No Girls Allowed - 43 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 43



આખરે અનન્યા અને આદિત્યના લગ્નનો દિવસ આવી જ ગયો. લગ્નનો મંડપ એક મોટા હોલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં આદિત્ય અને અનન્યાની બંને ફેમિલી અને મિત્રો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા. આદિત્યે પોતાના લગ્નમાં ખૂબ ખર્ચો કર્યો હતો. આદિત્ય એક સફળ બિઝનેસમેન હોવાથી દુર દૂરથી મહેમાનો મેરેજ અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા. મહેમાનોની સારસંભાળમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે એવો જબરદસ્ત ઇન્તજામ કર્યો હતો. મુહર્ત પ્રમાણે ગોર દ્વારા લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. આદિત્ય એ ઈન્ડો વેસ્ટર્ન કપડાં પહેર્યા હતા. જ્યારે અનન્યા એ મરૂન રંગનો લહેંગા ચોળી પહેરી રાખ્યો હતો. બન્નેની જોડી એકદમ પરફેક્ટ લાગી રહી હતી. એક પછી એક રિતી રિવાજો અનુસાર લગ્નની વિધિ આગળ વધી. અંતમાં આદિત્યે અનન્યાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને અનન્યાના સેંથામાં સિંદૂર લગાવીને લગ્નની વિધિ પુર્ણ કરી. વિદાયના સમયે રમણીકભાઈ મનમૂકીને રડ્યા. એકને એક દિકરીની વિદાય થતાં કડવીબેન જાણે હિંમત હારી ગયા હતા ત્યારે અનન્યા એ એમના આંસુ લૂછ્યા અને દીકરીની ફરજ નિભાવી. અનન્યાને સૌથી વધારે દુઃખ પોતાના પિતાથી અલગ થવાનું હતું. ત્યાર બાદ મિત્રોને ભેટીને અનન્યા પોતાના સાસરિયાં તરફ જવા નીકળી ગઈ.

ઘર પ્રવેશની વિધિ પરિપૂર્ણ કર્યા બાદ અનન્યા એ ઘર પ્રવેશ કર્યો. લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. જેથી અનન્યા અને આદિત્ય બન્ને થાકી ગયા હતા. સુહાગરાત માટે આદિત્યે મસ્ત મઝાનો બેડ સજાવી રાખ્યો હતો. અનન્યાના પસંદના ફૂલો અને ગુલાબથી આખો રૂમ સજાવેલો હતો. મીણબત્તીથી આખા રૂમમાં આછું અજવાળું છવાયેલું હતું. એસીની ઠંડો પવન અને રૂમમાં ચાંટેલા એર ફ્રેશનરથી આખુ ઘર મહેકી ઉઠ્યું હતું. આદિત્ય અને અનન્યા એ એકસાથે રૂમમાં પ્રવેશ કર્યો. અનન્યા થોડી અચકાતી અચકાતી બેડ પર બેસી ગઈ. આદિત્યે રૂમનો દરવાજો બંધ કર્યો અને એ પણ અનન્યાની બાજુમાં બેડ પર બેસ્યો. બંને એકબીજાથી શરમાય રહ્યા હતા. બંનેના હદયની ગતિ તેજ થઈ રહી હતી. આવા ઠંડા રૂમમાં પણ આદિત્યને ગરમી મહેસૂસ થવા લાગી હતી. તેણે ખૂબ હિંમત કરીને અનન્યાના હાથનો સ્પર્શ કર્યો. અનન્યા થોડીક અસ્વસ્થ મહેસૂસ કરી રહી હતી. આદિત્ય ધીમે ધીમે પોતાના હાથને અનન્યાના ગળા તરફ લઈ જઈ રહ્યો હતો. અનન્યા નીચું નજર કરીને બસ ચૂપચાપ બેઠી હતી. આખરે આદિત્યે પોતાના બન્ને હાથ અનન્યાના બંને ગાલો પર રાખી દીધા અને ધીમે ધીમે પોતાના હોઠને અનન્યાના હોઠો તરફ લઈ જઈ રહ્યો હતો. બન્ને હોઠોનું મિલન થાય એ પહેલા જ અનન્યા એ આદિત્યના બંને હાથ પોતાના ગાલોથી છોડાવ્યા અને કહ્યું. " આદિત્ય...આઈ એમ ટાયર્ડ...આઈ વોન્ટ સ્લીપ નાવ...પ્લીઝ આજ માટે આપણે સૂઈ જઈએ...."

અનન્યાનો આવો વર્તાવ જોઈને આદિત્ય ચોંકી ગયો. આદિત્યે જે સુહાગરાતના સપના જોયા હતા એ જાણે ચૂરચૂર થઈ ગયા હતા. આદિત્ય એકદમ દુઃખી થઈ ગયો છતાં પણ અનન્યાના કહેવાથી તેણે અનન્યાને સુવા માટે કહી દીધું. અનન્યા તરત જ પડખું ફરીને સૂઈ ગઈ અને આદિત્ય બીજી તરફ મોં રાખીને વિચારે ચડ્યો.

' આઈ એમ સોરી આદિત્ય...પ્લીઝ મને માફ કરી દેજે...હું જે પણ કરી રહી છું એ આપણા હેલ્થી રીલેશનશીપ માટે જ કરી રહી છું..' અનન્યા એ મનોમન આદિત્ય પાસે માફી માગી અને સૂઈ ગઈ. જ્યારે આદિત્યની નીંદર જ ઉડી ગઈ હતી. હજારો વિચારો અડધી રાતે આદિત્યને પરેશાન કરી રહ્યા હતા. પરંતુ અંતમાં આદિત્યે અનન્યાની વાતનો સ્વીકાર કર્યો અને એ પણ સૂઈ ગયો.

અનન્યાની સાસરિયાંમાં પહેલી સવાર હતી. વહેલી સવારે ઊઠીને અનન્યા એ પોતાની પહેલી ચા પાર્વતીબેન અને કાવ્યાને આપી. ચાનો પહેલો ઘુંટ પીતા જ કાવ્યા એ વખાણ કરવાના શરૂ કર્યાં પરંતુ પાર્વતીબેને ખામી કાઢતા કહ્યું. " એટલી પણ ચા ખાસ નથી..જેવી રોજ પીવું છું એવી તો છે. એમાં શું આટલી તારીફ કરે છે..."

ડાઇનિંગ ટેબલ પર આદિત્ય અને કાવ્યા બેસીને નાસ્તો કરી રહ્યા હતા જ્યારે એના સામેના ટેબલ પર પાર્વતીબેન બેઠા હતા અને અનન્યા ત્યાં ટેબલ પાસે ઊભી સૌને નાસ્તો કરાવી રહી હતી.

પોતાના સાસુ પાસેથી આ પ્રકારની વાતો સાંભળીને અનન્યાને આશ્ચર્ય થયું. કાવ્યા પણ શોકને મારે એના મમ્મીની તરફ જોવા લાગી. થોડીવાર ત્યાં જાણે શાંતિ છવાઈ ગઈ. એકદમ શાંત વાતાવરણ જોતા પાર્વતીબેન ફરી બોલ્યા. " શું થયું કેમ આમ ચૂપચાપ બેઠા છો? હવે હું શું મારી નવી વહુ સાથે હસી મઝાક પણ ન કરી શકું? શું કહેવાય એ હા ચીલ ચીલ... જરા ચીલ થાવ હું તો મારી વહુ સાથે થોડી મસ્તી કરી હતી..."

" શું મમ્મી તે તો અમને ડરાવી જ દીધી..." કાવ્યા એ કહ્યું.

" સાસુ છું ને હવે એટલે મારે આ ઘરમાં ડર રાખવો પડે ...નહિતર સાસુની કોમને ખબર પડશે ને મારાથી નારાજ થઈ જશે તો..?"

" હા સાસુ મા એકદમ સાચું કહ્યું તમે..હવે તમે સાસુ બનીને મને નહિ ખીજાશો તો આ સાસુ વહુનો સબંધ કઈ રીતે ચાલશે?" અનન્યા સાસુની બાજુના ટેબલ પર જઈને બેસી ગઈ અને બંને વાતો કરતા કરતા નાસ્તો કરવા લાગ્યા. પોતાની મમ્મીને અનન્યા સાથે હળીમળીને વાતો કરતા જોઈને આદિત્યને ખૂબ ખુશી થઈ પરંતુ આ ખુશીમાં એક દુઃખ આદિત્યને નિરાશ કરી ગયું. એ દુઃખ હતું પોતાની બહેનની વિદાયનું. આદિત્યે કાવ્યાની પસંદનો છોકરો જ શોઘ્યો હતો. કાવ્યા ને પણ એ છોકરો ખૂબ પસંદ આવ્યો. એ પણ આદિત્યની જેમ એક મોટો બિઝનેસમેન હતો.

આદિત્યે રાતે જ મંડપની બધી તૈયારીઓ કરી લીધી હતી. જમવાથી લઈને મહેમાનોની ખાતેરદારીમાં કોઈ કસર ન રહે એની ખાસ કાળજી રાખવામાં આવી હતી. એક એક ચીજવસ્તુ પર આદિત્ય પર્સનલી ધ્યાન રાખતો હતો. જ્યાં આદિત્ય આ બધી તૈયારીઓમાં લાગ્યો હતો ત્યાં અનન્યા ફોન પર કિંજલ સાથે વાતચીત કરી રહી હતી.

" શું થયું? એવરી થિંગ ઓકે?" કિંજલે પૂછ્યું.

" હા...કાલની રાત તો મેં જેમ તેમ સંભાળી લીધી પણ દરરોજ દરરોજ નવા બહાના હું નહિ કાઢી શકું?" અનન્યા એ પોતાની આપવીતી જણાવી.

" કરવું પડશે અનન્યા કરવું પડશે આ સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી..."

" હા મને ખબર છે પણ આદિત્યને આ હાલમાં હું નથી જોઈ શકતી..."

" થોડાક દિવસ સંભાળી લે પછી બધું ઠીક થઈ જશે..."

" હજી કેટલા દિવસ સંભાળવું પડશે?"

" કાલ તો કાવ્યાના મેરેજ છે તો એક કામ કરીએ એના આગળના દિવસે આપણે અમદાવાદ જવા રવાના થઈ જઇએ..."

" આટલી જલ્દી?" અનન્યા એ ચોંકતા કહ્યું.

" જેટલું વહેલું કામ પતશે એટલા તારે ઓછા બહાના કાઢવા પડશે..."

" ઠીક છે....હું આદિત્યને કોઈ બહાનું કાઢીને અમદાવાદ જવા માટે મનાવી લઈશ..."

" ઓકે તો એ દિવસે રવિવાર છે તો આપણે હવે ત્યારે જ મળીએ... ઓકે ચલ બાય...ગુડ નાઈટ...."

" ગુડ નાઈટ...."

અનન્યા એ જેમ ફોન કટ કર્યો ત્યાં રૂમની બહારથી આદિત્યના આવવાનો અવાજ સંભળાયો. ઘડિયાળમાં નજર કરીને જોયું તો એક થવા આવ્યો હતો. ' હા અત્યારે આ જ કરવું મારા માટે ઠીક રહેશે...' મનમાં બોલતી અનન્યા ચાદર ઓઢીને સૂઈ જવાનું નાટક કરવા લાગી. અનન્યા એ દરવાજો ખોલ્યો અને બેડ પર અનન્યાને સૂતી જોઈને મનોમન કહ્યું. " આજે પણ અનન્યા સૂઈ ગઈ? ચાલો એ પણ ઠીક છે કાલે કાવ્યાના લગ્ન છે તો વહેલી સવારે જાગવું પડશે..ગુડ નાઈટ મારી પ્યારી અનુ..." આદિત્યે અનન્યાના કપાળ પર પ્રેમભર્યું ચુંબન કર્યું અને બાજુમાં જઈને સુઈ ગયો. અનન્યા એ આંખો તો ન ખોલી પરંતુ આંખમાંથી પડતાં આંસુઓએ આદિત્ય માટે પ્રેમનો જાહેર કરી દીધો.


ક્રમશઃ