Marnar Pachhal mari thodu javai in Gujarati Fiction Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | મરનાર પાછળ મરી થોડુ જવાય..!

Featured Books
Categories
Share

મરનાર પાછળ મરી થોડુ જવાય..!

“કયાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.
ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે.”
~શ્યામ સાધુ

       “મેડમ, રિચાનું વર્તન બહુ બદલાય ગયુ છે..ઉત્સાહથી અને ઉમંગથી તો જાણે અણગમો થઈ ગયો છે..કોઈ એને મદદ કરે એ એને ગમતું નથી, વધારે કોઈ સાથે જલ્દી ઈન્વોલવ પણ નથી થતી..અને કોઈ પણ વાતમાં એને સારપ ઝરા જેટલી પણ દેખાતી નથી..બસ બે વર્ષ પહેલા મૃત જન્મેલા અમારા બાળકની વાત કરીને રડયા રાખે છે..અમારા બંનેના પરિવારે અથાક પ્રયત્નો કર્યા કે રિચા ખુશ રહે આ દુ:ખથી ખદબદતા ભુતકાળને પડતો મુકી દે પણ રિચાને એવું કંઈ જ કરવુ નથી..એને બસ દુ:ખી રહેવામાં જ મજા આવે છે.”
એક સામટું આટલુ બોલી સોહમ મારી સામે લાચાર નજરે જોઈ રહ્યો.

               રિચા સાથે આવી ન હતી એટલે પહેલું કામ તેને કન્વીન્સ કરીને ક્લીનીક સુધી લાવવાનું હતું. રિચા સાથે કાઉંસેલીંગના સેશન શરુ થયા જેમાં ખ્યાલ આવ્યો કે રિચા ‘મેસોચીસ્ટીક ઈમોશનલ પર્સાનાલિટી ડિસઓર્ડર’થી પિડાતી હતી. જેમાં વ્યક્તિ દુ:ખભરી સ્થિતીમાં કમ્ફર્ટેબલ થઈ જાય છે. ડિપ્રેશન એમને ગમવા લાગે છે. એ પોતના દુઃખ બઢાવી ચઢાવીને જ પ્રેઝન્ટ કરે છે અને એને સતત પોતાની જાતને બિચારી સાબિત કરવી હોય છે. ભુતકાળમાં બની ગયેલ કોઈ ગંભીર ઘટનામાંથી એને બહાર આવવું ગમતું નથી..ઉત્સાહ અને ઉમંગની બાદબાકી કરી માત્ર અને માત્ર ઉદાસીને વાગોળવી એમને માફક આવી જાય છે.આ પ્રકારના લોકોને ડિપ્રેશનમાંથી બહાર લાવવા એ બહુ આકરું કામ છે.

               રિચા અને સોહમના જીવનમાં બનેલી એક ઘટના કે જેમાંથી સમય રહેતા સોહમ તો બહાર આવી ગયો પણ રિચા નહિ. તેનું મન આ વાતની ઉદાસી પકડીને ત્યાં સ્ટક થઈ ગયુ છે, એક ઘટનાથી મળેલ દુ:ખમાં ફસાઈ ગયેલી રિચા પોતાની દુનિયાની બીજી અસંખ્ય ખુશીઓ પર ધ્યાન આપી શક્તી નથી. રિચાના કાઉંસેલીંગના સેશન નિયમિત ચાલ્યા..કેટલીક જગ્યાઓ પર થેરાપીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને રિચાને સમજાવવામાં આવ્યુ કે કોઈ ઘટનાનું ક્ષણિક દુ:ખ લાજમી છે પણ અતિશયોક્તિ તકલીફ ઊભી કરે છે. જીવનમાં ઉતાર ચઢાવ આવવાના જ છે. દરેક સ્વજનની નનામી ક્યારેક તો આપણી સામેથી પસાર થવાની જ છે..જીવનયાત્રા શરુ કરી છે તો મોત આવવાની જ છે. વર્તમાનમાં રહીને ભૂતકાળ તરફ ડોકિયું કરવામાં અને  ભવિષ્યના સપનાં જોવામાં કોઈ વાંધો નથી પણ જ્યારે તમે ત્યાં તમારી જાતને ગરકાવ કરી દો છો તકલીફ અને મુંઝવણ ત્યાંથી જ શરુ થાય છે.

રિચા સાથે સોહમ અને તેના પરિવારના સભ્યોનું પણ કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ જેમાં તેઓને સમજવામાં આવ્યું કે રિચા નકારાત્મક નથી પણ હાલની તેની સ્થિતી તેને એવું વર્તવા મજબુર કરે છે. રિચાને માનસિક,આવેગિક અને સામાજિક સ્પોર્ટ મળવા લાગ્યો. અને ધીરે ધીરે તે ઠીક થવા લાગી સોહમ અને રિચા અત્યારે ટિવીન્સ બેબીના મમ્મી-પપ્પા છે અને ખુબ ખુશ છે.

               આવા કેટલાક પાત્રો બહુ ખ્યાતનામ છે જેમાંનું એક શોલે ફિલ્મમાં જયા ભાદુરીનું પાત્ર છે. આપણું સોશિયલ સર્કલ હોય કે સોશિયલ મિડિયા હોય આવા કેટલાય લોકો આપણે જોઈએ છીએ કે જે સતત નકાર અને ઉદાસીનતાના વાદળ નીચે ભિંજાતા હોય છે એમને ખુબ ગમે છે દુ:ખ ભરેલા સ્ટેટ્સ અને પોસ્ટમાં રચ્યા પચ્યા રહેવાનું એ પોતાનું દુઃખ હંમેશા બિલોરી કાચથી જ છતુ કર્યા રાખે છે તેવા સમયમાં નજર કરતાં રહેવી કે ખરેખર આવું જ છે કે માત્ર ડોળ છે..તેને માત્ર સોશિયલ અટેન્શન જોવે છે કે તેની મેન્ટલ હેલ્થને અટેન્શનની જરૂર છે.

છેલ્લો કોળીયો : ઈશ્વરે આપેલ ઘણી બધી આશિર્વાદરૂપ બાબતોમાંથી એક વિસ્મરણ પણ છે..આપણે દુ:ખને ભુલી શકીએ છીએ એટલે વર્તમાનમાં ખુશ રહી શકીએ છીએ.