Gumraah - 25 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 25



ગતાંકથી....

સંદિપે પૃથ્વીના પ્રશ્નથી તરત જ શંકા ગઈ કે નક્કી કંઈક તો ખોટું થયું છે; તેથી તેણે કહ્યું : "કેમ તે નથી છપાયો?"

પૃથ્વીએ પૂછ્યું: " પણ તે તેનું શું કર્યું હતું ?

"મેં તો ચીમનલાલ ને તે આપ્યો હતો."
"તને ખાત્રી છે કે, તે ચીમનલાલ ને હાથો હાથ મારું લખાણ આપ્યું હતું?"

"હા, ચોક્કસ ખાત્રીથી .શું કઈ ભૂલ ચૂક થઈ છે ?"

પૃથ્વી સંદિપનો જવાબ સાંભળીને તેના સામા સવાલનો જવાબ આપ્યા વિના ત્યાંથી એકદમ ઝડપથી જતો રહ્યો.

હવે આગળ....

ઝડપથી તે ચીમનલાલ ના ઘર તરફ જવા લાગ્યો. તેનું ઘર પણ કૃષ્ણનગરમાં જ આવેલું હતું. કદાચ ચીમનલાલ દુનિયાના બીજા છેડા ઉપર રહેતો હોત તો પણ પૃથ્વી તેને ત્યાં ગયા વિના રહે તેમ હતો નહિ.

સંદીપના ઘરમાંથી બહાર નીકળતા પૃથ્વી ગણગણ્યો : "ઈશ્વરનો પાડ માનવાનો છે કે, ચીમનલાલના મનમાં કોઈ જાતનું કપટ નથી .તે મને જે કાંઈ કહેશે, તે જરૂર સાચું જ કહેશે."
ચીમનલાલ ના ઘર પાસે આવી પહોંચતા જ તેની પત્નીએ તેને આવકાર આપ્યો અને થોડી જ વારમાં ચીમનલાલ ઊંઘમાંથી ઊઠીને પૃથ્વી પાસે આવ્યો. પૃથ્વી એ જોયું કે તે હંમેશના જેવો શાંત અને ગંભીર હતો.
પૃથ્વી અને ચીમનલાલ ની આંખ મળી એટલે પૃથ્વી એ સવાલ કર્યો : "સંદીપે તમને મારું લખાણ આપ્યું હતું તેનું તમે શું કર્યું હતું ?"

"આજ તને શું થયું છે ? આમ અકળાયેલો ને ગભરાયેલો કેમ છે ? "
પૃથ્વીએ ફરી એ જ સવાલ કર્યો : "તમે એ લખાણ નું શું કર્યું હતું ?"
ચીમનલાલ ગણગણ્યો " બેશક આજે પૃથ્વી પાગલ બની ગયો છે." તેણે મોટેથી કહ્યું : "પણ તને... ત.."

"તમે એ લખાણનું શું કર્યું હતું ?"

બીજું શું કરે પ્રેસમાં બીબાં ગોઠવનારોઓને તરત જ મોકલાવ્યું હતું."

"પ્રુફસ?" પૃથ્વીએ એકદમ બરાડા પાડતા હોય એ રીતે પૂછ્યું : " તમે પ્રુફ્સ તપાસ્યા હતા ?"

"બેશક મેં પ્રુફ્સ તપાસ્યા જ હતા. પણ પૃથ્વી, તુ જરાક શાંત થા. કરવાથી તો તારું મન પાછું પડી જશે ?"

આ સાંભળીને પૃથ્વી એ કહ્યું : "ચીમનલાલ મને કશું થવાનું નથી. મારી શાન ભાન ઠેકાણે જ છે; પણ આપણી ઓફિસમાં જબરો ગોટાળો થયો છે .ઘણો જ ગંભીર ગોટાળો !!"

'લોક સેવક 'અને 'લોકસત્તા'ની નકલો પૃથ્વી એ પોતાની બેગમાંથી બહાર કાઢી અને ધ્રુજેતે હાથે તેણે ચીમનલાલના હાથમાં મૂકી : " જુઓ આ નકલો એકવાર જોઈ જાવ."

ચીમનલાલે તે નકલો જોઈ અને એક અનુભવી છાપા વાળા તરીકેની પોતાની નજરથી તુરંત જ પારખી શક્યો કે, ક્યાં કેવી રીતે ગોટાળો થયો છે છાપા ની નકલો જોયા બાદ તેને ખૂબ જ આશ્ચર્યથી પૃથ્વીના મોં સામે જોયું . ફરીથી તેને નકલો તરફ જોયું અને તે બાદ એકદમ ઘોઘરા અવાજે તે બોલ્યો :

"પણ આ બન્યું શી રીતે, પૃથ્વી ?"

પૃથ્વી એ નિરાશા ભરેલા અવાજમાં જવાબ આપ્યો : "તેનો જ તો ખુલાસો હું માગું છું."

ચીમનલાલ જેવા નેકદિલ અને તનતોડ મહેનત કરનાર પત્રકાર ની આખી જિંદગીમાં નહિ બનેલો એવો આ ચોંકાવનાર‌ ગોટાળો હતો. તેને ખાતરી હતી કે ,છાપવાની છેલ્લી રજા આપતી વખતે પોતાની સહી કરીને તેણે છેલ્લા સુધારેલા પ્રુફ્સ કમ્પ્યૂટર વાળાને સુધારવા આપ્યા હતા એ જ પ્રુફ્સ ફરીથી પેજમાં ગોઠવાઈને તેની આગળ આવ્યા હતા .આમ છતાં આ ગોટાળો કેવી રીતે થયો? "

તેની પ્રામાણિક કારકિર્દીને ધબ્બો લાગે એવી આ બાબતને લીધે તે ફિક્કો પડી ગયો અને તેનું શરીર કંપવા લાગ્યું .પૃથ્વી ક્યારનો તેના મોઢા તરફ જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે આ ગોટાળામાં ચીમનલાલ તો સામેલ નથી જ .તેની જાણ બહાર કોઈ બીજાઓએ આ કાવતરું રચ્યું છે. પૃથ્વીને ચીમનલાલમાં ગળા સુધીનો વિશ્વાસ હતો. તેની પ્રામાણિકપણા અને નિષ્ઠા બદલ આજ સુધીમાં પૃથ્વીને ક્યારેય જરા પણ શક તેના માટે ઊપજ્યો નહોતો. પોતાની આસપાસ ભેદભરોમોનું ગૂંચળું ગૂંથાઈ ગયું છે તેમાં ચીમનલાલ તો પ્રામાણિક જ છે, એવું આશ્વાસન પોતાના મનમાં ધારણ કરીને પૃથ્વી ચીમનલાલ ને કહ્યું : ચીમનભાઈ ગમે તેમ કરીને પણ આપણે....."

"આ ગોટાળો કરનાર ને શોધી કાઢવો જોઈએ અને તેને સખતમાં સખત સજા કરાવી જોઈએ." ચીમનલાલે અધવચ્ચે જ કહ્યું.

"બેશક, બેશક .જેઓ આ કાવતરામાં સામેલ હશે, તેટલા તમામ ને હું સખત શિક્ષા કરાવીશ." પૃથ્વી એ ઉશ્કેરાઈને પોતાની હાથની મુઠ્ઠી ટેબલ પર પછાડતા કહ્યું.

ચીમનલાલે તેને ધીરજ રાખવાનો બોધ આપતા કહ્યું : "ભાઈ ,તું શાંત થા. ખુરશી ઉપર બેસ. આપણે વિગતો તપાસીએ અને હવે આગળ કેવી રીતે કામ લેવું તે નક્કી કરીએ .એ દરમિયાન તારી ભાભી કોફી બનાવી આપશે તે પી."
પૃથ્વી ખુરશી ઉપર બેઠો નહીં ;વિચારમાળામાં અટવાયેલો અહીં તહીં ફરવા લાગ્યો . ચીમનલાલે કોફી બનાવવા પોતાની પત્નીને કહ્યું . તેણે એ પછી પૃથ્વીને કહ્યું :

"આ ગોટાળો ન પકડી શકાય એવો નથી .જો ગઈકાલની હકીકત હું પ્રથમથી તે છેલ્લે સુધી વર્ણવી જાઉં . સંદીપ રાતના આઠ વાગે અહેવાલના સૌથી પહેલા કાગળિયા મારી પાસે લાવ્યો."
પૃથ્વીએ અધવચ્ચે જ પૂછ્યું : "તમે તેનું શું કર્યું ?"

"હું તે જ કહું છું. ભાઈ ,તું શાંતિથી મારું કહેવું સાંભળ :
"સંદીપ આઠ વાગે સૌથી પહેલાં અહેવાલના કાગળિયા લાવ્યો. મેં તે વાંચ્યા ; સુધાર્યા અને મારા મનમાં જ અચરજના ઉદ્દગાર કાઢ્યા કે, આ બહુ જ સરસ અને ચોંકાવનારા સમાચાર છે . "પ્રેસમાં બીબા ગોઠવનારાઓને આપતા પહેલા હું તે કાગળિયા લઈને લાલચરણ પાસે ગયો...."

"તમે જાતે જ તેની પાસે ગયા હતા ?"

"હા. તે- "

તેણે શું કહ્યું હતું ? કાગળિયાં વાંચીને તેણે સૌ હુકમ આપ્યો હતો ? "

"બહુ જ શાંતિથી તેણે તે વાંચી જોયાં અને ધીમેથી મને કહ્યું : ચીમનલાલ સારી હકીકત છે, છાપવા આપી દે."

"તે જરાકે અજીબ કે ગુસ્સે થયો નહોતો ? જરા કે ઉશ્કેર..."

"ના. બિલકુલ નહિ, જરા પણ અચરાજ પામ્યો ન હતો કે બિલકુલ ઉશ્કેરાયેલ નહોતો.

પૃથ્વી, તારા લખાણ સંબંધમાં મારે અહીં તને થોડોક ઠપકો આપવો જોઈએ .જે બાબતનો અહેવાલ આપણે આપતા હોઈએ, તેમાં આડી અવડી બાબતો ભેળવી દેવી જોઈએ નહિં. તારા લખાણમાં એવું કેટલુંક હતું જે મારે સુધારવું પડ્યું હતું."

"ઓકે, સારું, પછી શું બન્યું ?"

હું જાતે જ કંપોઝ ગોઠાવનારાઓના વડા હરેશ પાસે ગયો અને એ વિષય આપણા છાપા માટે તૈયાર કરવાની નોટ આપી આવ્યો. હું હંમેશા કાંઈ મારી જાતે હરેશ પાસે જતો નથી પણ આ સમાચાર આપવા જાતે ગયો હતો. કારણ કે મેં કરેલી છેકછાક વિશે તેને સમજ આપવાની મને જરૂર જણાઈ હતી. એ લખાણ કંપોઝમાં ગોઠવાઈ ગયું તેમાં 'પ્રૂફ્સ' મારી પાસે આવ્યા. મેં એકવાર સુધાર્યા તથા બીજી વાર પણ સુધાર્યા. ધીમે ધીમે અગિયાર વાગ્યા સુધીમાં અહેવાલના બાકીના સમાચાર પણ આવી પહોંચ્યા. અને જ્યારે આખો વિષય તૈયાર થઈ ગયો ત્યારે હું ફરીથી હરેશ પાસે ગયો અને તેને તાકીદ આપી કે 'લશ્કરી કવાયતના અખતરા 'ને લગતો વિષય બીજા દિવસ માટે રાખી મૂકીને આ વિષયને આજના છાપામાં જગ્યા આપવી." અહીં ચીમનલાલે 'લોક સેવક'ની નકલ જોઈને કહ્યું : પણ જો તે મૂર્ખાએ મારું કહેવું અમલમાં મૂક્યું નથી.' લશ્કરી કવાયતના અખતરા' નો વિષય તેણે છાપ્યો છે અને તારા વાળો વિષય છાપ્યો જ નથી."

પણ ચીમનભાઈ મશીન ઉપર ચડેલો પહેલો કાગળ તમારી પાસે આવ્યો હશે ને ? "

"હા, મેં જાતે જ તેમાં તારા સમાચારને છપાયેલા વિષયની જગ્યાએ ગોઠવાયેલા જોયા હતા અને એ જ કાગળ ઉપર મેં સહી કરી આપી હતી."

તો પછી આ સમાચાર ગયા ક્યાં? ગોટાળો થયો ક્યાં ?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.....