Runanubandh - 50 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 50

સીમાબહેનને પરેશભાઈ આમ સ્પષ્ટ વાતની રજૂઆત કરશે એ અંદાજ નહોતો એમને હા કહીને વાતને પતાવી દીધી હતી. પ્રીતિની આ મુલાકાત બાદ ભાવિની સાથે વાત થતી હતી. અવારનવાર અજય સાથે પણ વાત થવા લાગી હતી. પ્રીતિને એમ જ થયું કે હવે બધામાં પરિવર્તન આવી રહ્યો છે. એને લાગ્યું કે, બેન્કમાં લોકર ખોલાવવાની પ્રોસેસ ચાલુ હશે એ થઈ જશે એટલે કહેશે કે ક્યારે આવે છે? પણ આ તો સ્તુતિ સાથે નજદીકી લાવી રહ્યા હતા એનો હક એને આપવો હોય એવું લાગ્યું નહીં. થોડા મહિના આમ ચાલ્યું, પછી પ્રીતિએ જ સામેથી અજયને પૂછી લીધું કે, "મારુ લોકર ખોલાવ્યું કે નહીં?"

"ના એ તું અહીં આવી જા પછી વિચારશું."

"એમાં વિચારવાનું શું હોય, એ તો પહેલા પણ કરવાનું અને પછી પણ કરવાનું તો પપ્પાએ કીધું તો એ કરાવી લો ને!"

"એવું કરવાની મને અત્યારે કઈ ખાસ જરૂર લગતી નથી."

"સારું ચાલો, મારે સ્તુતિને ઉંઘાડવી છે કાલ વાત કરીએ." પ્રીતિ અજયના જવાબથી ગુસ્સે થઈ ગઈ
હતી. આથી વાત વધુ બગડે એના કરતા ફોન પતાવવો એને સહેલો લાગ્યો હતો.

પ્રીતિ સમજી ગઈ કે, અજય એના મમ્મી કહે એટલું જ કરશે. પ્રીતને ગુસ્સો આવ્યો. એને થયું પપ્પાએ ચોખ્ખું કીધું કે, આટલું કરો એટલે પ્રીતિ આવી જશે, છતાં અજયને પોતાના પરિવારની કંઈ જ પડી નહોતી! પરેશભાઈએ અજયની પરીક્ષા લેવા જ કહ્યું હતું. બાકી પ્રીતિને ક્યાં કઈ જોતું જ હતું. પરેશભાઈને કોઈ દીકરો તો હતો જ નહીં, આથી અહીં જે હતું એ પણ સૌમ્યા અને પ્રીતિનું જ હતું ને! અજય આ પરીક્ષામાં ઉણો ઉતર્યો હતો. છતાં પ્રીતિને એમ કે કાલ ફોન આવે છે કે નહીં એ જોઈએ.

પ્રીતિ અજયના ફોનની રાહ જોવા લાગી અને અજયને થયું કે, ફરી પાછો જવાબ કોઈ આપવો એના કરતા ફોન ન કરવો સારો! વળી, બંને વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. સંવાદનો અભાવ નકારાત્મક વિચારોને સિંચવા લાગ્યો હતો.

કુંદનબેન ઘરમાં વાત થઈ રહી હતી ત્યારે બોલ્યા, "સીમાબહેનને એમ હશે કે પાંચ છ મહિને તો દીકરીને ફરી સાસરે મોકલશે જ ને! આથી જ એમના તરફથી કોઈ પહેલ નહોતી પણ પછી એમને અંદાજ આવી ગયો હશે કે, હવે સમાજમાં પણ બધા પ્રીતિ વિશે પૂછે છે, અને પ્રીતિ કોઈ અણસાર આપતી નથી આથી સીમાબહેન અને હસમુખભાઈ સ્તુતિને રમાડવા તો આવ્યા પણ પ્રીતિ શું ઈચ્છે છે એ જાણવા જ આવ્યા હતા. જો લાગણી હોય તો પ્રીતિ માટે પણ કંઈક તો લાવે ને! હા, આપણને જોતું કઈ નહોતું પણ દાદા અને દાદી બનવાની ખુશીમાં વહુને માટે એક ડ્રેસ તો લાવી જ શકે ને!"

"એવું પણ હોય એ તો મને ખબર પણ નથી." નિખાલસથી હસતા પ્રીતિ બોલી હતી.

સ્તુતિ હવે સરસ રમતી સમજતી થઈ ગઈ હતી. એ એક વર્ષની થવાની હતી. એના પહેલા જન્મદિવસ માટે પરેશભાઈએ અજયને જ ખાલી આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે આ આમત્રંણમાં આખા પરિવાર સાથે આવજો એવું પણ કીધું હતું. પરેશભાઈએ આ બીજી વખત અજયની પરીક્ષા લીધી કે, અજય દીકરીની લાગણીને જોવે છે કે, એમના મમ્મીપપ્પાને ફોન નથી કર્યો એ વાતને મહત્વ આપે છે. આમાં પણ અજય આવ્યો નહીં કે ન કોઈ એણે સ્તુતિ માટે ગિફ્ટ મોકલી હતી. આ પરીક્ષામાં પણ અજય ફેલ થયો હતો. પરેશભાઈ હવે અજયને સારી રીતે સમજી જ ગયા હતા. આથી તેઓ હવે પુરી તૈયારી એમની હશે તો જ પ્રીતિને સાસરે મોકલશે એ નક્કી કરી જ ચુક્યા હતા.

ભાવિની ના લગ્નને ઘણો સમય થઈ ગયો હતો. આથી એને પણ હવે સાસરામાં જવાથી જે બદલાવ જીવનની રહેણીકરણીમાં આવે એના અનુભવ થઈ ગયા હશે. ભાવિની ગર્ભવતી હતી એ સમાચાર ફરી અજયે અમુક મહિના પછી પ્રીતિને મેસેજ કરી આપ્યા હતા. પ્રીતિએ શુભેચ્છા આપતો જવાબ પણ મેસેજથી કર્યો હતો. આમ ફરી આ કારણથી બંને વચ્ચે વાત ચાલુ થઈ હતી. અજય લગભગ રોજ એકવાર તો પ્રીતિને ફોન કરતો જ હતો. પ્રીતિ પણ સારી રીતે જ વર્તતી હતી. પ્રીતિને અજય સાથે પ્રેમ તો હતો જ પણ જે અજય તરફથી સંપૂર્ણ સાથ પ્રીતિને હોવો જોઈએ એનો આ સબંધમાં અભાવ હતો. પ્રીતિ પોતે કોઈ જ અપેક્ષા કે ઈચ્છા વિના સાદું જીવન જીવતી આવી હતી પણ સ્તુતિને માટે એ કોઈ જ દબાવ કે અંકુશ એની પરવરિશમાં આવે એ બિલકુલ ઈચ્છતી નહોતી. અને અજયનો જે કોઈ જ પ્રકારનો પોતાના પરિવાર માટે સ્ટેન્ડ ન લેવાનો સ્વભાવ હતો એ પ્રીતિ સ્તુતિ માટે બિલકુલ સહન કરી શકે એમ નહોતું જ. અને એનો અણસાર અજયને કદાચ આવી ગયો આથી જેમ એણે અચાનક ફોન કરવાનું ચાલુ કર્યું એમ એણે બંધ પણ કરી દીધું હતું.

પ્રીતિને ડિગ્રી સર્ટિફિકેટ લેવા માટે ફરી ભાવનગર જવાનું થયું હતું. એ એના મમ્મી, પપ્પા અને સ્તુતિ સાથે આ બીજી વખત ભાવનગરમાં આવી હતી. પણ અજયની લાગણી હવે એવી તો નહોતી જ કે, એ સામેથી અજયને ફોન કરી જણાવે. જેવું એ સર્ટિફિકેટ લઈને આવી કે તરત જ થોડા જ સમયમાં પ્રીતિને ગવર્મેન્ટ જોબ મળી ગઈ હતી. ભગવાને પ્રીતિનો એક રસ્તો બંધ કર્યો તો બીજો રસ્તો ખોલી આપ્યો હતો. પ્રીતિ ખુબ જ ખુશ હતી કે, હવે એ સ્તુતિને પોતે ઈચ્છે એ રીતે ઉછેરી શકશે. હા પરેશભાઈ તરફથી કોઈ જ વાતની ઓછપ નહોતી જ પણ માતા તરીકેની પોતે ફરજ બજાવે એ આત્મ સંતોષ કંઈક અલગ જ હતો. પ્રીતિ ખુબ જ ખુશ હતી. જીવનમાં આવેલ આ નવો વણાંક એને ખુશી તો આપી રહ્યો હતો પણ એક ચિંતા એ પણ હતી કે બે જ વર્ષની સ્તુતિ એના વગર અમુક કલાકો રહેશે ને! કુંદનબેને કોઈ જ ચિંતા કર્યા વગર પ્રીતિને જોબ સ્વીકારવા કહ્યું હતું. અને પ્રીતિએ જોબ સ્વીકારી લીધી હતી. કુંદનબેન. અને પરેશભાઈના સાથથી સ્તુતિ સરસ સચવાઈ રહી હતી.

પ્રીતિના ભાવનગરના સરનો પ્રીતિ પર એક મેસેજ આવ્યો હતો કે, અજયની જોબ ટ્રાન્સફર થઈ ને પ્રીતિના ગામમાં જ થઈ છે. બીજા એક સરે તો અજયનો ઓર્ડેરલેટર જ સીધો પ્રીતિને જાણ કરવા મોકલ્યો હતો. અને આજ સમાચાર અજયે ફેસબુક પર ન્યૂ પોસ્ટિંગ કરીને મૂક્યું હતું એની જાણ પ્રીતિને સ્નેહાના ભાઈ પ્રેમ એ કરી હતી. પ્રેમે કીધું કે, કુમાર અહીં જ છે. તને ખ્યાલ છે કે નહીં? પ્રીતિએ સરે જે જાણ કરી હતી એ પ્રેમને કીધું હતું. હવે સમાજમાં પણ ધીરે ધીરે ખબર પડી ગઈ હતી કે પ્રીતિ અને અજય વચ્ચે કોઈક તકલીફ છે. અજય એક મહિના જેટલો સમય પ્રીતિના ગામમાં જ રહ્યો હતો છતાં એક વાર પણ પ્રીતિને કે એની દીકરીને એ મળવા આવ્યો નહોતો. આ વાત સ્પષ્ટ જ કરી રહી હતી કે પ્રીતિને માટે અજયને હવે કોઈ જ લાગણી નહોતી. એ પછી ફરી એની ભાવનગર ટ્રાન્સફર થઈ ગઈ હતી. કુદરતે પણ ફરી એક ચાન્સ અજયને આપ્યો હતો
પણ અજયને કદાચ એવું કરવું જ નહોતું.

હસમુખભાઈએ એક દિવસ પરેશભાઈને ફોન કર્યો હતો.
"જય શ્રી કૃષ્ણ. હસમુખભાઈ કેમ છો?"

"જય શ્રી કૃષ્ણ. હું મજામાં તમે કેમ છો?"

"અમે પણ બધા મજામાં જ છીએ. તમે કહો શું ચાલે છે?"

"શાંતિ છે. આજ થયું કે, તમને વાત કરીને પૂછું કે, આ પ્રીતિ અને અજયના જીવનમાં હવે આગળ શું વિચાર્યું છે?"

"હું પ્રીતિને લઈને ભાવનગર જ આવું છું. બધા સાથે બેસીને વાત કરીએ. તમારું શું કહેવું છે?"

"અરે! એ તો ખુબ સરસ વાત કહેવાય આનાથી સારું તો શું હોઈ શકે?"

"સારું તો ક્યારે આવીએ એ નક્કી કરીને તમને જણાવું છું." બંને ને ફોન મુક્તી વખતે એક આશા હતી કે બાળકોનું જીવન ફરી પાછું બરાબર થઈ જાય!

શું થશે પ્રીતિ અને અજયના જીવનમાં સમાધાન?
શું હશે સ્તુતિનુ ભાવનગર પોતાના ઘરે જશે ત્યારનું ગજ્જર પરિવારનું વલણ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻