eavesdropping in Gujarati Classic Stories by SHAMIM MERCHANT books and stories PDF | છળકપટ

Featured Books
Share

છળકપટ


અરમાન શેખાવત અને કુશાલ મલિક સારા મિત્રો હતા પરંતુ એકબીજાથી તદ્દન વિપરીત. અરમાન એકાગ્રચિત હતો અને તેના જીવનમાં નિશ્ચિત લક્ષ્યો હતા, જ્યારે કુશાલ બેફિકર હતો, બસ મોજ મસ્તી અને સૈર સપાટામાં સમય નષ્ટ કર્યા કરતો. તેમની મિત્રતા જોઈને સૌને આશ્ચર્ય થતું.

"અરમાન, અમે બધા કઝીન આજે રાત્રે પાર્ટી કરવાના છીએ, મને ૨૦૦૦/- રૂપિયા આપને, હું તને પાક્કું એક અઠવાડિયામાં પાછા આપી દઈશ."
"અરે અરમાન, હું ત્રણ દિવસ માટે ગોવા જાઉં છું, મને તારા નવા ટી-શર્ટ આપને, મારા ઝાંખા પડી ગયા છે."
“અરે યાર અરમાન, આ ગ્રાફ બહુ જટિલ છે! બધા મારા માથાની ઉપર જઈ રહ્યા છે. પ્લીઝ દોસ્ત, આ ચાર્ટ પૂરું કરવામાં મારી મદદ કર.”

તેમના સમગ્ર કોલેજના વર્ષો આવા જ દૃશ્યથી ભરેલા હતા. કુશાલ અરમાનની વસ્તુઓ ઉધાર લેવા અને અભ્યાસમાં મદદ માટે તેની પાસે નિયમિત જતો રહેતો. અરમાન હંમેશા નમતું મૂકી કુશાલની સહાયતા કરતો. તે એમ વિચારતો, "આ કોઈ મોટી વાત નથી, એમાં શું થઈ ગયું, છેવટે હું એક મિત્ર માટે ઉપયોગી થઈ રહ્યો છું ને." તેઓ બંને આર્કિટેક્ચર સ્નાતક હતા, પરંતુ તફાવત સાથે: અરમાન રેન્કનો વિદ્યાર્થી હતો અને તેણે એક પ્રતિષ્ઠિત કંપનીમાં કેમ્પસ પ્લેસમેન્ટ મેળવ્યું હતું. બીજી તરફ કુશાલ છેતરપિંડી કરીને અને ધક્કા મારી મારીને પરીક્ષામાં પાસ થયો હતો.

બે વર્ષ પછી, અરમાન પ્રમોશન સાથે આગળ વધી રહ્યો હતો અને કુશાલ હજુ પણ કોઈ એક નોકરી સ્થિર રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેનું બેદરકાર વલણ તેના પર અસર કરી રહ્યું હતું.
“જો તું એક કંપનીમાંથી બીજી કંપનીમાં કૂદકા માર્યા કરીશ, તો પછી તું જીવનમાં કેવી રીતે સેટલ થઈ શકીશ? કયા માબાપ તેમની દીકરીના લગ્ન તારી સાથે કરવા માંગશે?"
માતાપિતાના દબાણે કુશાલ માટે ગંભીરતાથી વિચારવાનું ફરજિયાત બનાવ્યું.

ફરી એકવાર તે અરમાન પાસે આગ્રહ કરવા આવ્યો. "અરમાન, તારા બોસ પાસે મારા માટે ભલામણ કરીને મને તારી આર્કિટેક્ચર ફર્મમાં નોકરી અપાવ ને યાર."
અરમાન અચકાયો, તે કુશાલના બેજવાબદાર વર્તનથી અજાણ નહોતો. "કુશાલ, મને તારા માટે ભલામણ કરવામાં વાંધો નથી, પરંતુ જો તું ત્યાં કોઈ બેદરકારી કરીશ, તો તેનો મારા પર પ્રત્યાઘાત પડશે અને હું ચોક્કસપણે મારી નોકરીને જોખમમાં નાખવા નથી માંગતો."
કુશાલે તેના દોસ્તની પીઠ પર થપ્પડ મારીને કહ્યું, "અરે યાર, હું હવે કોલેજનો અણસમજુ છોકરો નથી રહ્યો. હું નિષ્ઠાપૂર્વક કામ કરવાનું વચન આપું છું."

કુશાલને અરમાનની કંપનીમાં નોકરી મળી ગઈ. છ મહિના સુધી બધું સારું ચાલ્યું. એક દિવસ બોસે અરમાનને પોતાની કેબિનમાં બોલાવીને કહ્યું, "આ નવો ક્લાયંટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો તે આપણા કામથી સંતુષ્ટ થશે, તો આપણે તેની પાસેથી લાંબા ગાળા સુધી વ્યવસાયની અપેક્ષા રાખી શકીએ છીએ. હું ઈચ્છું છું અરમાન, કે આ પ્રેઝન્ટેશન તું કરે. તને જોઈએ તો કોઈ જુનિયરની મદદ લઈ લે જે, પરંતુ અંતિમ ડેમો તારો હોવો જોઈએ."

અરમાન ખુશી અને ગર્વથી ફુલાઈ ગયો કે તેના બોસને તેના પર આટલો વિશ્વાસ હતો.
"અરમાન, મને તારી સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવા દે."
"ના કુશાલ, તું હજુ નવો છે."
"બરાબર! તારી પાસેથી શીખવાની અને વધુ અનુભવ મેળવવાની આ મારી સોનેરી તક છે."
ન છૂટકે અને અધૂરા જીવે અરમાને તેના મિત્રની વિનંતી સ્વીકારી.

તેમ છતાં, તેને એકલા જ બધી મહેનત કરવી પડી. કુશાલ ક્યારેય આસપાસ નહોતો અને અરમાને રાતે ઉજાગરા કરીને આખ્ખું પ્રેઝન્ટેશન એકલા હાથે તૈયાર કર્યું. ગ્રાહક સાથે મીટિંગના એક દિવસ પહેલા, અરમાન કુશાલ પર ભડકી ગયો. "આપણે આવતીકાલે બપોરે ૪.૦૦ વાગ્યે ગ્રાહકને પ્રેઝન્ટેશન આપવાનું છે અને તને આખા પ્રોજેક્ટ વિશે શું ખબર છે? શીખવાનું તો ભૂલી જા, પરંતુ તું મને મદદ કરવા માટે પણ હાજર નહોતો. તદઉપરાંત તારા કારણે મેં બીજા કોઈને સહાયતા માટે પૂછ્યું જ નહીં."
અરમાનની ફરિયાદથી કુશાલને જાણે કંઈ ફરક જ ન પડ્યો. તેના મોઢા પર કોઈ અફસોસ કે પસ્તાવો નહોતો. "રિલેક્સ યાર. મને પેનડ્રાઈવમાં પીપીટી આપી દે, હું આજે રાત્રે બેસીને સમજી લઈશ."
"કુશાલ, એમ નહીં વિચારતો, કે તું એકલો...."
"અરમાન, તું જ ક્લાયન્ટને પ્રેઝન્ટેશન રજૂ કરજે, હું ફકત જાણકાર રહેવા માંગુ છું."

બીજા દિવસે, બપોરે ૨.૧૫ વાગ્યે રિસેપ્શનિસ્ટે અરમાનની કેબિનમાં ડોકિયું કર્યું, "અરમાન, તું અહીં શું કરી રહ્યો છે? નવા ક્લાયન્ટ સાથે મીટિંગ માટે તું કોન્ફરન્સ રૂમમાં નથી જવાનો?"
"મીટિંગ ૪.૦૦ વાગ્યે છે," અરમાને તેને જવાબ આપ્યો. રિસેપ્શનિસ્ટ તેની સામે જોઈ રહી અને અરમાન અસ્વસ્થ થઈ ગયો, "શું થયું?"
"શું કુશાલે તને જાણ નથી કરી? ગ્રાહકે મીટીંગ ૪.૦૦ વાગ્યા ને બદલે ૨.૦૦ વાગ્યાની માંગ કરી હતી. બોસે તારા વિશે પૂછ્યું હતું, પણ મને લાગે છે કે કુશાલ પ્રેઝન્ટેશન આપી રહ્યો છે."

અરમાન ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો અને બ્લુપ્રિન્ટ્સ લઈને લિફ્ટ તરફ દોડ્યો. બીજા માળની ઓફિસથી પાંચમા માળે કોન્ફરન્સ રૂમ સુધી આવતા આવતા તેનો આક્રોશ સાતમાં આસમાને પહોંચી ગયો. દરવાજો ખટખટાવ્યા વિના તે મિટિંગ રૂમમાં પ્રવેશ્યો અને હાજર દરેક વ્યક્તિને ચોંકાવી દીધા.

તેણે કુશાલ સામે આંખ કાઢી અને અરમાને જોઈને તરત જ તેના બોસે કહ્યું "અરમાન, તારી પાસેથી આ પ્રકારની અનૈતિક વર્તણૂકની અપેક્ષા નહોતી. અગર કુશાલ ન હોત તો...."

મૂંઝાયેલા ગ્રાહકની અવગણના કરીને, અરમાને તેના બોસને અધીરાઈથી અટકાવતા જવાબ આપ્યો, "સર આદર સાથે, હું તમને જણાવવા માંગુ છું, કે આ પ્રોજેક્ટ પર કુશાલે નહીં, પણ મેં પોતે જીજાન લગાવીને મહેનત કરી છે. જો તમને પુરાવાની જરૂર હોય, તો કુશાલને ભાવનો અંદાજો સમજાવવાનો આદેશ આપો અને તેને કહો કે બ્લુપ્રિન્ટ્સ બતાવે."

અરમાનને ખુશી થઈ કે તેણે પીપીટીમાં આ બે વસ્તુઓ નહોતી મૂકી. બધાની નજર કુશાલ પર હતી, જેના અચાનક હાથ પગ ઢીલા પડી ગયા અને પરસેવો છુટી પડ્યો. તે સંપૂર્ણપણે શબ્દહીન થઈ ગયો અને શરમથી એનું માથું ઝૂકી ગયું. તે પ્લેટફોર્મ પરથી નીચે ઉતર્યો અને અરમાને પ્રેઝન્ટેશન પૂરું કર્યું.

ક્લાયન્ટ ખૂબ જ ખુશ થયો. તેના પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈ તેણે એમની એજન્સી સાથે પાંચ વર્ષનો કરાર કર્યો.

કુશાલને કોઈપણ નોટિસ વિના તરત જ કાઢી મૂકવામાં આવ્યો. જ્યારે તે પોતાની બધી વસ્તુઓ સમેટી રહ્યો હતો, ત્યારે અરમાન તેને મળવા તેની કેબિનમાં ગયો, "કુશાલ, દોસ્ત બનીને તેં મારી સાથે છળકપટ કરી, મારી પીઠ પર છૂરો માર્યો. વીતેલા વર્ષો યાદ કરું છું તો એહસાસ થાય છે કે તું ક્યારેય મારો મિત્ર હતો જ નહીં. તેં પોતાની સફળતા માટે સીડીની જેમ મારો ઉપયોગ કર્યો, પરંતુ એમાં પણ તારી નબળી કાર્યક્ષમતાએ તને નિષ્ફળ કરી નાખ્યો. એક સારો વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરજે. તારા ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ."

* * * * *

મગરને સમજવું સરળ છે. ખબર છે, કે તે તમને મારીને ખાવાનો પ્રયત્ન કરશે. લોકોને સમજવું મુશ્કિલ છે. કેટલીકવાર તેઓ પહેલા તમારો દોસ્ત હોવાનો ડોળ કરે છે.
સ્ટીવ ઇરવિન

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
____________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=