Jaldhi na patro - 2 books and stories free download online pdf in Gujarati

જલધિના પત્રો - 2 - એક પત્ર વ્હાલી જિંદગીને..

વ્હાલી જિંદગી,🖋

તારા વિશેના અનેક સંબોધનો વિચારી જોયા. પણ ,કોઈ નિર્ણય સુધી ન પહોંચી શકી કે, તારા માટેનું શ્રેષ્ઠ સંબોધન શું ...?એ જ વિમાસણમાં હતી કે,તારા વિશે લખું કે નહીં..? પછી વિચાર્યું ,મારા પોતાનાં કહી શકાય તેવા દરેક પાત્રોથી અલગ હોવા છતાં, તું આખરે મારો જ અંશ કે રાહબર સમાન છે. તો તેને અભિવ્યક્ત કરવાની વળી મૂંઝવણ શું..! એટલે આ લખવાની હિંમત કરી શકી છું.

તું શું છે ? આ પ્રશ્ન અનેકવાર થતો.પણ, મન ક્યાં અભણ છે તે વાંચી ન શકાય...! એ તરત કહી દેતું....
"જિંદગી એટલે માણસના અંદર જાગેલી જીજીવિષાને લીધે જીવંત રહેતી ચિરસ્થાયી અનુભૂતિ" અને તારું અસ્તિત્વ સમજાય જતું.

આજ સુધી લોકો પાસેથી તારા વિશે સાંભળતી રહી છું.પણ, મારા દ્રષ્ટિકોણથી તને સમજવાની કોશિશ કરવાનો સમય ના મળ્યો કે, તું ખરેખર શું છે ? ક્યારેક વિચાર શરૂ કરતી તો પેલુ ગીત માનસપટ પર વાગવા લાગતું...

જિંદગી પ્યારકા ગીત હૈ...
ઈસે હર દિલકો ગાના પડેગા.
જિંદગી ગમકા સાગર ભી હૈ....
હઁસકે ઉસ પાર જાના પડેગા.

જેમ મૂઠ્ઠીમાંથી રેતી સરકે તેમ સમયના વહેણ સાથે તું પણ સરકતી જાય છે. તારી ઓથે બે સુકાનીઓ છે,એની ખબર તો મને સમજણ આવ્યા પછી જ પડી.

પ્રારબ્ધ અને પુરુષાર્થનાં સુકાન થકી જ તું વહ્યા કરતી હતી. અને હું અવિરત તારામાં તણાયાં કરતી હતી. અહીં મારું ક્યાં ક્યારેય તે ચાલવા દીધું હતું. તારી દોરીના છેડે હું નિરંતર પેલી કઠપૂતળીની જેમ નાચતી રહેતી હોય એવું લાગ્યા કરે છે.

પણ,હા જ્યાં મેં મારી મહેનતને જીવાડી ત્યાં તે મને જીતાડી જ છે. એ સનાતન સત્ય છે. તું જેટલી સરળ છે એટલી જ તારામાં કઠિનતા ભરેલી છે. જેટલી તને પામવા જાઉં છું એટલી જ તારામાં અટવાતી જાવ છું. જાણે, પ્રતિપળ તું મને છળતી હોય તેવો ભાસ કરાવે છે.

તું તો તારી દરેક પળથી વાકેફ છે.છતાં ,મારી ધીરજની કસોટી કરવાનું તું ક્યારેય ચૂકતી નથી.એટલે જ હું તારા સ્વભાવને ક્યારેય પામી શકતી નથી. લોકોને કહેતા સાંભળેલા કે ,પુરુષાર્થથી પ્રારબ્ધને બદલી શકાય અને,તને મન ભરીને માણી શકાય. પણ, એમાંય મેં મારી આશાને તૂટતી જ અનુભવી છે. જાણે તું કહેતી હોય....

"માણસને નસીબથી વધારે અને નસીબથી પહેલા ક્યારેય નહીં મળે".

આ સાંભળી મારું પુરુષાર્થવાદી મન ધરાશયી થઈ જતું. મને હેરાન થતી જોઈ જાણે તું ખુશખુશાલ થઈ જતી.

તો પણ, તારી જિંદાદિલીને સલામ કરવાની ઈચ્છા થઈ આવે છે.કેમકે, તું મૃત્યુની અનિવાર્યતા જાણે છ. છતાંય, અવિરત વિહરતી રહે છે. ક્યારેય અટકતી નથી.

તારા બે સુકાની સાથે તે બીજી જે બહુમૂલ્ય ભેટ આપી છે એના માટે તો હું સદા તારી ઋણી રહીશ. એ ભેટ છે... તે આપેલા લાગણીભર્યા સંબંધોની... આ સંબંધોની ઓથે તો મેં મારું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. તું ત્યારે મને ખુશખુશાલ લાગે છે,જ્યારે આ દરેક સંબંધ મને પોતીકાપણાની અનુભૂતિ કરાવે છે. તારાથી ઉપજેલ થાક અને કંટાળાને એ સંબંધોથી જ નાથ્યો છે.

એનાથી એવું પણ નથી કે ,તે મને લાગણીનાં જ સંબંધો આપ્યા છે. તારા વડે અને સંચિત કર્મોનાં ફળસ્વરૂપ મેં કેટલાક અનિચ્છનીય શત્રુ સંબંધોને પણ અનુભવ્યા છે. તો, કદી સંબંધોમાં પણ છળ અનુભવ્યું છે. પણ, જ્યારે જ્યારે એવું થયું છે ત્યારે ,તે જ સમજાવ્યું છે કે આજ તો જીવવાનું પ્રેરક બળ છે.અને ફરી હું ઊભી થઈને અનુભવથી ઘડાવ છું અને વધુ નિખરતી જાવ છું.

મારા તારી સાથેના આટલા અનુભવમાં એટલું જરૂરથી જાણી શકી છું કે ,માણસ માત્રમાં તું એટલી વ્યાપ્ત છે કે ,દરેક માણસ પોતાના તારા પ્રત્યેના પ્રેમમાં રત લાગે છે. કદીક લાગણીમાં એવું બોલનારા કે "હું તારા વગર નહીં જીવી શકું". તેને ક્યારેય તારાથી અલગ થતાં જોયાનાં જુજ જ અનુભવ છે. કેમકે ,લાગે છે કે તું દરેક માટે પોતાનો આગવો અલાયદો એક ખૂણો છે .જ્યાં કોઈને સ્થાન નથી આપી શકાતું.

મરનારની ચિતા પર એનું ચાહનાર કોઇ ચડતું નથી.
મરી જઈશ હું કહી પાછળથી કોઈ મરતું નથી...

અરે, ત્યાં સુધી કે કદાચ સમય સંજોગથી હારેલો કોઈ માનવી ક્ષણિક આવેશમાં આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યારે પણ, તારા પ્રત્યેની જીજીવિષા જ એને બચવાના ફરી પ્રયત્ન કરાવે છે. એટલે જ જાતે પાણીમાં પડેલો કે અગ્નિસ્નાન કરતો માણસ અસહ્ય પીડા થતા બચાવોના નાદમાં તને પોકારતો દેખાય છે.

તારા વિશેના મારા દરેક અનુભવે મેં તારામાં નવીનતાને પામી છે. મારા લક્ષ્ય, સપનાંઓ અને સફળતાનું તારા જેટલું પ્રત્યક્ષ સાક્ષી બીજું કોઈ નહીં હોય.

ઘણીવાર એવું થાય છે કે તું બેવડી ચાલ ચાલે છે. એક ચાલમાં તું વણમાગ્યું બધું આપી જાય છે. તો, બીજી ચાલમાં અણધાર્યું ઘણું છીનવી પણ જાય છે. એટલે મને માણસ માત્રને કહેવાનું મન થાય છે કે.. તારી કોઈ પણ ચાલ વખતે અભિમાન કે ઉતાવળથી કામ ન લેવું ...અધીરાઈમાં તું તારી બધી મીઠાશને સુકવી દે છે. એટલે ,ધીરજધરી મારા સંબંધોને મૃતઃપ્રાય કરવાનો શ્રેય તને જ તો જાય છે. આ માટે સમતોલન જાળવવાની સમજણ પણ, મેં તારી પાસેથી જ મેળવી છે.

મોતને ખૂબ નજીકથી નિહાળ્યું છે જગતમાં,
કેવો નિંરાતે સુખ શૈયામાં પોઢી જાય છે માનવ.
ને આ જિંદગી નઠારી,કંઈ કેટલાય વૈતરા કરાવે છે.
આમાં કોને શ્રેષ્ઠ માનવું ? એ જ વિમાસણ છે..!

તું મારામાં કેટલી બાકી છે એની અકળતાને તો, હું ક્યારેય નથી પામી શકવાની. પણ, જેવી છે એવી પારદર્શી અને સમજણ ભરેલી વીતી જાય એવી ઇચ્છા જરૂર છે.

પળો વીતી જાય અને સરે સમયની સરવાણી.
ત્રિકાળની ઘટમાળ સર્જતી કોઈ મૌન વાણી.
આજનું યૌવન, વીતેલ બાળપણને...
પ્રતીક્ષામાં થરે નેત્ર ,પુરી જીવન વાણી.

સપ્તરંગી સપનાં અને ગમતા સંબંધોથી વધાવી તારું બહુમાન કરવાની ઈચ્છા છે.પણ, જો તારો સાથ હોય તો... જોઈએ તું કેટલો સાથ આપે છે..? બાકી તારા માટે તો કહેવું ઘટે કે...

લવ યુ જિંદગી.... 💖💖💖
જો દિલ સે લગે ઉસે કહેદો હાય હાય હાય હાય.
જો દિલ ના લગે ઉસે કહેદો બાય બાય બાય બાય.
આને દો આને દો દિલ મેં આ જાને દો...
કહેદો મુસ્કુરાહટ કો હાય હાય હાય હાય.
જાને દો જાને દો દિલ સે ચલે જાને દો...
કહેદો ઘબરાહટ કો બાય બાય બાય બાય.
લવ યુ જિંદગી....💖💖💖
લવ યુ જિંદગી....💖💖💖

લી.🖋

એક જીવનપ્રિય માનવ.

Share

NEW REALESED