water books and stories free download online pdf in Gujarati

પાણી

લેખ:- પાણી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




" મમ્મી, જલ્દી ચાલ. દરરોજ આપણે મોડા પહોંચીએ છીએ અને પછી લાઈનમાં છેલ્લે ઉભા રહેવું પડે છે. પછી ટેન્કર પર ચઢીને કૂવામાંથી પાણી ખેંચતા હોય એમ ખેંચવું પડે છે. " કહીને એક બેડ઼ુ અને એક ડોલ લઈને મિત્રા નીચે ઉતરી ગઈ. મિત્રાનું કુટુંબ એક નાનકડાં ગામમાં રહેતું હતું. આમ તો ત્યાં બધું બરાબર હતું. શાકભાજી પણ શહેરોની સરખામણીએ ખૂબ જ સસ્તાં પડતાં હતાં. આખુંય વર્ષ પાણી પણ સરખી રીતે આવતું. બસ, એક ઉનાળામાં થોડી તકલીફ પડતી. આથી ઉનાળામાં નગરપાલિકા તરફથી દિવસમાં એક વાર પાણીનું ટેન્કર આવતું. એ ટેન્કર ગામનાં પાદરે આવતું. આથી સૌએ ત્યાં સુધી પાણી લેવા જવું પડતું.


મિત્રાની પાછળ એની મમ્મી પણ બે ડોલ લઈને ગઈ. આજે ઘરે મહેમાન આવવાનાં હોવાથી વધારે પાણીની જરુર હતી. એટલે બીજી વાર પણ લેવા જવું પડે એમ હતું. આથી જ આજે બંને મા દિકરી વહેલાં જઈને લાઈનમાં આગળ ઉભા રહી ગયાં. થોડી વારમાં પાણીનું ટેન્કર આવ્યું. એક વાર પાણી ભરીને ફરીથી આવીને લાઈનમાં ઉભા રહી ગયાં. પરંતુ ફરીથી એમનો વારો આવે એ પહેલાં જ પાણી જતું રહ્યું. હવે બંને વિચારમાં પડી ગયાં કે શું કરવું? પછી નક્કી કર્યું કે પડશે તેવા દેવાશે, કરીને ઘરે જતાં રહ્યાં. સદનસીબે થોડું સાચવીને પાણી વાપર્યું તો એમને વાંધો નહીં આવ્યો.


આ તો થઈ માત્ર એક ગામની વાત. આપણાં ભારત દેશમાં અને આખીય દુનિયામાં કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. પાણી એ કુદરતી રીતે મળતું પ્રવાહી છે. જો એને સાચવીશું નહીં તો આપણે તો કદાચ જીવી લઈશું, પણ આપણી જ આવનારી પેઢીઓ પાણીની મુસીબતનો સામનો કરશે. હમણાં ભલે આપણી પાસે ગમે એટલું પાણી હોય અને આપણે સાચવીને નથી વાપરતાં, પણ આપણી આ જ પાણી વેડફી નાખવાની આદત ભવિષ્યમાં બહુ મોટી મુસીબત સાબિત થશે.


એક તો માનવીનાં ભૌતિક સુખો અને વસ્તીવધારાને કારણે રહેઠાણની વ્યવસ્થા માટે ઘણાં વૃક્ષો અને જંગલોનું નિકંદન થઈ રહ્યું છે. આથી જમીનમાં જે પાણીનો સંગ્રહ થતો હતો એ ઓછો થઈ ગયો છે. વૃક્ષોનાં મૂળ પાણીને જમીનમાં સંગ્રહી શકે છે. વૃક્ષ જ ન હોય તો પાણી કેવી રીતે જમીનમાં ઊતરે? બીજું કે પ્લાસ્ટિકના અમર્યાદિત ઉપયોગને કારણે જમીનની અંદર પ્લાસ્ટિકનું જ એક આવરણ એવું બની ગયું છે કે જે પાણીને જમીનમાં ઊંડે સુધી ઉતરવા દેતું જ નથી. આથી પાણી જમીનમાં પચી શકતું નથી અને એનો સંગ્રહ થઈ શકતો નથી.


જ્યારે આ સપાટીની ઉપર પાણી વધારે પડતું ભરાઈ જાય છે ત્યારે એ પુર સ્વરૂપે બહાર વહેવા માંડે છે. સારું છે કે ધીમે ધીમે પ્લાસ્ટિકથી થતાં નુકસાન પ્રત્યે જાગૃતિ ફેલાવા માંડી છે. આથી એનો ઉપયોગ થોડે ઘણે અંશે ઘટ્યો છે. હું તો માનું છું કે જો કાપડની થેલી લઈને શાક લેવા જવાની શરમ લાગતી હોય તો હવે તો ઘણી આકર્ષક થેલીઓ મળે છે, એ લઈને જવાનું. શા માટે પ્લાસ્ટિક ભેગું કર્યા કરવાનું? પ્લાસ્ટિકનો સંપૂર્ણ વિરોધ તો શક્ય જ નથી. જેમાં પ્લાસ્ટિક જોઈએ એમાં તો નાછૂટકે વાપરવું જ પડશે, પણ જ્યાં એની જરુર ટાળી શકાય એમ હોય ત્યાં ચોક્કસથી ટાળવી જોઈએ. હું પોતે પણ નેવું ટકા કિસ્સામાં કાપડની થેલી જ વાપરું છું, એ પણ એકદમ સાદી. મને કોઈ જ શરમ લાગતી નથી.


આ સિવાય પાણીની શકય એટલી બચત આપણે કરી શકીએ છીએ, એનો બિનજરૂરી વપરાશ ટાળીને. ઉપરાંત ઘરમાં ભૂગર્ભ ટાંકી બનાવી શકાય જેમાં વરસાદનું પાણી સંગ્રહી શકાય. હવે તો એવી પદ્ધતિઓ પણ છે કે જે વરસાદી પાણીને આખુંય વર્ષ શુદ્ધ રાખી શકે. કોઈ જાણકાર પાસેથી એનાં વિશેની માહિતી મેળવી આ વરસાદી પાણી ઉનાળામાં વાપરી શકાય. જેઓ એપાર્ટમેન્ટમાં રહે છે તેઓ પણ કેમ્પસમાં એક ભૂગર્ભ ટાંકી બનાવી એમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે છે. આ પાણી એમને ઘણી રીતે ઉપયોગી બનશે.


ટૂંકમાં, જો પાણીની તકલીફથી બચવું હોય અને ભાવિ પેઢી માટે પાણી બચાવવું હોય તો ઉપાયો તો કરવા જ પડશે. પાણી વગર માત્ર તરસ્યા જ નહીં, ભૂખ્યાં પણ રહેવું પડશે. અનાજ કેવી રીતે ઉગશે? પાણી બચાવો,જરુર પૂરતું જ વાપરો. એનો બગાડ થતો અટકાવો.


આભાર.

સ્નેહલ જાની