Saata - Peta - 11 books and stories free download online pdf in Gujarati

સાટા - પેટા - 11

અને શામજી કંઈ પણ બોલ્યા વિના ધૂળિયા રસ્તે ઝડપથી પંથ કાપી રહ્યાં હતાં .શામજીની પગની મોજડીનો ચડાક ...ચડાક...અવાજ તમરાના ટરૂ...રૂ...અવાજ સાથે ભળવાની કોશિશ કરતો હતો .જ્યારે રાધા તો ઘેરથી અડવાણા પગે જ આવી હતી. ગામ ખાસ્સું એક ગાઉ જેટલું પાછળ રહી ગયું હતું.શોપો પડવાની તૈયારી હોવાથી કોઈ વટે માર્ગો પણ સામે બળવાની બીક ઓછી હતી. રાધા એ ઓઢણીને કસકસાવીને કમરે બાંધી દીધી હતી. પાસેની નાની પોટલી પણ તેમાં બાંધી લીધી હતી. તે અડધી ચાલતાં તો અડધી દોડતાં પણ શામજી થી બે ડગલાં આગળ જ ચાલતી હતી .તેની અત્યારની સ્ફૂર્તિ કોઈ પુરુષને પણ શરમાવે તેવી હતી .અને બંને કોઈ ચર્ચા વગર પણ સમજી ગયાં હતાં કે તેમને કામલપુર જ પહોંચવાનું છે કારણ કે આ મલકમાં દૂર -દૂર નીકળી જવા માટે રેલગાડી સિવાય બીજું કોઈ વાહન અત્યારે મળે તેમ ન હતું. ને કામલપુર રંગપુર થી પુરા ચાર ગાઉ (૧૨ કી.મી.)દૂર હતું 'આ જામપુરનો સીમાડો આવ્યો .હજી તો એક ગાઉ જામપુર, જેનાથી પેલી બાજુ પૂરા બે ગાઉ કામલપુર આમ હજીપુરા ત્રણ ગાઉ કાપવાના છે .' શામજીએ મૌન ભંગ કર્યો . 'ગાડી કેટલા વાગે આવે છે એ ખબર છે ?'બે ડગલાં આગળ ચાલતી રાધા એ સહેજ રોકાઈને પૂછ્યું. 'શી ખબર કેટલા વાગે આવે છે એ તો રામ જાણે,પણ અડધી રાત પછી આવે છે એ નક્કી છે.'શામજી બોલ્યો. 'તો -તો ટાણાસર પહોંચી જઈશું .'કહીને રાધા એ ચાલને ઝડપી બનાવી ને એક ડગલું આગળ નીકળી ગઈ .
'પરંતુ ગાડીમાં બેસીને પણ આપણે જઈશું ક્યાં ?શામજીએ ફરી પાછું નાટક ચાલુ કર્યું .રાધા થોડીવાર કંઈક વિચારતી રહી ને પછી બોલી.' બીજે વળી ક્યાં ? જ્યાં ગાડી જાય ત્યાં !' 'પરંતુ મારી પાસે તો એક નવો પૈસો ય નથી, ત્યાં જવાના એ પૈસા તો જોઈએ ને ?' શામજીએ નાટક ચાલુ રાખ્યું .
'હું એ બધાનો વેત(સગવડ )ઘેરથી કરીને જ આવી છું. કહેતાં રાધા એ પછેડીમાં બાંધેલાં ઘરેણાંની પોટલી ની વાત કરી. બંને જામપુરની હવે નજીક આવી ગયાં હતાં .
પીછો કરતું પેલું ટોળું ટોર્ચ ના પ્રકાશથી રાધા તથા શામજીના પગલાં નાં નિશાન જોતું ઝડપથી આગળ વધી રહ્યું હતું. દરેકના ચહેરા ઉપર ઉત્તેજના ,સખ્તાઈ અને આંખોમાં ખુન્નસ હતું. 'ભાળો એવા જ બન્ને ના રામ રમાડી દેજો. કંઈ વાટ જોવા ન રહેતા !'એક જણ બોલ્યો .
'ના, ના . એમને તો પકડીને ,બાંધીને બેયને જીવતાં જ ભેગાં બાળવા છે. તો જ મારો જીવ ઠરશે.'પ્રેમજી ડોસો હાંફતા હતા તોય, બધાંની સાથે દોડતાં દોડતાં કહેતા હતા. 'એક વખત પકડી તો લ્યો. પછી હું છું અને એ છે !'સોનો એ બંનેને સજા આપવાની કંઈક નવી જ યોજના મનમાં વિચારતો હતો . હવે પગલાના નિશાન સ્પષ્ટ જામપુરના રસ્તે પડી રહ્યાં હોવાથી આ ટોળું પગલાં નાં નિશાન જોયા ન જોયાં કરીને લગભગ હવે દોડતું હતું .
પાછળથી કાંઈક કોલાહલ કાને પડવાથી શામજી તથા રાધા ના કાન ચમક્યા. પ્રથમ તો તેમણે માન્યું કે નોરતાના દાડા છે, તેથી જામપુરનું કોઈક ગરબી રમીને ખેતરોમાં પરત વળ્યું હશે.પરંતુ ધ્યાનથી સાંભળ્યું તો અવાજ તેમની પાછળથી આવતો હતો .એ બંને ત્યાં જ ઉભાં રહી ગયાં ને પાછળ નજર કરી.દૂર- દૂર ટોર્ચ નો પ્રકાશ અંધારાને ચીરતો હોય તેવું લાગ્યું. અને માણસોના બોલવાનો અવાજ પણ સંભળાયો .બે ખેંતરવાનું અંતર હોવા છતાં રાત્રીના શાંત વાતાવરણમાં એ અવાજ સ્પષ્ટ પરખાયો 'લાગે છે કે તારાં ઘરવાળા આપણી પાછળ ઉતર્યા છે.' શામજી ભયભીત સાદે બોલ્યો. ' મને પણ એમજ લાગે છે. અવાજ પણ સોનિયા નો જ વર્તાય છે .' રાધા ના શબ્દોમાં પણ હવે ભય તરી આવ્યો . 'હવે શું કરીશું ? 'દોડવા માંડ ,ન'કે બેયનું આવી રહ્યું સમજ !'શામજી એ કહ્યું ને બેય ઝડપથી દોડવા લાગ્યાં . પરંતુ થોડીવાર દોડ્યા પછી શામજીને સમજાણું કે ,એમનું આમ દોડવું નકામું છે. પોતે તો આદમી છે એટલે પાછળ આવતા લોકોને, કદાચ આબવા નહીં દે .પરંતુ રાધા કેટલો સમય આમ દોડી શકશે ? ગમે તેમ તોય તે સ્ત્રી છે. દોડી -દોડીને ક્યાં સુધી દોડશે ?' અને અત્યારે પણ રાધા દોડતી હતી શામજીની સાથે જ,પરંતુ તેની છાતી ધમણની જેમ હાંફી રહી હતી .
ને પાછળ દોડ્યા આવતા પે'લા ટોળા અને તેમના વચ્ચેનું અંતર ઘટતું જતું હતું . ને સામે જામપુર પણ હવે નજીક આવી ગયું હતું. કુતરા નો ભસવાનો અવાજ પણ હવે સ્પષ્ટ સંભળાતો હતો . શામજીએ રાધા ને હળવી રાખી. ને બોલ્યો.' આમ ક્યાં સુધી આપણે દોડી શકીશું ? હમણાં જ એ લોકો આપણને ભેગા થઈ જશે.'
' તો હવે શું કરીશું ?' રાધા પણ હવે ખરેખર ની ગભરાઈ ગઈ હતી. શામજીએ રસ્તાની બંને બાજુ નજર કરી .બંને બાજુ દોઢ- દોઢ માથોડું થોરની વાડ હતી. આડુ ફંટાઈ જવું શક્ય ન હતું. થોરની વાડ વચ્ચે ઉભેલા એક ઢૂવાના ઝાડને જોઈને તે કંઈક વિચારી રહ્યો. ને બોલ્યો.' ગમે તેમ કરીને આ ઢૂવાના થડ ઉપર થઈને પેલી બાજુ ઊતરી પડીએ, કિસ્મત જોર કરતાં હોય તો કદાચ પે'લા લોકો ભૂલા પણ પડે.' રાધા પાછળ નજર નાંખતાં બોલી .'હા લે ઝટ કર ઉતાવળ.' ઢૂવાનું ઝાડ બરાબર થોરની વાડની વચમાં હતું. ને આજુબાજુ થોરના કાંટા પણ ઘણા હતા. તેથી અડવાણા પગે થડ ઉપર ચડાય તેમ ન હતું. શામજીએ ઝડપથી લાકડીના બે -ચાર ઘા કરીને થડની આજુબાજુનાં ડીડા એક બાજુ કર્યા અને થોર ઉપર લાકડી ટેકવીને બે ચાર જાડાં ડીડા ઉપર પગ ટેકવીને ઠેક થડ પાસે પહોંચી ગયો .અને મહામહેનતે ઝાડની ડાળી પકડી લીધી. ને ત્યાં લબડીને ઝાડ ઉપર ચડી ગયો. લાકડી ખેંચીને ખેતરની અંદર ફેંકી દીધી. ને પગમાંથી જોડા કાઢીને માર્ગમાં ફેંકતાં ડાળી ઉપર સ્થિત થવાની કોશિશ કરતાં બોલ્યો .'લે ઝટ પગમાં પહેરીને, મેં જ્યાં પગ મૂકે ત્યાં પગ મૂકીને ઉપર ઝડપથી ચડી આવ.' રાધા એ થોર ના કાંટા કપડે ન વીંટાઈ જાય તે માટે ઘાઘરા નો કછોટો મારી લીધો .ને જોડા પહેરીને બે -ત્રણ ડગલાં થોરની વાડ ઉપર ચડી . પરંતું અડધેજ અટવાઈ ગઈ . કારણ કે ક્યાં રાધા નો પગ ,અને ક્યાં શામજીનો પગ ? જોડા ઘણાં મોટાં થતાં હતાં .તેથી પગ ઉપાડવા જાય તો પગમાંથી જોડું નીકળી જતું હતું ને જોડું સંભાળવા જાય તો થોરની વાડ ઉપર ઉભા રહેવાનું બેલેન્સ ચૂકી જવાતું હતું . 'લે કર ઉતાવળ, ન'કે પે'લા લોકો ઢુકડા આવ્યા છે .'શામજીએ અધીરાઈ થી કહ્યું .
'પણ આધુ કે પાછું હલાય તો હલુ ને ?' રાધા એ પોતાની અસહાયતા દર્શાવી. ' હત તારીની, ગમે તેમ તોય બૈરું નેં ?' શામજીએ ચીડ દર્શાવી.' આમને આમ તો, બેયને મરાવી નાંખીશ !'
અને બીજી જ પડે કંઈક વિચાર કરીને શામજીએ બંને પગ ઝાડની ડાળી ઉપર બરાબર ગોઠવ્યા.ડાળ ઉપર પગની આંટી મારી દીધી ને બોલ્યો .'લે ત્યારે તૈયાર રહે ,હું નમું એવો જ મારો હાથ પકડી લેજે !' કહીને શામજી બીજી જ પળે ચામાચીડિયાની જેમ ઊલટો લબડી પડ્યો.
વાડ ઉપર ફસાયેલી રાધા એ પણ બેલેન્સ જાળવતાં બંને હાથ ઊંચા કર્યા . ને એક નહીં અને બીજા પ્રયત્ને રાધા નો હાથ શામજીના હાથમાં આવી ગયો . ને આ સમયે ચામાચીડિયાની જેમ ઊંધા લટકેલા શામજીમાં ન જાણે ક્યાંથી એટલી શક્તિ આવી કે, એક જ આંચકે સહી સલામત તેણે રાધા ને ઝાડ ઉપર ખેંચી લીધી .ખેતરની અંદર ઉતરવું એટલું મુશ્કેલ ન હતું . બંને વારાફરતી શામજીના જોડાં પહેરીને ભૂસકો મારીને ખેતરમાં ઉતરી ગયાં . શામજીએ ભોય પડેલી લાકડી સંભાળી. ને બંને એ ખેતરમાં દોટ મૂકી . બંને લગભગ અડધા ખેતરમાં પહોંચ્યાં હશે એ જ વખતે પે'લુ ટોળું માર્ગમાં પેલી જગ્યા વટાવીને જામપુર તરફ દોડતું હોય તેવું લાગ્યું. ત્યારે જ માંડ બંનેના જીવમાં જીવ આવ્યો .
શામજી તથા રાધા ની પાછળ પડેલા પે'લા ટોળાએ સીમાડા સુધી તો ટોર્ચ થી બરાબર બંનેનાં પગનાં નિશાન જોયાં હતાં .પણ આમ પગ જોવામાં સમય બગાડવો હવે તેમને પાલવે તેમ ન હતો .અને રસ્તાની બંને બાજુ મોટા થોર ની વાડ હોવાથી ક્યાંય વચ્ચે ફંટાઈ જવાની શક્યતા ન હતી .તેથી બને એટલાં વહેલાં પકડવા આ ટોળું લગભગ દોડવા જ માંડ્યું હતું . ને ટોર્ચ નો પ્રકાશ પણ હવે તેમનાં પગલાં જોવા નહીં ,પરંતુ પેલાં બંનેને જોવા આગળ ફેંકયે જતાં હતાં .ને દોડતા-દોડતા જ તેઓ કહેતા હતા. 'કામલપુર ...! નક્કી કામલપુર જ ...!' બીજે ક્યાંય નહીં. તો બીજો જણ દોડતાં દોડતાં કહેતો હતો .'ઝટ દોડ જો ઉતાવળા ,ન'કે ગાડીમાં ચડી ગયાં તો હાથ ઘસતા રહી જાશું .' પરંતુ આ ટોળાને પોતાની દોડવાની ઝડપ ઉપર વિશ્વાસ હતો .અને આ લોકોએ અનુમાન માર્યું હતું કે જામપુર સુધીમાં તો તેમને જરૂર પકડી પાડીશું .
ઝનૂનમાં માં દોડતું ટોળું જામપુર થી આગળ નીકળી ગયું. ખાસ્સું દોડ્યા તોય પે'લા બેનો કોઈ પતો ન હતો. ટોળાએ હળવા રહીને માર્ગમાં બંનેના પગલાંનાં નિશાન જોયાં .આ માર્ગમાં તો ક્યાંય એકેય ના પગ ના નિશાન નથી .' શીવા એ ચિંતિત સાદે કહ્યું. 'અલ્યા સરખી રીતે જુઓ, ક્યાંક રસ્તાની કોરે કોરે હેડયા હશે.'માધાએ સલાહ આપી 'પે'લા લોકો ઝુકી -ઝુકી ને ટોચના પ્રકાશમાં ઝીણી નજર કરીને, આખો રસ્તો જોઈ વળ્યા.પરંતુ ક્યાંય પગલાંનાં નિશાન ન દેખાણા. ' મારાં હાહરા, ક્યાં જમીનમાં ઉતરી ગયાં હશે?' શંકર દાંત પીસતા બોલ્યો.ને આગળ ઉમેર્યું 'ભલેને બેટા ગમે ત્યાં સંતાઈ ગયાં હોય, પણ ગાડી ટાઈમે તો ભમીનેય આંહીં જ આવશે ને ?'
'હા, હા. આંહીં આવ્યા વગર આ મલકમાં એમનું બીજે હવે ઠેકાણું જ ક્યાં છે ?' કાનજીએ એની વાતને સમર્થન આપ્યું. ને એ ટોળું કામલપુરના માર્ગે ઝડપ થી આગળ દોડ્યું. શામજી અને રાધા ઉજ્જડ અને ઉજ્જડ ખેતરોમાં ક્યાંક છીંડું ખોળીને ,તો ક્યાંક છીંડું ન મળે ત્યાં લાકડી વડે થોરના ડીડા એક બાજુ કરીને, શામજીના જોડાં પહેરીને વારાફરતી વાડ પસાર કરતાં. પાંચ - છ ખેતર વટાવી ગયાં હતાં .તેમના ઉપરથી હાલ પૂરતું તો જોખમ ટળ્યું હતું .પરંતુ ભાગી જવાનો મૂળ પ્લાન ઊંધો પડ્યો હતો. તેમની યોજના મુજબ કામલપુર જઈને ગાડીમાં ચડી જવાનું હતું .પરંતુ પાછળ પડેલા ટોળાએ આખી બાજી ઊંધી વાળી દીધી હતી .
'આજે ભગવાન પાધરો છે. ન'કે બે- બે ઘાતોમાંથી આમ હેમખેમ ન બચીએ .'શામજી એક ખેતરનું છીંડું ઉધાડતા બોલ્યો . 'તે આવે ટાણેય ભગવાન સહાય નહીં કરે તો કેવા ટાંણે કરશે ?' રાધા ની ભગવાન ઉપરની શ્રદ્ધા જાણે કે એકદમ વધી ગઈ હતી. એ છીંડું એક કાચા રસ્તામાં પડતું હતું. બંને માર્ગમાં આવીને ઊભાં રહ્યાં .
'ઓહો આ તો નેસડા નો માર્ગ આવ્યો. ફરીને યા તો આપણે જ ગામ જાય છે. શામજી બોલ્યો ને ઉમેર્યું .'હવે ક્યાં જઈશું ?' 'આવડી મોટી દુનિયા પડી છે. આટલે સુધી પહોંચાડયા .એ જ આગળનું પણ સુઝાડશે.' રાધા ભગવાન ભરોસે બોલી. શામજી માર્ગમાં ઉભો રહીને કેટલોક સમય કંઈક વિચારતો રહ્યો. ને પછી મહાપરાણે બોલતો હોય તેમ બોલ્યો . 'રાધા કહેતાં જીભ નથી ઉપડતી, છતાંય એક વાત કહું ?'. 'કહેને, અત્યારે નહીં કહે, ત્યારે ક્યારે કહીશ ?' રાધા એ ઉત્સાહ દેખાડ્યો. 'મારું માને તો તું પાછી ઘેર જતી રહે .'કહીને શામજી આડુ જોઈ ગયો. ને આગળ ઉમેર્યું .'મારું તો જે થવું હોય તે ભલે થતુ, પણ તારું શું ?'. રાધા એ એક નિશ્વાસ નાખ્યો, ને બોલી . 'હવે તો નથી રહી ઘરની, કે નથી રહી ઘાટની !' ને ઠપકા ભરી નજરે શામજી તરફ જોતાં બોલી. 'તું તો આદમી છો કે બૈરું? 'છુ તો ધણોય આદમી પણ --' આગળ કાંઈ ન સૂઝતાં તેણે વાક્ય કાપી નાંખ્યું કાંઈક વિચાર કરીને રાધા મક્કમ સાદે બોલી.' ને છતાંય તને જો હું અત્યારથી જ ભારે પડતી હોઉં તો, મનેય મારો રસ્તો લેતાં આવડે છે. પણ ઘરે તો પાછી નથી જ જવાની. 'હું તો તારી પરીક્ષા કરતો હતો. મારે વિશ્વાસે તો, તું' ઘરબાર છોડીને આવી છો.ને એમ થોડીને હું તને રસ્તે રઝળતી છોડી દેવાનો છું .' રાધા નો ઈરાદો જોઈને શામજીએ એ વાતને વાળી લીધી. ' ઘર તો કોને લીધે છોડ્યું છે એ તો રામ જાણે છે.પણ છોડ્યું છે એ પાક્કું.' કહીને રાધા શામજીનો ઉત્સાહ વધારતાં બોલી. મર્દ જેવો મર્દ છો તોય તનેય કંઈ રસ્તો નથી સૂઝતો ?'
થોડી ક્ષણો ત્યાં નીરવ શાંતિ પ્રસરી રહી .ને આખરે શામજીને કાંઈક રસ્તો સૂઝ્યો હોય તેમ બોલ્યો. રસ્તો તો છે એક ,પણ એ ખૂબ કાઠો (સખ્ત) છે.આહી થી પાંચ -છ ખેતરો માં ઉજ્જડ હેડવાથી આડો રાજપુર જવાનો માર્ગે આવશે. ને રાજપુર આંહીંથી પુરા પાંચ ગાઉં દૂર છે . ને કામલપુર ની ઉપડી ગાડી રાજપુર ઊભી રહે છે. ને તારી હાલત જોઈને તો લાગે છે કે, ત્યાં સુધી તું હેડી શકીશ કે કેમ. ને ત્યાં પહોંચતાં સુધીમાં કદાચ ગાડી નીકળી પણ જાય.' ' પણ એ સાહસ કર્યા વગર હવે બીજો છૂટકો જ ક્યાં છે ?' રાધા મૂંઝાયેલા સાદે બોલી .
ને વાત પણ સાચી હતી .કામલપુર સ્ટેશને તો પે'લું ટોળું પહોંચી ગયું હતું .ને દિવસ ઊગતાંની સાથે જ આખા પંથકમાં વાત ફેલાઈ જવાની હતી. કે 'એ બંને ભાગી ગયાં છે. 'ને આ વિસ્તારમાં કોઈ એમને આશરો આપવા તૈયાર થાય તેમ ન હતું . તેથી ખેતરોમાં ઉજ્જડ રસ્તેજ કેટલીયે મુશ્કેલીઓ વેઠીને રાજપુરના માર્ગે પહોંચ્યાં ને રાજપુરની લાંબી વાટે ચાલતાં થયાં .
પે'લું ટોળું ક્રોધમાં અને ઉત્સાહ માં કામલપુર તરફ દોડી રહ્યું હતું. ' અલ્યા એય ,સ્ટેશનમાં જ હુમલો ના કરી બેસતા, ન'કે નકામું સરકારી લફડામાં પડવું પડશે.' એક જણ કહેતો હતો . ' પણ જો ક્યાંક સામે થાય , અને ભાગવા જાય, તો ત્યાં જ ઝૂડી નાખજો . સરકારી લફરું તો પછી જોયું જશે .'બીજો આવેશમાં કહેતો હતો .
ટોળું રેલવે સ્ટેશન પાસે પહોંચી ગયું. બધાએ કંઈક ઝીણી ઝીણી વાતો કરી લીધી. ને બધા સ્ટેશનમાં પ્રવેશ્યા. ગાડી આવવાને હજુ ઘણી વાર હતી. એકલ-દોકલ મુસાફરો ક્યાંક ક્યાંક બેઠા હતા. આ લોકોએ પે'લા બંનેને બેઠક ખંડમાં બાંકડે, પ્લેટફોર્મના ખૂણે ખૂણે, અરે ગંદા જાજરૂ -મુતરડીમાય શંકાશીલ નજરે જોઈ વળ્યાં .પરંતુ ક્યાંય પતો ન હતો. આખા ટોળાના મોં ઉપર કાળી મેશ તરી આવી. ટોળું હતાશ થઈ ગયું . છતાં પણ 'ગાડી ટાઈમે તો બેટા મારાં અહી જ આવશે ને ?' એ એક જ આશાએ એ ટોળાએ ત્યાં જ જમાવી.
અડધી રાત વીતી ચૂકી હતી. શામજી અને રાધા ચાલી- ચાલી ને હવે થાકી ગયાં હતાં .અંધારામાં કેટલાંય જાળાં -ઝાંખરા ને કાંટા ,રાધા અડવાણા પગે વાગતા હતાં . ક્યાંક લોહીની ટશરો પણ ફૂટી હતી .ને શામજી પોતાનાં જોડાં રાધા ને પહેરવા આપે તો તે મોટાં થતાં હતાં . શામજી તો હજુ કાઠો થઈને ખેંચે જતો હતો. પણ રાધા થી હવે એક ડગલું પણ આગળ ચલાય એમ ન હતું . છતાં ગાડી ચૂકી જવાશે એ બીકે પરાણે તે પગ ઘસડયે જતી હતી .
'બળયુ, હજુય કેટલુંક દૂર છે ?' રાધા પાછળ ઘસડાતાં બોલી . 'પેલો... દીવો દેખાય, એ જ રેલ્વે સ્ટેશન છે.' શામજી રેલ્વે સ્ટેશને થતી લાઈટ તરફ લાકડી લાંબી કરીને બોલ્યો . 'ઓ...હો ! તો તો આ પહોંચ્યાં સમજો.' રાધા બોલી તેના પગમાં નવું જોમ આવ્યું.
બંને સ્ટેશને પાસે પહોંચ્યાં એટલે રાધાએ ધાધરા નો કછોડો છોડી નાખ્યો. ને ચુંદડી કેડેથી છોડીને માથા ઉપર ઓઢી લીધી. શામજીએ પણ લુગીથી કપડાં તથા ચહેરા ઉપરની ધૂળ ખંખેરીને ,તાજા હોવાનો ડોળ કરી દીધો .ને બંને રાજપુર રેલવે સ્ટેશનમાં પ્રવેશ્યાં .લગભગ ચાર કલાકથી બંને સાથે હોવા છતાંય લાઈટના પ્રકાશમાં પહેલ-વહેલા બંનેએ એકબીજાનાં સ્પષ્ટ મોં જોયાં.બંનેની આંખો મળી. આવી વિકટ પરિસ્થિતિમાં પણ બન્ને થી હસી પડાયું.
'આમ બાધા ની જેમ જોઈ શું રહ્યા છો ?' લ્યો ઝટ ટિકિટ લઈ આવો .' રાધા નીલા પોલકા ના ખિસ્સા માંથી દશ-દશ ની છ નોટો કાઢીને શામજીને આપતાં બોલી .
'આ જુઓ ને, કેવી પાકી છે .ઘરે થી બધોય વેત કરીને જ આવી છે ને ?' શામજી પૈસા લેતાં બોલ્યો.
' નીકળવું ધાર્યું હોય એટલે વેંત તો કરીને જ નીકળવું પડે ને !' રાધા બોલી . શામજી ટિકિટ બારીએ જઈને અમદાવાદની બે ટિકિટો લઈ આવ્યો. બંને પ્લેટફોર્મના બાંકડા ઉપર બેસીને, આતુરતા પૂર્વક ગાડી ની રાહ જોવા લાગ્યાં . છુક....છુક ...છુક.. અવાજ કરતી ગાડી કામલપુર રેલવે સ્ટેશન આવી પહોંચી. અને એક હળવા આંચકા સાથે ઉભી રહી. થોડાંક મારશો તેમાંથી ઉતર્યા ને થોડાંક ચડ્યાં .પે'લા ટોળાના માણસો ફેલાઈને ડબે- ડબે ફરી વળ્યા .ને ગાડીમાં ચડનાર દરેકની નોંધ લીધી. પરંતુ ક્યાંય પે'લા બંને નો પતો ન હતો. ગાડી ચાલતી થઈ. આ ટોળું ભાગેલ પગે ,નિરાશ વદને હાથ ઘસતું પાછું વળ્યું 'ગાડી ઉભી રહે એવી તરત જ, ઝટ ચડી જજે .નહિતર કામલપુર થી કોઈ ગામ વાળું ગાડીમાં ચડ્યું હોય.અને આંહીં ઉતરવાનું હોય, તો જોઈ જશે તો ઉપાધિ થશે.' ગાડીની હેડ લાઇટ જોઈને શામજી રાધા ને ચેતવતો હતો. ગાડી ઉભી રહી એવાં જ બંને ખાલી ડબ્બો જોઈને ચડી ગયાં .રાત્રિના બે વાગ્યા હોવાથી ગીરની બહુ ઓછી હતી. બારી પાસેની સીટ ઉપર જઈને બંને બેઠાં ને ગાડી ચાલતી થઈ .ને જાણે જિંદગીમાં છેલ્લી વખત આ ભોમકા ને જોતાં હોય તેમ રાધા ને શામજી તેમનાથી દૂર સરકતી આ ધરતીને અમીરેશ નજરે જોઈ રહ્યાં .
ગાડીએ ગતિ પકડી લીધી હતી. રાધા એ શામજી તરફ નજર નાખી, જે કંઈક ઉંડા વિચારોમાં ખોવાયેલો હોય તેવું લાગ્યું. રાધા એ કોણી મારી એટલે ઝબકીને જાગ્યો હોય તેમ તેણે રાધા તરફ જોયું. 'શું વિચારમાં પડી ગયા છો ? રાધા એ પૂછ્યું . 'વિચારું છું કે' મારે માટે તે ધર-બાર ને માવતર છોડ્યાં .ન'કે તારે વળી શું દુઃખ હતું ?'
'આ જમાનામાં કોઈના દખે કોઈ ઘરબાર છોડતું નથી .ને મારું દુઃખ જણાવીનેય હવે શું ?' રાધા બોલી.ને ચૂંદડી ના છેડે બાંધેલી પોટલી શામજીને આપતાં કહ્યું.'લયો,સંભાળો આને હવે.કોઈ ગઠિયો બીજો છેતરી ન જાય, મને તો ઊંઘ આવે છે હવે .'શામજીએ ખોળામાં લઈને પોટલી ખોલી. તેમાં જોયું તો સોના- ચાંદીના કેટલાક દાગીના તેમાં હતા. જે રાધા પોતાના ઘેરથી ચોરીને લાવી હતી. શામજીના ચહેરા ઉપર આનંદ તરી આવ્યો. સારો એવો હાથ મારીને આવી છે .આશરે ચારેક હજારનો તો સ્હેજેય માલ હશે. 'અમદાવાદમાં તો આપણને કોઈ નથી ઓળખતું ,કે નથી પાળખતુ ક્યાં જઈશું ?' રાધા એ ઇરાદાપૂર્વક પૂછ્યું.
'અરે પગલી, આ શામજી ને તું હજુ પૂરો ઓળખતી નથી. અમદાવાદ તો શું પણ મુંબઈની ગલીએ -ગલી ફરી વળુ એવો છું. સમજી ?' શામજી ઉત્સાહમાં આવી જઈને બોલી ઉઠ્યો . 'પણ ઘરેથી નીકળ્યા ત્યારે તો તમે કહેતા હતા કે, મેં' કામલપુર થી આગળ કાંઈ જ ભાળ્યું નથી .' રાધા એ શામજીને જાણે કે પકડી પાડ્યો હતો. શામજી ખાસિયાળો પડી ગયો.' એ... તો. એ... તો હું અમથો નાટક કરતો હતો .'શામજીએ લોચા વાળ્યા .
'ઓ હો ! તો તમને નાટક કરતાં પણ આવડે છે, એમને ? મને તો હતું કે તમે સાવ ભોળા છો .'રાધા શામજીને વધુ રમાડવા માગતી હતી . 'રાધા, આ દુનિયામાં દરેક જણને પોત-પોતાની શક્તિ પ્રમાણે નું નાટક કરતાં આવડતું જ હોય છે .' શામજી ગર્વથી કહેતો હતો .
'નાટક અને એ બધું તો તમે ભણેલાઓને આવડે ,અમને અભણને એમાં શી ખબર પડે ?' રાધા બોલી ને માથું શામજીના ખોળામાં ઢાળી દીધું.
ગાડી એક પછી એક સ્ટેશનો વટાવી રહી હતી. રાધા શામજીના ખોળામાં માથું રાખીને આરામથી સુઈ ગઈ હતી શામજીને પણ સાત ગાઉ ચાલવાના થાક,અને ઉજાગરા ને લીધે ઉંધ આવતી હતી .પરંતુ તે ઊંઘતો ન હતો .કારણ કે તેની પાસે ઘરેણાનું જોખમ હતું. ને પાંચ ચોપડી ભણેલો શામજી ભણ્યા કરતાં ગણ્યો વધુ હતો. અમદાવાદ તો તે ચાર -પાંચ વખત જઈ આવ્યો હતો .દ્વારકાની જાત્રાએ કરી આવ્યો હતો. ને એક વખત તો ઠેઠ મુંબઈ સુધી પણ જઈ આવ્યો હતો. અને અનુભવે તેને શીખવ્યું હતું કે ગઠીયા લોકો માલની ઉઠાંતરી કરવા તથા ખીસ્સા કાતરવા રાતના બે થી ચાર નો ટાઈમ જ વધુ પસંદ કરે છે. ને તેમાં પણ આવો ગામડિયાઓનો પહેરવેશ જોઈને તો તેમની પાછળ ખાસ પડી જાય છે .
રાધાની ઊંઘ હવે વધુ ઘેરી બની હતી. તેનો ઉર પ્રદેશ ઊંચો -નીચો થઈને અજબ આકર્ષણ પેદા કરતો હતો .તેણી કોઈ રંગીન સ્વપ્નમાં મહાલતી હોય તેમ, ઊંઘમાં પણ તેના ચહેરા ઉપર ક્ષણિક હાસ્ય ચમચી ને, વિલાઈ જતું હતું. ગાડી જેમ -જેમ ગતિ કરતી હતી તેમ -તેમ શામજીના વિચારો પણ ગતિ કરતા હતા. તેનો અંતરાત્મા કહેતો હતો 'ના ના , એવું તો ન જ કરાય. પોતાને ભરોસે જેણી ઘર-બાર ને કુટુંબ છોડીને સાથે આવી છે, તેનાથી આવો વિશ્વાસઘાત તો કેમ કરાય ?' માણસોએ પણ કહ્યું છે ને કે 'વિશ્વાસઘાતથી મોટું કોઈ પાપ નથી !' ફરી પાછી બુદ્ધિ અને ચંચળ મન તેના ઉપર સવાર થઈ ગયું .'હા હા .આના માટે તો એ જ સજા યોગ્ય છે. હાળી હલકટ ! કોઈનું પાપ પોતાના ઉપર નાખવા તૈયાર થઈ છે .એ તો જૂઓ ! એવી સજા થાય, તો જ સાચું સાટુ વળે.'
પોતાના ખોળામાં માથું નાખીને બે ફિકર સૂતેલી રાધા ના ચહેરા ઉપર નજર સ્થિર થતાં તેનો અંતર આત્મા પોકારી ઊઠયો. 'આવી પારેવા જેવી છોડીને ,એવા ગંદા કૂવામાં નાખીને શામજી તું કયા ભવ છૂટીશ ?' ફરી પાછું ચંચળ મન તેના ઉપર સવાર થઈ ગયું . 'તારા વગર પણ, એને કોઈ બીજો છૂપો પ્રેમી હશે, ત્યારે જ તો એના પેટમાં કોકનું પાપ છે ને ? ને આ સ્ત્રીની જાતને આજ દાડા સુધી કોઈ ઓળખી શક્યું છે .તે 'તું ઓળખી શકે ?' ને કાલે કોઈ તારાથી બીજા રૂપાળા પુરુષને જોઈને એના ઉપર મોહી નહીં પડે એની શી ખાતરી ?'' એને પણ ખબર પડે ને, કે' મેં બનાવટ કરી તો સામે શામજી માથાનો મળ્યો ખરો. ખોળામાં સુતેલી રાધા એ સ્હેજ સળવળાટ કર્યો. આંખો સહેજ ખૂલી અને હોઠ હસ્યા હોય એવું લાગ્યું .ને શામજીએ નજર હટાવી લીધી . 'આનું ભલું પૂછવું. માળી આંખોમાં જોઈનેય ,સામે ના ના મનમાં શું ' ચાલી રહ્યું છે એ, પામી જાય એવી છે .' શામજી મનોમન બગડ્યો . ગાડી હવે અમદાવાદ નજીક આવી પહોંચી હતી.શામજીના ખોળામાં બિન્દાસ સુતેલી રાધા ને ,અહીં નહોતી બીક કોઈ જોઈ જવાની, કે નહોતી બીક તેમને કોઈ જુદા કરવાની. તેથી આરામથી છે સુતી હતી. સૂર્યપ્રકાશ મો પર પડવાથી તેણીએ આંખો ખોલી.' આ હા ! કેટલી આલ્હાદાયક છે આ ક્ષણ. પોતાના પ્રિયતમ ના ખોળામાં માથું નાખીને તે નિર્ભય સૂતી છે . ને હીંચકે હીચતી હોય તેમ, ગાડીના ડબ્બામાં ઝૂલી રહી છે . ખુલ્લી આંખે કેટલીક અક્ષો એ એમ જ ખોળામાં પડી રહી . ને પછી પોતાના હાથનો હાર બનાવીને શામજીના ના ગળે ભેરવી દીધો . અને એના સહારે તે બેઠી થઈ . અમદાવાદ રેલવે સ્ટેશન આવી ગયું હતું. ગાડી ઉભી રહી.બધાને ઉતરવા દઈને તેઓ છેલ્લાં પ્લેટફોર્મ નંબર 8 ઉપર ઉતર્યા. ત્યાંથી પુલ ઉપર થઈને મુખ્ય કાલુપુર રેલવે સ્ટેશનમાં આવ્યાં . શામજીએ મનમાં ચાલતી ગડમથલ અને લાગણી ઉપર કાબુ મેળવી લીધો. ને રાધા ને સજા આપવાનો મનમાં પાકો નિર્ણય કરીને, શામજી બોમ્બે સેન્ટ્રલની બે રેલવેની ટિકિટ લઈ આવ્યો .ને પ્લેટફોર્મ નંબર એક ઉપર બેસીને ગાડી નીચે રાહ જોવા લાગ્યાં .અડધો કલાકમાં જ ગાડી આવી, ને તેમાં સારી જગ્યા જોઈને બંને બેસી ગયાં .અને ગાડી મુંબઈ તરફ રવાના થઈ.