Saru thayu aastha padi gai in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | સારુ થયુ..આસ્થા પડી ગઈ..

Featured Books
Categories
Share

સારુ થયુ..આસ્થા પડી ગઈ..

आगे सुख तोह पीछे दुःख है

हर दुःख में कोई सुख है हो

हो आस निरास की रंग रंगी

है साड़ी उमरिया ओ मितवा रे

               થોડા દુરથી આવતા આ અવાજને સાંભળીને મારી આંખ ખુલ્લી, ઉભા થઈને જોયુ તો અવાજ ઘરના ચોગાનમાંથી આવતો હતો.રસોડામાંથી બહાર આવતા મમ્મી એ કહ્યુ.. “ અરે..જાગી ગઈ તું..” મારા ચહેરા પરનો પ્રશ્નાર્થભાવ એમણે કદાચ વાંચી લીધો હતો..એટલે જ ચોગાનમાં કામ કરતાં બહેનને જોઈને એ બોલ્યા આ રુપલબેન છે આપણા ઘરે હવેથી કામ કરવા આવશે. એટલું સાંભળીને હું મારા નિત્યકર્મ તરફ વળી..નાસ્તો કર્યો ચા પીધી અને ઓફિસ માટે રવાના થઈ.

               દિવસો રેલાતા પાણીની માફક ચાલવા લાગ્યા રુપલબેન અને મમ્મીની ટ્યુનિંગ બેસી ગઈ હતી, રુપલબેન કામ ઘણુ ચોખ્ખુ કરતા અને સમયના પણ ચોક્ક્સ હતા.આજે મારે ઓફિસે રજા હતી આખો દિવસ ઘરે રહી આરામ કરવાનો પ્લાન નક્કી હતો. મમ્મી રસોડામાં હતા અને રુપલબેન ચોગાનમાં વાસણ ઘસતા હતા. ત્યાં જ રુપલબેનનો ફોન રણક્યો..તેમણે પોતાના ભીના હાથ કુર્તાની કોરથી લુછ્યા અને ભુંસાય ગયેલા કી-પેડવાળો નાનક્ડો ફોન લીલુ બટન દબાવીને ઊંચક્યો. ફોનમાં વાત પુરી થઈ અને રુપલબેન ચોધાર આંસુ સાથે રસોડામાં પહોંચ્યા. મમ્મી એ સ્વાભાવિક રીતે જ એને રડતાં જોઈને પુછ્યુ ,

“અલી, રુપલ  શું થયુ ? કેમ રડે છે ?”

“મારી આસ્થા..”  આટલું બોલતા એ ફરી રડી પડયા. થોડીવાર શાંત થઈને કહ્યુ કે, “ મારે જાઉં પડશે મારી છોકરી પડી ગઈ છે...એને માથામાં ખુબ વાગ્યુ છે એવો ફોન આવ્યો છે.”

               મમ્મી સાથે હું પણ હવે રુપલબેનને સાંભળતી હતી..રુપલબેન લગભગ ૪ કિલોમિટર દુર અમારા ઘરે ચાલીને જ આવતા, સમય સુચકતાને ધ્યાનમાં રાખતા મેં કહ્યુ કે, “ ચલો, હું મુકી જાઉંછું, તમને ગાડીમાં.”

               પહેલા થોડી હા ના કરી પણ પછી હું અને રુપલબેન એમના ઘર તરફ ગયા..નીકળતા પહેલા તપાસ કરી લીધી હતી આસ્થાની હાલત વધુ નાજુક હતી એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો.

               અમે રુપલબેનના ઘરે પહોંચ્યા ૬ વર્ષની આસ્થા બેભાન હાલતમાં લોહીથી ખદબદતી હતી.   એમ્બ્યુલન્સ આવી અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા. સ્થિતી ઘણી નાજુક હતી ૮ કલાક પછી આસ્થા ભાનમાં આવી. થોડાક સ્ટીચીસ લીધા હતા. પણ હવે તબિયત સુધાર પર હતી, રુપલબેનને હાંસકારો થયો. બે ત્રણ દિવસમાં આસ્થા ઘરે આવી ગઈ આ બે ત્રણ દિવસ હું રુપલબેનની સાથે જ હતી.

               આ બે ત્રણ દિવસ દરમ્યાન હું રુપલબેનનો એક આખો દસકો જાણીચૂકી હતી. રુપલબેનને ૪ બહેનો અને એક ભાઈ. બધાની આર્થિક સ્થિતી ઠીકઠાક.બધી બહેનો પોતપોતાને સાસરે હતી અને ભાઈ લગ્ન પછી જુદો રહેતો હતો..રુપલબેન પિયરમાં તેમની માતા સાથે રહેતા હતા. એ એના સાસરેથી બે વર્ષ પહેલા પિયર આવી ગયા હતા. કેમ કે તેમના પતિના અનૈતિક સંબંધો તેમની જેઠાણી સાથે હતા. રુપલબેનને તેઓ લગભગ રોજ મારતા આખો દિવસ ઘરનું કામ કરવાનું અને રાત્રે પતિનો માર ખાવાનો, આસ્થા જ્યારે રુપલબેનના ગર્ભમાં હતી ત્યારથી આ આખો કિસ્સો શરુ થયો અને પછી જાણે શરુ જ રહ્યો. એ પોતાના જ ઘરમાં જાણે નોકરાણી થઈ ગઈ હતી. તેના પતિએ રુપલબેનના બધા ઘરેંણા મંગળસુત્ર સહિત પોતાની ભાભીને પહેરાવી દીધા. રુપલબેન બધુ જ સહન કરે રાખ્યુ પણ એક દિવસ તેણે પોતાના જેઠને આસ્થા સાથે અડપલા કરતા જોયા એ દિવસે આસ્થાને લઈને ઘર છોડીને નીકળી પડયા, ત્યારથી આજ સુધી તે પોતાના મમ્મીની સાથે રહે છે અને આવા છુટક ઘરના કામ કરીને ગુજરાન ચલાવે છે. આ બધુ સાંભળીને મને થયુ કે જો આસ્થા આ રીતે પડી ન હોત તો મને ક્યારેય આ બધી વાતની જાણ જ ન થાત.

               આસ્થા હવે ઘરે હતી તેની તબિયત હવે એકદમ ઠીક હતી પણ આ આખી ઘટના સાંભળ્યા પછી હું અસ્થિર થઈ ગઈ હતી. અલગ અલગ પ્રયાસોના અંતે આસ્થા માટે એક દાતા મળ્યા કે જેમણે આસ્થાના શિક્ષણ જવાબદારી દતક લીધી હતી. આસ્થા જ્યાં સુધી ભણશે ત્યાં સુધી તેનો તમામ ખર્ચ આ દાતા ચુકવશે. રુપલબેનની જુદી જુદી સ્કીલ પર નજર કરવામાં આવી તેમની રસોઈકળાને જાણી..અને એક નાનું ખાખરા બનાવવાનું કારખાનું શરુ કરવામાં મદદ કરી હવે રુપલબેનની સાથે બીજા ૭-૮ બૈરાઓ પણ કામ કરે છે અને રુપલબેનના મમ્મી તેમને સુપરવાઈઝ કરે છે.રુપલબેન હવે અમારા ઘરે કામ કરવા નથી આવતા પણ આસ્થા સાથે ઘણી વાર મળવા આવે છે. અને હા આજે ખાખરા વણતા વણતા પણ રુપલબેન એ જ ઈશ્વર ફિલ્મનું ગીત ગણગણતા હોય છે.

आगे सुख तोह पीछे दुःख है

हर दुःख में कोई सुख है हो

हो आस निरास की रंग रंगी

है साड़ी उमरिया ओ मितवा रे