Gumraah - 66 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 66

ગતાંકથી....

પોલીસ સર્જન ડોક્ટર ડેવિડ ડ્રોઈંગ રૂમમાં આવ્યા ત્યાં ઇન્સ્પેક્ટર તેને પૃથ્વીના રૂમમાં લઈ ગયો.

શાલીનીએ પોતાની નજદીક ઊભેલા એક સિપાઈને પૂછીને પૃથ્વીને લગતી હકીકત જાણી લીધી. તેનાથી તે પોતાની બીમાર હાલતમાં પણ રોકાઈ રહેવાયું નહિ .તે દોડીને પૃથ્વી વાળા રૂમ તરફ ગઈ.
"પૃથ્વીનું શું થયું ? ગંભીર કેસ છે? સિરિયસ છે એવી ડોક્ટરે ખબર આપેલી છે તે શું સાચી છે? જો એને કંઈ પણ થયું તો એ બદમાશને હું જીવતો નહિ છોડું "સ્વગત બબડતા તે રૂમમાં દોડી ગઈ.

હવે આગળ......

તે દિવસ સાંજે છ વાગ્યે ઇન્સ્પેક્ટર ખાન પોલીસ સ્ટેશન બહારે પોલીસ ટુકડી તૈયાર કરીને કોઈની રાહ જોતો ઉભો હતો, એટલામાં મિસ. શાલીની એક કારમાં બેસીને ત્યાં આવી અને કહેવા લાગી : " ઇન્સ્પેક્ટર ,બદમાશો નો એકરાર મને આપો."

"તમને ? શા માટે ?"

"'લોક સેવક'માં પ્રગટ કરવા માટે?"

"તમે શું તે ન્યૂઝ પેપર ના કોઈ હોદ્દેદાર છો ? તમે શું તે પ્રેસમાં કોઈ પ્રતિનિધિ છો ?"

"હા. હું તે ન્યુઝ પેપર ની પ્રતિનિધિ છું અને તેના લીધે જતે એકરાર માગું છું."

ઇન્સ્પેક્ટર હસવા લાગ્યો. શાલીનીએ કહ્યું : " ઇન્સ્પેક્ટર, હું મજાક નથી કરતી. જુઓ, 'લોક સેવક'ના માલિક મિ. પૃથ્વીએ મને તે કામ સોંપ્યું છે." તેણે ઇન્સ્પેક્ટરના હાથમાં એક પત્ર મૂક્યો જેમાં લખેલું હતું કે :

"મિસ શાલીની 'લોક સેવક'ના તંત્રીમંડળમાં જોડાયા છે. જેથી તે ન્યુઝ પેપરમાં છાપવાની તમામ માહિતી તેને આપવી. ખાસ કરીને બદમાશો નો એકરાર.
- પૃથ્વી, સંપાદક ,તંત્રી અને અધિપતિ

"આ પત્ર ઉપરથી હું એકરાર આપવા ના પાડું છું." ઇન્સ્પેક્ટરે કહ્યું.

"ઇન્સ્પેક્ટર, તમને ખબર છે કે ન્યુઝ પેપર એ દેશની સેવા કરનાર સંસ્થા છે. તમે બદમાશો ને પકડવામાં ઢીલ કરી અને મિ. પૃથ્વીએ તમને ઘણા સમય પહેલા ચેતવણી આપી હતી કે અમુક બદમાશ ટોળકીઓ બહુ જ સક્રિય છે જેમને પકડો છતાં તમે તેને પકડ્યા નહિ, તેના પરિણામે એક ખૂન વધુ થવા પામ્યું અને મિ. પૃથ્વીને પ્રાણઘાતક ઈજા થઈ. અમારા ન્યુઝ પેપર માં આ બાબતમાં અમે તમારી સખત ખબર લેશું."

"ઓહ !" ઇન્સ્પેક્ટરે ટકોર કરતા કહ્યું : " પૃથ્વી, સાથે તમે ખૂબ ગોષ્ઠિ કરીને આવ્યા લાગો છો ને શું ?"
"ઇન્સ્પેક્ટર, આ મશ્કરીની બાબત નથી."

"ઓ રિપોર્ટર બેન, તમે.... ઇન્સ્પેક્ટરે કહ્યું : " જે વાતચીત કરી તે ઉપરથી મને એક બાબતની નિરાંત થઈ. તે એ કે પૃથ્વી તેના દર્દમાંથી ચોક્કસ ભયમુક્ત થયો હોવો જોઈએ અને ડૉ.ડેવિડની મહેનત સફળ નીવડી હોવી જોઈએ. બોલો,એ સાચું છે કે નહિ?જો એની વિગતો તમે મને નહિ આપો તો યાદ રાખજો હું તમારા ન્યુઝ પેપર પર એવો આરોપ મૂકીશ કે જે વખતે એક યુવક તમારા માટે મહેનત લઈને પ્રાણઘાતક બીમારી ભોગવતો હતો તે વખતે તમે તેની નજીક રહેવાને બદલે ભાગી આવ્યા."

શાલીની થી હસી પડાયું : "તમારો કુત્રિમ રૂઆબ લાંબો સમય ટકી શક્યો નહિ એથી મને ખેદ થાય છે." ઇન્સ્પેક્ટરે શાલીનીને કહ્યું .અને ખબર આપી કે : "પૃથ્વીની ખબર મને ઝટ કહી દો ;પછી હું તમને એક નવી ચોંકાવનારી ઘટના બતાવીશ."

શાલીનીએ કહેવા માંડ્યું : " વાલકેશ્વરના બંગલે થી ડૉક્ટર પૃથ્વીને સર જે. જે. હોસ્પિટલમાં લઈ ગયા તે બાદ બીજા ડોક્ટરોની મદદથી તેના શરીરની તપાસ 'એક્સરે' કરવામાં આવી. જેમાં જણાવ્યું કે તેના આંતરડા અવ્યવસ્થિત થઈ ગયા છે; ગુંચવાઈ ગયાં છે અને લોહીની ગાંઠ પેડુમાં એક બાજુએ જામી જવાથી લોહીનું પરિભ્રમણ ધીમું પડી ગયું છે. જો વધુ વખત એ સ્થિતિ ચાલુ રહે તો ભયંકર પરિણામ આવે.એટલે જ તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર ઊભી થઈ અને તરત જ તેને લગતી ગોઠવણ કરીને ડૉક્ટરોએ 'ઓપરેશન' કર્યું. સારા નસીબે તે સફળ નીવડ્યું ;અને પૃથ્વીને ભાનમાં લાવવામાં આવ્યો ,પરંતુ....."

"વળી પરંતુ શું ,? કાંઈ નવી મુશ્કેલી ઊભી થઈ ?"

"પૃથ્વી ભાનમાં આવતા બબડાટ કરવા માંડયો તે કહેવા લાગ્યો : "ઇન્સ્પેક્ટર, જો,જો ,હોં; તમે રિવોલ્વ પકડી રહ્યા છો છતાં માથું મારીને પણ બદમાશ છટકી જશે.એ....એ....માયુૅ; હોં માર્યુ ! ઇન્સ્પેક્ટર ! તમારા પાવરનું સુરસુરિયું ! તમે ઢોલા જ છો એ હું પહેલેથી કહેતો આવ્યો છું .એ...એ... ભાગ્યો!! હવે તે તમારે હાથ આવી રહ્યો. યાદ રાખજો : હું મારા ન્યુઝ પેપરમાં એ છાપીશ."

ઇન્સ્પેક્ટરે કહ્યું : "આ બબડાટ તે કેમ કરતો હતો, એ હવે સમજાયું. મેં વાલકેશ્વરના બંગલામાં જ્યારે બદમાશને બે હાથમાં રિવોલ્વર સાથે તાબે કરીને પૃથ્વીને સિપાઈઓને બોલાવવા બહાર મોકલ્યો ત્યારે બદમાશે બહુ જ ચાલાકીથી મારી રિવોલ્વરો દૂર ફેંકી દીધી હતી અને પૃથ્વી જ્યારે સિપાઈઓને બોલાવી લાવ્યો ત્યારે હું અને બદમાશ બથ્થંબથ્થા કરતા હતા .પૃથ્વીના મનમાં આ બનાવ છેવટે નોંધાઈ રહ્યો હશે...."

" ઇન્સ્પેક્ટર, બદમાશે એવી કઈ ચાલાકી વાપરી કે તમારે રિવોલ્વર ફેંકી દેવી પડી ?" શાલીનીએ પૂછ્યું.

"એણે ગજબની સમય સૂચકતા ભરેલી લુચ્ચાઈ વાપરી હતી." ઇન્સ્પેક્ટર એ કહ્યું : " તે ધીમાં ડગલે હટતો હટતોહતો કિંગ ઓફ અફઘાન જે ખુરશીમાં બેઠા હતા ત્યાં ગયો ને તેમાં જ તેની ઉપર બેસી ગયો. હું જો એ વખતે તેના પર ગોળીબાર કરત તો કિંગ ઓફ અફઘાન નો પ્રાણ જવાનો ભય હતો,એટલે હું માત્ર રિવોલ્વરો ધરીને ઊભો રહ્યો. બદમાશ મારી મજાક કરવા લાગ્યો અને તે દરમિયાન પોતાના પગથી તેને મારા બંને હાથને લાત મારી, જેથી પિસ્તોલ પડી ગઈ. મારે અને તેને તે પછી બથ્થંબથ્થા ચાલી. પૃથ્વી તે દરમિયાન સિપાહીઓ સાથે આવ્યો એ પછી તો તરત જ તેના પેટમાં બદમાશે માથું માર્યુ અને તેના બેભાન થવાનો બનાવ બન્યો; જેથી તે છેવટ ની વાત તેના મગજમાં નોંધાઈ ગઈ ."

એની પોતાની સાથે ના આ બનાવ ઉપરથી તે આપણા સંબંધથી બબડાટ કરતો રહ્યો હોવો જોઈએ એમ હવે સમજાય છે." શાલીનીએ કહ્યું: "એની એના લવારીથી જ ડોક્ટર ડેવિડને ચિંતા થતી હતી કે ન કરે નારાયણને પૃથ્વી ના મગજને કોઈ અસર થઈ ગઈ હોય !! આથી તેણે બીજા ડૉક્ટરો સાથે ચર્ચા કરી તેને ઘેનની દવા આપવા નકકી કર્યુ . એટલામાં મેં પૃથ્વી પાસે જઈ તેને આશ્વાસન આપવા માંડ્યું અને બદમાશોને તમે પકડ્યા એમ તેને જણાવ્યું. મેં તેને જ્યારે હકીકત કહી ત્યારે તે કાંઈક ખુશ થયેલો જણાયો અને મારા આશ્ચર્ય વચ્ચે એ બોલ્યો : " તો હવે શું વાર છે ? 'મેટર 'ક્યાં છે? મારા માણસોને તે 'કમ્પોઝ' કરવા આપી દો અને ઇન્સ્પેક્ટર ખાન ઉપર હું તમને એક ચિઠ્ઠી આપું છું તે લઈને તેની પાસેનો રિપોર્ટ લઇ આવો." એમ કહી તેણે જે ચિઠ્ઠી લખી આપી તે ઇન્સ્પેક્ટર: મેં લઈ લીધી અને તેને શાંતિ ભરેલી ઊંઘ લેવા સલાહ આપી. તે સૂતો. તે પછી ડૉકટરોએ તેને ઘેનની દવા આપી. તેઓમાંથી એક જણ અવારનવાર તેની પાસે હાજર રહેશે અને વારંવાર તપાસ કરતો રહેશે‌"

"ઘણી સારી વ્યવસ્થા છે." ઇન્સ્પેક્ટરે કહ્યું: હવે ચાલો, હું તમને આશ્ચર્યચકિત કરુ, તમે જોઈને જ એટલા ખુશ થઈ જશો કે વાત જ ન પૂછો...!"

ઇન્સ્પેક્ટર શાલીનીને પોલીસ સ્ટેશનની એક કાળકોટડીમાં લઈ ગયો. જ્યાં વચ્ચોવચ્ચ માથાથી પગ સુધી એક જણને ચાદર ઓઢાડીને સુવડાવેલો હતો.

આખરે કોણ હશે આ માણસ કે જેને ચાદર ઓઢાડીને સુવડાવેલો હતો!? શું એ જીવિત હશે કે મૃત આ જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ......
ક્રમશઃ........