No Girls Allowed - 35 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 35



આદિત્ય પાર્ટી એન્જોય કરીને ખુશી ખુશી પોતાના ઘર તરફ વળ્યો. ઘરે તાળું મારીને જોઈને એને આડોશ પડોશમાં નજર કરી તો આંટી પાસેથી જાણવા મળ્યું કે અમિતભાઇને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આદિત્યે તુરંત હોસ્પીટલ તરફ દોડ મૂકી. પરંતુ આદિત્ય હોસ્પિટલ પહોંચે એ પહેલા જ અમિતભાઈના શ્વાસ થંભી ગયા હતા. કાવ્યા અને મમ્મીને રડતા જોઈને આદિત્ય પણ ત્યાં જ ભાંગી ગયો.

રીતિરિવાજો પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી. આદિત્યનું બહારનું મૌન એમને અંદરોઅંદર ખાઈ રહ્યું હતું. અમિતભાઈની અંતિમ ઇચ્છા આદિત્યને મળવાની હતી જે આદિત્ય પૂરી કરી શક્યો નહિ. કવિતાના પ્રેમમાં આંધળો આદિત્ય ખુદને દોષિત ગણવા લાગ્યો. સમય ધીમે ધીમે પસાર થતાં દુઃખમાં થોડીક રાહત દેખાઈ. આદિત્ય અને એની ફેમિલી ધીમે ધીમે હોશમાં આવવા લાગી. અચાનક આવી પડેલા દુઃખથી પરિવારના બધા સદસ્યો ભાંગી પડ્યા હતા. જે હવે ધીમે ધીમે ઠીક થવા લાગ્યા.

પંદર દિવસ પછી આદિત્યે ફોનમાં નજર કરી તો કવિતાનો ન તો કોઈ મેસેજ આવ્યો કે ન કોઈ કોલ. આદિત્યને આશ્ચર્ય થયું. આવા કઠિન સમયે આદિત્યને જ્યાં એક સહારાની જરૂર હતી ત્યાં કવિતા એ મોઢું ફેરવી લીધું હતું. આદિત્ય કવિતાથી ઘણો નારાજ થયો પરંતુ નારાજગી સામે પણ આદિત્યને જ નમવું પડયું. તેણે સામેથી કવિતાને કોલ કર્યો. બે ત્રણ કોલ કર્યા પરંતુ કોલ રિસિવ ન થયો. આદિત્યે ફરી એક વખત ટ્રાય કરી તો ફોન વ્યસ્ત બતાવવા લાગ્યા. આદિત્યનું મન વ્યાકુળ થવા લાગ્યું. ગુસ્સો અને નારાજગી એકસાથે ભેગી થઈ ગઈ હતી. આદિત્યે કોઈ વિચાર કર્યા વિના જ કવિતાના ઘર તરફ જવા રવાના થયો. ગુસ્સો નાકે ચડાવીને નીકળેલો આદિત્ય કવિતાના ઘર નજીક ઊભો રહીને જોવા લાગ્યો. કવિતા એક મોટા બંગલામાં રહેતી હતી. આવા આલીશાન બંગલાને ઉપરથી નીચે લાઇટથી સુશોભિત કરી રાખી હતી. જાણે કોઈ પ્રસંગ હમણાં જ પૂર્ણ થયો હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. આદિત્ય એ ઘર નજીક ગયો ત્યાં પાર્કિગમાંથી એક મર્સિડીઝ તુરંત બહાર આવી. જેમાં કવિતા અંત્યત ખૂબસૂરત ડ્રેસમાં તૈયાર થઈને બેઠી કોઈ સાથે હસી મઝાક કરી રહી હતી. કવિતાને જોતા જ આદિત્ય એ કાર પાછળ દોડ્યો. કવિતા કવિતાની બુમો પાડતો આદિત્ય કારની વિન્ડો નજીક પહોંચી ગયો. કારમાં કવિતાને અન્ય વ્યક્તિના હાથોમાં હાથ રાખતા જોઈને આદિત્યના પગ તળે જાણે જમીન જ સરકી ગઈ! કવિતા એ આદિત્યને ઇગનોર કરતા વિન્ડો જ બંધ કરી દીધી અને ગાડી પૂરઝડપે ત્યાંથી જતી રહી. આદિત્યે એ બંગલા તરફ જોયું તો ચાર પાંચ લોકો કવિતાની સગાઈની ચર્ચા કરી રહ્યા હતા અને આ સગાઈની વાત સાંભળીને આદિત્ય જાણે બેહોશ થતાં થતાં બચ્યો.

આદિત્ય હજુ પણ ત્યાં ઊભો આંસુ વહાવી રહ્યો હતો. પિતાના મૃત્યુ બાદ તુરંત પ્રેમમાં બેવફાઈ મળતા આદિત્ય સાવ ભાંગી ગયો. ખુદને જેમ તેમ સંભાળતાં તે રસ્તે ચાલવા લાગ્યો. ફોનમાં કવિતાના પીકચરો અને વિડિયો જોઈને આદિત્યને વધુ પીડાનો અનુભવ થયો. કવિતા એના પ્રેમનો આવો બદલો આપશે એવું આદિત્યે સપનામાં પણ નહોતું વિચાર્યું. ફોનમાં રહેલા પિક્ચરો ડિલીટ કરવાને બદલે એમને ફોન જ ફેંકીને તોડી નાખ્યો. પિતા અને પ્રેમીની જુદાઈ સહન કરવી જાણે આદિત્ય માટે અશક્ય સાબિત થઈ રહ્યું હતું. આવા કઠિન સમયે આદિત્યે એક નિશ્ચય કર્યો કે એ પોતાની ગરીબ પરિસ્થિતિને અમીરીમાં પરિવર્તિત કરશે અને જીવનના અંત સુધી એ ન તો વિવાહ કરશે કે ન કોઈ સ્ત્રીને એના જીવનમાં કોઈ ખાસ સ્થાન આપશે.

વર્તમાનમાં

" પણ કવિતા એ આદિત્યને ક્યાં કારણથી છોડ્યો?" અનન્યાના મનમાં આ સવાલ વારંવાર ઘૂમી રહ્યો હતો.

" આ સવાલનો જવાબ તો મારી પાસે પણ નથી....હું પણ છેલ્લા કેટલાય વર્ષોથી એ જાણવાનો પ્રયાસ કરું છું કે કવિતા જેવી સમજદાર છોકરી આદિત્યને કઈ રીતે છોડી શકે?"

આદિત્યની ગર્લફ્રેન્ડ વિશે જાણીને થોડીઘણી અનન્યાને એનાથી ઈર્ષ્યા જરૂર થઈ આવી. પરંતુ એના મનમાં માત્ર એક જ સવાલ હતો કે કવિતા એ ક્યાં કારણે આદિત્યને છોડ્યો?

" તે કવિતા સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરી?"

" કવિતાને મેં એ સમયે જ કોલ કર્યો પરંતુ એને સામે કોઈ જવાબ ન આપ્યો અને બસ એ ફોનમાં માફી માંગતી રહી..."

અનન્યા એ થોડો સમય વિચાર કર્યો અને કહ્યું. " તારી પાસે અત્યારે કવિતાનો નંબર છે?"

" હા છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી એ નંબરનો ઉપયોગ નથી કર્યો તો ખબર નહિ એ નંબર ચાલુ હશે કે બંધ...."

" આદિત્યનું દર્દ જ એની દવા બનશે..." અચાનક અનન્યા એ કહ્યું.

" મતલબ?"

" આદિત્ય ભલે કવિતાને નફરત કરતો હોય પણ એના દિલમાં ક્યાંકને ક્યાંક કવિતા માટેનો પ્રેમ તો જીવિત હશે જ..."

" હા પણ તું કરવા શું માંગે છે?"

" કવિતા અને આદિત્યની મુલાકાત....."

" શું!! તું પાગલ થઈ ગઈ છે કે શું? આદિત્યને કવિતા સાથે મળાવીશ!...અરે એ બંને મળશે તો જ્વાળામુખી ફાટશે, તને અંદાજો પણ છે, કવિતા છોડીને ગઈ ત્યારે આદિત્યે જે ઘરમાં તોડફોડ કરી હતી, હે ભગવાન મારા તો યાદ કરવામાં પણ રૂંવાટા ઊભા થઈ જાય છે!..."

" તું ઓવર રિએક્ટ ન કર...કઈ નહિ થાય..હું છું ને..."

" કવિતાના હસબન્ડને ખબર પડશે તો શું થશે તને ખબર છે? બિચારાને એની મેરેજ લાઇફ તો એન્જોય કરવા દે..."

" અને તારા ભાઈના લાઇફનું શું? શું એ જીવનભર આમ જ કુંવારો રહેશે અને એની સાથે સાથે શું તું પણ ઘરે રહીને એની જેમ જ જીવન વિતાવી દઈશ.."

કાવ્યા એ લગ્ન ન કરવા પાછળનું કારણ આદિત્ય હતો. આદિત્યે જ્યારે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે કાવ્યા એ પણ લગ્ન ન કરીને એના ભાઈ અને મા સાથે જીવન વિતાવવાનો નિશ્ચય કર્યો હતો.


" તને શું લાગે છે આદિત્ય કવિતાને મળવા માટે રાજી થઈ જશે?" કાવ્યા એ સવાલ કરતા કહ્યું.

અનન્યા એ આછી સ્માઈલ આપી અને કહ્યું. " તું એ મારી પર છોડી દે.. બસ તું કવિતાનો કોન્ટેક્ટ કર અને એને આદિત્ય સાથે એક વખત મુલાકાત કરવા માટે રાજી કરી દે..બાકી આદિત્યને તો હું કઈ પણ રીતે મનાવી જ લઈશ..."

*********

દિલ્હીના ક્લાયન્ટ સાથે મીટીંગ પૂર્ણ કરીને આદિત્ય સુરત આવવા માટે નીકળી ગયો. " અનન્યાના આટલા બધા મિસ કોલ! હવે આને શું મારું કામ પડી ગયું?" મનમાં વિચાર કરતા આદિત્યે ફોન પર નજર નાખીને કહ્યું. સામે કોલ કરવાને બદલે આદિત્યે મેસેજમાં રિપ્લાય આપ્યો.

આદિત્યે અનન્યા સાથે ક્યારેય પણ મેસેજમાં વાત કરી ન હતી. અચાનક આવી પડેલા આદિત્યના મેસેજ જોઈને અનન્યા એ અલગ અલગ ફની ઈમોજી સેન્ડ કર્યા. એ જોઈને આદિત્યના ચહેરા પર હળવી એવી સ્માઈલ આવી ગઈ. થોડી ઘણી આસપાસની વાતો કરીને આદિત્યે આખરે પૂછ્યું.
" શું કામ હતું કે મને આટલા બધા મિસ કોલ કરવા પડ્યા.." આદિત્યે મેસેજ મોકલ્યો. અનન્યા એ મનમાં વિચાર્યું ' અત્યારે કહીશ તો મારી વાત નહિ સાંભળે, અને તુરંત ના પાડી દેશે..એક કામ કરું કાલે ફેસ ટુ ફેસ જ વાત કરી લઈશ.."
" ટુમોરો સિક્સ પી એમ..." અનન્યા એ કાલ સાંજના છ વાગ્યે મુલાકાત કરવાનું કહ્યું. આદિત્યે પણ હા કહ્યું અને બન્ને ફરી પોતાના કામે લાગી ગયા.

શું આદિત્ય કવિતા સાથે મુલાકાત કરવા રાજી થશે? અને એવું તે શું કારણ હતું કે કવિતા એ આદિત્યને છોડીને અન્ય છોકરા સાથે સગાઈ કરી લીધી? જાણવા માટે વાંચતા રહો નો ગર્લ્સ અલાઉડ.

ક્રમશઃ