Jaldhi na patro - 9 books and stories free download online pdf in Gujarati

જલધિના પત્રો - 9 - ચકલીને પ્રેમપત્ર

પ્રિય ચકલી,

હું જાણું છું કે તું અને હું આપણે બંને એકબીજાથી અલગ દુનિયાના જીવો છીએ. છતાં, રોજ મારી સવાર તારા વિના અધૂરી લાગે છે. મારા શબ્દો તું સમજી શકશે કે નહીં એનો પણ કોઈ અણસાર નથી. છતાં, મારી પાસે માત્ર શબ્દો જ છે તને મારા ભાવો પહોંચાડવા માટે. એટલે આ પત્ર લખું છું.

વહેલી સવારનું સંગીત સુરીલું,
તારા થકી જ પ્રાણી એમાં પુરાતો.
તારા મધુર કલરવ થકી જ,
એમાં શ્વાસવાયુંનો સંચાર થાતો.

મારા માટે તો તું એટલે મારું પોતીકું આગવું સ્વજન. મારા ઘરના ફળિયામાં જ તારો માળો છે. તે બનાવેલી તણખલાનીવાડ એટલે આપણો સહિયારો સ્વપ્નમહલ. તું જેટલી ચીવટથી તણખલાં ભેગા કરી માળો બનાવતી. એ આનંદનો પડઘો મારા હૃદયે હરખની હેલી ઉપજાવતો. મને બરાબર યાદ છે કે, તે માળો બનાવવાની શરૂઆત કરેલી અને ઘરની સાવરણી તોડી માળાની બાજુમાં મેં તણખલાનો ઢગ કરી દીધેલો. વળી, તારા માળામાં હિંચકો બનાવવાના વિચારે દોરાના ટુકડા પણ કરી મુકેલા. પછી તો તું આખો દિવસ કોઈ એન્જિનીયરની અદાથી માળો બનાવતી રહી, અને હું તારી એક એક ઝલકને જોવા વારંવાર ફળિયામાં આવતી રહી.

મને એમ કે માળામાં તું એકલી જ નિવાસ કરીશ. પણ, પછી તો તે સહપરિવાર નવા ઘરમાં આગમન કર્યું. જાણે મારો આનંદ બેવડાયો.એ અનુભૂતિ એક મહોત્સવથી કમ ન હતી. પછી તો એક ફળિયામાં તારી સાથે દિવસો પસાર કરવાની ખૂબ મજા આવતી.

સવારે ઉઠુંને તારો કલરવ મને જાણે 'ગુડ મોર્નિંગ' કહેતો જગાડે. પ્લેટમાં મુકેલા દાણા ચણવાની તમારી હોડ જોવા ઊંઘનેય દૂર ધકેલી દેતી. પાણીના નાનકડા પાત્રમાં જાણે કોઈને સ્વિમીંગપુલમાં તરવૈયાની અદાથી તરતી તું, તારા એ સ્નેહ થકી ભીંજાતી હું.

તારા સાથે દિવસ આખો એમ જ ચાલ્યો જતો. રાત પડતાં તારો કલરવ શમી જતો. પણ હા, આખો દિવસ તો તારો અવાજ બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ સતત પડઘાયા કરતો.ચીં....ચીં... એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં લાગે કે મને તારી આદત પડી ગઈ છે.

કદાચિત્ , જો તું મારા કણકના પાત્ર સિવાય બીજે ક્યાંય દાણા ચણવા જાય તોય એની મને ઈર્ષ્યા થાય છે કે, તું ત્યાં શું ચણવા જાય છે ? પછી હું પણ પૂરતી તપાસ કરી બીજે દિવસે તારા પાત્રમાં એ ભરી આખેઆખું છલકાવી દઉં છું. જેથી તને દૂર જતી ન જોવી પડે.

કયારેક એવુંય થાય છે કે તું તો પક્ષીની જાત. આકાશમાં વિહરવા સર્જાણી છે. તો પછી મારા મનના વગર આ દ્રશ્ય પાંજરામાં ક્યાં સુધી ટકશે ? પણ , પછી અંતરાત્મા દ્વારા જવાબ મળે છે કે, જ્યાં સુધી ૠણાનુબંધ છે ત્યાં સુધી તો તે મને છોડીને ક્યાંય જવાની નથી. એટલે અંતરમનને ફરી શાંતિ થઈ જાય છે.

પણ, હા કયારેક તું થોડી ક્ષણ પણ ન દેખાય તો મનમાં વ્યાપેલી વ્યાકુળતા કોઈ સ્નેહી સ્વજનનાં વિરહથી ઓછો નથી લાગતો. એટલે તને આજે આ પત્ર દ્વારા એટલું જ કહેવા ઈરછુ છું હું હંમેશા કે તારા માટેના સઘળા પ્રયાસો કરીશ. પણ, તું કદી મારું ફળીયુ છોડી જઈશ નહિ. તારા બચ્ચાને ઉડાન ભરવા માટે મારું ચોગાન કદાચ ટુંકુ પડશે. પણ, વિહાર કરીનેય પાછી માળામાં ફરવાની તારી પ્રતીક્ષા હું રોજ કરીશ. તો તું આવજે જ.

તારા માટેની શાબ્દિક લાગણી તો મેં તને પહોંચાડી છે. તું નહીં સમજે એ પણ ખબર છે. પણ, દિલને દિલાસા ખાતર આ પ્રયાસ કર્યો છે. કદાચ, ઈશ્વર થકી અદ્રશ્ય રીતે મારા ભાવ તને પહોંચી જાયને તું વળતો જવાબે ખુશીનો ખિલખિલાટ કરી દે.એજ પ્રતીક્ષામાં તારી પ્રિય ચાહકનો અઢળક પ્રેમ અને સ્નેહ.

લી.
તારી એક ચાહક.