Safar ek anokha premni - 37 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 37







(આપણે આગળના ભાગમાં જોયું કે નીયા અને વિરાજ બન્ને મળે છે પણ નીયા વિરાજને બોલાવ્યા વગર ત્યાંથી મોલમાં જવા માટે બાળકો સાથે નીકળી જાય છે. મોલમાં નીયા જ્યારે શોપિંગ કરતી હોય છે ત્યારે ત્યાં પણ તેને વિરાજ મળે છે. વિરાજ ફરીથી નીયાને સામેથી બોલાવે છે પણ નીયા તેનાં પર ગુસ્સો કરીને ત્યાંથી નીકળી જાય છે. બીજે દિવસે સાંજે જ્યારે નીયા આલોક સાથે ગાર્ડનમાં જાય છે ત્યાં તેમને પ્રિયંકા મળે છે. બીજે દિવસે નીયા આલોકનાં ઘરે લંચ માટે જાય છે ત્યાં તે ડોરબેલ વગાડવા જ જતી હોય છે કે તેને કાંઇક સંભળાય છે અને તેનાં હાથ ત્યાંજ થંભી ગયા. હવે આગળ...)

નીયા આંખોમાં આવેલ આંસુઓને લૂછતાં-લૂછતાં ગુસ્સા સાથે ઝડપથી સીડીઓ ઉતરી રહી હતી ત્યાં જ તે સામેથી આવતાં વિરાજ સાથે અથડાઈ એટલે મોબાઈલની અંદર મશગુલ વિરાજ ઊંચું જોઈને બોલ્યો, "દેખાતું નથી?"
ત્યાં તેનુ ધ્યાન નીયા તરફ ગયુ અને તે બોલ્યો, "નીયા?"
વિરાજનાં બોલાવા છતા નીયાનાં પગ રોકાયા નહીં એટલે વિરાજ તેની પાછળ ગયો અને તેનો રસ્તો રોકતા બોલ્યો, "નીયા, તું અહિયાં?"

આંસુ ભરેલી આંખોએ નીયાએ સહેજ ઊંચું જોયું અને બોલી, "વિરાજ, શું છે તારે? મને જવા દે."

વિરાજે જોયું કે નીયાની આંખો લાલ હતી અને તે રડી રહી હતી એટલે વિરાજ બોલ્યો, "શું થયુ?"

"તને એનાથી મતલબ." નીયા ગુસ્સામાં બોલી.

"તું અત્યારે આલોકનાં ઘરેથી આવી છે?" વિરાજે નીયાને રડતા-રડતા દાદરા ઉતરતા જોઇ એટલે તેને એવું લાગ્યું કે કદાચ તે આલોકનાં ઘરેથી આવી છે અને તેને તે લોકોની સચ્ચાઈ ખબર પડી ગઇ છે.

વિરાજનાં મોઢેથી આલોક શબ્દ સાંભળતા નીયાને આશ્ચર્ય થયું તે કાઈ બોલે તે પહેલા તો વિરાજ તેનાં આશ્ચર્યમાં વધારો કરવા માંગતો હોય તેમ નાનકડા સ્મિત સાથે બોલ્યો, "હું અત્યારે તેનાં જ ઘરે જતો હતો."
નીયાને વિરાજે હજું કોઈ બોલવાનો મોકો ન આપ્યો અને ફરીથી પોતે બોલ્યો, "તને એ જ વાતનું આશ્ચર્ય થાય છે ને કે હું આલોકને કઇ રીતે ઓળખું છું? તો હું તને તેનો જવાબ પછી આપીશ. તેની પહેલા તું મને મારા સવાલનો જવાબ આપ, તું આલોકનાં ઘરેથી આવે છે ને?"

નીયાએ હકારમાં માથું ધુણાવ્યું. એટલે વિરાજ આગળ બોલ્યો, "ત્યાં એવું તો શું થયુ કે તું આમ રડવા મંડી?"

ત્યાં નીયાને અચાનક કાંઇક યાદ આવ્યુ હોય તેમ તે પોતાના આંસુ લૂછતાં બોલી, "હું તને બધુંજ કહીશ પણ પહેલા આપણે અહિયાંથી નીકળીને ક્યાંક દુર જઇએ કારણકે હમણાં આલોક આવતો જ હશે."

આટલું કહીને નીયા આગળ-આગળ ચાલવા માંડી અને વિરાજ તેની પાછળ-પાછળ. નીયા પોતાની કારમાં ડ્રાઇવર સીટ પર બેસવા જતી જ હતી કે વિરાજ બોલ્યો, "નીયા...તારી હાલત અત્યારે સારી નથી એટલે તું રહેવા દે હું કાર ચલાવું છુ." નીયાને પણ વિરાજની વાત યોગ્ય લાગી એટલે વિરાજ ડ્રાઇવર સીટ પર બેઠો અને નીયા તેની બાજુની સીટ પર બેસી ગઇ. વિરાજે કાર ચલાવવાનું શરૂ કર્યું.

નીયાએ થોડુ પાણી પીધું અને ઊંડો શ્વાસ લીધો પછી તેણે બોલવાનું શરૂ કર્યું....
"હું હમણાં આલોકનાં ઘરે લંચ માટે ગઇ હતી ત્યાં હું ડોરબેલ વગાડવા જતી જ હતી કે મે અભિજીતઅંકલનો અવાજ સાંભળ્યો, 'હેત્વિ, આપણે જેમ વિચાર્યું હતુ તેમજ બધુ થઈ રહ્યુ છે. નીયા અને આલોકનાં લગ્ન હમણાં થઈ જશે. બસ પછી તારી અને મારી ચિંતા દૂર.'

'હા, મને તો વિશ્વાસ જ નથી આવતો કે આપણો પ્લાન સફળ થવા જઇ રહ્યો છે. નીયા સાથે આલોકનાં લગ્ન કરાવીને નીયાની સંપતી મેળવવાનો પ્લાન આટલી સરળ રીતે પૂરો થશે એ તો ધાર્યું જ નહતું.' હેત્વિઆંટી બોલ્યા.

'હા પણ હવે તારી ખુશીને કાબુમાં રાખ, હમણાં નીયા આવતી જ હશે. ચાલ બધુ જમવાનું ડાઇનિંગ ટેબલ પર ગોઠવી દઈએ.' અભિજીતઅંકલ બોલ્યા.
પછી હું કાઈ પણ બોલ્યા વગર ત્યાંથી રડતા-રડતા દાદરા ઉતરી રહી હતી અને તું ટકરાયો."

નીયાથી ડૂમો ભરાઈ ગયો અને તે બોલી, "ખરેખર દુનિયામાં કોના પર વિશ્વાસ રાખવો અને કોના પર ન રાખવો એ નક્કી જ નથી કરી શકાતું. મને તો એક પર એક વિશ્વાસ તોડનાર જ મળી રહ્યાં છે."
આ સાંભળી વિરાજને ગિલ્ટી ફીલ થવા લાગ્યું કારણકે તેણે પોતે પણ એકવાર નીયાનો વિશ્વાસ તોડ્યો હતો.

નીયા પોતાના આંસુ લૂછતાં બોલી, "હવે તું કહે કે, તું આલોકને કઇ રીતે ઓળખે છે?"

ત્યાં રસ્તામાં એક કોફી શોપ આવ્યુ એટલે નીયા બોલી, "વિરાજ અહિયાં રોક." વિરાજે સાઈડમાં કાર પાર્ક કરી અને બન્ને કોફી શોપ પર ગયા. ત્યાં વિરાજે બે કોફી ઓર્ડર કરી. કોફી આવી અને નીયાએ ગરમાગરમ કોફીનો એક ઘૂંટ ભર્યો અને તેને સારુ ફીલ થયુ પછી વિરાજે પણ કોફીનો એક ઘૂંટ પીને બોલવાનું શરૂ કર્યું, "હું તને પહેલાંથી બધીજ વાત કરી દઉ છુ. તારા ઘરેથી હમેશા માટે નીકળી ગયા પછી હું મારા ઘરે ગયો, ત્યાં મારા અને ડેડ વચ્ચેનાં સંબધો સુધરી ગયા. એક દિવસ મને તારી ડાયરી મળી."

નીયા નવાઈ પામતા બોલી, "મારી ડાયરી? એ તારી પાસે ક્યાંથી આવી?"

"હું જ્યારે તારા ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે છેલ્લી વખત તારા રૂમમાં ગયો હતો. ત્યારે મને તારી ડાયરી મળી અને મે તેને મારી સાથે લઇ લીધી હતી." વિરાજ બોલ્યો.

"અચ્છા... એટલે જ મને મારી ડાયરી નહતી મળતી. " નીયા બોલી.

" હા. તો મને તે રાત્રે તારી ડાયરી મળી. ડાયરી વાંચીને મને ખબર પડી કે તું મને પ્રેમ કરતી હતી અને હું તને જ્સટ ફ્રેન્ડ સમજતો હતો, તું મને પ્રેમ આપતી હતી અને મે બદલામાં તારો વિશ્વાસ તોડ્યો." વિરાજની આંખો સહેજ ભીની થઇ ગઇ, નીયાએ આ જોયું પણ તે કાઇ ના બોલી. થોડીવાર માટે વાતાવરણમાં શાંતી છવાઈ ગઇ.

પછી વિરાજ આગળ વાત વધારતા બોલ્યો, "ત્યારે મને મારી ભુલનો અહેસાસ થયો. ત્યાર પછીના વિકમાં ફંકશન હતુ. ફંકશનની રાત્રે આપણા વચ્ચે વાત-ચિત થયાં બાદ મને મારા ઉપર ખુબજ ગુસ્સો આવી રહ્યો હતો એટલે ફંકશન પુરૂ થતા જ હું ઘરે જવાને બદલે મરીન ડ્રાઇવ ગયો, ત્યાં મે રાજને બોલાવ્યો, તેની સાથે વાત કરતાં મને જણાયું કે તું અને રાજ વેલેન્ટાઈનની રાત્રે મિતનાં ઘર પાસે મળ્યા હતાં. પછી તેનાં બીજે દિવસે સવારે હું અને રાજ જ્યારે ચાની ટપરી પર બેઠા હતાં ત્યારે અમને મેહુલભાઈ અને અવિનાશ મળ્યા, મને જોઇ તેઓને ગુસ્સો આવ્યો અને તેઓ મને મારવા લાગ્યા ત્યાં હું બોલ્યો કે, "મને મારી નાખવો હોય તો મારી નાખો, હું તમારો ગુનેગાર છુ." તેઓ મારી વાતને સમજ્યા અને મને માફ કરી દીધો અને તારા પૂરા પરિવારે મને માફ કરી દીધો. તે જ રાત્રે મને મેહુલભાઈ અને અનન્યા દ્વારા તારા દસ વર્ષ પહેલાંના ભૂતકાળની ખબર પડી. તારા અને આલોક વિશે ખબર પડી. મેહુલભાઈ દ્રારા એ પણ જાણવા મળ્યું કે મારા આવ્યાં પછી તું કેટલી ખુશ રહેવા લાગી હતી પણ મેં જ પાછું તારું દિલ તોડીને તને દુઃખી કરી એટલે હવે મારામાં તારી સામે આવવાની હિંમત ન હતી એટલે હું એકલો રહેવા લાગ્યો."

પછી વિરાજ નીયાને પોતાના હાથ દ્રારા પોતાનો ચહેરો દેખાડતા સ્મિત સાથે બોલ્યો, "અને પછી મારો હુલિયો આવો બની ગયો." નીયાથી પણ થોડું હસાઇ ગયુ.

વિરાજે વાત આગળ વધારી, "તારી આલોક સાથે સગાઈ થઈ તેનાં બીજે દિવસે સવારે અનન્યાએ તેનાં અને અવિનાશનાં તેમજ તારા અને આલોકનાં ફોટા તેના વ્હોટસેપનાં સ્ટેટસમાં મુક્યા હતાં. તારા અને આલોકનાં ફોટા નીચે તમારાં બન્નેનું નામ લખેલું હતુ તે મે વાંચ્યું. એટલે મે અનન્યાને કૉલ કર્યો તો તેણે આલોકનાં ભૂતકાળની બધીજ વાત મને કહી."

"હમ્મ, એટલે જ તું આલોકને ઓળખે છે." નીયા સ્મિત સાથે બોલી.

"પણ અહિ હજું કહાની પુરી નથી થઈ, ઉલ્ટાનું સાચી કહાની તો હવે શરૂ થાય છે. હું તો તારી સગાઈ થઈ તેને કારણે દુઃખી હતો. ત્યાં જ તેની બીજી રાત્રે અચાનક મને કોઈનો અવાજ સંભળાયો, "વિરાજ.....ઉઠ.... તું જ નીયાને બચાવી શકે છે. તું જ...વિરાજ..તું, જાગ વિરાજ...જાગ.. સુવાનો સમય નથી... "

"વ્હોટ? શું ગમે તે બકવાસ કરી રહ્યો છે તું?" નીયા ગુસ્સો કરતા બોલી.

"નીયા, ટ્રસ્ટ મી, હું દરવખતે જૂઠું થોડો બોલું? મને ખુદને એ વાતની નવાઈ લાગી હતી!" વિરાજે નીયા સામું જોતાં બોલ્યું. નીયાને વિરાજની આંખોમાં સચ્ચાઈ દેખાઈ એટલે તે બોલી, "ઓક્કે, આગળ બોલ."

"હા તો મને એવા આવજો સંભળાયા એટલે હું ઉભો થયો તો રૂમની બારીમાં લખેલું હતુ, 'જે નજર સામે દેખાઈ રહ્યુ છે તે સાચું નથી અને જે નથી દેખાઈ રહ્યુ તે તારે શોધવાનું છે. ઉઠ તું આમ હાર ન માનીશ. તું નીયા માટે કાંઇક કર. જાગ...વિરાજ... જાગ...'

નીયાથી હસી પડાયું એટલે વિરાજ સહેજ ઉંચા અવાજે બોલ્યો, "નીયા તને આ બધુ મજાક લાગી રહ્યુ છે?! હું સાચું કહુ છું. તને ભલે મારા પર વિશ્વાસ ન આવતો હોય."

"અરે આટલો ગુસ્સે શા માટે થાય છે? આગળ બોલ." નીયા પોતાનુ હસવાનું રોકતા બોલી.

"ઓક્કે, તો આ બધુ વાંચ્યા અને સાંભળ્યા બાદ મે મારો મગજ ચલાવ્યો અને હું વિચારવા લાગ્યો કે, ' એવું તો નીયા ભેગું શું થાય છે? એવું શું છે કે જે દેખાય છે છતાં સત્ય નથી?! અને મારે તો એવું શું શોધવાનું છે?!' ત્યાં મને વિચાર આવ્યો કે આલોક અને તે લોકોનું આમ અચાનક અહીં આવીને અહીંજ વસી જવું અને સામેથી લગ્નનો પ્રસ્તાવ મુકવો! વાત થોડી પચે તેવી નહતી. પણ મને આલોક પર શંકા ન હતી કારણકે તેતો તને પ્રેમ કરતો હતો પણ મને અભિજીતઅંકલ અને હેત્વિઆંટી પર શક ગયો એટલે મે મિતને કૉલ કરીને તે લોકો પર નજર રાખવાનું કહ્યુ. બે દીવસ પછી મને મિતનો કૉલ આવ્યો. તેમાં તેણે કહ્યુ કે, તે બે દિવસથી અભિજીતઅંકલનો પીછો કરે છે, તેમનાં પર નજર રાખે છે, તેઓ બે દિવસથી કોઈ વકીલની ઑફિસમાં જઈ રહ્યાં છે. અને બીજાજ દિવસે અભિજીતઅંકલ અને તે વકીલ ઓફીસને બદલે કોફી શોપ પર બેઠા હતાં અને અમને મોકો મળી ગયો. મિત પણ ત્યાં બાજુનાં ટેબલ પર અજાણ્યાની જેમ બેસી ગયો તેમની વાત-ચિત સાંભળવા લાગ્યો, તેમાં તેઓ તારી પ્રોપર્ટીને કઇ રીતે હડપવી તેની વાત કરી રહ્યાં હતાં, મિતનો મને કોલ આવતાં મારો શક વિશ્વાસમાં બદલાઈ ગયો, મે મિતને ત્યાંજ બેસી રહેવાનું અને મોબાઈલમાં રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનું કહ્યું અને કોફી શોપનું એડ્રેસ પૂછીને હું પણ ત્યાં ફટાફટ પહોંચી ગયો."

"ઓ..એમ..જી..! મતલબ...તું તો ચાલક નીકળો હો..." નીયા નવાઈ સાથે બોલી.

એટલે વિરાજ ખોટા ગુસ્સા સાથે બોલ્યો, "મતલબ...તું મને અત્યાર સુધી બુદ્ધિવિનાનો સમજતી હતી!"

"કાંઇક એવું જ સમજી લે." નીયા હસતા બોલી.

વિરાજે તેને મસ્તીમાં ખભા પર હળવેકેથી ટપલી મારી. નીયા હસી પડી પણ પછી તેને ભાન આવ્યુ કે 'હમણાં થોડીવાર પહેલા તો તે વિરાજ સામું જોવા પણ નહતી માંગતી અને અત્યારે...!'

વિરાજ જાણે તેનાં મનની વાત સમજી ગયો હોય તેમ બોલ્યો, "નીયા, આગળ સાંભળ...પછી મને એક આઈડિયા આવ્યો અને મોકો મળતાં જ હું અભિજીતઅંકલ પાસે જઇને બેસી ગયો અને પછી મેં તેમને કહ્યુ કે મને તમારાં પ્લાન વિશે ખબર છે. તો પહેલા તો તેણે સ્વીકાર્યું નહતું પણ અંતે તેને સ્વીકારવું પડયું અને તેમણે મને પૈસાની પણ ઓફર કરી. મેં કહ્યુ કે, મારે પૈસા નથી જોઈતા, બસ મને નીયા સાથે બદલો લેવો છે."

"વિરાજ!!...કઇ વાતનો બદલો??" નીયા નવાઈ પામતા બોલી.

"અરે..બાબા...મારે તેમને કોઈ રીતે વિશ્વાસમાં તો લેવા ને? એટલે મે તેમની સામે જૂઠું બોલ્યું. બાકી બદલો લેવાનો મારો કોઈ હક જ નથી. ઉલ્ટાનું મે તારી સાથે ખોટું કર્યું છે એટલે બદલો લેવો હોય તો તું લઇ શકે. હું નહીં." વિરાજ આટલું બોલી કોફી પીવા મંડ્યો.

નીયાએ કાઈ ઉત્તર ન આપ્યો અને તે પણ કોફી પીવા માંડી એટલે વિરાજ પોતાની વાત આગળ વધારતા બોલ્યો, "મે તેને આવુ કહીને વિશ્વાસમાં લીધાં અને પછી મેં કહ્યુ મારી કોઈ મદદ જોઈતી હોય તો કહેજો અને હું ત્યાંથી નીકળી ગયો."

"પણ તારે આવુ નાટક કરવાની શી જરૂર હતી? તું ડાયરેક્ટ અમને પણ કહી શક્તો હતો ને?" નીયા વિરાજ પર શક કરતા બોલી.

એટલે વિરાજ બોલ્યો, "ઓ મેડમ... એમ તમારી પાસે આવીને બધુ કહી દઉ તો તમે મારા પર વિશ્વાસ કરો? નહીં ને?...એટલે જ મારે પ્રુફ સાથે તમને આ વાત કહેવી હતી. એટલે મે પ્રુફ એકઠા કરવા તેમને વિશ્વાસમાં લીધાં અને હમણાં મોબાઈલમાં રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીને તેમનાં ઘરે પ્રુફ એકઠું કરવા જ જઇ રહ્યો હતો. જો કોફી શોપ પરનું રેકોર્ડિંગ તો મારી પાસે છે પણ તે એકલું પુરતું નથી કારણકે તેનાં કારણે તો તમને મારા પર પણ શક જાય એટલે હું અત્યારે ત્યાં જઇ રહ્યો હતો. ત્યાં સામે તું ટકરાણી અને મે તારી આંખોમાં આંસુ જોયા એટલે મને લાગ્યું કે કદાચ તને આ સચ્ચાઈની ખબર પડી ગઇ હશે અને મારો અંદાજો સાચો નીકળ્યો." વિરાજ ફરીથી કોફી પીવા મંડ્યો.

નીયાએ પુછ્યું, "તો તને આલોકનાં ઘરનું એડ્રેસ કઇ રીતે મળ્યું?"

"અરે, અભિજીતઅંકલ સાથે ફોન પર પૂછી લીધુ હતુ." વિરાજ પોતાની દાઢીમાં હાથ ફેરવતા બોલ્યો.

નીયા બોલી, "થેન્ક યું સો મચ."

વિરાજ કાઈ બોલી શક્યો નહીં. તેને તો નીયા તેની સાથે વાત કરી રહી હતી એટલે તે ખુશ હતો. નીયા અને વિરાજ થોડીવાર કાઈ જ બોલ્યા નહીં. નીયા વિચારતી હતી કે, "અચાનક પોતાને શું થઈ ગયુ છે? પોતે જે વ્યક્તિનું મોં પણ જોવા નહતી માંગતી અને આજે તેની જ સામે બેસીને કોફી પી રહી છે! તેની સાથે વાતો કરી રહી છે! અને જેણે મારો એકવાર વિશ્વાસ તોડેલો છે, તેની વાતો પર મારે વિશ્વાસ કરવો જોઈએ? શું કરૂ?"

ત્યાંજ તેનો ફોન રણક્યો, "આલોકનો કૉલ છે."
નીયા આલોકનું નામ સ્ક્રીન પર વાંચી વિરાજ સામું જોઈને બોલી. વિરાજે ઈશારા વડે ફોન સ્પીકર પર રાખવા કહ્યુ. એટલે નીયાએ ફોન સ્પીકર પર રાખ્યો અને બોલી, "હેલ્લો..."

"નીયા ક્યાં છે તું? હું ઘરે પહોચી ગયો છુ. કેમ તું હજું સુધી આવી નહીં?" આલોકે નીયાને પુછ્યું.
નીયા અને વિરાજ બન્ને એક-બીજા સામું જોઈને વિચારવા લાગ્યા કે આલોકને શું જવાબ આપવો?!
શું નીયા આલોકને બધુ સાચું કહી દેશે? શું નીયા આટલું બધુ બન્યાં પછી પણ તેને તેનાં ઘરે જવા માટે હા પાડશે? નીયા આલોકને શું બહાનું કરશે ?
આ બધુ જાણવા માટે વાંચતા રહો. સફર-એક અનોખા પ્રેમની....


ત્યાં સુધી જય સોમનાથ 🙏
# stay safe, stay happy.😊