલ નહોતી દેખાતી.

બાર વાગવામાં દસ મિનિટ બાકી હતી ત્યારે ફરીથી દિલીપના ટ્રાન્સમીટરમાંથી બીપ્....બીર્...નો અવાજ ગુંજવા લાગ્યો. દિલીપે તરત જ ટ્રાન્સમીટર ચાલુ કરીને ઇયરફોન બંને કાનમાં ભરાવ્યાં.

‘યસ, દિલીપ સ્પીકિંગ... !' એ ટ્રાન્સમીટરનું માઇક હાથમાં લેતાં તત્પર અવાજે બોલ્યો.

‘દિલીપ... !' ઇયરપીસમાં નાગપાલનો ગંભીર અવાજ ગુંજી ઊઠ્યો, ‘વડાપ્રધાનનું પ્લેન સમયસર મોસ્કોના એરપોર્ટ પર ઊતરી ચૂક્યું છે. હવે તું ટ્રાન્સમીટર ચાલુ જ રાખજે.... ! હું એક એક મિનિટનો રિપોર્ટ તને આપતો રહીશ. ઓવર ઍન્ડ ઑલ... !'

દિલીપના વ્હેરા પર નિરાશા ફરી વળી.

ચોક્કસ કુરેશી તેને થાપ ખવડાવી ગયો હતો. ડેનિયલ હવે ‘ઝીણા હાઉસે' નથી આવવાનો તે સંજોગો પરથી દેખાઈ આવતું હતું.

દિલીપે ટ્રાન્સમીટરનું માઇક ગજવામાં મૂક્યું અને સ્ટૂલ પર ઊભા થઈ, આંખો ૫૨ દૂરબીન ગોઠવીને પુનઃ ‘ઝીણા હાઉસ’ તરફ દૃષ્ટિપાત કર્યો.

વળતી જ પળે એના મોંમાંથી સિસકારો નીકળી ગયો. તેને ‘ઝીણા હાઉસ'નાં પગથિયાં પર ડેનિયલ દેખાયો. એ ઝપાટાબંધ પગથિયાં ચડીને ‘ઝીણા હાઉસ’ના પ્રવેશદ્વાર તરફ આગળ વધતો હતો.

'અરે...આ તો ડેનિયલ જ છે.. !' બાબુભાઈ પણ તેને જોઈને આશ્ચર્યથી બોલી ઊઠ્યો.

‘હા...એ છે... !' દિલીપે છુટકારાનો એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘ઈશ્વરનો પાડ કે આપણી શંકા ખોટી નીકળી અને તે અહીં પહોંચી ગયો... !'

બાબુભાઈના ચહેરા પર પણ રાહતના હાવભાવ છવાઈ ગયા.

નીચે સડક પર લોકોની ભીડ વધતી જતી હતી. તેમનો શોર- બકો છેક ઉપર સુધી સંભળાતો હતો. એ જ વખતે ઇયરપીસમાં નાગપાલનો અવાજ ગુંજી ઊઠ્યો.

એણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન દ્વારા વડાપ્રધાનનું સ્વાગત થઈ ગયું હતું અને હવે તેમને ગાર્ડ ઑફ ઑનર અપાતું હતું.

દિલીપ કંઈ ન બોલ્યો. અલબત્ત, ઇયરપીસમાં તેને તોપની ભયાનક ગર્જના તથા ફોજી સંગીતનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. એની આંખો પર હજુ પણ દૂરબીન ગોઠવેલું હતું અને તે ‘ઝીણા હાઉસ' સામે જ તાકી રહ્યો હતો.

થોડી વાર પછી ડેનિયલ ‘ઝીણા હાઉસ’ની એક બારી પાસે દેખાયો. એના હાથમાં ટેલિસ્કોપિક રાઇફલ જકડાયેલી હતી.

દિલીપે દૂરબીન ખસેડીને પોતાની રાઇફલના ટેલિસ્કોપમાંથી ડેનિયલ તરફ નજર કરી. ટેલિસ્કોપના લેન્સમાંથી તે એકદમ સ્પષ્ટ રીતે દેખાતો હતો. એના માથાના એક એક વાળ સુધ્ધાં દેખાતા હતા.

દિલીપનું સમગ્ર ધ્યાન પોતાની રાઇફલ પર જ કેન્દ્રિત થઈ આ એની જિંદગીની સૌથી મોટી કસોટી હતી અને આ કસોટીમાંથી એણે કોઈ પણ ભોગે પાર ઊતરવાનું હતું. ‘મારી વાત સાંભળે છે દિલીપ... ?' ટ્રાન્સમીટરના ઇયરપીસમાં નાગપાલનો અવાજ ગુંજી ઊઠ્યો.

‘હા, અંકલ... !' દિલીપ તત્પર અવાજે બોલ્યો.

વડાપ્રધાન અત્યારે રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિનની સાથે પત્રકાર પરિષદને સંબોધે છે. થોડી વાર પછી તેઓ બૂલેટપ્રૂફ ગાડીમાં બેસીને પ્રેસિડેન્ટ હાઉસ તરફ રવાના થશે.'

‘ઓ.કે. અંકલ... !'

'ડેનિયલના શું સમાચાર છે ?’

‘તે થોડી વાર પહેલાં અહીં પહોંચ્યો છે અને હવે એણે ‘ઝીણા હાઉસ'ની એક બારીમાં પોતાનો મોરચો પણ સંભાળી લીધો છે.' ‘બાકી બધું તો બરાબર છે ને ?’

‘હા, અંકલ... ઓવર ઍન્ડ ઑલ... !' વધુ થોડી મિનિટો પસાર થઈ ગઈ.

થોડી વાર પછી ટ્રાન્સમીટરના ઇયરપીસમાં નાગપાલનો અવાજ ગુંજ્યો. એણે જણાવ્યું કે વડાપ્રધાનની મોટરનો કાફલો પ્રેસિડેન્ટ હાઉસ તરફ રવાના થઈ ચૂક્યો છે.

દિલીપે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. બરાબર સાડા બાર વાગ્યા હતા.

‘હજુ સુધી તો નક્કી થયેલા ટાઇમટેબલ મુજબ જ બધો પ્રોગ્રામ ચાલે છે..! એને ઘડિયાળમાં નજર કરતો જોઈને બાબુભાઈ બોલ્યો.

‘હા..!'

કસોટીનો સમય પ્રત્યેક પળે વધુ ને વધુ નજીક આવતો જતો હતો.

નીચે સડક પર ભીડ વધવાની સાથે સાથે શોરબકોર પણ વધી ગયો હતો.

દિલીપે રાઇફલના ટેલિસ્કોપમાંથી પુનઃ ‘ઝીણા હાઉસ'ની ડેનિયલ દેખાતો હતો એ બારી તરફ નજર કરી.

ડેનિયલે પોતાની આંખો પર કાળા કાચવાળાં ગોગલ્સ ચશ્માં પહેર્યાં હતાં. આજે વાતાવરણ એકદમ સૂર્યપ્રકાશિત હતો. સૂર્યનો પ્રકાશ સીધો ‘ઝીણા હાઉસ’ની બારીઓ પર પડતો હતો. કદાચ આ તાપથી બચવા માટે જ ડેનિયલે પોતાની આંખો પર ગોગલ્સ ચડાવેલાં હતાં. બાબુભાઈ પણ હવે આંખો પર દૂરબીન ગોઠવીને ડેનિયલ સામે તાકી રહ્યો હતો.

ડેનિયલ અત્યારે રાઇફલ ચેક કરતો હતો અને વારંવાર રાઇફલના ટેલિસ્કોપિક લેન્સમાંથી સડક તરફ નજર દોડાવી લેતો હતો. પછી એણે ગોળીઓ પણ ચેક કરી, ‘બિરાદર... !’ સહસા બાબુભાઈ બોલ્યો, ‘આજે ખુદ પોતાની ખોપરીના જ ભુક્કા બોલી જવાના છે એ વાતની તો આ નંગે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય... !'

'જોઈએ, શું થાય છે... !'

‘હું તો કહું છું કે રાહ જોવાની કંઈ જરૂર જ નથી... ! આ હરામખોરને હમણાં જ શૂટ કરી નાખો.’

‘ઉતાવળ કરવાનું કામ શયતાનનું હોય છે બાબુભાઈ ! ઉતાવળમાં માણસ પોતાનું જ નુકસાન કરી બેસે છે. વડાપ્રધાનની મોટરનો કાફલો અહીં પહોંચી જાય ત્યારે અણીના સમયે જ આપણે ગોળી છોડવાની છે.’

બાબુભાઈ ચૂપ થઈ ગયો.

ઘડિયાળનો કાંટો ધીમે ધીમે આગળ ને આગળ સરકતો હતો. બાર વાગીને ઉપર પચાસ મિનિટ થઈ ગઈ. ટ્રાન્સમીટરના ઇયરપીસમાં ફરીથી નાગપાલનો અવાજ ગુંજ્યો,

બધું બરાબર છે ને દિલીપ...?’

‘હા, અંકલ... !’

અત્યારે વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી ઘણો આગળ નીકળી આવ્યો છે. ભારતના હાઈકમિશ્રરની જે ગાડીમાં હું છું, તે વડાપ્રધાનની બૂલેટપ્રૂફ ગાડીની પાછળ જતી બે કાર પછી જ છે. હું વડાપ્રધાનને સ્પષ્ટ રીતે જોઈ શકું છું...'

‘તેમની કાર પરથી છત ખસેડેલી છે... ?' દિલીપે પૂછ્યું.

'હા...એરપોર્ટ પર જ તેમની કારની છત ખસેડી નાખવામાં આવી હતી. અત્યારે વડાપ્રધાન હાથ હલાવીને સડક પર મોજૂદ જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોનો શોર તને પણ સંભળાતો હશે.

‘હા, સંભળાય છે... !'

‘દસેક મિનિટમાં જ કાફલો ‘ઝીણા હાઉસ’ પાસે પહોંચી જશે... !'

‘કંઈ વાંધો નહીં અંકલ... !' દિલીપ ઉત્સાહભેર બોલ્યો, ‘હું મારું કામ પાર પાડવા માટે એકદમ તૈયાર છું... !'

‘ડેનિયલની શું પોઝિશન છે………… ?’

‘એ પણ ઘાત લગાવીને બેઠો છે.. !'

‘તારું નિશાન ન ચૂકવું જોઈએ દિલીપ... !' ઇયરપીસમાં ગુંજતો નાગપાલનો અવાજ એકદમ ગંભીર હતો, ‘જો તું નિશાન ચૂકીશ તો આપણા વડાપ્રધાન નહીં બચે એટલું યાદ રાખજે.... !'

‘મને ખબર છે અંકલ... ! આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહો... !'

‘ઓ.કે....વીશ યુ ઑલ ધ બેસ્ટ.... !'

સામે છેડેથી આવતો નાગપાલનો અવાજ બંધ થઈ ગયો. દિલીપે પોતાની જાતને આટલી મોટી જવાબદારીથી બંધાયેલી અગાઉ ક્યારેય નહોતી જોઈ. વડાપ્રધાનની જિંદગીનો બધો ભાર જાણે કે એના ખભા પર હતો.

ખરેખર અત્યારની આ પળો એને માટે ખૂબ જ રોમાંચ અને સનસનાટી ભરેલી હતી.

માત્ર એક ગોળી પર જ આખા મિશનની સફળતા કે નિષ્ફળતાનો આધાર હતો.

- દસ મિનિટ બાકી હતી... ! વાતાવરણમાં બ્લેડની ધાર જેવો તીખો સન્નાટો ફરી વળ્યો હતો.

દિલીપ જે સ્કૂલ પર ટેલિસ્કોપિક રાઇફલ ગોઠવી હતી તેને ઘસડીને બારીની સ્ટેજ નજીક લઈ ગયો. ત્યાર બાદ તે પથ્થરના પૂતળાની જેમ રાઇફલની પાછળ બેસી ગયો. એણે રાઇફલના ટેલિસ્કોપિક લેન્સ પર આંખ માંડી.

ડેનિયલનું ધ્યાન એની તરફ બિલકુલ નહોતું. દિલીપે એની ખોપરીનું નિશાન સાધી લીધું.

હવે માત્ર ટ્રિગર દબાવવા જેટલી જ વાર હતી. ટ્રિગર દબાવતાં જ ડેનિયલની ખોપરીના ભુક્કા બોલી જવાના હતા.

બાબુભાઈના ધબકારા પણ વધી ગયા હતા. રહી રહીને એના મગજમાં એક જ વાત ગુંજતી હતી.

- હવે શું થશે... ? હવે શું થશે... ? - થોડી પળો બાદ ટ્રાન્સમીટરના ઇયરપીસમાંથી ફરીથી નાગપાલનો અવાજ ગુંજી ઊઠ્યો, ‘સાવધાન, દિલીપ... ! મોટરનો કાફલો હવે ‘ઝીણા હાઉસ'ની સામે પહોંચવાની તૈયારીમાં જ છે... !'

‘ઓ.કે. અંકલ... !' દિલીપ સાવચેત અવાજે બોલ્યો.

‘તું તૈયાર છો ને ?'

'એકદમ તૈયાર... ! ઓવર....'

દિલીપે ટ્રાન્સમીટર બંધ કરીને એક તરફ મૂક્યું અને બંને કાનમાંથી ઇયરપીસ પણ કાઢી નાખ્યાં. હવે તેને ટ્રાન્સમીટરની કંઈ જરૂર નહોતી. ટ્રાન્સમીટર છેવટ સુધી બગડ્યું નહોતું. ટ્રાન્સમીટરના માધ્યમથી નાગપાલ સાથે અત્યાર સુધી સતત સંપર્ક જળવાઈ રહ્યો હતો એ વાતનો તેને પૂરેપૂરો સંતોષ હતો.

એ જ વખતે દિલીપની નજર બાબુભાઈ પર પડી. તે આંખો મીંચી, બંને હાથ જોડીને કશુંક બબડતો હતો. કદાચ દિલીપની સફળતા માટે તે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો.

પછી દિલીપને બહાર આકાશમાં ‘INDIA' લખેલી પતંગ ઊડતી પણ નજરે ચડી.

સી.આઈ.ડી. એજન્ટ નીલેશ મહેતાએ પણ પોતાનું કામ બરાબર પાર પાડ્યું હતું.

દિલીપે હવે પોતાનું સમગ્ર ધ્યાન રાઇફલ પર કેન્દ્રિત કર્યું. એની જમણી આંખ બંધ થઈ ગઈ અને ડાબી આંખ ટેલિસ્કોપના લેન્સ પર ગોઠવાઈ ગઈ.

એની આંગળી ધીમે ધીમે સરકીને રાઇફલના ટ્રિગર પર જઈ પહોંચી.

તે હવે ડેનિયલની ખોપરીના ભુક્કા બોલાવવા માટે એકદમ તૈયાર હતો.

એ જ વખતે નીચે સડક પર કેટલીય મોટરસાઇકલનાં શક્તિશાળી એન્જિનોનો અવાજ ગુંજી ઊઠ્યો.

મોટરનો કાફલો ઇમારતની નીચે પહોંચી ગયો હતો.

જનતાનો હર્ષોલ્લાસભર્યો શોર છઠ્ઠા માળના એ રૂમ સુધી પણ પહોંચતો હતો. નીચે સડક પર શું થાય છે એ જાણવાનું દિલીપ પાસે કોઈ સાધન નહોતું.

બીજી તરફ ડેનિયલ પણ ભારતના વડાપ્રધાનને શૂટ કરી નાખવા માટે એકદમ તૈયાર હતો. એના હાથમાં જકડાયેલી ટેલિસ્કોપિક રાઇફલની નળી નીચે સડક તરફ નમેલી હતી અને તે બારીથી માત્ર એક ફૂટ દૂર ઊભો હતો.

તે કોઈ પણ પળે ગોળી છોડી શકે તેમ છે એવું એની પોઝિશન પરથી સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું,

'હેં',

હવે મોડું શા માટે કરો છો બિરાદર... ?' બાબુભાઈએ વ્યાકુળ અવાજે પૂછ્યું. દિલીપે કંઈ જવાબ ન આપ્યો, એનુ સમગ્ર ધ્યાન અત્યારે એકમાત્ર ડેનિયલ પર જ કેન્દ્રિત થયેલું હતું.

સહસા નીચેથી તાળીઓનો ગડગડાટ ગુંજવા લાગ્યો, વડાપ્રધાનની જયજયકાર થતો હતો. હિંદુ-રુસી ભાઈ-ભાઈના બુલંદ નારા ગુંજના હતા.

દિલીપે રાઇફલનો સેફ્ટીકેચ પાછળ ખસેડીને ધીમેથી ટ્રિગર દબાવી દીધું.

‘ધડામ્...’ ગોળી છૂટવાનો ભીષણ અવાજ ગુંજી ઊઠો,

નિશાન અચૂક પુરવાર થયું. દિલીપની રાઇફલમાંથી છૂટેલી ગોળી ડેનિયલના કપાળ પર બરાબર વચ્ચેના ભાગમાં ચોંટી ગઈ.

એના માથામાંથી લોહીનો ફુવારો ઊડ્યો. તે વડાપ્રધાનને શૂટ કરવા માટે ટ્રિગર દબાવી શકે એ પહેલાં જ એના હાથમાંથી રાઇફલ છટકી ગઈ. પછી એ પોતે પણ રાઇફલની સાથે સાથે નીચે જઈ પડ્યો.

હવે તે બારીમાં દેખાતો બંધ થઈ ગયો હતો. દિલીપે રાહતનો એક ઊંડો શ્વાસ લીધો.

‘થેંક ગૉડ.... !' એ પોતાના કપાળ પર નીતરી આવેલ પરસેવાની ધાર લૂછતાં બોલ્યો, ‘ઈશ્વરનો પાડ કે મિશન સફળતાથી પાર પડી ગયું.'

પરંતુ મિશન પાર નહોતું પડ્યું.

ગોળી છૂટતાં જ નીચે સડક પર મોટી ગરબડ થઈ ચૂકી હતી. વડાપ્રધાનના દર્શનાર્થે ઊમટેલાં લોકોમાં હર્ષોલ્લાસના સ્થાને દેકારો મચી ગયો હતો.

આ ટંકારાનો અવાજ ઉપર સુધી સંભળાતો હતો. આ દેકારો શાનો છે... ?' દિલીપ ચમકીને બોલી ઊઠ્યો.

નીચે કંઈક ધમાચકડી થઈ હોય એવું લાગે છે બિરાદર... !' બાબુભાઈએ ભયભીત અવાજે કહ્યું, ‘જરૂર વડાપ્રધાનનું ખૂન થઈ ગયું છે. કુરેશીએ કોઈક બીજા હુમલાખોર મારફત વડાપ્રધાન પર ગોળી છોડાવી હોય એવું લાગે છે.’

બીજા હુમલાખોરની વાત સાંભળતાં જ દિલીપના હોશ ઊડી ગયા.

એ પોતાના અંજામની પરવાહ કર્યા વગર દોડીને બારી પાસે પહોંચ્યો અને નીચે નજર કરી.

સડક પર ખરેખર જ જબરદસ્ત ધમાચકડી મચેલી હતી. લોકો પાગલોની જેમ પડતાં-આખડતાં આમતેમ દોડતાં હતાં.

પોલીસ તથા લશ્કરની રક્ષણવ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ હતી. રેલિંગ તૂટી ગઈ હતી. વાતાવરણમાં જોરશોરથી પોલીસ સાયરનોનો અવાજ ગુંજતો હતો.

‘આ બધું શું થઈ ગયું છે... ?' બાબુભાઈ પણ તેની બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો. ‘કંઈ જ સમજાતું નથી... !' દિલીપ મૂંઝવણભર્યા અવાજે બોલ્યો.

એની બુદ્ધિ પણ નીચેનું દશ્ય જોઈને કુંઠિત થઈ ગઈ હતી. સંજોગો એકાએક બદલાઈ ગયા હતા.

દિલીપે શોરબકોર વચ્ચે ભારતના વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન બેઠા હતા તે બૂલેટપ્રૂફ કાર તરફ નજર કરી. કારની આગળ ચાર હજારની હરોળમાં ચાલી રહેલાં બાર મોટરસાઇકલો વળાંક પર વળીને સડકને કિનારે ઊભાં રહી ગયાં હતાં, પરંતુ કોણ જાણે કેવી રીતે બૂલેટપ્રૂફ ગાડી ‘ઝીણા હાઉસ’વાળા વળાંક પર વળવાને બદલે સીધી રેલિંગ તોડીને જનસમુદાય પર ધસી ગઈ હતી.

આ બનાવમાં કેટલાંય લોકો બનાવના સ્થળે જ માર્યાં ગયાં હતાં જ્યારે અનેક જણાંને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે બૂલેટપ્રૂફ ગાડી પણ થોભી ગઈ હતી. એને કારણે જ સડક ૫૨ આટલો દેકારો અને ધમાચકડી મચેલાં હતાં.

જેને જ્યાં તક મળતી હતી ત્યાં દોડતું હતું. મોટરસાઇકલધારી ગાર્ડ્સ થોડી વાર સ્તબ્ધ બનીને આ દૃશ્યને તાકી રહ્યા. 'શું થયું છે ને શું કરવું?' એ તેમને કંઈ નહોતું સમજાતું. પછી પરિસ્થિતિનું ભાન થતાં જ તેમણે પોતપોતાનાં મોટરસાઇકલ સ્ટાર્ટ કરીને પાછાં બૂલેટપ્રૂફ ગાડી તરફ દોડાવી મૂક્યાં. જોરજોરથી સાયરન વગાડતી પોલીસ તથા સલામતી દળોની કારો પણ એ તરફ ધસી ગઈ.

‘રામ...રામ... !' બાબુભાઈ ભયભીત અવાજે બોલી ઊઠ્યો, ‘કેવી ધમાચકડી મચી છે... ! અને આ બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શું થઈ ગયું... ?'

હવે દિલીપની નજર પણ બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવર પર પહોંચી એણે જોયું તો ડ્રાઇવર લોહીથી તરબતર હાલતમાં ડ્રાઇવિંગ સીટ પર ગબડી પડ્યો હતો.

પછી અચાનક જ જોરજોરથી સાયરન વગાડતી એક સફેદ ઍમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. તેની બંને તરફ લાલ રંગની ચોકડીનું નિશાન સ્પષ્ટ રીતે દેખાતું હતું.

પછી ધડામ્ કરતો ઍમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ઊઘડ્યો અને તેમાંથી હૉસ્પિટલમાં બે વૉર્ડબોય બહાર નીકળ્યા. બંનેએ સફેદ વર્દી પહેરી હતી અને તેમના હાથમાં સ્ટ્રેચર જકડાયેલું હતું.

પાછળની મોટરોમાંથી રશિયાના કેબિનેટ મંત્રી, સિક્યોરિટી ગાર્ડ્સ તથા ઉચ્ચ ઑફિસરો નીચે ઊતરીને ખુલ્લા મેદાન તરફ દોડતા હતા.

નાગપાલ સાહેબ ક્યાંય નથી દેખાતા.... !' નાગપાલને શોધવા માટે બાબુભાઈની નજર ઉ૫૨થી જ આમતેમ ફરવા લાગી.

દિલીપે પણ નજર દોડાવી, પરંતુ નાગપાલ તેને ક્યાંય ન દેખાયો. સ્ટ્રેચર લઈને ઊતરેલા બંને વર્દીધારી વૉર્ડબોય ઝપાટાબંધ બૂલેટપ્રૂફ ગાડીમાં દાખલ થઈ ગયા.

થોડી પળો પછી તેઓ ગાડીમાંથી બહાર નીકળ્યા. દિલીપે જોયું તો સ્ટ્રેચર ૫૨ એક માનવદેહ પડ્યો હતો.

એ માણસ કોણ હતો એને તે છઠ્ઠા માળ પરથી ન ઓળખી શક્યો.

બંને વૉર્ડબોય ઝપાટાબંધ સ્ટ્રેચર સહિત ઍમ્બ્યુલન્સમાં દાખલ થઈ ગયા.

ઍમ્બ્યુલન્સનો દરવાજો બંધ થયો અને પછી વળતી જ પળે તે પહેલાંની માફક જ જોરજોરથી સાયરન વગાડતી ત્યાંથી ચાલી ગઈ.

ઍમ્બ્યુલન્સના વિદાય થયા પછી એની નજર પુનઃ બૂલેટપ્રૂફ ગાડી પર પડી.

વળતી જ પળે તે એકદમ ચમકી ગયો.

‘આ...આ...શું... ?’ તે હેબતાઈને બોલી ઊઠ્યો, ‘વડાપ્રધાન ગાડીમાંથી ક્યાં ગયા… ?'

બાબુભાઈએ તરત જ બૂલેટપ્રૂફ ગાડીની પાછલી સીટ તરફ નજર દોડાવી. ત્યાં રાષ્ટ્રપતિ બોરીસ યેલત્સિન તો દેખાતા હતા, પરંતુ ભારતના વડાપ્રધાન નહોતા દેખાતા.

‘વડાપ્રધાનને કોણ લઈ ગયું બિરાદર... ?'

‘હમણાં ઍમ્બ્યુલન્સમાં આવેલા બંને વૉર્ડબોય જ તેમને લઈ ગયા લાગે છે... !'

‘ક્યાંક કંઈ અજુગતું તો નથી બની ગયું ને બિરાદર…?'

દિલીપના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળી શક્યો.

એ જ વખતે જોરજોરથી સાયરની ગુંજવતી વધુ બે એમ્બ્યુલન્સો બનાવના સ્થળે આવી પહોંચી.

તેમાંથી હૉસ્પિટલના કર્મચારીઓ જેવી વર્દીમાં સજ્જ થયેલા માણસો નીચે ઊતરીને બુલેટપ્રફ ગાડીની આજુબાજુમાં ગોઠવાઈ ગયા.

********