Barood - 6 books and stories free download online pdf in Gujarati

બારૂદ - 6

૬ શિકાર છટક્યા... !

દિલીપ, નાગપાલ, ડૉક્ટર બીલીમોરિયા તથા રશિયન અધિકારી...આ ચારેય હજુ પણ એ જ ખંડમાં અલગ અલગ ખુરશીઓ પર બેઠા હતા.

ઇલેક્ટ્રો-કાર્ડિયોગ્રાફ મશીન હવે બંધ હતું.

‘મિસ્ટર દિલીપ... !' ડૉક્ટર બીલીમોરિયા બોલ્યો, ‘તમે પેંગિંગ એપાર્ટમેન્ટનું નામ ઉચ્ચાર્યું, ત્યારે જાણે ડેનિયલ ૫૨ હૃદયરોગનો હુમલો આવવાની તૈયારી હોય એટલા જોરથી એના હૃદયના ધબકારાનો ગ્રાફ ઊંચો ચડી ગયો હતો.'

‘એક વાત તો હવે લગભગ નક્કી થઈ ગઈ છે…… !' નાગપાલે પ્રભાવશાળી અવાજે કહ્યું.

‘કઈ વાત... ?'

‘અબ્દુલ વહીદ કુરેશી યુનિવર્સિટી રોડ પર આવેલ હેંગિંગ એપાર્ટમેન્ટના ૧૦ નંબરના ફ્લૅટમાં જ મોજૂદ છે.’

‘તમે સાચું કહો છો... ?'

‘પરંતુ આ સમગ્ર મામલામાં એક બહુ મોટી અને ભયંકર ભૂલ થઈ ગઈ છે.' અચાનક રશિયન અધિકારીએ ગંભીર અવાજે કહ્યું.

‘કેવી ભૂલ ?’

‘આપણે ડેનિયલને અહીંથી નહોતો જવા દેવો જોઈતો... !'

'કેમ...?’

એટલા માટે કે ડેનિયલ અહીંથી બહાર નીકળતાંવેંત સૌથી પહેલાં કુરેશીને સાવચેત કરી દેશે... !'

'આ બાબતમાં આપ બિલકુલ બેફિકર રહો... !' નાગપાલ બોલ્યો, ‘એની વ્યવસ્થા પણ અમે કરી છે.’

'કેવી વ્યવસ્થા... ?'

‘જો અબ્દુલ વહીદ કુરેશી હેંગિંગ એપાર્ટમેન્ટમાં હશે તો હવે તે કોઈ સંજોગોમાં ત્યાંથી ગુમ નહીં થઈ શકે. અત્યારે સી.આઈ.ડી.નો એક એજન્ટ ડેનિયલનો પીછો કરતો હશે. ડેનિયલ જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં એ પડછાયાની માફક તેની પાછળ જ હશે. હું માનું છું ત્યાં સુધી ડેનિયલ કુરેશીને ફોન કરવાની હિંમત નહીં દાખવે. એ કાં તો પોતે જ આ વાત જણાવવા માટે કુરેશી પાસે જશે અથવા તો પછી પોતાનો કોઈક મેસેજ એના સુધી પહોંચાડશે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે કુરેશીને પકડવા માટે આપણી પાસે ઘણો સમય છે.’

સૌએ રાહતનો શ્વાસ ખેંચ્યો.

– પરંતુ નાગપાલની માન્યતા બિલકુલ ખોટી પડી.

ડેનિયલ એની ગણતરી કરતાં પણ વધુ ચાલાક પુરવાર થયો. કોઈ કલ્પના પણ ન કરી શકે એવું પગલું એણે ભર્યું.

કુરેશીને ફોન કરવાની હિંમત તો તે ન જ દાખવી શક્યો. અથવા તો પછી ૧૦, હેંગિંગ એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી રોડ પર ફોન હતો જ નહીં.

પરંતુ તે એક અદ્ભુત ચાલબાજી રમ્યો.

એણે પેંગિંગ એપાર્ટમેન્ટ પાસે જ રહેતા એક અન્ય માણસનો ફોનથી સંપર્ક સાધ્યો, અને એ માણસ અબ્દુલ વહીદ કુરેશીને આવનારા જોખમથી સાવચેત કરી આવ્યો.

દિલીપ બાબુભાઈને સાથે લઈને ૧૦, હેંગિંગ એપાર્ટમેન્ટ પહોંચ્યો, ત્યારે અબ્દુલ વહીદ કુરેશી પોતાના ચાર સાથીદારો સાથે ત્યાંથી ઉડનછુ થઈ જવાની વેતરણમાં જ હતો.

કુરેશીને જોઈને દિલીપના જીવમાં જાણે કે જીવ આવ્યો. તેઓ સમયસર જ પહોંચ્યા હતા.

જોતજોતામાં જ કુરેશી પોતાના સાથીદારો સાથે એક કારમાં બેસીને ત્યાંથી રવાના થઈ ગયો.

'હવે શું કરવું છે બિરાદર.... ? આ પંખી તો ઊડ્યું.... ?'

'બાબુભાઈએ પૂછ્યું,

'પંખીનો પીછો કરો !'

બાબુભાઈએ તરત જ પોતાની મોડીસ માઇનર સ્ટાર્ટ કરીને કુરેશીની કાર પાછળ દોડાવી મૂકી, કુરેશીને પોતાની કારનો પીછો થતો હોવાની વાતની રજ માત્ર પણ શંકા ન ઊપજે એટલી સાવચેતીથી બાબુભાઈ તેનો પીછો કરતો હતો. થોડી વાર પછી કુરેશીની કાર કર્ઝન રોડના એક શાંત વિસ્તારમાં પહોંચીને ઊભી રહી.

જે સ્થળે કાર ઊભી હતી તે એક આલીશાન બિલ્ડિંગની અંદરનો ભાગનો નાનકડો રસ્તો હતો.

જોતજોતામાં જ કુરેશી તથા ત્રણ માણસો કારમાંથી નીચે ઊતર્યાં અને બિલ્ડિંગની અંદર જઈને ક્યાંક અલોપ થઈ ગયા. ચોથો માણસ કારમાં જ બેસી રહ્યો,

દિલીપ ખૂબ જ શાંતિથી તેમની પ્રત્યેક હિલચાલ જોતો હતો. ‘બિરાદર... !' બાબુભાઈ બોલ્યો, 'કુરૈશી હેગિંગ એપાર્ટમેન્ટ છોડીને આ ઇમારતમાં શિટ થઈ ગયો હોય એવું લાગે છે !'

‘હા...' દિલીપે ધીમેથી હકારમાં માથું હલાવ્યું,

થોડી વાર પછી ઇમારતમાંથી બહાર નીકળીને એક માણસે એક શટર ઉઘાડ્યું. તે એક ગેરેજ હતું. કુરેશીના ચોથા સાથીદારે કાર સ્ટાર્ટ કરી, આગળ ધપાવીને ગેરેજમાં મૂક્યા બાદ બહાર નીકળ્યો.

ગેરેજનું શટર ફરીથી બંધ કરીને તાળું મારી દેવાયું, ત્યાર બાદ એ બંને જણ ઇમારતમાં દાખલ થઈ ગયા, દિલીપ અને બાબુભાઈ કારમાં જ બેસી રહ્યા. આમ ને આમ થોડી પળો વીતી ગઈ,

‘હવે શું કરવાનું છે...?' છેવટે બાબુભાઈએ પૂછ્યું,

આપણે થોડી વાર રાહ જોઈએ... !' દિલીપ બોલ્યો, ‘એમનામાંથી કોઈ બહાર નીકળે છે કે નહીં !'

વધુ દસ મિનિટ પસાર થઈ ગઈ. પરંતુ ઇમારતમાંથી કોઈ બહાર ન નીકળ્યું.

‘બિરાદર... !’ છેવટે બાબુભાઈએ કહ્યું, ‘આ મહાનુભાવો હવે બહાર આવે એવું નથી લાગતું. હવે તો આપણે જ શું પગલાં ભરવાં નક્કી કરવાનું છે.'

‘તમે અહીં બેસો... ! હું હમણાં જ આવું છું.' દિલીપ કારનો દરવાજો ઉઘાડતાં બોલ્યો.

‘તમે ક્યાં જાઓ છો... ?'

‘હું બે મિનિટમાં જ આવું છું.'

દિલીપ બાબુભાઈને કશુંય જણાવ્યા વગર કારમાંથી નીચે ઊતર્યો અને આગળ વધીને એણે પૂરી સાવચેતીથી આખી ઇમારતનું નિરીક્ષણ કર્યું.

ઇમારત ચારે તરફથી ઘેરાયેલી હતી.

તેમાં પાછળના ભાગેથી કે બીજી કોઈ દિશામાંથી નાસી છૂટવા માટે કોઈ માર્ગ નહોતો.

ઇમારતમાં આવવા-જવા માટેનો એક જ માર્ગ હતો. - એ જ માર્ગ કે જેમાંથી અબ્દુલ વહીદ કુરેશી હમણાં અંદર ગયો હતો.

દિલીપ સંતોષથી માથું ધુણાવતો પાછો આવીને કારમાં બેઠો અને દરવાજો બંધ કરી દીધો.

‘પાછા ચાલો બાબુભાઈ…… !' એણે કહ્યું.

‘પણ બિરાદર... !’ બાબુભાઈ આશ્ચર્યથી બોલ્યો, ‘કુરેશી હજુ ઇમારતમાં જ છે. આપણા અહીંથી વિદાય થતાં જ તે નાસી છૂટશે તો શું થશે... ?’

‘હમણાં તો એકાદ-બે દિવસ સુધી કુરેશી ક્યાંય નથી જવાનો !’

દિલીપે કહ્યું, ‘થોડી વાર પહેલાં જ તે હેગિંગ એપાર્ટમેન્ટમાંથી ભાગીને અહીં આવ્યો છે અને આ સ્થળને જ પોતાને માટે સલામત માને છે. જો આપણે વધુ સમય સુધી અહીં રોકાશું તો તેની નજરે ચડી જવાનું જોખમ છે.’

‘ઓ.કે. બિરાદર... !’ બાબુભાઈ હકારમાં માથું હલાવતાં બોલ્યો. બાબુભાઈએ કાર સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.

– સાંજે ભારતીય દૂતાવાસમાં ફરીથી નાગપાલ સાથે દિલીપની મુલાકાત થઈ.

દિલીપે કુરેશીના બીજી ઇમારતમાં ચાલ્યા જવાની બધી વિગતો તેને જણાવી દીધી.

‘વેરી ગુડ... !' નાગપાલ પાઇપનો કસ ખેંચતાં બોલ્યો, ‘અર્થાત્ કુરેશી બીજી ઇમારતમાં શિફ્ટ થયા પછી પોતાની જાતને એકદમ સલામ માને છે, એમ ને ?'

‘હા... !’ દિલીપે જવાબ આપ્યો.

‘હવે શું કરવાનું છે.... ?'

‘હાલતુરત તો આપણે કુરેશી જે ઇમારતમાં છે એના પર સાવચેતીથી નજર રખાવીને તેની આગામી યોજના શું છે... તે વડાપ્રધાનના ખૂનની યોજના કેવી રીતે પાર પાડશે, એ જાણવાનો પ્રયાસ કરવાનો છે.’

‘એની યોજના વિશે જાણવાની શું જરૂર છે... ?'

'કેમ...?'

‘આના કરતાં તો આપણે તાબડતોબ કુરેશીને પકડાવા દઈએ એ જ વધુ યોગ્ય રહેશે. આ પગલું ભરવાથી એક ઝાટકે જ આ પ્રકરણનો અંત આવી જશે.'

‘અંકલ... !' દિલીપ બોલ્યો, ‘જો તમે આવું માનતા હો તો તમારી આ માન્યતા ભૂલભરેલી છે. આ પ્રકરણનો તમે માનો છો એટલી સહેલાઈથી અંત નહીં આવે !'

કેમ...?

‘એટલા માટે કે મેં કુરેશીની સાથે બીજા પણ ચાર માણસોને જોયા છે, એ ચારેય ચોક્કસ જ આઈ.એસ.આઈ.ના ખતરનાક એજન્ટો હોવા જોઈએ. અને હજુ તો મોસ્કોમાં આવા કોણ જાણે કેટલા એજન્ટો હશે... ! અંકલ, જો આપણે કુરેશીને પકડાવી દેશું તો તેની જવાબદારી બીજો કોઈક એજન્ટ સંભાળી લેશે. આપણે કુરેશીને ઓળખતા હોવાથી તેના પર નજર પણ રખાવી શકીએ તેમ છીએ, પરંતુ કુરેશીને પકડાવ્યા પછી જે એજન્ટ તેની કામગીરી સંભાળશે એનું નામ સુધ્ધાં જાણવાનું આપણા માટે મુશ્કેલ બની જશે.'

નાગપાલના ચહેરા પર ગંભીરતા ફરી વળી. દિલીપની વાતમાં વજૂદ હતું.

‘તો હમણાં કુરેશીને નથી પકડવો એમ તું કહેવા માગે છે ?'

‘દિલીપ... !’નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘આપણી ગણતરી પ્રમાણે અબ્દુલ વહીદ કુરેશી જ આ બધું ષડતંત્ર રચતો હોય તો આપણે આ બાબતમાં રશિયન ઇન્ટેલિજેન્સને પણ જણાવી દેવું જોઈએ.'

‘કેમ ?’

‘જો આપણે તેમને કશુંય નહીં જણાવીએ અને જો આગામી દિવસોમાં કંઈ ન બનવા જેવું બનશે તો રશિયાની સરકાર દોષનો બધો ટોપલો આપણા માથા પર જ ઓઢાડી દેશે.'

‘તમારી વાત મુદ્દાની છે અંકલ... !' દિલીપ વિચારવશ અવાજે બોલ્યો, ‘પરંતુ જો આપણે આ બાબતમાં રશિયન ઇન્ટેલિજેન્સને જણાવીશું તો એક બીજું જોખમ ઊભું થશે.'

‘કેવું જોખમ...?’

જો રશિયન ઇન્ટેલિજેન્સ હેબતાઈને કુરેશીને પકડી લેશે તો બહુ મોટી ગરબડ થઈ જશે. કુરેશીની યોજના શું હતી અને તે કેવી રીતે વડાપ્રધાનના ખૂનનું કાવતરું પાર પાડવાનો હતો એ આપણે નહીં જાણી શકીએ.

એટલું જ નહીં, કુરેશીની ધરપકડ પછી કોણ આ યોજના પાર પાડવાનું છે. એની પત્ર આપણને ખબર નહીં પડે !'

'આ મુશ્કેલીનો એક બીજો ઉપાય પણ છે.' નાગપાલ બોલ્યો, આ બધી વાતો કરાવતાં પહેલાં કે રશિયન અધિકારીઓને ગરબડ થાય એવું કોઈ પગલું ન ભરવા માટે પણ સમજાવી દઈશ. કુરેશીને આપણા પર છોડી દેવાનું હું તેઓને કહી દઈશ.'

'પરંતુ મામલો ખુબ જ વિકટ છે. જો કે,જી.બી. આપણી ઉપર ભરોસો કરવા માટે તૈયાર નહીં થાય તો... ?'

‘તો આ સંજોગોમાં આપણે તેમની સમક્ષ એક બીજો પ્રસ્તાવ મૂડી શકીએ તેમ છીએ !'

‘કેવો પ્રસ્તાવ.... ?'

'એ જ કે જો તેમની ઇચ્છા હોય તો તેઓ પણ ૨૫મી તારીખ સુધી પોતાની રીતે કુરેશીની હિલચાલ પર નજર રખાવી શકે છે, પરંતુ આ કામ કુરેશીને રજમાત્ર પણ શંકા ન ઊપજે એ રીતે થવું જોઈએ... !'

‘સી.આઈ.ડી. તથા કે.જી.બી., આ બંને ભેગાં થઈને કુરેશી પર નજર રાખે એ વધુ યોગ્ય રહેશે.'

‘ખેર, બીજું કંઈ.... ?’

'બીજું તો ખાસ કંઈ નથી, પરંતુ એક વાત હું જરૂર જાણવા માગું છું.'

'શું ?'

‘આપણા વડાપ્રધાનને એરપોર્ટથી કયા કયા માર્ગેથી પ્રેસિડેન્ટ હાઉસ સુધી લાવવામાં આવશે?'

‘હજુ સુધી રૂટ નક્કી નથી થયો. મોસ્કો એરપોર્ટથી પ્રેસિડેન્ટ હાઉસ સુધી પહોંચવા માટેના પાંચ અલગ અલગ માર્ગો છે. આમાંથી જ કોઈક એક માર્ગની વડાપ્રધાનની મોટરપરેડ માટે પસંદગી થશે, પરંતુ સલામતીની દૃષ્ટિએ હજુ સુધી આ રૂટની ઘોષણા કરવામાં નથી આવી.

‘ઘોષણા ક્યારે થશે... ?’

‘રૂટની જાહેરાત તો અંતિમ સમયે જ થશે એમ હું માનું છું.'

‘અંતિમ સમયે એટલે કે ૨૫મી તારીખે...?'

‘તમે આ રૂટ વિશે અગાઉથી જાણી શકો તેમ નથી...?

‘જરૂર જાણી શકું તેમ છું, પરંતુ એનાથી કંઈ લાભ નહીં થાય !

‘કેમ...?’

‘કારણ કે મોટરપરેડનો રૂટ તો છેલ્લી ઘડીએ પણ બદલી શકાય તેમ છે. બલ્કે રૂટ બદલી જ નાખવામાં આવશે એ વાતની શક્યતા વધુ છે.’ ‘ઓહ...’ દિલીપના એરા પર નિરાશા ફરી વળી, ખેર, વડાપ્રધાનના રક્ષણ વિશે કોઈ નવી વાત જાણવા મળી છે...?'

‘હા...એક નવી વાત જાણવા મળી છે.’

‘શું ?'

‘કે.જી.બી.એ ગુનેગારોની જે યાદી બનાવી હતી તેમની ધરપકડ અને નજરકેદનો ક્રમ શરૂ થઈ ગયો છે. અત્યારે આખા શહેરમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. સાતસોથી પણ વધુ શંકાસ્પદ માણસોને પકડી લેવાયા છે અને આ કાર્યવાહી હજુ પણ જો૨શોરથી ચાલુ જ છે. એટલું જ નહીં, બુલડોગ અને હીચકોક વિશેનો રિપોર્ટ પણ મેં કે.જી.બી.ને આપી દીધો છે. ૨૫મી તારીખ પહેલાં એ બંનેની ધરપકડ પણ થઈ જશે.’

‘તમે ડેનિયલ વિશે તો કે.જી.બી.ને કશુંય નથી જણાવ્યું ને ?'

‘એ તમે સારું જ કર્યું છે... !' દિલીપ બોલ્યો, ‘હવે હું જઉં છું. બાબુભાઈ મારી રાહ જોતા હશે.'

નાગપાલે ધીમેથી માથું હલાવ્યું. દિલીપ ત્યાંથી વિદાય થઈ ગયો.

અબ્દુલ વહીદ કુરેશીની હિલચાલ પર નજર રાખવામાં એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા.

કુરેશી પર દિલીપ ઉપરાંતુ સી.આઈ.ડી.ના એજન્ટો તથાં કે.જી.બી.ના જાસૂસો પણ ખૂબ જ સાવચેતીથી ચાંપતી નજર રાખતા હતા.

બીજી તરફ કુરેશી પણ કર્ઝન રોડવાળી ઇમારતમાં છુપાઈને નહોતો રહ્યો. તે ચૂપચાપ બેસી રહેનારાઓ માંહેનો નહોતો.

તે પોતે જાણે કોઈક પ્રવાસી હોય એ રીતે આખો દિવસ મોસ્કોમાં હરતો-ફરતો હતો. મોસ્કોનાં લગભગ બધાં સ્થળો એણે જોઈ નાખ્યાં હતાં. બધા બગીચાઓ...ઐતિહાસિક સ્થળો...બધી મુખ્ય સડકો એણે થોડા દિવસોમાં જ જોઈ લીધાં હતાં. ખાસ કરીને મોસ્કોના એરપોર્ટ તથા પ્રેસિડેન્ટ હાઉસ વચ્ચે આવતા માર્ગોમાં એ વધુ પડતો રસ દાખવતો હતો.

જે માર્ગો પરથી વડાપ્રધાનની મોટરનો કાફલો પસાર થવાનો હતો, એ પાંચેય માર્ગ પર એણે વધુ પડતાં ચક્કર માર્યાં હતાં.

ખાસ તો ‘ઝીણા હાઉસ'માં તેને વધુ રસ હતો. ‘ઝીણા હાઉસ’ એક પાકિસ્તાની ઇમારત હતી. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના શાસન દરમિયાન પાકિસ્તાન તથા રશિયા વચ્ચેના સારા સંબંધોને કારણે એ જમાનામાં આ ઇમારતનું નિર્માણ થયું હતું. ‘ઝીણા હાઉસ’માં એક નાનકડી લાઇબ્રેરી હતી...મસ્જિદ હતી અને ઉપરના ભાગે એક ભવ્ય કોન્ફરન્સ રૂમ હતો. જ્યાં જરૂર પડ્યે પ્રેસ-કોન્ફરન્સ તથા અન્ય મિટિંગોનું આયોજન થતું હતું.

પાંચ દિવસમાં કુરેશી ચાર વખત ‘ઝીણા હાઉસ'માં ગયો હતો અને આ ચારેય વખત એ કેટલાય કલાકો સુધી ત્યાં રોકાયો હતો. દિલીપના દિમાગમાં આ જોઈને જોખમની ઘંટડી રણકી ઊઠી.

કુરેશી ‘ઝીણા હાઉસમાં આટલો બધો રસ શા માટે લે છે જે તેને કંઈ નહોતું સમજતું. એણે ‘ઝીણા હાઉસ’નું પણ ભારીકાઈથી અલોકન કર્યું. તે એક ઊંચા ઊંચા મિનારાની તથા વિશાળ ચોગાનવાળી ઈમારત હતી. ઈમારતની દીવાલોમાં ઘણા બધા ઝરૂખાઓ હતા, ઘણી બારીઓ હતી. અને તેનાથી સ્ટેજ નીચે આગળના ભાગે નીકળેલી મોટી અગાશી હતી.

દિલીપ ચૂપચાપ કુરેશીની હિલચાલ જેતો રહ્યો.

બીજી તરફ સોસાઈટીના એજન્ટો ડેનિયલ પર પુર્ણ નજર રાખતા હતા. ડેનિયલની રોજે રોજની પ્રત્યેક હિલચાલનો રિપોર્ટ દિલીપને મળતો હતો.એની હિલચાલ પણ અત્યંત શંકાસ્પદ હતી. છેલ્લા થોડા દિવસોથી તે એક 'રાઈફલ ક્લબ'નો મેમ્બર બની ગયો હતો. તે દરરોજ રાઈફલ ક્લબમાં જઈને લગભગ એક હજાર વાર દૂરના અંતરથી નિશાનબાજીની પ્રેક્ટિસ કરતો હતો. તે પોતાનું નિશાન બનાવવાના કામે લાગી ગયો હતો.

ડેનિયલની આ કાર્યવાહીના રિપોર્ટથી દિલોપ એકદમ સાવચેત થઈ ગયો હતો.

ડેનિયલ ચોક્કસ જ કોઈક ખાસ તૈયારી કરતો હતો. કુરેશીની યોજના તે જ પાર પાડવાનો હતો એમાં હવે શંકાને કોઈ સ્થાન નહોતું રહ્યું. તે ભારતના વડાપ્રધાનને શૂટ કરવાની યોજના બનાવતો હતો અને છેલ્લી ઘડીએ નિશાન ચૂકી ન જવાય એટલા માટે સતત નિશાનબાજીથી પ્રેક્ટિસ કરતો હતો.

પરંતુ એક મુશ્કેલી હજુ યથાવત જ હતી. ડેનિયલ કઈ જગ્યાએથી વડાપ્રધાન પર ગોળી છોડવાનો છે એની કોઈનેય ખબર નહોતી. આ વાતનો પત્તો લાગવો એકદમ જરૂરી હતો, આ સિવાય એક બીજી વાત ~ દિલીપને ખૂબ જ મૂંઝવતી હતી.

વડાપ્રધાનનો કાફલો કયા માર્ગેથી પસાર થવાનો છે એ પણ રશિયન ઇન્ટેલિજેન્સે હજુ સુધી નક્કી નહોતું કર્યું. પછી અચાનક એના મગજમાં એક બીજે વિચાર ગુંજયો,

- ક્યાંક માર્ગ નક્કી થઈ ગયી હોય અને આ માર્ગની કોઈ પણ રીતે કુરેશીને તો ગંધ નથી આવી ગઈ ને ? દિલીપ આ બાબતમાં જેમ જેમ વિચારતો હતો તેમ તેમ એની મૂંઝવણ વધતી જતી હતી.

ડેનિયલ જે રીતે એકાદ હજાર વાર દૂરના અંતરેથી નિશાનબાજીની પ્રેક્ટિસ કરતો હતો, તેના પરથી એવું જ પુરવાર થતું હતું કે માર્ગની તેને ખબર હતી. જો એવું ન હોત તો તે આટલી દૂરના ચોક્કસ અંતરથી નિશાનબાજીની પ્રેક્ટિસ ન કરતો હોત,

આ ઉપરાંત દિલીપને એક બીજી વાત પણ નહોતી સમજાતી. તે કેટલાય દિવસથી કુરેશી પર નજર રાખતો હતો. બીજા પણ ઘણા લોકો આ કામમાં રોકાયેલા હતા. જેમાં કે. જી. બી.ના જાસૂસોનો પણ સમાવેશ થઈ જતો હતો.

~~ તો શું પોતાના પર નજર રાખવામાં આવે છે એની કુરેશીને ખબર પડી ગઈ હતી...?

અલબત્ત, કુરેશી જે બેદરકારીથી આખા શહેરમાં આંટા મારતો હતો, એના પરથી તો આ વાતની તેને ખબર પડી ગઈ હોય એવું જરા પણ નહોતું લાગતું. જો તેને ખબર હોત તો તે વારંવાર ‘ઝીણા હાઉસ'માં ન જાત... ! વડાપ્રધાનનો કાફલો જે પાંચ માર્ગો પરથી પસાર થવાની શક્યતા હતી ત્યાં આંટા ન મારત.

બીજી તરફ કાળા કલરની એક વૉલ્કસ વેગન પણ દિલીપે ઘણી વાર પોતાની પાછળ આવતી જોઈ હતી. આ વૉલ્ડસ વેગને તેને વધુ મૂંઝવણમાં મૂકી દીધો હતો, પરંતુ આ વૉલ્કસ વેગનના ડ્રાઇવર વિશે જાણવાની તેને ક્યારેય બહુ તક નહોતી મળી.

પાંચ દિવસ વીતી ગયા હતા.

છઠ્ઠા દિવસે કુરેશી તથા ડેનિયલ, બંનેની દિનચર્યામાં એક ફર્ક પડ્યો.

એ દિવસે કુરેશી ‘ઝીણા હાઉસ' ન ગયો અને ડેનિયલ રાબેતા મુજબ રાઇફલ ક્લબમાં ન પહોંચ્યો. બલ્કે એ બંનેની મુલાકાત પુશ્કિનાના એક રેસ્ટોરન્ટમાં થઈ. પછી તેઓ એક જ કારમાં બેસીને ‘ઝીણા હાઉસ' પહોંચ્યા.

અર્થાત્ હજુ પણ બધી દોડાદોડીનું કેન્દ્રબિંદુ ‘ઝીણા હાઉસ' જ બનેલું હતું.

કુરેશીની કાર ‘ઝીબ્રા હાઉસ'ની સીડીઓની એકદમ નજીક પહોંચીને ઊભી રહી. ડેનિયલ કારમાં જ બેસી રહ્યો જ્યારે કુરેશી નીચે ઊતરીને ઝીણા હાઉસ'નાં પગથિયાં તરફ આગળ વધ્યો.

દિલીપ તેનાથી પાંચસોએક વાર દૂર મોરીસ માઇનરમાં હતો. બાબુભાઈ તેની બાજુમાં બેઠો હતો.

‘બિરાદર…… ! કંઈ સમજાતું નથી…… !' બાબુભાઈ ધૂંધવાતા અવાજે બોલ્યો, ‘આ વનેચરો શું કરે છે. ? વારંવાર શા માટે ‘ઝીણા હાઉસ’માં 'ચક્કર મારે છે...?'

‘કંઈક ને કંઈક ગરબડ તો ચોક્કસ છે... !' દિલીપે કહ્યું.

‘હું તો કહું છું કે આ બંને નાલાયકોને ગિરફતાર કરાવી દો... ! આ મુસીબતનો એક જ ઉપાય છે કે તેમને પકડી લો અને પછી તેમની ખબર લઈ નાખો... !'

‘તેમને પકડીને ખબર લઈ નાખવાથી પણ કંઈ લાભ થાય તેમ નથી !'

‘ત્યાં જુઓ મિસ્ટર દિલીપ... !' અચાનક બાબુભાઈ ચમકીને બોલ્યો, ‘ઝીણા હાઉસ'ની સીડી પરથી મસ્જિદનો ઇમામ પણ ઊતરે અને તે કુરેશી તરફ જ આગળ વધે છે.'

દિલીપે જોયું તો ખરેખર કુરેશી સીડી પર વચ્ચે જ ઊભો રહી ગયો હતો અને હવે ઇમામ એની તરફ આગળ વધતો હતો.

કુરેશીના હાથમાં એ વખતે એક જાનમાજ (નમાજ પઢવાનું કપડું) હતું, જેને એણે ગોળાકારે વીંટાળેલું હતું. એ કપડાની અંદર કશુંક છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

ઇમામ કુરેશી પાસે આવીને ઊભો રહ્યો.

કુરેશીએ જાનમાજ એના હાથમાં મૂક્યું.

દિલીપ ઝપાટાબંધ ડેસબોર્ડ પરથી દૂરબીન ઊંચકીને તેને આંખો પર ગોઠવ્યા બાદ જાનમાજનું નિરીક્ષણ કરવા લાગ્યો. એણે દૂરબીનનો લેન્સ સ્ટેજ ફેરવ્યો તો જાનમાજ વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું. ઇમામે જે રીતે મજબૂતીથી જાનમાજ પકડી રાખ્યું હતું તેના પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું કે એમાં કોઈક વજનદાર વસ્તુ લપેટાયેલી છે.

‘કંઈક ગરબડ લાગે છે... !' દિલીપ બોલ્યો.

‘કેવી ગરાડ બિરાદર... ?'

‘હમણાં જ જોઉં છું.'

દિલીપે લેન્સને વધુ વ્યવસ્થિત કર્યો કે તરત જ જાનમાજમાં લપેટાયેલી વસ્તુ પણ તેને દેખાઈ ગઈ. એ વસ્તુ લોખંડની એક લાંબી નળી હતી.

‘માઇ ગૉડ... !' દિલીપ હેબતાઈને બોલ્યો, ‘આ તો રાઇફલ ...!?'

‘રાઇફલ... ?’ બાબુભાઈ પણ ઊછળી પડ્યો.

‘તો આ નાલાયક કુરેશી જાનમાજમાં રાઇફલ છુપાવીને ‘ઝીણા હાઉસ’માં પહોંચાડે છે, એમ ને...?'

‘આ નાલાયક તો ખરેખર ખતરનાક ભેજાનો લાગે છે... !' દિલીપ ચૂપ રહ્યો. મસ્જિદનો ઇમામ જાનમાજ લઈને ‘ઝીણા હાઉસ'માં ચાલ્યો ગયો હતો, જ્યારે કુરેશી પગથિયાં ઊતરીને ફરીથી કારમાં ગોઠવાઈ ગયો હતો. આ દરમિયાન ડેનિયલ એક પળ માટે પણ કારમાંથી બહાર નહોતો નીકળ્યો. કુરેશીની કાર ફરીથી સડક પર દોડવા લાગી હતી.

દિલીપે તાબડતોબ દૂરબીન બાબુભાઈના ખોળામાં ફેંક્યું અને પછી મોરીસ માઇનર સ્ટાર્ટ કરીને કુરેશીની કાર પાછળ દોડાવી મૂકી. આજે મોરીસ માઇનર દિલીપ ચલાવતો હતો.

‘બિરાદર... !' બાબુભાઈ કંપતા અવાજે બોલ્યો,આ શયતાનોએ ખૂનની જે યોજના બનાવી છે તે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોય એવું લાગે છે.’

‘હા, લાગે છે તો એવું જ... !' દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

કાર પૂરપાટ વેગે દોડતી હતી.

દિલીપની નજર આગળ જતી કુરેશીની કાર પર જ ચોટેલી હતી.

અડધા કલાક પછી જુદી જુદી સડકો વટાવ્યા પછી છેવટે કુરેશીની કાર મોસ્કોના મશહૂર એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટ સામે પહોંચી ઊભી રહી.

'આ ખડધૂસો હવે રેસ્ટોરન્ટમાં શા માટે આવ્યા છે ?' બાબુભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.

‘ભગવાન જાણે જ્યાં-ત્યાં ભટકીને તેઓ શું કરે છે.. . !' દિલીપ બોલ્યો, ‘આમેય જ્યારે આ બંને સાથે હોય ત્યારે કમ સે કમ એક વખત તો રેસ્ટોરન્ટમાં તેઓ જરૂર જાય છે.'

કુરેશીએ પોતાની કાર રેસ્ટોરન્ટના પાર્કિંગમાં પાર્ક કરી દીધી. પછી તે ડેનિયલ તથા પોતાના બંને સાથીદારો સાથે નીચે ઊતરીને રેસ્ટોરન્ટમાં દાખલ થઈ ગયો.

દિલીપ અને બાબુભાઈએ તેમની પાછળ જવાનો કોઈ પ્રયાસ ન કર્યો.

એ બંને રેસ્ટોરન્ટથી સહેજ દૂર પોતાની મોરીસ માઇનરમાં જ બેસી રહ્યા.

દિલીપ એક સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચવા લાગ્યો.

બંનેની નજર રેસ્ટોરન્ટના દરવાજા સામે જ જડાયેલી હતી. કુરેશી કોઈ રેસ્ટો૨ન્ટમાં ગયા પછી અડધો કલાક કે એક કલાક પહેલાં ત્યાંથી બહાર નહોતો નીકળતો.

ધીમે ધીમે અડધો કલાક અને પછી એક કલાક પણ પસાર થઈ ગયો. પરંતુ એ ચારમાંથી કોઈ જ રેસ્ટોરન્ટમાંથી બહાર ન નીકળ્યું.

દિલીપ અને બાબુભાઈ હવે ચિંતામાં પડી ગયા.

‘બિરાદર... !’ બાબુભાઈ વ્યાકુળ અવાજે બોલ્યો, ‘આ બધા અંદર ક્યાં ચોંટી ગયા... ? અગાઉ તો ક્યારેય કુરેશી કોઈ બાર કે રેસ્ટોરન્ટમાં આટલી વાર સુધી નથી રોકાયો……… !'

‘જરૂર તેઓ અંદર બેઠા બેઠા આગળની રણનીતિ નક્કી કરતા હશે.' દિલીપે કહ્યું.

વધુ પંદર મિનિટ વીતી ગઈ.

અચાનક દિલીપ સિગારેટ ફેંકી દરવાજો ઉઘાડીને કારમાંથી નીચે ઊતર્યો.

‘તમે ક્યાં જાઓ છો બિરાદર... ?'

‘હું અંદર તપાસ કરવા માટે જઉં છું. તમે અહીં જ બેસજો... !

'ક્યાંય જશો નહીં... !'

‘ભલે...'

દિલીપ સડક પાર કરીને સાવચેતીથી રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યો. એની શોધપૂર્ણ અને વ્યાકુળ નજર ચારે તરફ ફરી વળી.

રેસ્ટોરન્ટના હૉલમાં તેને કુરેશી, ડેનિયલ કે તેના બંને સાથીદારોમાંથી કોઈ જ ન દેખાયું,

દિલીપે નાની નાની ફેમિલી મિનો પણ જોઈ નાખી, પરંતુ એ ગામનો પિય પક્ષી નહોતો,

એણે ટોઇલેટ સુધ્ધાં ચેક કર્યાં, પરંતુ ત્યાં કોઈ જોવા ન મળ્યું.

એ ચારેય આશ્ચર્યજનક ઢબે રેસ્ટોરન્ટમાંથી ગુમ થઈ ગયા હતા,

દિલીપ બહાર નીકળીને કારમાં પાછો ફર્યો અને રાતના દસ વાગ્યા સુધી તેમાં જ બેસી રહ્યો.

કુરેશીની કાર હજુ પણ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જ પડી હતી. કોઈક ને કોઈક તો જરૂર કાર લેવા માટે ત્યાં આવશે એમ તે માનતો હતો, પરંતુ એની માન્યતા ખોટી પડી. ત્યાં કાર લેવા માટે પણ કોઈ ન આવ્યું.

‘બિરાદર.... !' બાબુભાઈ બોલ્યો, ‘તમે હવે નાહક જ તમારો કીમતી સમય બગાડો છો એવું મને લાગે છે. એ ચારેયમાંથી હવે કોઈ પાછું નહીં આવે... ! તેઓ આપણને થાપ આપીને નાસી છૂટ્યા છે.'

‘એમ જ લાગે છે.... !' દિલીપે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું. ત્યાર બાદ એણે ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધીને તેને બધી વિગતો જણાવી દીધી.

એની વાત સાંભળીને નાગપાલ પણ ચિંતામાં પડી ગયો. હવે શું કરવું છે દિલીપ... ?' એણે પૂછ્યું. તમે તાબડતોબ એલ્ફીન્સ્ટન રેસ્ટોરન્ટ પર સી.આઈ.ડી.ના બે એજન્ટોને મોકલી આપો.' ‘ભલે...બીજું કંઈ... ?'

‘ના....' કહીને દિલીપે સંપર્ક કાપી નાખ્યો.

થોડી વારમાં જ સી.આઈ.ડી.ના બે એજન્ટો ત્યાં આવી પહોંચ્યા.

દિલીપે એ બંનેને રેસ્ટોરન્ટ પર નજર રાખવાનું જણાવીને, જે કોઈ પાર્કિંગમાં પડેલી કુરેશીની કાર લેવા માટે આવે તો તેનો પીછો કરવાની સૂચના આપી દીધી.

ત્યાર બાદ દિલીપ બાબુભાઈને લઈને કર્ઝન રોડવાળો જે ઈમારતમાં કુરેશી શિફ્ટ થયો હતો ત્યાં પહોંચ્યો.

પરંતુ કુરેશીના ફ્લેટ પર મોટું તાળું લટકતું હતું. મહિનાઓથી એ ફ્લેટમાં કોઈ ન રહેતું હોય એવી ત્યાંની હાલત હતી.

દિલીપ ૧૦, હેગિંગ એપાર્ટમેન્ટ, યુનિવર્સિટી રોડ પર પહોંચ્યો. પરંતુ ત્યાં પણ કોઈ નહોતું.

ત્યાર બાદ તે પુશ્કિના સ્થિત ડેનિયલના નિવાસ્થાને પહોંચ્યો.

ડેનિયલના નિવાસસ્થાને પણ કાગડા ઊડતા હતા.

કુરેશી તો ઠીક ડેનિયલનો પણ ક્યાંય પત્તો નહોતો.

********