Barood - 10 books and stories free download online pdf in Gujarati

બારૂદ - 10

૧૦. પાકિસ્તાનનો દાવ... !

સમગ્ર મોસ્કો શહેરમાં ખળભળાટ મચી ગયો હતો.

દરેક સરકારી વિભાગોમાં ધમાલ મચેલી હતી. વડાપ્રધાનના સ્વાગત માટે આવેલાં લોકોમાં હવે ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.

મોસ્કોની બહાર જતા તમામ માર્ગો બંધ કરી દેવાયા હતા. આ બધા માર્ગો પર લોખંડનાં બેરિયર લગાવી દેવામાં આવ્યાં હતાં અથવા તો તેની આજુબાજુમાં સિપાહીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. આવી સડકોને લશ્કરી ટેંકો દ્વારા જામ કરી દેવામાં આવી હતી. માત્ર એક વાહન જ પસાર થઈ શકે એટલી જ જગ્યા તેમની વચ્ચે રાખવામાં આવી હતી.

ઠેકઠેકાણે લશ્કરની ચોકીઓ ઊભી કરી દેવામાં આવી હતી. લશ્કરના સૈનિકો મશીનગનથી સજ્જ થઈને એક એક વ્યક્તિ પર નજર રાખતા હતા. મોસ્કોની બહાર જતા પ્રત્યેક વાહનની બારીકાઈથી તલાશી લેવાતી હતી અને પૂરા ચેકિંગ પછી જ તેમને જવા દેવામાં આવતા હતા. કોઈ પણ વ્યક્તિ જરા પણ ખોટી હિલચાલ કરે તો તરત જ તેને શૂટ કરી નાખવાનો પોલીસ તથા સૈનિકોને આદેશ આપી દેવામાં આવ્યો હતો.

મોસ્કોના એરપોર્ટ પર તો ખૂબ જ કડક જાપ્તો હતો. દરેક મુસાફરોનું ચેકિંગ ચાલુ હતું. સ્ટેજ પણ શંકા ઊપજતાં જે તે મુસાફરને કોઈ પણ જાતની ઔપચારિકતા દાખવ્યા વગર કે ઢીલ કર્યા વગર પોલીસવાનમાં વધુ પૂછપરછ માટે હેડક્વાર્ટરે મોકલી આપવામાં આવતા હતા. પોલીસ તથા લશ્કરના જવાનો કોઈ પણ જોખમનો સામનો કરવા માટે એકદમ તૈયાર હતા.

રેલવે સ્ટેશનની હાલત પણ એવી જ હતી. દરેક મુસાફરનું બારીકાઈથી ચેકિંગ થતું હતું.

આ કાર્યવાહીને કારણે દરેક ટ્રેન ચાર-પાંચ કલાક મોડી રવાના થતી હતી. બસ સર્વિસ તો લગભગ બંધ જ હતી.

કોઈ જ બસ મોસ્કોમાંથી બહાર આવતી-જતી નહોતી.

આકાશમાં હેલિકોપ્ટરો ચક્કર મારતાં હતાં. આ ઉપરાંત પોતાનાં પ્રાઇવેટ પ્લેન ધરાવતી કંપનીઓને તેમના પ્લેનની બળતણની ટાંકીઓ ખાલી કરી નાખવાનો તથા તેનો ડિસ્ટ્રિબ્યુટર રોટર કાઢી નાખવાનો સરકાર તરફથી આદેશ આપી દેવામાં આવ્યો હતો. કોઈ આ પ્રાઇવેટ પ્લેનનો દુરુપયોગ ન કરી કે એટલા માટે સાવચેતી ખાતર આ પગલું ભરવામાં આવ્યું હતું. જે ધનાઢ્યો પાસે પોતાની માલિકીનાં ટુ સીટર કે થ્રી સીટર વિમાનો હતાં તેમને પણ આ આદેશ આપી દેવાયો હતો. એટલું જ નહીં, જો કોઈ અજાણ્યો માણસ પ્લેન બાબતમાં તેમનો સંપર્ક સાધે તો કોઈ પણ બહાને તેને અટકાવી રાખીને તાત્કાલિક આ વિશે પોલીસ હેડક્વાર્ટરમાં જાણ કરવાની સૂચના પણ આપી દેવામાં આવી હતી.

મોસ્કોનાં તમામ સિનેમાઘરો તથા થિયેટરો હવે બંધ કરી દેવામાં આવ્યાં હતાં. અલબત્ત, હોટલો અને રેસ્ટોરન્ટો ચાલુ હતાં, પરંતુ ત્યાં પણ મનોરંજનનાં તમામ સાધનો પર પ્રતિબંધ હતો.

સડકો ઉજ્જડ બની ગઈ હતી. પોલીસ તથા લશ્કર જે રીતે કાર્ય કરતાં હતાં, એ વાતાવરણમાં કોઈ શરીફ માણસને ઘરની બહાર નીકળવાનું યોગ્ય નહોતું લાગતું. સૌ કોઈને પોતાનો જીવ જોખમમાં લાગતો હતો.

વડાપ્રધાનની બૂલેટપ્રૂફ ગાડીએ સર્જેલાં અકસ્માતમાં કુલ બત્રીસ જણ હડફેટે ચડ્યા હતા. જેમાંથી પંદરનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ચાર જણની હાલત ખૂબ જ ગંભીર હતી.

—સાંજે દિલીપ અને નાગપાલ સાથે જ બાબુભાઈના નિવાસસ્થાને પહોંચ્યા. વડાપ્રધાનના અપહરણને કારણે બાબુભાઈ અને તેની પત્ની નેન્સી, બંને ખૂબ જ ચિંતાતુર હતાં.

‘વડાપ્રધાન વિશે કંઈ જાણવા મળ્યું બિરાદર..?' દિલીપ- નાગપાલના આગમનની સાથે જ એણે વ્યાકુળ અવાજે પૂછ્યું. અત્યારે ચારેય બંગલાના ડ્રૉઇંગરૂમમાં બેઠાં હતાં.

‘હજુ સુધી તો કંઈ જાણવા નથી મળ્યું.' નાગપાલ બોલ્યો,

‘પોલીસ અને લશ્કરના સૈનિકો પૂરી સજાગતાથી કામ કરે છે. ટૂંક સમયમાં જ તેમની કાર્યવાહીનું કંઈક પરિણામ આવશે એવી આશા છે.'

‘ક્યાંક કુરેશી વડાપ્રધાનને લઈને શહેરમાંથી નાસી તો નથી છૂટ્યો ને બિરાદર... ?'

‘આવું બન્યું હોવાની શક્યતા બહુ ઓછી છે.’ નાગપાલે કહ્યું, ‘કારણ કે પોલીસ તથા લશ્કરે શહેરમાંથી બહાર નીકળવાના તમામ માર્ગ તાબડતોબ બંધ કરી દીધા હતા. દિલીપને કારણે જલ્દી કુરેશીની યોજનાનો ભાંડો ફૂટી ગયો હતો. હા, જો દિલીપને કુરેશીની યોજનાની મોડી ખબર પડી હોત તો તે ચોક્કસ જ મોસ્કોમાંથી બહાર નીકળી જાત. કુરેશીને ઍમ્બ્યુલન્સથી પણ તાત્કાલિક છુટકારો મેળવવો પડ્યો હતો. ઍમ્બ્યુલન્સ દ્વારા તે સહેલાઈથી ચેકપોસ્ટ ક્રોસ કરી શકે તેમ હતો.'

'હા..!'

‘નાગપાલ સાહેબ... !’ સહસા કશુંક વિચારીને નેન્સી બોલી, ‘પોલીસ તથા લશ્કરની કાર્યવાહીનું કંઈ પરિણામ આવશે એવું મને તો નથી,લાગતું !'

‘કેમ... ?’ નાગપાલે ચમકીને તેની સામે જોતાં પૂછ્યું. ‘નાગપાલ સાહેબ... !’ નેન્સીએ ગંભીર અવાજે જવાબ આપ્યો,

આજે જયારે કોઈ એક કામ માટે દસ-વીસ હજાર માણસો રોકાયેલા હોય તો તેમાંથી બે-ત્રણ હજાર માણસો પૂરી ચોકસાઈથી કામ ન કરે એવા પણ હોય છે. લશ્કરમાં આવા અનેક કામચોર માણસો જોવા મળે છે. તેઓ મામલાની ગંભીરતા નથી સમજતા અને માત્ર ઔપચારિકતા ખાતર જ પોતાનું કામ કરતા હોય છે.'

નેન્સીની વાત સાંભળીને ત્રણેય એકદમ ચમકી ગયા.

‘નેન્સી સાચું કહે છે બિરાદર... !' બાબુભાઈ બોલ્યો, ‘ખરેખર લશ્કરમાં આવા આળસુ અને કામચોર માણસોની કોઈ કમી નથી હોતી. તેઓ એકાદ-બે દિવસ જ સજાગતાથી મળેલા આદેશનું પાલન કરે છે અને પછી બેદરકાર બની જાય છે. તલાશી દરમિયાન જો કોઈ માણસ, કોઈ સૈનિકનો પરિચિત નીકળી આવે તો તે એમ માનીને વધુ તપાસ નથી કરતો કે – 'આ તો મારો ઓળખીતો છે... ! આ કંઈ ખોટું ન જ કરે !' જ્યારે વાસ્તવમાં આવા કોઈક વિશ્વાસુ સ્થળે જ દુશ્મન છુપાયેલો હોય છે. કુરેશીએ આવી કોઈક જગ્યાએ આશરો લીધો હોય તે બનવાજોગ છે. ત્રણ-ચાર દિવસ પછી જ્યારે પોલીસ તથા લશ્કરને નિષ્ફળતા મળશે ત્યારે કોઈ સૈનિક પોતાની ભૂલ કબૂલ નહીં કરે.. ! સૌ એમ જ કહેશે કે પોતે પોતાની ફરજ બરાબર બજાવી છે. એક એક જગ્યાની તલાશી લેવામાં આવી છે. પરંતુ ભગવાન જાણે કુરેશી ક્યાં છે ? જ્યારે હકીકત એ હશે કે શહેરનાં અનેક સ્થળો તલાશીથી વંચિત રહી ગયાં હશે. અમુક સ્થળો તો એવાં પણ હશે કે જ્યાં તલાશી લેવાનું પોલીસ કે લશ્કરને સૂઝ્યું પણ નહીં હોય !' દિલીપ તથા નાગપાલની આંખો ચાર થઈ.

ખરેખર બાબુભાઈ તથા નેન્સી સાચું કહેતાં હતાં. તેમની વાતમાં વજૂદ હતું. ‘તો હવે આપણે શું કરવું જોઈએ...?' દિલીપે પૂછ્યું.

‘આપણે પણ સ્વતંત્ર રીતે કુરેશીને શોધવાનું અભિયાન શરૂ કરવું જોઈએ... !' બાબુભાઈ મંતવ્ય વ્યક્ત કરતાં બોલ્યો,

‘એટલું જ નહીં, તલાશીના આ અભિયાનમાં આપણે પોલીસ કે લશ્કરની પદ્ધતિ નથી અપનાવવાની……… ! પોલીસ કે લશ્કરને જે સ્થળની તલાશી લેવાનું ન સૂઝયું હોય એવાં સ્થળોએ જ આપણે તલાશી લેવાની છે. પોલીસ અને લશ્કરથી બચી ગયેલા લોકોને જ આપણે પૂછપરછ કરવાની છે. આ બધા લોકો એવા હશે કે જેમના સુધી હજુ પોલીસ કે લશ્કરના સૈનિકો નહીં પહોંચ્યા હોય... !'

‘એક વાત તમે ભૂલી જાઓ છો બાબુભાઈ... !' નાગપાલે કહ્યું, આ કામ માટે આપણને ઘણા માણસોની જરૂર પડશે... ! આટલા બધા માણસો આપણે ક્યાંથી લાવીશું?’

‘માણસોની કોઈ કમી નથી બિરાદર... !' બાબુભાઈ બોલ્યો, ‘એકાદ ડઝન જેટલા તો સી.આઈ.ડી. એજન્ટો જ આપણી પાસે છે. ઉપરાંત ભારત પ્રત્યે દેશદાઝ ધરાવતા, વતનને ખાતર કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા, મોસ્કોમાં રહેતા કેટલાય ભારતીયોને હું ઓળખું છું. હું તેમને વાત કરીશ તો તેઓ બધા આપણી મદદ માટે દોડી આવશે. હું એક કલાકમાં જ આવા સોથી વધુ માણસોને ભેગા કરી શકું તેમ છું.'

‘તોપણ તમે તાબડતોબ આવા માણસોની વ્યવસ્થા કરો... !' નાગપાલે ગંભીર અવાજે કહ્યું, ‘આપણે જેમ બને તેમ જલ્દી આપણું કામ શરૂ કરી દેવું જોઈએ... !'

‘આપણું કામ તો હવે શરૂ થઈ ગયું છે એમ જ આપ માની લો… !' બાબુભાઈ ખુરશી પરથી ઊભો થતાં ઉત્સાહભેર બોલ્યો, ‘હું થોડી વારમાં જ બધી વ્યવસ્થા કરીને પાછો આવું છું. કુરેશી પાતાળમાં જઈને છુપાઈ ગયો હશે તો ત્યાંથી પણ આપણે તેને શોધી કાઢીશું એની આપ ખાતરી રાખજો... !'

બાબુભાઈ ચાલ્યો ગયો. વડાપ્રધાનનું અપહરણ શા માટે કરવામાં આવ્યું છે એનું રહસ્ય હજુ પણ અકબંધ હતું.

વચન પ્રમાણે બાબુભાઈએ એક કલાકમાં જ સોથી પણ વધુ ણસોને ભેગા કરી લીધા. સી.આઈ.ડી.ના એજન્ટોને પણ બોલાવી લેવામાં આવ્યા અને તથી જ બધા કામે વળગી ગયા, જેમાં રજનીનો પણ સમાવેશ થઈ જતો હતો. બધા માણસોની અલગ અલગ ટુકડી બનાવીને તેમાંથી એક માણસને જે તે ટુકડીનું નેતૃત્વ સોંપી દેવામાં આવ્યું હતું.

આખી રાત તેઓ જે સ્થળની તલાશી લેવાનું પોલીસ કે લશ્કરને સૂઝ્યું હોય એવાં સ્થળે ફરતા રહ્યા. તલાશીમાં કોઈ અડચણ ઊભી ન થાય એટલા માટે એ બધાને ભારતીય દૂતાવાસ તરફથી સ્પેશિયલ પરવાનગીપત્ર અને પાસ પણ આપી દેવામાં આવ્યા હતા. સવારે દિલીપ ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો.

ત્યાં નાગપાલ જાણે કે એની જ રાહ જોતો હતો. ‘કુરેશીનો કંઈ પત્તો લાગ્યો... ?' દિલીપના આગમન સાથે જ એણે પૂછ્યું.

‘હજુ સુધી તો કંઈ પત્તો નથી લાગ્યો.' દિલીપે જવાબ આપ્યો, પરંતુ તલાશીનું કામ અત્યારે પણ જોરશોરથી ચાલુ જ છે... !'

‘ઓહ...’

‘તમારી પાસે કોઈ નવા સમાચાર છે...?'

‘હા...મને એક સમાચાર મળ્યા છે અને આ સમાચાર ખૂબ જ સનસનાટીભરેલા છે.

‘શું સમાચાર છે ?’ દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

‘વડાપ્રધાનનું અપહરણ શા માટે કરવામાં આવ્યું છે એનો ભેદ છતો થઈ ગયો છે... !'

'આ ભેદ કેવી રીતે છતો થયો... ?' દિલીપે ચમકીને પૂછ્યું. ‘આ સંદેશો વાંચ... !’

નાગપાલે ટાઇપ કરેલો એક કાગળ તેની સામે લંબાવ્યો, ‘આ સંદેશો વાંચ્યા પછી બધું દીવાની જેમ સ્પષ્ટ થઈ જશે કે આપણા વડાપ્રધાનનું અપહરણ શા માટે ક૨વામાં આવ્યું છે.

તથા આટલા લાંબા નાટક પાછળનું મુખ્ય કારણ શું છે...? આ સંદેશો દિલ્હીમાં ભારત સરકારને મોકલવામાં આવ્યો હતો. તાબડતોબ દિલ્હીથી તેની કોપી ફેક્સથી અહીં મોકલવામાં આવી છે.'

દિલીપે નાગપાલના હાથમાંથી કાગળ લીધો. એની આંખો પત્રના સંદેશા પર ફરવા લાગી.

એમાં લખ્યું હતું –

દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયને પાકિસ્તાન સરકારનો નીચે મુજબ સંદેશો મળ્યો છે.

પાકિસ્તાનની સરકાર ભારત સરકારને જાણ કરવા માગે છે કે અમુક કાશ્મી૨ી ત્રાસવાદીઓએ ભારતના માનનીય વડાપ્રધાનનું અપહરણ કરી લીધું છે અને તેમનો જીવ હવે જોખમમાં છે. જે ત્રાસવાદીઓએ ભારતના વડાપ્રધાનનું અપહરણ કર્યું છે તેમણે પાકિસ્તાનની સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો છે.

આ પ્રસ્તાવ મુજબ ત્રાસવાદીઓએ બે માગણી પાકિસ્તાનની સરકાર પાસે કરી છે, જે આ પ્રમાણે છે.

(૧) દસ કરોડ રૂપિયા રોકડા.

(૨) કારગીલ યુદ્ધ દરમિયાન ભારતે પકડેલા આઠ યુદ્ધકેદીઓની મુક્તિ... !

જો આ બંને માગણીઓ પૂરી કરવામાં આવે તો ત્રાસવાદીઓ ભારતના વડાપ્રધાનને છોડી દેશે. જોકે પાકિસ્તાનની સરકારને આવા કોઈ સોદામાં રસ નથી તેમ નૈતિક રીતે પણ તે આ જાતના કોઈ સોદાને યોગ્ય નથી માનતી, પરંતુ મામલો પાડોશી રાષ્ટ્રના વડાપ્રધાનનો છે અને પાડોશી રાષ્ટ્રો સાથે સુમેળ જાળવવાનો હંમેશાં પાકિસ્તાનની સરકારનો પ્રયાસ રહ્યો છે. આમેય ભારત સરકાર તથા ભારતની પ્રજા પોતાના વડાપ્રધાનના અંજામ માટે ખૂબ જ ચિંતાતુર છે એટલે માત્ર અને માત્ર ભારતની સરકારના હિતને નજર સામે રાખીને પાકિસ્તાન સરકાર પોતાની પાસેથી દસ કરોડ રૂપિયા આપીને માનનીય વડાપ્રધાનને કાશ્મીરી ત્રાસવાદીઓની ચુંગાલમાંથી છોડાવી શકે તેમ છે.

અલબત્ત, ત્રાસવાદીઓની બીજી માગણી તો ભારતની સરકારે જ પૂરી કરવાની રહેશે. અર્થાત્ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતે પકડેલા આઠ યુદ્ધકેદીઓને મુક્ત કરવા પડશે... !

પરંતુ વચેટિયા તરીકેની આ ભૂમિકા ભજવતાં પહેલાં પાકિસ્તાન સરકાર અમુક વાતની ચોખવટ કરવા માગે છે.

(૧) આ મામલામાં પાકિસ્તાનની સરકાર કાશ્મીરી ત્રાસવાદીઓને જે દસ કરોડ રૂપિયા ચૂકવે, તે ભારતે તાબડતોબ પાકિસ્તાન સરકારને પરત આપવાના રહેશે. એમાં વહેલું-મોટું બિલકુલ નહીં ચાલે... !

(૨) કાશ્મી૨ી ત્રાસવાદીઓએ જે આઠ યુદ્ધકેદીઓની મુક્તિની માગણી કરી છે, તે એ જ કેદીઓ છે કે જેમને કારગીલ યુદ્ધ દરમિયાન ભારત સરકારે પકડી લીધા હતા. આ કેદીઓ વિશે ભારતે જોરશોરથી એવો પ્રચાર કર્યો હતો કે તેઓ પાકિસ્તાનના ઘૂસણખોરો છે. જ્યારે પાકિસ્તાને ભારતના આ પ્રચારનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ભારત સરકારે પાકિસ્તાનની કોઈ વાત નહોતી સાંભળી અને આઠેય યુદ્ધકેદીઓને આંતરરાષ્ટ્રીય સંગઠન ‘રેડક્રોસ’ને હવાલે કરી દીધા હતા. એ આઠેય કેદીઓ વાસ્તવમાં પાકિસ્તાનના ઘૂસણખોરો નહીં પણ કાશ્મીરી ત્રાસવાદીઓ હતા, તે વાત આ બનાવ પરથી પુરવાર થઈ ગઈ છે.

(૩) ભારત સરકારે હવે એ આઠેય યુદ્ધકેદીઓને ‘રેડક્રોસ’ પાસેથી પાછા મેળવીને તેમને કાશ્મીરી ત્રાસવાદીઓને સોંપવા પડશે. તો જ ભારતના માનનીય વડાપ્રધાનનો છુટકારો શક્ય છે. વડાપ્રધાન અને યુદ્ધકેદીઓની આપ-લે કઈ જગ્યાએ થશે તે બંને દેશના પ્રતિનિધિઓ મળીને નક્કી કરી લેશે. જગ્યા નક્કી કરવામાં કંઈ વાંધો નથી. બંને દેશો વચ્ચેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખવાના હેતુથી જ વડાપ્રધાન નવાઝ શરીફની સરકાર દ્વારા ભારતને આ સહકાર આપવામાં આવે છે.

ધન્યવાદ...

(વાચકોની જાણ માટે : પાકિસ્તાનમાં નવાઝ શરીફનું શાસન. હતું ત્યારની આ વાત છે.) દિલીપે એક શ્વાસે આખો પત્ર વાંચી નાખ્યો.

પત્રની વિગતો વાંચ્યા પછી તે સ્તબ્ધ બની ગયો.

ખરેખર પાકિસ્તાન બહુ ઊંચો દાવ રમ્યું હતું.... ! બહુ મોટું નાટક ગોઠવ્યું હતું...! ‘અંકલ... !' છેવટે દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘આનો અર્થ એ થયો કે આ બધો બખેડો પાકિસ્તાને જ કર્યો છે અને બખેડો કર્યા પછી પણ તે આપણી ઉપર હાથ રાખવા માગે છે... ! પોતે ભારતનો પરમ હિતેચ્છુ છે અને પોતાને પણ ભારતના વડાપ્રધાનની અનહદ ફિકર છે એવું તે આખી દુનિયા સમક્ષ દર્શાવવા માગે છે... !'

‘હા...’ નાગપાલે રોષથી તમતમતા અવાજે કહ્યું, ‘પાકિસ્તાન આ જ રમત રમે છે. એ પોતાનો સ્વાર્થ પણ સાધવા માગે છે અને આપણને મદદરૂપ થયું હોય એવો ઢંઢેરો પણ દુનિયા આખી સમક્ષ પીટવા માગે છે... !!

‘હું...’ દિલીપ વિચારવશ અવાજે બબડ્યો.

એનું લોહી પણ ઊકળી ઊઠ્યું હતું. પાકિસ્તાનના આ કૂટનીતિભર્યા પ્રયાસે તેને હચમચાવી મૂક્યો હતો.

‘અંકલ.... !' એ રોષથી ઊકળતા અવાજે બોલી ઊઠ્યો, ‘નવાઝ શરીફ સરકારની આ ચાલબાજીના છક્કા છોડાવી દેવાનો આપણી પાસે એક જ ઉપાય છે !'

‘શું?'

આપણે કોઈ પણ ભોગે કુરેશીને પકડીને ભારતના વડાપ્રધાનના અપહરણમાં એનો હાથ છે એવું આખી દુનિયા સમક્ષ  પુરવાર કરી દઈએ... ! જો આવું કરવામાં આપણને સફળતા મળશે તો પાકિસ્તાનના ટાંટિયા એના પોતાના જ ગળામાં ભેરવાઇ જશે.'

‘દિલીપ... !' નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, આ વાત કહેવામાં જેટલી સરળ લાગે છે, એનો અમલ કરવાનું એટલું જ મુશ્કેલીભર્યું છે..!'

'કેમ?'

કારણ કે સૌથી પહેલી વાત તો એ કે આપણી પાસે બહુ સમય નથી, વડાપ્રધાનનો છુટકારો જલ્દી થવો જરૂરી છે, જો તેમની મુક્તિમાં ઢીલ થશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા ઝાંખી પડશે, ઉપરાંત આપણે આટલી જલ્દી કુરેશીને પકડી શકીશું અને કદાચ તે આપણા હાથમાં આવે તોપણ આપણે તેને આઇ.એસ.આઇ.નો ચીફ પુરવાર કરી શકીએ એવું મને નથી લાગતું,'

‘આપણે કુરેશીને આઈ.એસ.આઈ,સાથે સકળાયેલો શા માટે પુરવાર કરી શકીએ તેમ નથી અંકલ ?' દિલીપે આશ્ચર્યથી પૂછયું,

'કુરેશી કેટલો બાહોશ, ચાલાક અને ગણતરીબાજ છે એ તો તું જાણે જ છે ! દેશદાઝ તો એનામાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. ઉપરાંત તે આઈ.એસ.આઈ.નો ચીફ છે એ વાતની કાયદેસર રીતે ક્યાંય નોંધ નથી, સૌથી પહેલાં તો પોતે પાકિસ્તાનનો નાગરિક છે એ વાત જ કુરેશી કબૂલ નહીં કરે.. ! અને કદાચ આ વાત કબૂલશે તોપણ પોતે આઈ.એસ.આઈ.નો ચીફ છે એવું તો તે મરી જશે તોપણ કબૂલ નહીં કરે... !'

દિલીપ ચૂપ રહ્યો.

નાગપાલ સાચું કહે છે એ વાત તે જાણતો હતો.

અબ્દુલ વહીદ કુરેશી એવો જ હતો. પોતાના દેશ તથા આઈ.એસ.આઈ. પ્રત્યે સંપૂર્ણ સમર્પિત... !

‘એક વાત મને નથી સમજાતી અંકલ,… !' કશુંક વિચારીને દિલીપ બોલ્યો.

‘શું?’

પાકિસ્તાનની સરકારને એકાએક આ આઠેય યુદ્ધકેદીઓમાં એટલો શું રસ જાગ્યો કે જેથી તેમને છોડાવવા માટે એમણે આટલું મોટું ષડયંત્ર રચ્યું... ? ભારતના વડાપ્રધાનનું અપહરણ કરવાની હદ સુધી તેઓ જઈ પહોંચ્યા... ? આની પાછળ કોઈક ને કોઈક ખાસ કારણ તો જરૂર હશે જ...?

‘હા...કારણ છે...પરંતુ કારણ સમજવા માટે મારે તને કારગીલ યુદ્ધની બધી વિગતો જણાવવી પડશે... !' નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે હિમાલયના બરફીલા પહાડો પર થયેલું આ યુદ્ધ સૌથી વધુ આકરું હતું. આપણા વડાપ્રધાને ફેબ્રુઆરી ૧૯૯૯માં પાકિસ્તાન સાથે દોસ્તી કરવા લાહોર સુધી બસસેવા શરૂ કરી અને લાહોર સમજૂતીની ઘોષણા કરી ત્યારે પાકિસ્તાન પીઠ પાછળ ખંજર ભોંકવાની તૈયારી કરતું હતું... ! હવે યુદ્ધનું કારણ સાંભળ... ! ૧૯૮૭માં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી થયા બાદ પાકિસ્તાને સીમાપારથી આતંવાદીઓની ઘૂસણખોરી શરૂ કરાવી, પરંતુ ઘૂસણખોરીની આ યોજનામાં ધારી સફળતા ન મળતાં પાકિસ્તાને મોટા પાયે મુજાહિદ્દીનો અને પાકિસ્તાની સૈનિકોને લાઇન ઑફ કંટ્રોલ (એલ.ઓ.સી.) પાર કરાવીને કારગીલમાં વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવી દીધા. ભારતીય સૈનિકોએ ૮મી મે ૧૯૯૯ના દિવસે બટાલિક સેક્ટરમાં ઘૂસણખોરી પકડી પાડી. પાકિસ્તાની ઘૂસણખોરોએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મી૨ી પ્રદેશના ગુલતારી, ફેરનશાત, શકમા, ઓલ્થિન્ગયાંગ, મરોલ અને ખારમન્ગ વિસ્તારમાં ટ્રેઇનિંગ કૅમ્પમાં તાલીમ લીધેલી. આ ઘૂસણખોરોને પાકિસ્તાની લશ્કરે મિડિયમ મશીનગન, હેવી મૉર્ટાર્સ અને બીજાં આધુનિક શસ્ત્રો આપ્યાં હતાં. તેમના બચાવ માટે પાકિસ્તાની તોપખાનું, સ્નો મોબાઇલ અને એવિયેશન હેલિકોપ્ટરોને તૈયાર રાખવામાં આવ્યાં હતાં અને તેમને વિમાન વિરોધી સ્ટિન્જર મિસાઇલો આપવામાં આવી હતી.' કહીને નાગપાલ પળભર માટે અટક્યો. દિલીપ ખૂબ જ ધ્યાનથી એની વાતચીતનો એક એક શબ્દ સાંભળતો હતો.

થોડી પળો બાદ નાગપાલે પોતાની વાત આગળ લંબાવી, ‘૩૧મી મે ૧૯૯૯ના દિવસે આપણા વડાપ્રધાને કારગીલમાં યુદ્ધ જેવી સ્થિતિ જાહેર કરી અને ૯ જૂને ભારતીય લશ્કરે કારગીલ તથા દ્રાસ સેક્ટરમાં E ‘ઓપરેશન વિજય’ હેઠળ જોરદાર આક્રમણ શરૂ કર્યું. આર્મી ઍટેકની સાથે હવાઈ હુમલા પણ શરૂ કરવામાં આવ્યા. આનો મુખ્ય ઉદ્દેશ શ્રીનગર-લેહ હાઈવેને પાકિસ્તાની હુમલાથી બચાવવાનો હતો. ત્રણ દિવસ બાદ લશ્કરે ટોલોલિંગ શિખર કબજે કર્યું. આપણા વડાપ્રધાને કારગીલની મુલાકાત લીધી અને અમેરિકાના પ્રેસિડેન્ટે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને કારગીલમાંથી ઘૂસણખોરોને પાછા બોલાવી લેવાની અપીલ કરી. ૧૧મી જુલાઈ સુધીમાં પાકિસ્તાની ઘૂસણખોરોએ કારગીલથી પીછેહઠ કરવા માંડી. ભારતે બટાલિકમાં મહત્ત્વનાં શિખરો સર કરી લીધાં અને ઘૂસણખોરોને પાછા જવા માટે ૧૬ જુલાઈની ડેડલાઈન રાખી. નવાઝ શરીફે ટેલિવિઝન પર પીછેહઠની જાહેરાત કરી અને આપણા વડાપ્રધાન સાથે મંત્રણા કરવાની ઘોષણા કરી. ૧૪મી જુલાઈના દિવસે ‘ઑપરેશન વિજય’ને સફળતા મળી હોવાનું જાહેર કરવામાં આવ્યું. ભારતનો નિર્ણાયક વિજય થયો, પરંતુ પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવામાં આવ્યો. આ યુદ્ધમાં ભારતને અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. હવે હું મુદ્દાની વાત પર આવીને વડાપ્રધાનનું અપહરણ શા માટે કરવામાં આવ્યું એનું કારણ તને જણાવું છું. કારગીલ યુદ્ધ પછી નવાઝ શરીફની સરકારને પોતાના જ દેશમાં જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની આમજનતા નવાઝ શરીફની સરકારથી નારાજ છે અને ખાસ કરીને પાકિસ્તાનના લશ્કરમાં તો નવાઝ શરીફ વિરુદ્ધ વિરોધનો જબરો વંટોળ શરૂ થયો છે. આ વંટોળ ભારતે કારગીલ યુદ્ધ દરમિયાન પકડેલા આઠ કેદીઓને કારણે જ ઊભો થયો છે. આ આઠેય કેદીઓ વિશે પાકિસ્તાને એવો ખુલાસો કર્યો હતો કે તેઓ પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ કે સૈનિકો નથી. અલબત્ત,નવાઝ શરીફની સરકારનું આ પગલું પોતાના સ્થાને એકદમ યોગ્ય હતું, કારણ કે જો નવાઝ શરીફની સરકાર આ આઠેય કેદીઓને ભારત પાસેથી પાછા સંભાળે તો એ જ વખતે પુરવાર થઈ જાય કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ કાયદાનો ભંગ કર્યો હતો અને તેના ફોજીઓએ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જો આવું થાય તો આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું નાક કપાઈ જાય તેમ હતું, પરંતુ આ વાત પાકિસ્તાનની આમજનતા, લશ્કરના નાના-મોટા અધિકારીઓ કે સિપાહીઓ નથી સમજતા. તેમની વચ્ચે નવાઝ શરીફની સરકાર સામેનો વિરોધ વધતો જાય છે. જે સરકારના આદેશથી પોતાનો જીવ તેઓ જોખમમાં મૂકી દે છે, એ જ સરકાર પાછળથી તેઓને ઓળખવાની પણ ના પાડી દે છે, એવું તેમનું કહેવું થાય છે. !'

‘ઓહ..’દિલીપ ભવાં સંકોચીને બોલ્યો, ‘આ તો નવાઝ શરીફની સરકાર માટે ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ છે.... !'

‘ખતરનાક છે એટલું જ નહીં, અનહદ ભયંકર પણ છે !' નાગપાલે કહ્યું, ‘જો પોતે તાબડતોબ આ આઠેય કેદીઓને પાકિસ્તાન પાછા નહીં લાવે તો આગામી ચૂંટણીમાં પોતાનો પરાજય થશે એટલું જ નહીં પાકિસ્તાનના લશ્કરનો કોપ પણ પોતાના પર વરસી પડશે એવો ભય નવાઝ શરીફની સરકારને સતાવે છે. પાકિસ્તાનમાં લશ્કરની તાકાત ખૂબ જ છે. ઘણી વાર લશ્કરે જ ત્યાંની સરકારને ઉથલાવી નાખી છે. એટલે નવાઝ શરીફની સરકારને લશ્કર સાથે પણ દુશ્મનાવટ વહોરવાનું પોસાય તેમ નથી……… !'

‘આનો અર્થ એ થયો કે નવાઝ શરીફ સરકારની હાલત ‘સાપે છછુંદર ગળ્યા' જેવી છે, ખરું ને?'

અને એટલા માટે જ આઠેય યુદ્ધકેદીઓને પાછા મેળવવા માટે નવાઝ શરીફની સ૨કારે આ આખુંય કાવતરું ઘડ્યું છે, બરાબર ને ?

દિલીપની સામે હવે બધું સ્પષ્ટ થઈ ગયું હતું.

*********

હવે ઝડપભેર એક પછી એક બનાવો બનતા જતા હતા. ભારત સરકારની નીતિ એ જ હતી – કુરેશી અથવા તો વડાપ્રધાનને શોધી કાઢવાની……… ?

ભારતીય લોકોની છ ટીમો મોસ્કોમાં કુરેશીને શોધવાના પ્રયાસો કરતી હતી.

સાંજના પાંચ વાગી ગયા હતા.

કુરેશીનો હજુ સુધી ક્યાંયથી પત્તો નહોતો લાગ્યો. અલબત્ત, પાંચે વાગ્યે એક ખૂબ જ અગત્યના કહી શકાય એવા સમાચાર જરૂર મળ્યા.

દિલીપ એ વખતે પોતાની ટીમ સાથે ચિકાલોવા વિસ્તારમાં હતો.

'મિસ્ટર દિલીપ... !' સી.આઈ.ડી.નો એક એજન્ટ તેની પાસે આવીને ઉત્સાહભેર બોલ્યો, ‘હમણાં જ યુનિવર્સિટી રોડ પરથી એક સમાચાર આવ્યા છે. ત્યાં આપણી ત્રણ નંબરની ટીમે ડેનિયલને જોયો છે... !'

ડેનિયલનું નામ સાંભળતાં જ દિલીપના દેહમાં રોમાંચ ફરી વળ્યો. ઘણા કલાકો પછી તેને એક સારા કહી શકાય એવા સમાચાર સાંભળવા મળ્યા હતા.

'ડેનિયલ યુનિવર્સિટી રોડ પર શું કરે છે... ?’ એણે પૂછ્યું.

‘તે ત્યાં એક ફ્લેટમાં છે.. !' એજન્ટે જવાબ આપ્યો, તેની સાથે એક યુવતી પણ છે !'

‘કઈ યુવતી... ?'

‘એ તો જાણવા નથી મળ્યું, પરંતુ એ યુવતી રશિયન જ છે !' ‘કુરેશી એની આજુબાજુમાં ક્યાંય નથી દેખાયો ?'

'ના. '

‘ઓ.કે...જલ્દી ત્યાં ચાલો.. !' દિલીપ ઉતાવળા અવાજે બોલ્યો, ‘કુરેશી વડાપ્રધાન સાથે ક્યાં છુપાઈ ગયો છે એની ડેનિયલને જરૂ૨ ખબર હશે... !'

ત્યાર બાદ એ તાબડતોબ પોતાની ટીમ સાથે યુનિવર્સિટી રોડ તરફ રવાના થઈ ગયો.

ડેનિયલ અત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ તાનિયાના ફ્લૅટમાં જ છુપાયેલો હતો.

બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કર્યા પછી નાસીને સીધો આ ફ્લેટમાં જ આવ્યો હતો, જયારે તાનિયા અગાઉથી જ અહીં પહોંચી ગઈ હતી.

અત્યારે એ બંને ચા પીતાં પીતાં ટી.વી.માં પ્રસારિત થતા સમાચાર સાંભળતાં હતાં.

સમાચારમાં ઉદ્ઘોષિકાએ રશિયન સરકાર દ્વારા ભારતીય વડાપ્રધાનને શોધવા માટે લેવાતાં પગલાં ઉપરાંત પાકિસ્તાન સરકાર તરફથી ભારત સરકારને આઠ યુદ્ધકેદીઓ વિશે મળેલા સંદેશાનો ઉલ્લેખ પણ કર્યો.

‘કાશ્મીરી ત્રાસવાદી … !' તાન્યા ચાનો કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં કડવા અવાજે બોલી, ‘હું નહોતી કહેતી કે કુરેશી એક નંબરનો ચાલાક, ગણતરીબાજ અને મતલબી માણસ છે. ચહેરા પરથી જ તે હરામખોર અને નાલાયક લાગે છે !

‘જો ડિયર... !' ડેનિયલ આગળ વધીને ટી.વી.બંધ કર્યા બાદ બોલ્યો, ‘કુરેશી કેવો છે તે કેવો નહીં, એની સાથે આપણે કંઈ નિસ્બત ન હોવી જોઈએ.... ! આ ભારત અને પાકિસ્તાનનો અંગત મામલો છે. આપણે આ બધી વાતો સાથે શું લાગે-વળગે છે?’

‘કોઈ નિસ્બત નથી...કશુંય લાગતું-વળગતું નથી... !' તાનિયાએ ભયભીત અવાજે કહ્યું, ‘પરંતુ આ મામલામાં તું પણ સંડોવાયેલો છો અને મને તારી ફિકર થાય છે. બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવર પર તે ગોળી છોડી હતી એ વાતની પોલીસને ખબર પડશે તો તારી શી હાલત થશે, એની કલ્પના તું કરી શકે છે. મેં તને પહેલેથી જ આ કામમાં હાથ નાખવાની ના પાડી હતી... !'

‘હવે આ લેક્ચરબાજી બંધ કર... !' ડેનિયલ સ્હેજ ચીડભર્યા અવાજે બોલ્યો, ‘જો મેં આ કામમાં હાથ ન નાખ્યો હોત તો મને આ બે લાખ ડૉલર પણ ન મળત.. !'

તાનિયા ટગર ટગર ડેનિયલ સામે તાકી રહી. સામે જ ટેબલ પર બે લાખ ડૉલર ભરેલી નાનકડી હૅન્ડબૅગ પડી હતી.

‘અને તું શા માટે ફિકર કરે છે ડિયર... ?' ડેનિયલ પોતાનો કપ ખાલી કરીને ટેબલ પર મૂકતાં બોલ્યો, ‘શહેરમાં અત્યારે વાતાવરણ જેટલું તંગ છે એટલું કંઈ કાયમ તો નથી જ રહેવાનું.. ! ટૂંક સમયમાં જ પોલીસ તથા લશ્કરની કાર્યવાહી ઠંડી પડી જશે. પછી આપણે હંમેશને માટે આ શહેર છોડીને યુક્રેન જતાં રહીશું અને ત્યાં જ લગ્ન કરી લેશું. આપણને હવે કઈ વાતની ચિંતા છે ? આપણી પાસે બે લાખ ડૉલર છે!'

‘અત્યારે તને માત્ર બે લાખ ડૉલર જ દેખાય છે...પરંતુ મને એક બીજો જ ભય સતાવે છે !'

‘શું ?’

પોલીસ તથા લશ્કર શહેરની એક એક ઇમારતની તલાશી લે છે... ! જરા વિચાર...જો તલાશી લેતાં તેઓ અહીં પણ આવી પહોંચશે તો શું થશે?’

‘કશુંય નહીં થાય.. !’ડેનિયલ તેને પોતાના આલિંગનમાં જકડતાં બોલ્યો, ‘એક વાત તું ભૂલી જતી લાગે છે કે પોલીસ મને નહીં પણ ભારતના વડાપ્રધાન તથા કુરેશીને શોધે છે... ! આ મામલામાં મારો કોઈ હાથ છે એની તો તેમને ખબર પણ નથી.

'છતાંય કોણ જાણે કેમ આજે મારો જીવ ખૂબ જ ગભરાય છે... !' તાનિયાએ ભયથી કંપતા અવાજે કહ્યું, ‘આજે જરૂર કંઈક ન બનવાનું બનશે એવું લાગે છે... !’

એનું કથન સાંભળીને ડેનિયલ ખડખડાટ હસી પડ્યો.

‘આ બધો તારા મનનો ભ્રમ છે ડિયર... !' એ બોલ્યો, ‘શહેરના વાતાવરણ વિશે તું વિચારીશ ત્યાં સુધી તારા મનમાં આવા જમ ઉત્પન્ન થતા રહેશે. એટલે તું વિચારવાનું જ બંધ કરી દે.' તાનિયા કંઈ ન બોલી. એનો ગભરાટ જરા પણ ઓછો નહોતો થયો.

અચાનક ડોરબેલનો અવાજ સાંભળીને બંને એકદમ ચમકી ગયાં.

‘અત્યારે વળી કોણ આવ્યું... ?' જાણે પોતાની જાતને પૂછતો હોય એવા અવાજે ડેનિયલ બબડ્યો.

‘પોલીસ તો નથી આવીને… ?' તાનિયાએ પોતાની શંકા વ્યક્ત કરી.

પોલીસના આગમનની કલ્પના કરતાં જ ડેનિયલના છક્કા છૂટી ગયા.

- એણે એક આંચકા સાથે તાનિયાને પોતાના આલિંગનમાંથી મુક્ત કરી નાખી.

ડોરબેલ ફરીથી રણકી ઊઠી.

‘તું જલ્દી ક્યાંક છુપાઈ જા !' તાનિયા એકદમ ધીમેથી બોલી, ‘હું જોઉં છું કે કોણ છે !’ ડેનિયલ બે લાખ ડૉલર ભરેલી હૅન્ડબૅગ ઊંચકીને પડદા તરફ દોડી ગયો.

આ વખતે ડોરબેલ વગાડવાને બદલે આગંતુકે જોરજોરથી દરવાજો ખટખટાવ્યો. ‘કોણ છે ?' તાનિયાએ દ૨વાજા પાસે પહોંચીને ઊંચા સાદે પૂછ્યું.

‘દરવાજો ઉઘાડો મેમસા'બ... !' બહારથી એક ગભરાટભર્યો

સ્ત્રીસ્વર તેને સંભળાયો, ‘હું કામવાળી બાઈ બોલું છું.

‘શું છે... ?’ તાનિયાએ દરવાજો ઉઘાડવાનો કોઈ ઉપક્રમ ન કરતાં પૂછ્યું.

‘મેમસા’બ, આપની બાજુના ફ્લૅટમાં આગ લાગી છે... ! જલ્દી દરવાજો ઉઘાડો... !'

આગની વાત સાંભળીને તાનિયાના હોશ ઊડી ગયા. એણે ડોરચેન લગાવીને દરવાજો ઉઘાડ્યો. ડોરચેનને કારણે દરવાજો છએક ઇંચ જેટલો જ ઊઘડ્યો.

તાનિયાને સામે ઊભેલી રજની દેખાઈ. રજનીથી તે બિલકુલ અપરિચિત હતી.

‘કામવાળી... ?’ એણે આમતેમ નજર દોડાવતાં પૂછ્યું, ‘ક્યાં છે કામવાળી... ?’

એ જ વખતે સાઇડમાં ઊભેલો દિલીપ હાથમાં રિવૉલ્વર ચમકાવતો રજનીની આગળ આવીને ઊભો રહ્યો.

રિવૉલ્વર જોતાં જ તાનિયાના મોંમાંથી ભયપૂર્ણ ચીસ સરી પડી. એણે ઝપાટાબંધ દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ દિલીપ તાનિયાના આવા કોઈ પ્રયાસના સામના માટે અગાઉથી જ તૈયાર હતો. એણે દરવાજાના છ ઇંચ ઉંઘાડા પટ વચ્ચે સ્ફૂર્તિથી પોતાને પગ ભરાવ્યો અને હાથ લંબાવીને પૂરી તાકાતથી રિવૉલ્વરની મૂઠનો પ્રહાર એના મોં પર ઝીંકી દીધો. તાનિયાના મોંમાંથી કાળજગરી ચીસ નીકળી ગઈ.

તે એક ફૂલદાની સાથે ટકરાઈને પીઠભેર ઊથલી પડી. એ જ વખતે રજનીએ છ ઇંચ ઉઘાડી જગ્યામાં હાથ નાખીને ડોરચેન ઉઘાડી નાખી. પછી તે અને દિલીપ ઝપાટાબંધ દરવાજાને ધકેલીને ફ્લૅટમાં દાખલ થઈ ગયાં.

રજનીના હાથમાં પણ હવે રિવૉલ્વર ચમકતી હતી. ‘ક...કોણ છો તમે... ?' તાનિયાએ ભયથી કંપતા અવાજે પૂછ્યું, ‘અને આ રીતે એક છોકરીના ફ્લેટમાં શા માટે ઘૂસી આવ્યાં છો... ?’ દિલીપે જાણે તાનિયાની વાત સાંભળી જ ન હોય એ રીતે કંઈ જવાબ ન આપ્યો.

એની વેધક નજર ફ્લૅટમાં ફરવા લાગી.

‘તમે કંઈ બોલતાં શા માટે નથી... ?' તાનિયાએ જમીન પરથી ઊભા થતાં કર્કશ અવાજે પૂછ્યું, ‘તમારે શું જોઈએ છે... ?'

‘ડેનિયલ ક્યાં છે.... ?' દિલીપે કઠોર અવાજે પૂછ્યું.

‘ડ....ડેનિયલ... !'તાનિયાનું કાળજું કોઈક અજાણી આશંકાથી કંપી ઊઠ્યું, ‘કોણ ડેનિયલ ?'

‘એ જ ડેનિયલ કે...' દિલીપ રોષથી દાંત કચકચાવીને એક એક શબ્દ પર ભાર મૂકતાં પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘જેની સાથે થોડી વાર પહેલાં તું અહીં મોજમસ્તી કરતી હતી... ! હું એ ડેનિયલ વિશે પૂછું છું કે જેણે ભારતના વડાપ્રધાનની બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કરી નાખ્યો છે !'

‘હું આ નામના કોઈ માણસને નથી ઓળખતી !' તાનિયાએ સ્હેજ વ્યાકુળ અવાજે કહ્યું, ‘તમે કહો છો એવો કોઈ ડેનિયલ અહીં નથી.. !'

દિલીપની નજર પુનઃ ફ્લૅટમાં ફરવા લાગી.

તે બે રૂમનો વ્યવસ્થિત ફ્લેટ હતો. દરેક વસ્તુ યથાસ્થાને ગોઠવેલી હતી.

‘રજની... !' દિલીપ રજનીને સંબોધીને બોલ્યો, ‘આને પૂછપરછ કરવાથી નકામો ટાઇમ બગડશે. ડેનિયલ અહીં જ ક્યાંક હોવો જોઈએ... ! આપણે જ એને શોધવો પડશે.’

‘ઓ.કે...’ કહીને રજની તલાશી લેવા માટે રૂમમાં જમણી તરફ

આગળ વધી ગઈ જ્યારે દિલીપે ડાબી તરફ પ્રયાણ કર્યું. ‘તમે લોકો આ શું ધમાલ કરો છો ?' તાનિયા. ફરીથી બરાડી ઊઠી, ‘મેં તમને કહ્યું તો ખરું કે અહીં કોઈ નથી તો પછી આ તલાશીનો શું અર્થ છે?’

‘જુઓ મૅડમ... !’ આ વખતે દિલીપ સ્હેજ શાંત અને ગંભીર અવાજે બોલ્યો, ‘અમે તલાશી લીધા વગર અહીંથી નથી જવાનાં.. ! ડેનિયલ આ ફ્લૅટમાં છે એવી ચોક્કસ બાતમી અમને મળી છે.'

‘પણ...’

‘તમે થોડી વાર તમારો જીભડો મોંમાં જ રાખો... !' દિલીપ જોરથી તાડૂક્યો. તાનિયા હેબતાઈને ચૂપ થઈ ગઈ અને દિલીપ સામે જોવા લાગી.

આવો રુઆબવાળો માણસ જિંદગીમાં અગાઉ ક્યારેય એણે નહોતો જોયો.

ત્યાર બાદ દિલીપ તથા રજનીએ તલાશી લેવાનું શરૂ કર્યું. એ જ રૂમ સાથે બાથરૂમ જોડાયેલું હતું. રજનીએ સૌથી પહેલાં બાથરૂમ અને પછી ટૉઇલેટ ચેક કર્યું. જેમ જેમ તેઓ તલાશી લેતાં હતાં તેમ તેમ તાનિયાની ધ્રુજારી વધતી જતી હતી. એ જ વખતે રજની જે પડદા પાછળ ડેનિયલ છુપાયો હતો એની નજીક જઈ પહોંચી. રજની પડદો ખસેડે તે પહેલાં જ ડેનિયલ અચાનક જ પડદા પાછળથી બહાર નીકળી આવ્યો અને રજનીને જોરથી હડસેલો મારીને

બહાર નીકળવા માટે દરવાજા તરફ દોટ મૂકી. ‘દિલીપ... !’ રજની જોરથી બરાડી, ‘આ રહ્યો ડેનિયલ.. ! પકડ એને !'

દિલીપનું ધ્યાન તરત જ ડેનિયલ તરફ કેન્દ્રિત થયું. ડેનિયલ દરવાજામાંથી બહાર નીકળે તે પહેલાં જ દિલીપે વાઘની જેમ તેના પર છલાંગ લગાવી.

જાણે કોઈ છાતીમાં ખંજર ખેંચાડી દીધું હોય એમ ડેનિયલના કંઠમાંથી કાળજું કંપાવતી ચીસ સરી પડી.

વળતી જ પળે દિલીપના રાઠોડી હાથનો એક પ્રચંડ મુક્કો પૂરી તાકાતથી એના જડબા પર ઝીંકાયો. ડેનિયલ દરવાજા પાસે જ ઊથલી પડ્યો.

એનું જડબું તીવ્ર પીડાથી હચમચી ઊઠ્યું હતું. નીચલો હોઠ ફાટી ગયો હતો અને તેમાંથી લોહીની ધાર નીકળીને દાઢી પર સરકવા લાગી હતી.

તે સ્વસ્થ થાય એ પહેલાં જ દિલીપે એની સામે રિવૉલ્વર તાકી.

‘ખબરદાર... !’ એણે કર્કશ અવાજે ચેતવણી ઉચ્ચારતાં કહ્યું,

‘નાસી છૂટવાનો પ્રયાસ કરીશ તો હમણાં જ અહીં તારી લાશ પડી હશે... !'

ડેનિયલના ચહેરાનો રંગ ઊડી ગયો.

બીજી તરફ દિલીપ તથા રજનીનું ધ્યાન ડેનિયલ તરફ જોઈને તાનિયા સ્ફૂર્તિથી ત્યાં પડેલા ટેબલ તરફ ધસી ગઈ. એ ટેબલના ખાનામાં ડેનિયલની આડત્રીસ કેલિબરની રિવોલ્વર પડી હતી. તાનિયા ટેબલ સુધી પહોંચી પણ ગઈ, પરંતુ તે ખાનું ઉઘાડે એ પહેલાં જ રજનીનું ધ્યાન તેના પર પડી ગયું.

વળતી જ પળે રજનીના હાથમાં જકડાયેલી રિવૉલ્વરમાંથી એક ગોળી છૂટીને તાનિયાના ખભાને સ્પર્શતી ચાલી ગઈ. તાનિયા મોંમાંથી ચીસ નાખતી ટેબલ સાથે અથડાઈને જમીન પર ઊથલી પડી. એ જ વખતે રજની દોડીને તેની પાસે પહોંચી. એણે તરત જ તાનિયાના માથા પર રિવૉલ્વરની મૂઠનો ફટકો ઝીંકી દીધો. તાનિયા એક ચીસ નાખીને ત્યાં જ બેભાન થઈ ગઈ.

ડેનિયલ હવે ભય, ખોફ અને દહેશતભરી નજરે બેભાન પડેલી તાનિયા સામે તાકી રહ્યો હતો. ‘તા...તાનિયાને શું થયું... ?' એણે પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવતાં પૂછ્યું.

‘ચિંતા ન કર... !’ રજની બોલી, ‘અત્યારે તો માત્ર બેભાન જ થઈ છે, પણ જો રિવૉલ્વરનો આવો જ એક વધુ ફટકો પડશે તો એનો જીવ નીકળવામાં બહુ સમય નહીં લાગે... !' ડેનિયલના રહ્યાસહ્યા હોશ પણ ઊડી ગયા.

બે લાખ ડૉલર ભરેલી હૅન્ડબૅગને એણે અત્યારે પણ પોતાની છાતી સરસી ચાંપી રાખી હતી.

‘મારી એક વાત બરાબર કાન ખોલીને સાંભળી લે ડેનિયલ... !' દિલીપ એના લમણા પર રિવૉલ્વરની નળી ટપટપાવતાં બોલ્યો, ‘તું આ શહેરનો એક શરીફ સગૃહસ્થ છો એવો તારો ભ્રમ સમાપ્ત થઈ ગયો છે. વડાપ્રધાનની બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને તેં જ શૂટ કર્યો હતો એ વાત હવે એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે.’ ‘મેં..મેં...એવું કંઈ નથી..’

ડેનિયલનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ દિલીપે એના જડબા પર રિવૉલ્વરની મૂઠનો ફટકો ઝીંકી દીધો. અને પછી હિંસક અવાજે કહ્યું, ‘હવે જરા ફરીથી બોલ કે ડ્રાઇવર પર તે ગોળી નહોતી છોડી... !' ડેનિયલનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં. દિલીપનું રૌદ્ર સ્વરૂપ જોઈને તે ધ્રૂજી ઊઠ્યો.

‘ડેનિયલ... !' દિલીપ એની આંખોમાં પોતાની વેધક આંખો પરોવતાં બોલ્યો, ‘મારે તારી પાસેથી માત્ર એક જ સવાલનો જવાબ જોઈએ છે... ! કુરેશીએ ભારતના વડાપ્રધાનને અત્યારે ક્યાં છુપાવી રાખ્યા છે..?’

‘હું નથી જાણતો..’ દિલીપની રિવૉલ્વરનો એક જોરદાર ફટકો એના જડબા પર ઝીંકાયો.

ડેનિયલની જીભ તાળવે ચોટી ગઈ.

‘મેં તને શું કહ્યું ડેનિયલ... ?' દિલીપ આગ્નેય નજરે એની સામે જોતાં બોલ્યો, ‘મારે માત્ર સવાલનો જવાબ જ જોઈએ છે અને આ જવાબ તારે જ મને આપવાનો છે... !'

ડેનિયલના એરા ૫૨ વ્યાકુળતા મિશ્રિત અનિશ્ચિતતાના હાવભાવ ફરી વળ્યા હતા.

‘અને આ હૅન્ડબૅગમાં શું છે... ?' દિલીપે એની છાતી સરસી ચાંપેલી બૅગ તરફ સંકેત કરતાં પૂછ્યું. ‘એ...એમાં બે લાખ ડૉલર છે.. !'

દિલીપે એના હાથમાંથી હૅન્ડબૅગ આંચકીને ઉઘાડી. એ ખરેખર નોટોથી ભરેલી હતી. ‘આ રકમ તારી પાસે ક્યાંથી આવી...?' દિલીપે પૂછ્યું.

‘ક...કુરેશીએ આપી છે…… !' ડેનિયલે કંપતા અવાજે જવાબ આપ્યો.

‘બૂલેટપ્રૂફ ગાડીના ડ્રાઇવરને શૂટ કરવાના વળતર તરીકે આપી છે, ખરું ને... ?’

‘હા...જી...’

‘ક્યારે આપી છે... ?'

‘ક...કાલે જ...ઍમ્બ્યુલન્સમાં... !' ડેનિયલ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘વ...વાત એમ છે કે કુરેશી અને તેના સાથીદારો વડાપ્રધાનનું અપહરણ કરીને જે ઍમ્બ્યુલન્સમાં નાસી છૂટ્યા હતા, એ જ ઍમ્બ્યુલન્સમાં હું પણ હતો. કુરેશીએ ઍમ્બ્યુલન્સમાં જ આ રકમ મને સોંપી હતી અને પછી રસ્તામાં જ ઉતારી દીધો હતો. ત્યાર બાદ તેઓ ભારતના વડાપ્રધાનને ક્યાં લઈ ગયા એની મને ખબર નથી. તેમણે ઍમ્બ્યુલન્સ પડતી મૂકી દીધી હતી એ પણ મને ટી.વી.માં આવેલા સમાચાર પરથી જ જાણવા મળ્યું હતું.'

ડેનિયલ સાચું કહે છે એવું દિલીપને લાગ્યું.

‘તો ભારતના વડાપ્રધાનને મોસ્કોમાં ક્યાં છુપાવીને રાખવામાં આવ્યા છે એ બાબતમાં તું કશુંય નથી જાણતો, ખરું ને.. ?'

‘ના...

‘વાંધો નહીં... !' કહેતાં કહેતાં દિલીપે રિવૉલ્વરની નળી ડેનિયલના કપાળ પર ગોઠવી દીધી. ‘આ...આ તમે શું કરો છો... ?' ડેનિયલે હેબતાઈને પૂછ્યું.

‘તારી ગુનાહિત જિંદગીનો અધ્યાય હંમેશને માટે પૂરો કરું છું ડેનિયલ... !' દિલીપ ક્રૂર અવાજે બોલ્યો, ‘તે આ છોકરી સાથે લગ્ન તો નથી કર્યાં ને...?'

'ના..! '

‘સારું કર્યું…… ! બિચારી વિધવા થતી બચી ગઈ... ! આ છોકરીનાં નસીબ એટલા સારાં કે તારા જેવા ગુંડા સાથે હજુ એનાં લગ્ન નથી થયાં... ! ગુડ બાય ફૉર એવર... !'

વાત પૂરી કરતાંની સાથે જ દિલીપે નિર્વિકાર ભાવે ટ્રિગર દબાવી દીધું.

ભયથી ફાટી પડેલી ડેનિયલની આંખો ફાટેલી જ રહી ગઈ. એની ખોપરીના ભુક્કા બોલી ગયા હતા. એનો દેહ પીઠભેર ઊથલી પડ્યો.

આંખના પલકારામાં જ એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ત્યાર બાદ દિલીપે હૅન્ડબૅગમાંથી નોટો કાઢીને જમીન ૫૨ ઢગલો કર્યો અને તેને આગ લગાવી દીધી.

થોડી પળોમાં જ બધી નોટો સળગીને રાખ થઈ ગઈ. ત્યાર બાદ દિલીપ રજનીને લઈને સડસડાટ ફ્લેટમાંથી બહાર નીકળી ગયો.

*******