Gumraah - 59 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 59

ગતાંકથી....

કેવળ એક નિર્દોષ હેતુથી કે તેને મેં એક સીધી, સાદી અને ભલી લેડી તરીકે ઓળખી છે." પૃથ્વી એ જવાબ દીધો." એક વાર તે રાજી ખુશીથી મિલકત છોડી ગઈ એમ મેં જાણ્યું અને બીજી વાર તેનો ખૂનમાં હાથ છે,એમ મેં વાંચ્યું.મારું દિલ એની સહી સલામતી માટે બળે છે અને તેથી જ તેની હાલત હું જાણવા માગું છું."

હવે આગળ...

ઓ હો હો !""છોકરો બોલ્યો : "દુનિયામાં એમ તો બહુ ઘણીબધી સીધી ,સાદી, નિર્દોષ લેડીસ હોય છે. શું તેઓની આફતોમાં દરેકને માટે તમારું દિલ બળે છે?"

"છોકરા, તારામાં કંઈ બુદ્ધિ છે; તું કાંઈ રહસ્યમય ખબરો જાણે છે, એમ મારું માનવું છે એટલે જ હું તારી સાથે ખુલ્લા અંતઃકરણથી વાત કરું છું. તને મારા સિદ્ધાંતની ખબર નથી. સ્ત્રી જાત પ્રત્યે સન્માન સિવાય બીજી કોઈ લાગણીથી હું જોતો નથી અને જ્યારે એ પૂજનીય જાતિનું ક્રૂર અપમાન અને રાક્ષસી હાંસી કરવામાં આવે ત્યારે મારું દિલ કંપી ઊઠે છે-"

"પણ આમાં એવું ખાસ શું થયું છે?" છોકરાએ અધ- વચ્ચે પૂછ્યું.

પૃથ્વી એ જવાબ આપ્યો:" મારું અને તે નિર્દોષ લેડી નું નામ જુઠ્ઠી રીતે કલંકિત કરવામાં આવ્યું છે. મને કે તે લેડી ને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હોય તેવી પ્રેમની વાત અમારા સંબંધી ન્યૂઝ પેપરમાં ફેલાવવામાં આવી છે. એ ખોટી વાતથી તેની ક્રૂર હાંસી કરવામાં બદમાશો નો ગમે તે કોઈ દુષ્ટ ઈરાદો છે કે જે હું જાણતો નથી. પણ મારે એ ખોટી વાત ઉઘાડી પાડી દેવી જોઈએ. એ સન્નારીને શોધીને અમો તદ્દન નિર્દોષ છીએ એમ મારે જાહેર કરવું જોઈએ."

"ત્યારે તમે તેના પ્રેમમાં ન હતા?"

"બિલકુલ નહીં. મારી વીસવર્ષની આ નાની ઉંમરમાં કોલેજ અને ક્રિકેટ સિવાય મેં બીજા વિચાર કદી કર્યા નથી. આ રિપોર્ટરના ધંધામાં પડતાં તો મારી પોતાની જંજાળોમાં હું અટવાયેલો રહ્યો છું. મને પ્રેમના ગોરખ ધંધાનો અવકાશ જ ક્યાં છે?"

"ગોરખ ધંધા!! હા :હા: હા: પ્રેમના ગોરખ ધંધા !!"
આમ બોલતા બોલતાં તે છોકરાએ હસવા માંડ્યું. એનું હાસ્ય અટ્ટ-હાસ્ય હતું .અને તેમાં તે એટલે સુધી તલ્લીન થઈ ગયો કે હસતાં હસતાં પેટ દુઃખી આવે તેમ ઊંચો નીચો થઈ ડોલવા લાગ્યો અને એમ કરતાં કરતાં તેના માથા ઉપર ની ટોપી પડી ગઈ તેનું તેને ભાન રહ્યું નહિ.

તેની ટોપી જમીન પર પડી કે ,તેના વાળની સ્થિતિ જોઈ પૃથ્વી ચમક્યો.તે છોકરાના વાળ તેના ખભા ઉપરથી પ્રસરી ને ઠેઠ તેની કેડ સુધી લટકી રહ્યા !

પૃથ્વી તો એકદમ અવાક્ બનીને ઉભો થયો અને બોલ્યો : "મને શંકા હતી જ-"
"અને તે સાચી જ છે." તે છોકરાએ કહ્યું :"પૃથ્વી શાલીની સલામત છે...."
"અને તે બુટ -પોલીસવાળા ના વેશમાં છે."
"બેશક, અદ્દભુત."

પૃથ્વી આશ્ચયૅચકિત થઈ એકદમ વિચારમાં પડી ગયો. પોતાના વાળ સરખા કરી, ટોપી પાછી બરાબર પહેરી લઈ શાલીનીએ કહ્યું :"પૃથ્વી ! ખુબ જ મુશ્કેલી,ગુંચવણો અને ભયંકર ધાકધમકી પછી મેં આ વેશ ખૂબ જ યુક્તિથી બદલ્યો છે. અને તેની વિગતો જાણશો તો જરૂર છક્ક થઈ જશો.

"જો તમને હરકત ન હોય તો એ વિગતો ફક્ત અડધો કે પોણા કલાકમાં હું તમને કહીશ અને તે પછી તમને એક નવીન સંદેશ કહીશ ; જેમાં તમારે તમારી બુદ્ધિ અને ચાલાકી નો ઉપયોગ કરવાનો છે."
"તો હવે સમય ન ગુમાવો."

"આજથી પાંચ દિવસ પહેલાનો બપોરનો સમય યાદ કરો," શાલીનીએ કહ્યું :" જ્યારે તમે મને 'ભેદી -રહસ્યમય ચક્કર'ના ઘાતમાંથી બચાવી હતી અને તે બાદ ઇન્સ્પેક્ટર ખાન મારે ત્યાં આવી પહોંચ્યા હતા."
"હા. તે મને બરાબર યાદ છે. અને તેણે તમને શું કહ્યું હતું,તેમજ તમે તેને શું કર્યું હતું તે જાણવા હજુ હું તલસતો રહેલો છું."

" ઇન્સ્પેક્ટર ખાન આવ્યા ત્યાર પછી તમે ગયા હતા. તેણે મને ગટરના બાકોરામાંના ભોંયરા વિશે પૂછપરછ કરવા માંડી હતી. વસ્તુતઃ હું તે વખતે પોલીસખાતાને તે સંબંધમાં કંઈ પણ કહેવા માંગતી ન હતી. તેથી મારી ખરાબ તબિયતનું બહાનું કાઢીને મેં ફક્ત ઇન્સ્પેક્ટરને એટલું જ જણાવ્યું કે આકાશ ખુરાનાની હયાતિમાં કે તેમના ગુજર્યા બાદ હું કદી તેની અંદર ગઈ નથી. કેમકે તેમણે મને મનાઈ કરેલી હતી. ઇન્સ્પેક્ટર એ પછી ગયા. પાંચ વાગ્યે વકીલ સાહેબ અને તે બંને આવ્યા. શેઠ આકાશ ખુરાનાનું વસિયતનામું મને વાંચી સંભળાવી, મુબારકબાદી આપી તેવો ગયા. પણ વકીલ સાહેબ ગયા કે તરત જ મારી ઉપર વધુને વધુ આફતો શરૂ થઈ. મોઢે બુકાનીધારી બદમાશ મારી પાસે આવ્યો અને બોલ્યો : "મારા ગયા પછી અહીં શું શું બન્યું છે ,તે તમામથી હું વાકેફ થયો છું. કારણ મારો એક જાસુસ અહીં છુપાઈ રહીને બધું સાંભળતો અને જોતો હતો." મેં તેને કહ્યું: " સારું; પણ તેનું શું ?"તેણે જવાબ દીધો:" મેં તિરસ્કારથી પોલીસ ઇન્સ્પેક્ટરને કાંઈ કહ્યું નથી એ સારું કર્યું છે તેનો એનો સારો બદલો હું તને આપીશ .પણ સૌથી ઉત્તમ પ્રકારનો બદલો મેળવવા હવે હું તને જેમ કહું તેમ વ્યવસ્થા કરી આપ. "મેં તિરસ્કારથી, ગુસ્સાથી તેને કઈ જવાબ દીધો નહિં એટલે તેણે કહ્યું : " તારી મરજી હોય કે ન હોય તો પણ હું આદેશ કરું છું કે મને સર આકાશખુરાનાના ભાઈ રોહન ખુરાના તરીકે તું જાહેર કર..."
"મારું અનુમાન..... પૃથ્વીએ શાલીનીને અધવચ્ચે કહ્યું.

"સાચું પડ્યું છે." એને વચ્ચે બોલતો અટકાવી શાલીનીએ કહેવા માંડ્યું:

"તેની સૂચનાથી હું ગભરાઈ ગઈ. એટલે તેણે કહ્યું: " ગભરાવાની કશી જરૂર નથી. ફરીથી કહું છું કે મારા કહેવા મુજબ ચાલીશ તો જીવનભર સુખમાં જ રહીશ .જે ફોટો તે ઇન્સ્પેક્ટર સાહેબને આપ્યો હતો તે મારી પાસે છે ."મેં કહ્યું : " પણ તે નકલી ઇન્સ્પેક્ટર તમે હતા-" તે હસ્યો અને બોલ્યો:
"ઓ પેલા ન્યૂઝ પેપર વાળા છોકરાના કહેવાથી તું તેમ બોલે છે. તે ગમે તેમ હતું હું એ ફોટો અહીં પાછો દિવાલ પર લટકાવી દઉં છું અને તું વકીલસાહેબને બોલાવી જાહેર કર કે હું આફ્રિકાથી પાછો ફર્યો છું." મેં તેમ કરવા ઘસીને ના પાડી. તેણે કહ્યું: "જો તું મારી વાત નહિ માને તો તારી હાલત જીવવા જેવી નહિ રહે.તારી બદનામી તુ ભુલી જાય છે. એ ઘડીના છઠ્ઠા ભાગમાં અમે તને કલંકિત અને સમાજથી ધિક્કારાયેલી બનાવી દઈશું. "આ સમયે મને તે બદમાશે અગાઉથી કહેલી ખાનગી વાત યાદ આવી-"
'ખાનગી વાત' એ શબ્દ સાંભળતા જ પૃથ્વીએ શાલીનીને પૂછ્યું : " કૃપા કરીને તે ખાનગી વાત નું રહસ્ય નહિ ખોલો?"

"એ વાત તમને કહેવાનો મેં નિર્ણય કર્યો છે .તે બદમાશે મને કહેલું કે : " સર આકાશ ખુરાના અમારી ટોળીના સરદાર હતા. તું તેમની પુત્રી છે અમારી પાસે સર આકાશ ખુરાના નાં ભયંકર કાવતરાં ના કેટલાંક એવાં કાગળિયાં છે કે જે અમે 'લોકસતા'ના ન્યુઝ પેપરમાં છપાવીશું તો જે કીર્તિ આકાશ ખુરાનાએ મેળવી છે તેના પર પાણી ફરી વળશે, સમાજ તેમને હંમેશા ગાળો દેશે અને એવા બદમાશ ની તું પુત્રી હોવાથી કોઈ જ તારા તરફ જોશે નહિં , સમાજ તને જીવવા નહિ દે માટે ચૂપચાપ બેસી રહેજે અને કશું દોઢ ડહાપણ પણ કરતી નહિ. તેમ જ પોલીસને કંઈ ખબર આપવા પ્રયત્ન કરતી નહિ જો તેવો પ્રયત્ન કરીશ તો તારું મૃત્યુ આકાશ ખુરાનાની માફક જ રહસ્યમય રીતે થઈ જશે."

શાલીનીની આ ખાનગી વાતની પૃથ્વી પર શું અસર થશે ???
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ.......