Saata - Peta - 1 books and stories free download online pdf in Gujarati

સાટા - પેટા - 1

પ્રસ્તાવના

નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્તન આવશે પરંતુ હજુ આજે પણ કંઈ ફરક પડ્યો નથી . વધારામાં જે સમાજોમાં છૂટા સગપણ થતા હતા તે સમાજમાં પણ હવે આ રિવાજ ઘર કરી ગયો છે .આ કથામાં આ રિવાજ નો ભોગ બનનાર યુવક યુવતીઓની મન સ્થિતિ અને તે પરિસ્થિતિ માંથી ઉદભવતા પ્રશ્નો અને તેનું પરિણામ તે તરફ અંગૂલી નિર્દેશ કરવાની કોશિશ કરી છે. સાથે સાથે જીવા ભોપા અને ભાણજી પાવળિયા ના શ્રધ્ધા નામે લોકોની પાસે થી પોતાનું ધાર્યું કરવા રચતા પેંતરા.તેમના સામ્રાજ્યને તોડવા વિદ્રોહ કરતો સાત ચોપડી ભણેલો શામજી. મેળામાં ધણીઓને જોવાની હોશ પૂરી કરી ને આવેલી મંગુ અને રાધા. તો કથામાં ક્યાંક હાંફતા - હાંફતા છતાં બધાની સાથે પરાણે દોડતા પ્રેમજી ડોસાના ,ના-ના બેયને પકડીને જીવતાંજ બાળવા છે. તો જ મારો જીવ ઠરશે ,ના ઉદગારો પણ દેખાશે અને આવી પરિસ્થિતિમાંથી ફૂટતો સ્નેહ સંબંધ ,બે પ્રેમીઓની પ્રેમ કહાની આ બધાને વણવાની કોશિશ કરી છે .વિવેચન કરવાનું બધું વાચકો ઉપર છોડી દઈ વિરમું છું .
કરસનજી અરજણજી રાઠોડ તંત્રી મુકામ તનવાડ તાલુકો ભાભર જીલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર 990486150

લેખક તરફથી

મારી આ બીજી નવલકથા સાટા -પાટા મને જે સાપ્તાહિકે તંત્રી તરીકેનું ઉપનામ આપ્યું તે મારાજ સાપ્તાહિક સરહદના કિનારીમાં સને 1993માં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી જેને વાંચકો એખૂબ જ આવકારી હતી. મારી આ બીજી નવલકથા પણ આજથી 30 વર્ષ પહેલાં લખેલી છે જેને ઘણા સમયથી પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાની મહેચ્છા હતી પરંતુ સમય અને સંજોગો વસાત તે કરી શક્યો ન હતો .ગુજરાત રાજ્યના માન્ય મંત્રીશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની પ્રેરણા અને હૂંફથી પુરા 30 વર્ષ પછી તેને પુસ્તક સ્વરૂપે આપના હાથમાં મુકતા અતિ આનંદ અનુભવું છું. નવલકથા સાટા-પેટા સામાજિક રીત-રિવાજો અને તે દ્વારા ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડતી કથા છે .આ નવલકથાના પાત્રો તમને હવામાં ઉડતો નહીં દેખાય પરંતુ જમીન પર પગ રાખીને સંઘર્ષ કરતા દેખાશે. અને એ જ તો ખરી વાસ્તવિકતા છે .અપેક્ષા છે કે આ નવલકથા ને પણ વાચકો આવકાર છે તો અન્ય નવલકથા લખવાની પણ પ્રેરણા મળશે એ જ અભિલાષા સહ વીરમું છું

પ્રકરણ --1

સવારના નવેક વાગ્યા હતા. ડફતૂ.તૂ....ઉ...ડફતૂતૂ.... ધૂણના. ડેકલાનો અવાજ ,શાળાનો ઘંટ જેમ વિદ્યાર્થીઓને પોતાના તરફ ખેંચે તેમ ,રંગપુરના બધા જ માણસોની સધી માતા ને મઢે ખેંચી રહ્યો હતો.યુવાન અને આધેડો , ધરડા અને બાળકો સૌ પોત પોતાનાં નવાં કહી શકાય તે કપડાં પહેરીને તૈયાર થઈને પરવારીને માતાના મઢ તરફ આવી રહ્યા હતા. કોઈકે ગંગાજળિયા કુવાના ચોખા પાણી એ ધોયેલું ધોતિયું અને પહેરણ પહેર્યા હતા. તો બે-પાંચ શોખીન જીવડા ઓયે વળી નાણાવટી સાબુ એ ધોયેલ બગલાની પાંખ જેવાં સફેદ સેણાનો અઢીવટો અને પહેરણ પહેર્યા હતા .બાકી માદર પાટના કપડાં તો ઉંમર પ્રમાણે દરેક પુરુષ સ્વર્ગના શરીર ઉપર જરૂર શોભતાં હતાં કોઈએ આગડા તો વળી બે ચાર ઘંઢિયા ઓએ ચોયણાય પહેર્યા હતા. આદમીઓએ ઘણા દિવસથી ખીંટીએ ટીગાડેલ ફાળિયા એટલે કે પાઘડી અને અને તણીએ ટીગાળેલ ખેશીયા ધૂળ ખંખેરીને માથા ઉપર બાંધી દીધા હતા. તો સ્ત્રીઓએ વળી ટંક- પેટી માંથી કાઢીને નવા ઘાઘરા. પોલકા. કબજા અને ઓઢણીઓ સૌએ પોતપોતાની ઉંમર પ્રમાણે પહેલી -ઓઢી લીધાં હતાં.
બસો ઘરની વસ્તી ધરાવતા રંગપુરમાં પટેલ, રબારી, ઠાકોર ,બ્રાહ્મણ, દરબાર ,હરીજન ,કુંભાર દરેક કોમની વસ્તી હતી. ને તેમણે પહેરેલા પોશાક ઉપરથી તેઓ કઈ જ્ઞાતિના છે તે સ્પષ્ટ ઓળખાઈ આવતું હતું. આખું ગામ કોઈ મોટો ઉત્સવ મલાવતું હોય તેમ હરખના હેલે ચડ્યું હતું .દરેકના ચહેરા ઉપર આનંદ અને ઉત્સાહ હતો .યુવાન અને યુવતીઓના ચહેરા ઉપર નવો તરવરાટ અને ખુશી હતી.કામને તો આ લોકોએ જાણે કે આજનાદિવસ પૂરતું અભરાઈએ ચડાવી દીધું હતું .
વાત એમ હતી કે ગામમાં પરંપરાગત રીતે દર ત્રીજા વર્ષે ઉજવાતી ,સધી, માતાની રમેલનો આજે શુભ દિવસ હતો સધી માતા ના મઢના સામેના ચોકમાં મોટી ચંદરણી અધર બાંધવામાં આવી હતી.ચંદરણીએ ભરત ભરેલાં તોરણ લટકી રહ્યાં હતાં. ચોકની આગળની શેરીમાં કામલપુર શહેરમાંથી લાવેલા કાગળના તોરણ બાંધવામાં આવ્યાં હતાં .સધી માતાના મઢ ની અંદર મૂર્તિની જગ્યાએ એક પૌરાણિક ત્રિશૂળ જમીનમાં ઉંડુ ખુપેલુ હતું તેને સાચા લૂગડાની ચુંદડી ઓઢાડેલી હતી. તેને આ શ્રદ્ધાળુ લોકો ,સધી ,માતાના નામે ઓળખતા હતા ત્રિશૂળની બંને બાજુએ માટીની મૂર્તિના બનાવેલા બે ગોગા બાપજી નાગ બેઠા હતા ને આ ત્રણેય મૂર્તિઓની સામે માટીના પાંચ કોડીયામાં ઘીના દીવાની જળહળતી જ્યોત ચાલુ હતી. સાથે ધૂપ અને અગરબત્તીઓ પણ ચાલુ હતી નાના મઢની અંદરનું વાતાવરણ ધૂપના ધુમાડાથી ભરેલું હતું.
મંડપના એક ખૂણે સ્ત્રીઓ ટોળે વળીને રમેલના ઞાણા ગાઈ રહી હતી .તો બીજા ખૂણે યુવાનો કાનમાં આંગળીઓ નાખીને ,મોથી મોભીડાવીને રેડિયો કરી રહ્યા હતા .અને આ બધા વચ્ચે બંધાણીઓનું અફીણ ગાળવાનું અને હોકો ગડગડાવવાનું પણ ચાલુ હતું બહારથી આવનાર દરેક જણ સૌ પ્રથમ માતાના પાટ પાસે આવી, બે હાથ જોડી માથું નમાવી , ભલું ...કરજો મા...ડી. એવું શ્રદ્ધાપૂર્વક બોલી પછી જ પોતાની જગ્યાએ બેસતો હતો. માતાના પાઠ પાસે જ ચોર્યાસી ના ભોપા નું પદ પામેલ જીવો ભોપો પલાંઠી વાળીને બેઠા હતા .તેઓ જન સમુદાયમાંથી આવી રહેલ વધામણા નું ધૂપ કરી તે પ્રસાદ એક થાળીમાં એકઠો કરવા બીજા જણને આપતા હતા. તેમની પાસે જ તેમનો સાથીદાર ભાણજી પાવળિયો ડેકલુ ઊંચું -નીચું કરી લયબદ્ધ અને તાલબદ્ધ રીતે વગાડી રહ્યો હતો .
રંગપુર ગામમાં જ્ઞાતિ પ્રમાણે સાત મહોલ્લા હતા ને દરેક વાસમાં કુળદેવી પ્રમાણે સાત અલગ- અલગ માતાઓના ભોપાઓ હતા. જેમને આ શુભદિને જીવા ભોપાની બિલકુલ પાસે બેસવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. પરંતુ આ બધાના હાઇકમાન્ડ તો જીવો ભોપો જ હતા.ટોળામાં થોડે દૂર બેઠેલા માણસો કોઈ સધી માતા ના પરચા ની , તો કોઈ જીવા ભોપાએ કરેલા ચમત્કારની વાતો કરી રહ્યા હતા. તો કોઈ વળી માતાજી નો ઇતિહાસ પણ વર્ણવી રહ્યા હતા. પરંતુ આ બધાથી પર હોય તેમ જીવો ભોપો સહેજ ઊંચા થઈને પોતાની મોટી આંખો વડે કેટલા માણસો આવ્યા છે અને કેટલા બાકી છે તેની મનોમન નોંધ કરી રહ્યા હતા.
જીવા ભોપાએ અંદાજ લગાવ્યો કે ગામના ઘણા ખરા માણસો હવે આવી ગયા છે. કોઈક એકલ- લોકલ જ બાકી છે કંઈક વિચારીને તેમણે જમણો હાથ ઊંચો કરીને એક આંગળી આકાશ તરફ કરી. ને જીવા ભોપાની આંગળી નો ઈશારો જોતા જ બૈરાના ગાણાં ,આદમીઓની રેડિયુ ભાણજી પાવળિયા નું ડેકલું ને ટોળામાનો ધીમો- ધીમો ગણગણાટ બધું જ એકદમ શાંત થઈ ગયું ને ત્યાં સ્મશાન વત શાંતિ પ્રસરી રહી. એક ક્ષણ મૌન લઈને જીવો ભોપો થોડે દૂર બેઠેલા શિવા ભોપાને ઉદેશીને બોલ્યા., લ્યો શિવા ભોપા, આવતા રહો પડમાં ,સૌ પહેલાં તમારો વારો . ભોપા શબ્દનું અહીં ઘણું માન હતું, તે સાથે ગૌરવ પણ ખરું જ .
,અરે હોય કાંઈ ભોપા બા,તમારા પહેલા થોડા ને કંઈ અમારાથી ચાલુ કરાય છે .
શિવા ભોપાએ જીવા ભોપાની ઈજ્જત વધારી.
,અરે ભાઈ તમે ચાલુ તો કરો ,પછી અમે તો છીએ જ ને, ક્યાં જવાના છીએ .જીવા ભોપાએ આગ્રહ કર્યો.
, હા ,હા શીવા ભોપા ,ચાલુ તો કરો ભોપો બાતો બેઠા છે ને ,એ ક્યાં જવાના છે .શિવા ભોપા ની બાજુમાં બેઠેલા બે ચાર જણા એ જીવા ભોપાની વાતમાં સુર પુરાવ્યો .
દેખાવ પૂરતી થોડી આનાકાની બાદ શિવો ભોપો પડમાં આવ્યા સૌ પ્રથમ તેમણે સધીમાતાને દંડવત પ્રણામ કર્યા. ને ખભેથી માદરપાટ ની ચાદર પાથરીને તેનું આસન બનાવીને તેના ઉપર પલાઠી વાળીને બેઠા .આંખો બંધ કરી દીધી અને માતા આગળ ધ્યાન ધરતા હોય તેમ ટટ્ટાર થઈને બેઠા, ને બીજી જ ક્ષણે ભાણજી પાવળિયા ડેકલું ચાલુ થઈ ગયું અને તેમની પાસે બેઠેલા માધા તથા હમીરે રેડી ઉપાડી...


Share

NEW REALESED