taklo dhinglo books and stories free download online pdf in Gujarati

ટકલો ઢીંગલો

ટકલો ઢીંગલો

આપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પેઢીમાં જીવીએ છીએ. હું તો વિજ્ઞાન શાખાનો સ્નાતક. આપણને અજબ લાગતી દરેક ઘટનામાં પશ્ચાદ્ભૂમાં કાઈંક વૈજ્ઞાનિક સિદ્ધાંત ખોળી કાઢવાની મારી આદત. છતાં મારા જ ઘરમાં તાજેતરમાં ઘટેલી ઘટનાનું વર્ણન કર્યા વગર રહી શકતો નથી.


હું 32 વર્ષનો, ઉચ્ચ કંપનીમાં એન્જીનીયર છું. મારી પત્ની મોના. 30 વર્ષની. એ પણ વિજ્ઞાન કોલેજમાં પ્રોફેસર હતી. મારે બે વર્ષનો તરવરીયો બાબો છે. ઉન્નત.


ઉન્નતની બીજી વર્ષગાંઠે તેને અનેક ભેટ મળી. બેટરી ઓપરેટેડ કારની તો લાઈન લાગી ગઈ. ગોઠવવાના બ્લોક, પશુ પક્ષીઓનાં ચિત્રોની બુક અને એવું બધું.


એમાં તેને સહુથી વધુ ગમી ગયેલી ગિફ્ટ એક એના જેવો ટકલો, એની પોણી હાઈટનો સુંદર ઢીંગલો. બેટરીથી રિમોટ દ્વારા આગળ ચાલે, આંખો પટપટાવે, પાછળની સ્વીચની ઠેસી ફેરવતાં અટ્ટહાસ્ય કરે કે કોઈ ગીત ગાય કે રડવાનો અવાજ કરે. આબેહૂબ સાચાં બાળક જેવો. આગળ પાછળની હિલચાલ ચાવીથી પણ થઈ શકે. તમે તેના હાથપગ હલાવી શકો. ઉન્નતને તો એને શેકહેન્ડ કરવાની મઝા પડી ગઈ. એની મમ્મીની બંગાળી સખીએ 'સુદીપ્ત ભૈયા કી ઓર સે' લખી સુંદર ગિફ્ટપેકમાં પેક કરી આપેલો. સુદીપ્ત એ સખીના ચારેક વર્ષના બાબાનું નામ છે.


2.

ઢીંગલો સુંદર કપડાં- ચેકસ વાળો ટીશર્ટ અને લાલ ચડ્ડી પહેરેલો હતો. સ્માર્ટ લાગતો હતો. છતાં મોનાને લાગ્યું કે ઢીંગલો થોડો જૂનો હોય અને નવાં કપડાં પહેરાવી ગિફ્ટ આપ્યો હોય એવો લાગે છે. મેં કહ્યું કે સ્ટોરમાં પડી રહ્યો હોય તો પણ જૂનો લાગે. માણસને નવરાવો એમ સાબુથી એને ધુઓ એટલે નવો. બાકી મોંઘી ગિફ્ટ છે.


અમને સહુને, ખાસ તો ઉન્નતને એ ઢીંગલો ખૂબ ગમ્યો. એને રમતમાં ગલી કરી પાછળ હસવાની સ્વિચ દબાવીએ, તમાચો મારી રડવાની સ્વિચ ફેરવીએ, રિમોટથી રૂમમાં આમથી તેમ ફેરવીએ. ઉન્નત તો રાત્રે પણ એને સાથે જ રાખીને સુવે. એનું નામ અમે ટકલો રાખ્યું.


એક દિવસ ઉન્નત રાત્રે મોડે સુધી સુતો ન હતો. તેને થકાવવા અમે ઢીંગલાનો રિમોટ દબાવી રમાડયો.

ઢીંગલો સીધો ચાલે, ટેબલ નીચે જઈ નીકળે, ભીંત આવે એટલે અટકે અને રિમોટથી વળાંક વળે. મોડે સુધી રમી ઉન્નત ઢીંગલાને છાતી સરસો ચાંપી સુતો.


3.

મોડી રાત્રે મોના ઓચિંતી ઉઠીને જુએ તો તો ઉન્નત ઢીંગલા સામે જોઈ ખડખડાટ હસતો હતો. ઢીંગલા જેવા જ અવાજમાં ઉન્નત હસતો હતો. નાઈટલેમ્પનાં આછાં અજવાળાંમાં ઢીંગલાની આંખો ચમકતી હતી. આમથી તેમ ફરતી હતી. વળી ઉન્નત સામે સ્થિર થઈ જતી હતી. મોનાને લાગ્યું કે ઢીંગલો પોતાની સામે એકીટશે જોઈ રહ્યો છે. ઢીંગલાએ ઓચિંતો બાળક જેવો અટ્ટહાસ્યનો અવાજ કર્યો.

મોનાએ લાઈટ કરી. ઉન્નત જાગતો જ હતો. ઢીંગલા સામે કઈંક તેની કાલી ભાષામાં બોલતો હતો. મોનાએ તેને પૂછ્યું "શું કહે છે તારા ટકલાને?"


તેની ભાષામાં કહે "ટકલાને સ્ટોરી કે’તો તો.. એ મને.".


"શું સ્ટોરી કહેતો હતો?"


"મોટ્ટો બધો.. હાઉ…"


ઉન્નતે બારી બહાર સામેના મકાનની ભીંતે પડતા વિશાળ પડછાયા સામે આંગળી ચીંધી. પડછાયો હાલતો હતો, ઢીંગલો પથારીમાં ઉભો હતો. મોનાને કંપારી છૂટી ગઈ.


"પછી?"


"બાબ્બા જતોતો.."


તેણે કઈંક કહેવા પ્રયત્ન કર્યો પણ શું કહ્યું એ સમજાવી શકે એવડો તે હજી નથી.


મોનાએ મને ઉઠાડ્યો. પડછાયો હાલતો હતો, ઢીંગલો હસતો હતો ને એકીટશે જોતો હતો એ કહ્યું. મેં ઢીંગલાની પાછળની સ્વીચ બંધ કરી દીધી. ધ્રુજી રહેલી મોનાને ડરવા જેવું નથી એમ કહી લાઈટ બંધ કરી. મોનાના ગોરા બાહુઓ પસવાર્યા. તે મારામાં ભીંસાઈને, ઉન્નતને થાબડતી સુઈ ગઈ.


4.

એક દિવસ મોના શાક લઈ ઘરમાં પ્રવેશી. ઉન્નત પાડોશીના ઘરમાં રમતો હતો. મોનાને ઘરમાં રડવાનો અવાજ આવ્યો. ઉન્નત ઘરમાં પુરાઈ ગયો હશે એ બીકે હાંફળી ફાંફળી દોડી તેણીએ ઘર ખોલ્યું. ચારે બાજુ જોયું. અવાજ ચાલુ હતો. તે બેડરૂમમાં ગઈ. અહીં પણ કોઈ નહીં. મોના છળી મરી. રડવાનો અવાજ હજી ચાલુ હતો. આખરે સોફા નીચેથી અવાજ આવતો હતો તે ખાત્રી કરી સોફા ખસેડયો. જોયું તો પેલો ઢીંગલો! એ જ રડતો હતો!


હું ઘેર આવતાં જ મોનાએ મને આ વાત કરી.

એવું કેમ હોય?


મેં પૂછ્યું, "તો રોતો બંધ કેવી રીતે થયો?"


મોના કહે "મેં તેના સેલ જ કાઢી લીધા."


મેં કહ્યું "અચ્છા, સેલ ફરીથી ભરાવ તો?"

તેણે સેલ ભરાવ્યા. અત્યારે ઢીંગલો ગાવા લાગ્યો. ફરી આંખો પટપટી. ચારે બાજુ ફરી આખરે મોના સામે સ્થિરપણે તાકી રહી. મોના ફરી ચીસ પાડી મને જોશથી વળગી પડી.


"સ્વિચ ચોંટી ગઈ હશે. ફરી સેલ નાખતાં કે કાઢતાં રડવાને બદલે સહેજ ખસીને ગાવા તરફ ગઈ હશે." મેં તેને સાંત્વન આપતાં તેના લાલઘૂમ ચહેરાને ચુમ્યો.


5.

ફરી એક રાત્રે તેણે મને હલબલાવીને ઉઠાડ્યો. સદ્ભાગ્યે ઉન્નત સુતો હતો. સામે પેલો પડછાયો આજે પણ હાલતો હતો અને ઢીંગલો પણ જાણે બારીમાં પડ્યો અમારી તરફ હવામાં ચાલતો આવવાનો હોય તેમ તેના હાથપગ હલતા લાગ્યા. મેં લાઈટ કરી તેની પાસે જઈ જોયું. પાછળ અધખુલ્લા પડદાનો ખૂણો તેને ટકરાતો હતો તેથી તેના પગ હલતા હતા. આખું શરીર હલતું હોઈ ઉપરના અર્ધા વળેલા હાથ સહેજ ઊંચા નીચા થતા હતા.


મોનાને મેં આ સમજાવ્યું.


"પણ પડછાયો કેમ હલે છે? નાઈટલેમ્પનો પ્રકાશ જો સામી ભીંતે જાય છે તો એ તો સ્થિર છે!" હજુ ડરી ગયેલી તેણે ફાટી આંખે મને પૂછ્યું.


મેં જોયું. બાજુમાંથી અષાઢી રાત્રીનો પવન જોરથી ફૂંકાતો હોઈ સામેની બારીનું બારણું સહેજ હલતું હતું. સાપેક્ષ રીતે ઢીંગલો સ્થિર અને બારીનું બારણું, પડદો હલતાં હતાં પણ લાગતું હતું એવું કે જાણે ઢીંગલાનો પડછાયો હાલતો હોય.


તે શાંત તો થઈ પણ હજી ડરની મારી મારામાં લપાઈ. અમારી વાતોથી ઉન્નત જાગી ગયો. વળી એને કલાક રમાડવો પડ્યો. કાર વગેરેથી. પણ આખરે સુતો તો તેના 'બેસ્ટ ફ્રેન્ડ' ટકલા સાથે જ!

6.

મોનાને ઢીંગલો વહેમવાળો લાગ્યો. એનો ક્યાંક નિકાલ કરી નાખવા કહ્યું પણ એના વગર ઉન્નત નહીં રહે એમ સમજાવ્યું. ઉન્નતને તો એ હેરાન કરતો ન હતો!


મોના આખી રાત શાંતિથી સુઈ શકતી નહીં. વળી એક રાતે તેની આંખ ઉઘડી તો એના મને ઇચ્છયું હોય એવું જ જોયું. ઢીંગલો ઉન્નત સાથે રમતો હતો. રાતે 3 વાગે. ઢીંગલાની આંખો ચમકતી હતી, ચકળવકળ થતી હતી. એનો હાથ હવામાં ઝૂલે. થોડી વારમાં ઊંઘમાં ઉન્નત પણ એમ જ હાથ હલાવે. મેં કહ્યું કે ઉન્નત સ્વપ્નમાં ટકલા સાથે ફાઈટ કરતો હશે. ઢીંગલાના હાથ એમ જ હલે નહીં, ઉન્નત પોતાના હાથપગ હલાવે એટલે તેની મુવમેન્ટના સ્પર્શથી ઢીંગલાના હાથપગ હલે. એમાં ડરવા જેવું નથી. આ વખતે મોનાને મારી વાત ગળે ઉતરી નહીં.


મોના ઢીંગલાને બેડરૂમની બહાર મૂકી આવી. સવારે ઉઠે તો ઢીંગલો મુકેલો એની બદલે ચાર પાંચ ફૂટ દૂર અને ઉભો મુકેલો તે બેઠા જેવો દેખાયો. મોના હવે તો ખૂબ જ ડરી ગઈ. તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ. હું જાગી ગયો. 6 જેવા વાગ્યા હતા. હું ઉઠ્યો એટલે મને આ બતાવ્યું. વાત તો સાચી. પણ પછી લાગ્યું કે ઉભો મૂકતાં પડી ગયો હશે અને પડે એટલે ચીજ થોડી ધસડાય. મોના કહે કે એમ તો માંડ થોડો ખસે. આ તો રૂમના એક છેડેથી વચ્ચે આવી ગયેલો જાણે કે જાતે બેડરૂમમાં પાછો આવતો હોય. મેં ધ્યાનથી જોયું. આખરે લાગ્યું કે બેડરૂમ અને પેસેજ વચ્ચે એક બોલ પડેલો. પેસેજમાં પંખો ચાલુ રહી ગયેલો. બની શકે, ઢીંગલો પડ્યો હોય ત્યારે બોલ સાથે ટચ થઈ બોલ થોડું ગબડયો હોય, પંખાની હવા સાથે વધુ અને એની સાથે ઢીંગલો. કેમકે આ જગ્યાએ બોલને અડીને ઢીંગલો પડેલો.


"ખોટી ડરી ગઈ છે તું." કહી મેં તેને વાંસે હાથ ફેરવી શાંત પાડી પણ તે થોડીવાર મને દ્રઢ આલિંગી મારામાં લપાઈ રહી. હજુ તે ધ્રૂજતી હતી. એને શાંત કરવા જે કરવું પડે તે મેં કર્યું.


7.

એક દિવસ ઉન્નત જાતે ચાવી આપવા જતાં ટકલાને ઓવર વાઇન્ડિંગ થઈ ગયું કે ઊંઘી ચાવી ફેરવાઈ ગઈ. એ વખતે મુવમેન્ટ બંધ. હસવા રોવાનું બંધ. પણ હાથ કે પગ મુક્યા હોય તે કરતાં જુદી પોઝિશનમાં છે તેવું મોનાને લાગ્યા કરતું. સ્થિતિ એ બની કે ટકલો અવાજ કરતો બંધ થઈ જતાં ઉન્નત પણ ખૂબ અસામાન્ય રીતે શાંત થઈ ગયો. એ રમતિયાળ છોકરો ઓચિંતો ખૂબ શાંત બની ગયો.


8.

મારે ઓફિસમાં રજાઓ પડતાં અમે આઉટિંગ માટે ખૂબ બાળકો હોય તેવી રમણીય જગ્યાએ ફરવા ગયાં. ઉન્નતે ઢીંગલો સાથે રાખવાની જીદ પકડી. કારમાં ઉન્નત તેના ટકલા સાથે વાત કર્યા કરતો કે તેના હાથ પગ ખેંચતો રહેતો. સુંદર ઘાસ અને ઊંચાં વૃક્ષો વચ્ચે અમે હાથમાં હાથ પરોવી ચાલ્યાં. મોનાએ ઉન્નતને તેડ્યો. ઉન્નતના હાથમાં ટકલો ઢીંગલો.

લાગ મળતાં મોનાએ ઢીંગલાને નીચે ફેંકી તેનાં પેટ ઉપર જોશથી પગ કચડયો. સ્પીકરમાંથી પહેલાં રડવાનો, પછી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો. લોકો જોવા લાગ્યાં. અમારે ઢીંગલો પાછો ઉપાડી સાફ કરી લઈ લેવો પડ્યો. હવે મારે ઢીંગલો હાથમાં રાખી લેવો પડ્યો.


થવાકાળ તે ઉન્નત દડબડ દોડતાં પડી ગયો અને કોઈ પાછળ દોડતી નાની બાળકીનો પગ તેના પેટ પર આવી જતાં તે ચીસ પાડી ઉઠ્યો. બાળકી નાની હોઈ ઉન્નતને ખાસ ઇજા પહોંચી ન હતી. મોનાને લાગ્યું કે જે ટકલાને કરશું તે ઉન્નતને થશે.


9.

હવે તો ટકલાથી છૂટવાનો મોનાએ પાક્કો નિર્ધાર કરી લીધો. તે પહેલાં એ ગિફ્ટ આપનાર એની સખી પાસેથી ઢીંગલાની વિગતો કઢાવવા ગઈ. પેલીએ આદરસત્કાર તો કર્યો પણ આડીતેડી વાતો લંબાવ્યે રાખી. ઢીંગલો ક્યા સ્ટોરમાંથી લાવેલી એ વાત ટાળ્યા કરી.


આખરે મોનાએ એ સખીને પૂછ્યું કે એવો સરસ ઢીંગલો તે ક્યાંથી લાવેલી. તેણે પોતે કાંઈ જાણતી નથી, સુદીપ્તના પપ્પાને ખબર એમ કહયું.



10.

ઘરમાં ઓચિંતો ટકલાનો કોઈ ખૂણો દબાય કે કોઈ બીજું રિમોટ ચાલે તો પણ તે એક્ટિવેટ થઈ જતો. મોના ડરે અને ઉન્નત 'જો ટક્કો બોલે, ટક્કો ભાગ્ગે..' કહી રાજી થાય.


એકાંતમાં રમતાં ટકલો અટ્ટહાસ્ય કરતો કે ચાલવા લાગતો તો ઉન્નતને મઝા પડતી. એને એ ફ્રેન્ડ લાગતો પણ મોના ડરી ગઈ હતી. અસામાન્ય રીતે ઢીંગલો આંખો ફેરવી મોના સામે ઠેરવીને જોયા કરતો એમ મોનાને સતત લાગતું.

11.

ઉન્નત એકલો એકલો બોલતો હોય ત્યારે ઢીંગલા સાથે સંવાદ કરતો હોય એવું લાગે. 'તું નહીં ખા તો ઢીંગલાને આપી દઈશ' મોના કહે. ઉન્નત છુપી રીતે ઢીંગલા પાસે ડીશ મૂકી દે. મોનાને ખાવાનું ઓછું થયું લાગે. એણે મને કહ્યું. મેં એમ કહી વાત ટાળી કે તારો ભ્રમ હશે. છોકરું થોડું ખાઈને જ છાંડતું હોય. એક વાર એણે મને બતાવ્યું. સંતરા ની ચીર ઉન્નતે ન ખાધી, ઢીંગલા પાસે મૂકી દીધી. થોડી વાર પછી ત્યાં રસનાં ટીપાં હતાં અને ડિશમાં ચીર નાં લગભગ છોતાં થઈ ગયેલાં. મને નવાઈ તો લાગી, હું મૌન રહ્યો.


12.

વળી એક દિવસ ઢીંગલાને કપડાં ઉપર કલર સ્કેચ પેનનો લાલ ડાઘ પડ્યો. મોના ગભરાઈ કે ઉન્નતને ક્યાંક ન વાગે. એમાં એના ગોઠણ પાસે લાલ ડાઘ જોઈ તે ગભરાઈ. એ તો એ જ તૂટેલી પેનના ડાઘ લાગ્યા. બાકી તે લગભગ રોજ દોડતો અને પડતો, છોલાતું પણ ખરું. ઢીંગલો એમાં શું કરે?


રાતે અંધારામાં જુઓ તો ટકલાની આંખો તો ચળકે ને ઘૂમતી દેખાય જ. મેં જોયું કે એને સહેજ હલાવવાથી આંખો હલે છે.

13.

મોનાએ આખરે વહેમના માર્યા ઘરમાં ધાર્મિક પાઠ કરાવ્યા. ત્યારે ટકલો અંદર બેડરૂમમાં મુકી આવી અને રૂમને તાળું મારી દીધું. અંદર મુકેલા ટકલાએ ઓચિંતી ચીસો પાડી રડવાનો અવાજ કર્યો. ઉન્નત તો એની મમ્મી પાસે પૂજામાં બેઠેલો. હું બેડરૂમ ખોલી અંદર દોડ્યો. બેડ પરથી પછડાતાં એ ટકલો ચીસો પાડતો હતો. સ્વિચ ચોંટી ગયેલી. પણ બેડ પરથી પડ્યો કેવી રીતે? આવું જ કાંઈક હશે. ત્યાં કબૂતરનાં પીંછાં દેખાયાં. કબૂતરે પાડ્યો હશે?


મેં બારીમાંથી ઉપરથી નીચે છજા પર જોયું. કબૂતર મરી ગયેલું પડ્યું હતું. મેં બારી બંધ કરી દીધી.


14.

એક વાર ઉન્નત નહાવા ગયો ત્યારે ઢીંગલાને ધરાર નવરાવવા કહેવા લાગ્યો. ટકલાને પાણીમાં ડૂબાડયો. ટકલાના મોંમાંથી કોગળો નીકળ્યો! વળી મોનાએ ચીસો પાડી હશે. હું ઓફિસે હતો. સાંજે આવતાં મને એ કહ્યું. વળી હું શેરલોક હોમ્સ બન્યો. મહા મુશ્કેલીએ શોધ્યું કે પાછળથી પાણી જતાં આગળથી હવા નીકળે એટલે ઢીંગલો બુડબુડ કરી હોઠથી ફુવારો છોડે. માય ડિયર વોટસન મોનાને આ સમજાવ્યું.


15.

હવે મોના ત્રાસી ગઈ હતી. એક દિવસ અમે રસ્તો ક્રોસ કરતાં હતાં. મોનાએ મેં તેડેલા ઉન્નતના હાથમાંથી ટકલો લઈ લીધો, ઝડપથી જતી કાર સામે ફેંકયો.


ઢીંગલો આયુષ્ય લઈને આવ્યો હશે. તેના પગનો કડક બુટ વાળો ભાગ ટાયર નીચે દબાયો.


પોલું પ્લાસ્ટિક હોઈ ઢીંગલો ઉછળ્યો. કચરાયો નહીં. ફરી સ્પીકર રસ્તાપર અથડાતાં મોટો અવાજ કરવા લાગ્યો. કોઈ છોકરું આવતાં રહી ગયું માની કારે જોરથી બ્રેક મારી. પાછળની કાર તેને અથડાતાં રહી ગઈ. બન્નેએ કાર ઉભી રાખી ઘાંટા પાડી અમારી સાથે ઝગડો કર્યો. એક બાજુ એમના ઘાંટા, બીજી બાજુ ટકલાનો રડતો અવાજ અને એ બધું જોઈ ડરી ગયેલા ઉન્નતનું ભેંકવું! પોલીસ આવી, અમને ધમકાવી દંડ કર્યો અને માંડ જાન છૂટી.


16.

એમાં એક દિવસ ચાર્જ ચાલુ રહી ગયો હશે કે કોઈ પણ કારણે ઢીંગલો ગરમ ગરમ થઇ ગયો. કઈંક વાસ આવી એટલે ચાર્જ બંધ કર્યો. મોના ડરવા લાગી. ઈચ્છો એવું થાય. યોગાનુયોગ ઉન્નતને તાવ આવ્યો. સાદો વાયરલ ફીવર. પણ બે ઘટનાનું સાથે બનવું મોનાના વહેમમાં વધારો કરતું ગયું.


17.

હવે હું પણ ઉન્નતને નવો આવો જ ઢીંગલો અપાવી આ ટકલાથી છૂટવા તૈયાર થયો. મોનાનો કાયમી ડર તો જાય! અમે ઢીંગલાને નજીકની કચરાપેટીમાં ફેંકી દીધો.

બે ત્રણ દિવસ પછી ત્યાંથી પસાર થયાં ત્યાં ઉન્નતનું ધ્યાન ગયું. "મમ્મા, ટક્કુ..!"

અમે જોયું તો કચરાપેટીમાં પડ્યો ઢીંગલો અવાજ કરે છે, એની આંખો પટપટે છે. બધેથી દબાઈ ગયો છે એટલે એની સ્વિચ એક્ટિવેટ થઈ ગઈ છે.


ક મને ફરી ટકલો ઘેર લાવવો પડ્યો.


18.

બંગાળી સખી હમણાં દેખાતી ન હતી. કોઈ કહે એ રાતોરાત બીજે રહેવા જતી રહી. ઢીંગલાનો રાઝ એની પાડોશણે કહ્યો તે મુજબ સખીને ઘેર છોકરું થતું ન હતું ત્યારે કોઈ સાધુએ આપેલો. સંદીપ્તનો જન્મ થતાં એ ઢીંગલો કામનો રહ્યો ન હતો. ફેંકતાં તેનો જીવ ચાલતો નહોતો કે પછી ઢીંગલો જતો ન હતો. આખરે નવો ડ્રેસ પહેરાવી અમને ભેટ આપી દીધેલો.


ઢીંગલો ફેંકી દીધો તે રાત બાદ ઓચિંતી તેના વરની દૂર બદલી થતાં તેણે ઘર બદલેલું. ખાલી કરી ક્યાં ગઈ તે ખબર પડી નહીં.


ઉન્નત ફરીથી રોજ રાત્રે ઢીંગલાને પકડીને સુવા લાગ્યો. મોના જ્યારે પણ જાગે, ઢીંગલા સામું જોવાનું નિવારવા લાગી. વળી રોજ નવું. ઢીંગલો રાતે રોવે, હસે કે એકીટશે જાગે એની સામે જુએ ને આંખો ઘુમાવે. એવું લાગતું હતું.



19.

અમારૂં શહેર દરિયાકાંઠે છે. એક દિવસ દરિયે ફરવા જતાં મોનાએ લાગ જોઈ ભરતીમાં ઢીંગલાને દરિયામાં ફેંકી દીધો. ઘેર આવ્યાં ત્યારે ઉન્નત ઉદાસ થઈ એના ટક્કુને શોધવા લાગ્યો. પછી બેટ બોલ અને બેટરી ઓપરેટેડ કારથી રમવામાં ખોવાઈ ગયો.


20.

ફરી ખાસ્સાં બે અઠવાડિયાં પછી અમે બળેવના દરિયો પૂજવા અને ફરવા ગયાં. ઉન્નતને પકડી છબછબિયાં કરાવું ત્યાં મારા પગ સાથે કાંઈક અથડાયું. મેં નીચે જોયું. અરે! ટકલો! તણાઈને દૂર ગયો હશે કે નહીં, દરિયાના કચરા સાથે પાછો આવ્યો. એ કેમ? બરાબર. પોલું તરે અને પ્લાસ્ટિક ક્યારેય ઓગળે નહીં. ટકલો એકી ટશે ઉન્નત સામું જોતો હોય એમ લાગ્યું.


મોનાએ મારો હાથ ઝાલી ઉન્નતનું ધ્યાન પડે તે પહેલાં જલ્દી ત્યાંથી નીકળી જવા સંજ્ઞા કરી. અમે પાછળ જોયા વગર ઝડપથી ચાલવા લાગ્યાં.


ત્યાં તો હળવી ભરતીનું એક મોજું આવ્યું. અમારી પીંડી ડૂબે તેટલાં મોજાં સાથે ટકલો ઢીંગલો ઊછળ્યો.


જાણે બાય.. કરતો હોય તેમ તેના હાથ હલ્યા. આંખો પટપટી. કોણ જાણે ક્યાંથી ઉન્નતનું ધ્યાન ગયું "ટક્કુ.." કહી તેણે બુમ પાડી. મોનાએ ઉન્નતને કહ્યું "ટક્કુને બાય કહો!" અને તેના હાથ હલાવ્યા.

ઉન્નત તેના નાનકડા હાથે બાય કરે ત્યાં તો ભરતીનાં મોજાં સાથે ટકલો અલોપ થઈ ગયો. ભીના વસ્ત્રે મોના મને વળગી પડી. તેના ગાલ સમુદ્રની છાલકે કે આંસુની ધારાએ ભીના થઈ મારા ખભાને ભીંજાવતા રહ્યા. અમારા પગની કમાન વચ્ચેથી ઉન્નત ડોકું કાઢતો રહ્યો.

એક અંકલે "મસ્ત પોઝ." કહી અમારી સામે મોબાઈલ ધરી ક્લિક કર્યું.

…….