Discipline is success in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | આયોજન

Featured Books
Categories
Share

આયોજન

2020-2021માં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં કામ કરેલું, ત્યારે અલગ અલગ રીતે લોકોમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમો કરેલા. જેના માટે નવી નવી રીતો શોધી હતી, આ બધા અનુભવ દરમ્યાન એક વાર્તા સાંભળેલી, જે કંઇક આવી હતી.

એક આશ્રમ હતું જેમાં એક ગુરુ અને એમના શિષ્યો રહે, આ ગુરુ સહજ અને સરળ હતા, શિષ્યોને એમના જીવનમાં જે નાની મોટી સમસ્યાઓ આવે ત્યાં એમને યોગ્ય રાહ ચિંધતા બાકીના સમયે એ ધ્યાન કરતા અને ધર્મનું વાંચન કરતા રહેતા. આશ્રમમાં દરેક શિષ્યને પોતાની અનુકૂળતા મુજબ રહેવાની છૂટ હતી પણ આશ્રમનો એક જ નિયમ હતો કે આશ્રમના પટાગણમાં મદ્યપાન કે ધૂમ્રપાન વર્જિત હતું. અને દરેક શિષ્ય આ વાતનું પાલન કરતા અને મુલાકાતી પણ આ વાતને ધ્યાનમાં રાખીને નિયમનું પાલન અચૂક કરતા. એક દિવસ આશ્રમમાં ધૃપદ નામનો નવો શિષ્ય આવ્યો. તે તેના જીવનથી ઘણો કંટાળેલો હતો અને આશ્રમમાં શાંતિ અને સલામતી મેળવવાની ઈચ્છાએ આવ્યો હતો. ધૃપદને બીજો તો કોઈ પ્રશ્ન ન્હોતો પણ એને દારૂ પીવાની આદત હતી, હવે આશ્રમમાં તો મનાઈ હતી એટલે ધૃપદ મૂંઝાયો કે કરવું શું ? મનમાં ને મનમાં વાત વાગોળતો રહ્યો, અને પછી નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે એ રીતે ક્યારેક ક્યારેક પી લઈશ. સમય પસાર થતો ગયો, અને ધૃપદ તો છુપાઈને દારૂ પીવા લાગ્યો, ગુરુને જાણ હતી પણ એમને થયું કે નવો છે ધીરે ધીરે સમજી જશે, પણ એમ થયું નહિ. ગુરુ એ એક દિવસ સભા પૂરી થયા પછી ધૃપદને બોલાવીને સમજાવ્યો, એને વિંનતી કરી કે આ લત છોડી દે. ધૃપદે ગુરુની લાજ રાખવા વચન પણ આપ્યું પણ તે પાલન ન કરી શક્યો. ગુરુને થયું કે હવે કોઈ બીજી રીતે સમજાવું પડશે. એક સાંજે ગુરુ બધા શિષ્યો સાથે વિહાર કરવા નીકળ્યા, જંગલમાં ચાલતા ચાલતા ગુરુ એ અચાનક એક વૃક્ષના થડને કચકચાવીને પકડી લીધું. અને પછી રાડો પાડવા લાગ્યા.

"મને છોડી, એ વૃક્ષ મને છોડી. મારે જાવું છે તું મને છોડી દે."

બધા શિષ્યો અચંબામાં હતા. કે આ ગુરુજી શું કરે છે ! એટલામાં ધૃપદ આગળ આવ્યો અને પહેલા તો ખડખડાટ હસવા લાગ્યો અને પછી કહ્યું કે,

"ગુરુજી, આ વૃક્ષએ ક્યાં તમને પકડ્યું છે ! તમે એને પકડી રાખ્યું છે, તમે છોડી દેશો તો એ છૂટી જશે."

ધૃપદની વાત સાંભળતા જ ગુરુજી એ વૃક્ષનું થડ છોડી દીધું, અને ધૃપદની નજીક જતાં બોલ્યા કે,

"તારી વાત તો સાચી, હું પણ તને એ જ સમજાવવા માંગુ છું કે આપણી ખરાબ કે ખોટી આદતો એ આપણને નહીં પણ આપણે એ આદતોને પકડી રાખી છે, જો આપણે છોડી દઈશું તો છૂટી જશે. સમય લાગશે અને તકલીફ પણ પડશે પણ પ્રયત્ન કરીશ તો આદતોની માયાજાળમાં ફસાતાં બચી જઈશ."

ગુરુની વાત ધૃપદને ગળે ઉતરી ગઈ અને એની આદતો ધીરે ધીરે બદલાઈ ગઈ.

આ વાર્તા અહીં પૂરી થઈ, 100 લોકો સુધી આ વાત પહોંચે તો એમાંથી કદાચ એક વ્યક્તિ બદલાઈ એવી મહદઅંશે શક્યતાઓ છે. કેમ કે આપણે જાણતા હોવા છતાં ખરાબ આદતોને પાળીએ છીએ. એટલે જ દુનિયાભરમાં ચાર માંથી એક પુરુષ અને દસમાંથી એક મહિલા તમાકુનું સેવન કરે છે. તમાકુ અને આલ્કોહોલની લતના કારણે હજારો પરિવાર વિખરાય છે અને કરોડો લોકો ભયંકર બીમારીઓથી પીડાય છે આના સિવાય વધુ એક સમસ્યા આજના સમયમાં જોવા મળે છે એ છે ઈન્ટરનેટ એડિકશન.

લોકો દિવસ રાત સોશિયલ મીડિયા પર ખોવાયેલા અને છવાયેલા રહે છે અને દિવસ, મહિના અને વર્ષના અંતે ભાન થાય છે કે આ કામ કરવાનુ તો રહી જ ગયું. લોકોની કામ કરવાની ક્ષમતા(productivity) ની સાથોસાથ એકાગ્રતા( focus/concentration) પણ ઘટી છે. ન્યુ યરમાં લીધેલા રિસોલ્યુશન એક મહિના સુધી પણ ચાલતા નથી. કેમ કે આ બધા પાછળ અભાવ છે નિયમિતતાનો - discipline નો. આયોજન બનાવવું અને એનું પાલન કરવું જો આપણે શીખી જઈશું તો ચોક્કસપણે આપણે આપણા લક્ષ્ય (goal) સુધી પહોંચી જઈશું.

છેલ્લો કોળિયો: કરીએ એટલું કામ થાય, અને થાય એટલું કામ કરીએ આ બંને વચ્ચેનો તફાવત શીખી જઈશું અને સમજી લઈશું તો આપણું જીવન પાર થઈ જશે.

 

-ડૉ.હિરલ બ્રહ્મક્ષત્રિય

https://ourworldindata.org/smoking