Aho Aho Gnani Purush - 1 books and stories free download online pdf in Gujarati

અહો! અહો! જ્ઞાની પુરુષ - Part 1

મોક્ષ અતિ અતિ સુલભ છે પણ ‘જ્ઞાની પુરુષ’ નો ભેટો થવો અતિ અતિ દુર્લભ છે! અને તેની ઓળખાણ પડવી એ તો અતિ અતિ સો વખત દુર્લભ, દુર્લભ, દુર્લભ છે!


‘પરમ સત્ય જાણવાના કામી’ને જ્ઞાની પુરુષનું વર્ણન, ઓળખાણ શી રીતે પડે? શી રીતે ઓળખાય?


જ્ઞાની પુરુષની ઓળખાણ એકમાત્ર તેમની વીતરાગ વાણી ઉપરથી થઈ શકે. બીજું કોઈ સાધન આ કાળમાં નથી. પૂર્વેના કાળમાં તો લોકો એટલા બધા ડેવલપ થયેલા હતા, કે જ્ઞાનીની આંખ જોઈને તે વીતરાગતા ઓળખી જાય. જ્ઞાની પુરુષ સમયમાત્ર વીતરાગતા વિહોણા ના હોય !


બાકી, જ્ઞાની પુરુષને એમના ગુણોથી ઓળખવા જોઈએ. પણ એમના ગુણોની ઓળખાણ સામાન્ય મનુષ્યને શી રીતે પડે?


જ્ઞાની પુરુષને ૧૦૦૮ ગુણો હોય. એમાં મુખ્ય ચાર ગુણ જે કોઈનેય પ્રાપ્ત ના થાય તેવા હોય. (૧) જ્ઞાનીમાં સૂર્ય ભગવાન જેવો પ્રતાપ હોય. ગજબના પ્રતાપી હોય. પ્રતાપ એમની આંખોમાં જ હોય. એ પ્રતાપ તો એ જ્યારે દેખાડે ત્યારે ખબર પડે!


(૨) ચંદ્રમા જેવી સૌમ્યતા હોય. સૌમ્યતા એવી હોય કે એની ઠંડક સહુ કોઈને લાગે. ને જ્ઞાની પાસેથી ખસવાનું મન ના થાય. એમની સૌમ્યતા તો સૂર્યના તાપનેય ઓગાળી નાખે તેવી હોય. ગમે તેવો તપેલો આવે ને આંખોમાં સૌમ્યતા જોતા જ ઠંડોગાર થઈ જાય.


પ્રતાપ અને સૌમ્યતા બેઉ ગુણ એકસાથે જ્ઞાનીને જ હોઈ શકે. બાકી, કેટલાકને એકલો પ્રતાપ હોય ને સૌમ્યતા ના હોય. અને સૌમ્યતા હોય તેને પ્રતાપ ના હોય. યથાર્થ જ્ઞાનીને એક આંખમાં પ્રતાપ અને એક આંખમાં સૌમ્યતા હોય.


(૩) સાગર જેવી ગંભીરતા હોય. જે કોઈ જે કંઈ આપે તે સમાવી લે અને આર્શીવાદ ઉપરથી આપે.


(૪) સ્થિરતા, અડગતા તો મેરુ પર્વત જેવી હોય. બાહ્ય કોઈ પણ સંયોગ તેમની આંતરિક સ્થિરતાને હલાવી ના શકે. આ અડગતા અને સંગી ચેતનમાં બહુ ફેર છે. કેટલાક દીવા ઉપર દસ મિનિટ વગર હાલે હાથ રાખે તેને સ્થિરતા ના કહેવાય. એ તો હઠાગ્રહ કહેવાય. અહંકાર કહેવાય. જ્ઞાની સંપૂર્ણ નિરહંકારી હોય, સહજ હોય. દેહની અસર સાથે લેવાદેવા નથી. જ્ઞાની તો જ્યાં દઝાવાય ત્યાં એક તો હાથ નાખે જ નહીં ને ભૂલથી પડી જાય તો ઝટ લઈ લે! દેહ પણ સહજ સ્વભાવમાં જ હોય. બાકી, અંદરથી જ્ઞાન સ્થિરતા ગજબની હોય! ગમે તે સંયોગમાં અંદરનું એકેય પરમાણુ ના હાલે તેને અસલ સ્થિરતા કહી છે! મહીં જરાય ડખો ના થાય. જરાય બળતરા ઉત્પન્ન ના થાય તે જ સ્થિરતા. બહારની બળતરા તે તો દેહના સ્વાભાવિક ગુણથી ઉત્પન્ન થયેલી હોય. તેને ને આંતરિક બાબતોને કંઈ સંબંધ નથી.


જ્ઞાનીમાં અપાર કરુણા હોય, કરુણાના ધામ હોય. એમનામાં દયાનો છાંટોય ના હોય. દયા એ તો અહંકારી ગુણ, દ્રંદ્રગુણ કહેવાય. દયા હોય ત્યાં નિર્દયતા બીજે ખૂણે ભરી પડેલી જ હોય. એ તો નીકળે ત્યારે જ ખબર પડે. જ્ઞાની દ્રંદ્રાતીત હોય. જ્ઞાનીની આંખોમાં નિરંતર અમીવૃષ્ટિ જ હોય. ‘આ પેટ્રોલના અગ્નિમાં ભડકે બળતા જગતના તમામ જીવોને કેમ કરીને કાયમી ઠંડક આપું!’ એ જ ભાવના નિરંતર વહેતી જ હોય.


જ્ઞાનીમાં બાળક જેવી નિર્દોષતા હોય. બાળકને અણસમજણમાં નિર્દોષતા હોય. જ્યારે જ્ઞાનીમાં સંપૂર્ણ ટોચ પરની સમજ સહિત નિર્દોષતા હોય. તે પોતે દ્રષ્ટિ કરી સ્વયં નિર્દોષ થયા હોય અને આખાય જગતને નિર્દોષ જુએ! આડાઈ તો નામેય ના હોય જ્ઞાનીમાં. આડાઈ એ અહંકારનો પ્રત્યક્ષ ગુણ છે. મોક્ષની ગલી સાંકડી છે. તેમાં આડા થઈને જવાય તેવું છે જ નહીં. સીધો થઈને ચાલે તો જ આરપાર નીકળી જવાય તેવું છે. આડાઈ એ તો મોટામાં મોટી સંસારની અટકણ છે. જ્ઞાનીની સરળતા એ વર્લ્ડમાં ટોપ ઉપરની હોય. સંપૂર્ણ નિરહંકારી પદે બિરાજેલા હોવાથી જેમ કહો તેમ કરે તેવા હોય. કોઈ કહે આ ગાદી પરથી ઊઠી જાવ, તો તે કહે, ચાલ ભાઈ તેમ કરું. કોઈ ગમે તેટલી સળી કરે, પણ જ્ઞાની તે સળીમાં આવી ના જાય. જ્ઞાનીને તો સળી કરો તો ખબર પડે કે કેટલી વીતરાગતા છે! સળી કરે અને ફેણ માંડે તો સમજવું કે આ જ્ઞાની ન્હોય.


જ્ઞાની પુરુષમાં આગ્રહનું એકેય પરમાણું ના હોય. સંપૂર્ણ નિરાગ્રહી હોય. આગ્રહ એ તો વિગ્રહ છે અને નિરાગ્રહથી મોક્ષ છે. ભગવાને કષાયનો પણ આગ્રહ કરવાની ના કહી છે. એકમાત્ર મોક્ષ માટે જ જ્ઞાની પુરુષનો જ આગ્રહ રાખજે. કારણ, તેમના જ ચરણોમાં મોક્ષ છે. જ્ઞાની મળે અને તેમની જો કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તો મોક્ષ સહેજે હાથમાં આવી જાય તેમ છે!


જ્ઞાનીનો પ્રેમ તે શુદ્ધ પ્રેમ અને તે પરમાર્થ પ્રેમનું અલૌકિક ઝરણું હોય. એ પ્રેમઝરણું આખાય જગતના અગ્નિને ઠારે.


મોટામાં મોટી વાત તો એ કે જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિષ્પક્ષપાતી હોય. જો પક્ષમાં પડ્યો તો મતાંધ થયો કહેવાય. મતાંધ ક્યારેય પણ વસ્તુને પામી ન શકે. એ તો જયારે નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, અરે જ્ઞાની તો પોતાના મન, વચન અને કાયા માટે પણ નિષ્પક્ષપાતી હોય અને ત્યારે જ સર્વજ્ઞપદ પ્રાપ્ત થાય. જો એક જ પક્ષની વાત હોય તો તે એકપક્ષી કહેવાય. સર્વજ્ઞ ના કહેવાય. જ્ઞાની પુરુષની સભામાં તો ક્રિશ્ચિયન, મુસ્લિમ, વૈષ્ણવ, જૈન, સ્વામીનારાયણ, પારસી, ખોજા વગેરે બધાં જ અભેદભાવે બેસે. અને દરેકને જ્ઞાની પુરુષ પોતાના જ ધર્મના આપ્તપુરુષ લાગે. એક અજ્ઞાનીને લાખ મત હોય ને લાખ જ્ઞાનીઓનો એક જ મત હોય!


જ્ઞાની એક બાજુ સર્વજ્ઞ પણ હોય અને બીજી બાજુ અબુધ હોય. બુદ્ધિનો છાંટો પણ ના હોય. જ્યાં સંપૂર્ણ બુદ્ધિ પ્રકાશ આથમી જાય ત્યાં સર્વજ્ઞપદ સામું વાજતે ગાજતે હાર-તોરા સાથે ઉદયમાં આવે! આજ નિયમ છે અને અબુધ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે.


જ્ઞાનીનાં વાણી, વર્તન ને વિનય મનોહર હોય. તેમનાં વાણી, વર્તન ને વિનય તો ક્યાંય જોવા ના મળે તેવા અનુપમ હોય! સંપૂર્ણ સ્યાદવાદ વાણી કે જેનાથી કોઈ પણ જીવમાત્રનું દ્રષ્ટિબિંદુ ના દુભાય તેવી હોય. એમનું વચન તો સોંસરું જ ઊતરી જાય, અને પછી અનુકૂળ કાળે તે પાછું પ્રતિબોધરૂપે આવે! જ્ઞાનીએ નાખેલું બાધબીજ ઠેઠ મોક્ષે લઈ જાય. તે ક્યારેય પણ વૃથા ના થાય. વચનબળ તો ગજબનું હોય!


જ્ઞાની પુરુષ કોણ કે જેને વર્લ્ડમાં કશું જાણવાનું બાકી નથી, પુસ્તકો ઝાલવાના (વાંચવાના) નથી, એકેય સ્ટાન્ડર્ડ પાસ કરવાનું બાકી રહ્યું નથી, તે! એમને માળા ફેરવવાની ના હોય, કંઈ જ કરવાનું કે જાણવાનું એમને બાકી ના હોય. એ તો સર્વજ્ઞ હોય અને પાછા મુક્ત મનથી વિચરતા હોય!