Tu Khud Ki Khojh Main Nikal books and stories free download online pdf in Gujarati

तू खुद की ख़ोज में निकल

એક માનવની આ વાત, બહુ સમાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં જીવતો, અને પોતાના સપનાં પૂરા થશે એ જીજીવિશા હેઠળ ધબકતો આ માનવ. બે બહેનો પછી જન્મેલા આ ભાઈના માથે જન્મથી આશાઓનો ટોપલો હતો, મમ્મી ઘરે ઘરે ટિફિન પહોંચાડે અને પપ્પા રિક્ષામાં વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડે. સરકારી શાળામાં ભણીને અને ખર્ચ જોડ-તોડ કરીને સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. માનવને કોઈએ સલાહ આપી કે સરકારી નોકરીની તૈયારી કર જીવનની મુશ્કેલીઓમાં રાહત થશે, કાયમી આવક અને સિકયુરિટી મળશે એ અલગ. માનવ સમજુ અને ડાહ્યો હતો, પરિવારને આર્થિક રીતે સદ્ધર કરવાનું હમેંશા ઈચ્છતો, એટલે સરકારી પરીક્ષાઓની તૈયારી શરૂ કરી, આખી પ્રક્રિયાને સમજી અને મહેનત કરવા લાગી ગયો. દિવસ રાત વાંચતો, જે વિષયમાં નબળો હતો એ વિષય પણ વધુ ને વધુ ઊંડા રસપૂર્વક સમજ્યો અને ભણ્યો, નોકરી મળશે અને પગાર આવશે એવું વિચારીને કેટલાક પુસ્તકો ખરીદ્યા, કોંચિગમાં ક્રેશ કોર્સ કર્યા, જેટલી પણ પરીક્ષાઓમાં યોગ્યતા ધરાવતો હતો એ તમામ પરીક્ષાઓના ફોર્મ ભર્યા, સાઇબર કાફેનો ખર્ચ, પરીક્ષા ફી, આવા જવાનું ભાડું, અને અઢળક વાંચન કરીને માનવ તૈયાર હતો સરકારી પરીક્ષા દેવા પણ, જિંદગી એની કઈક જુદી જ પરીક્ષા લેતી હતી, કોવીડ19 કારણે ઘણી બધી પરીક્ષાઓ પાછી ધકેલાઈ અને પછી ઘણી બધી પરીક્ષાઓ રદ થઈ, બે પરીક્ષાઓ તો એવી હતી કે જેમાં માનવનું મેરીટ ઘણું ઊંચું હતું પણ પાછળથી ગેરકાયદેસર ગુન્હા અંતર્ગત આખી પરીક્ષા જ રદ થઈ ગઈ. માનવએ ધીરે ધીરે કરતા 20 થી 30 વર્ષ સુધી સરકારી નોકરી મેળવવા હાથ પગ માર્યા, યુવાનીના દસ વર્ષ ગુમાવીને આજે માનવ સરકારી કર્મચારી બનવાના અભરખાને નેવે મૂકીને એક ફૂડ સ્ટોલ ચલાવે, એને એ કામ ગમતું નથી પણ એ કામમાં એને ખાતરી છે કે હું મહેનત કરીશ તો જરૂર મને પરિણામ મળશે જેમાં કોઈ જ શંકા નથી.

માનવ જેવા લાખો યુવાનો સરકારી નોકરી માટેની તકની રાહ જોઈને બેઠા છે એમને સરકારની વ્યવસ્થાની સાથે સંકલન કરીને એક ક્ષેત્રમાં કામ કરવું છે પણ શું આપણે સફળ નીવડ્યા છીએ ખરી ! એના માટે રસ્તો ખુલ્લો કરવા ? કેટલાક પ્રશ્નો અહીં વ્યવસ્થા સામેના જોઈએ.
1. સરકારની એક ભરતી સામે આટલી બધી અરજીઓ શું કામ ?
2. શા માટે સરકાર એક પરીક્ષા લેવા માટે નિષ્ફળ જાય છે ?
3. મૂલ્યો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ વિદ્યાર્થીઓ માટે જ જરૂરી છે ?
4. શું ચોક્કસ અભ્યાસક્રમને આધારે અને મેરીટના આધારે જ નક્કી થઈ શકે કે આ માણસ સારી રીતે કામ કરી શકશે ?
5. એક - બે વ્યક્તિએ કરેલી ભૂલનું પરિણામ આટલું મોટું જૂથ અને એનો પરિવાર ક્યાં સુધી ભોગવશે ?
6. રાત દિવસ એક કરીને વાંચનાર વ્યક્તિના સપનાંઓ જ્યારે આંખ સામેથી ઓજળ થઈ જાય ત્યારે શું આપણે ટિકિટનો ખર્ચ આપીને એના સપનાંની ભરપાઈ કરી લઇએ છીએ ? 7. કોલેજમાં અભ્યાસ પૂર્ણ થયા પછી સીધી ભરતી યોજના અંતર્ગત આ પરિવર્તન શક્ય નથી ? 8. બેરોજગારી દૂર કરવા માટે અને ઉતમ કક્ષાના સરકારી કર્મચારી મેળવવા માટે શું આધુનિક તકનીકનો ઉપયોગ કરવો હિતાવહ નથી ?

હવે કેટલાક પ્રશ્નો ઉમેદવારો માટે :

1. સરકારી નોકરીનો આટલો મોહ શું કામ ? 2.તમારું લક્ષ્ય એ તમારી આવડત વધારવાનું અને તમારી અંદર રહેલા કૌશલ્યની ધાર કાઢવાની જગ્યા પર માત્રને માત્ર અમુક તમુક ચોક્ક્સ જગ્યા પર સ્થાયી થઈ જવું શા માટે છે ?3. શા માટે સરકાર નોકરીને એક માત્ર ઈજારો સમજીને જીવન જીવવા માંગો છો ? 4.જેટલું ધ્યાનપૂર્વક સરકારી અભ્યાસક્રમો ને સમજ્યા છો એટલું ધ્યાનપૂર્વક તમારી અંદર રહેલા મનને સમજ્યા છો ? પૂછ્યું છે એને કે એને કયું કામ, કયો વ્યવસાય અને કંઈ કારકિર્દીમાં રસ છે ?

નોકરી કરો, વ્યવસાય કરો, સરકારી કર્મચારી બનો કે નાના એવા ધંધામાં રોકાણ કરો સાંજ પડે તમને એ કામ કર્યાનો આનંદ થવો જોઈએ, કાર્ય સંતોષ વધશે તો કામચોરી ઘટશે અને ઉત્પાદકતા પણ વધશે તમારી આવકની અને જે તે ક્ષેત્રની પણ.

જિંદગીના અગત્યના વર્ષો ક્યાં રોપો છો તે જરા જોજો, સાચવજો. સરકારી નોકરીના ફોર્મ ભરતા પહેલા એક વાર તમારી અભિરુચિ (Interest) અને અભિયોગ્યતા (Aptitude) નું ફોર્મ ભરજો. જો અભિરુચિ અને અભિયોગ્યતા સાથે નોકરીમાં આવતી જવાબદારીઓ અને ફરજો મેચ થતી હોય તો જ ફોર્મ ભરજો બાકી ખાલી ખોટી ભીડ જમા કરશો નહીં. કેમ કે નોકરી મેળવીને તે જગ્યા પર બેસીને જીવનનો ૧/૩ હિસ્સો ત્યાં પસાર કરવાનો છે, જો 2 Days 3 Night સ્ટે કરવા માટે હોટેલમાં આપણો કંફર્ટ અને આપણી પસંદગી જોતાં હોઈએ તો આ તો બહુ લાંબી યાત્રા છે , રુચિ નહીં પડે તો બધું બગડશે તમારું જીવન પણ અને એ હોદાનું કાર્ય પણ.

#છેલ્લો કોળિયો: જીવનમાં કામયાબ થવા માટે કાબિલ થવું જરૂરી છે, કોઈ ચોક્કસ કર્મચારી તરીકેની પદવી એની મહોતાઝ નથી.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય 🌸