No Girls Allowed - 49 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 49



" અનન્યા રેડી?"

" હમમ.." આદિત્યે અનન્યાના એક બેગને પોતાના ખભે રાખ્યું અને બીજા બેગને હાથમાં લેતો પોતાના રૂમથી હોલ તરફ આવ્યો. મમ્મીનાં આશીર્વાદ લઈને આદિત્ય અનન્યાને પોતાના ઘરે ડ્રોપ કરવા કારમાં નીકળી ગયો. આખા રસ્તે ન અનન્યા કંઈ બોલી કે ન આદિત્યે એક વખત પણ અનન્યા સામું જોયું. થોડીવારમાં ગાડી અનન્યાના ઘરના ગેટ પાસે ઊભી રહી. અનન્યા પોતાની સાથે એક બેગ લેતી ઘરમાં જતી રહી.

" મમ્મી...." અનન્યા એ બૂમ પાડીને કહ્યું.

" અનન્યા તું!!!" અનન્યાને જોતા જ કડવીબેન બોલી ઉઠ્યા.

મમ્મી મમ્મી કરતી અનન્યા સીધી એને જઈને ભેટી પડી.

" દરવાજો પપ્પા એ ખોલ્યો અને પપ્પાને જ ભૂલી ગઈ..." રમણીકભાઈ એ ફરિયાદ કરતા કહ્યું.

" સોરી પપ્પા..." અનન્યા સૌ પ્રથમ પિતાના પગ લાગી અને પછી એમને પણ ભેટી પડી.

" જમાઈ રાજા આવો આવો..." રમણીકભાઈ એ બેસવાનો આગ્રહ કર્યો.

આદિત્યને લેટ થઈ રહ્યું હતું એટલે કહ્યું. " બેસવાની તો ઈચ્છા ઘણી છે, પણ મારે અત્યારે ઓફીસે જવું જરૂરી છે..."

" બોલો લ્યો ખુદનો બીઝનેસ હોવા છતાં પણ ખુદ માટે જ સમય નથી....આ વખતે જવા દવ છું પણ બીજી વખત આવો ત્યારે જમીને જવું પડશે તમારે..." રમણિકભાઈ એ હસતા હસતા કહી દીધું.

" ચોક્કસ...ચાલો તો હું નીકળું..." આદિત્યે રજા લેતા કહ્યું.

" અરે ચા પાણી તો પીતા જાવ..." કડવીબેન બોલ્યા.

" પછી ક્યારેક ચાલો જય શ્રી કૃષ્ણ..." હાથ જોડીને નમસ્તે કરતા આદિત્ય ત્યાંથી જતો રહ્યો.

" જય શ્રી કૃષ્ણ..." રમણીકભાઈ અને કડવીબેન સાથે બોલ્યા.

આદિત્યના જતા જ અનન્યા પોતાના બેગમાંથી ચીજવસ્તુઓ અને કપડાઓ કાઢવા લાગી.

" શું કરે છે તું? હજી આવી છો આરામ કર...આ કામ તો પછી પણ થઈ જશે..." કડવીબેને અનન્યાને રોકતા કહ્યું.

" હા તારી મા છે ને!, એ કરી નાખશે તું આરામ કર તારા પેટમાં બાળક છે..." રમણિકભાઈ વચ્ચમાં બોલ્યા.

" સાસરીયે તો કામ કરવા દેતા નથી, કમ સે કમ અહીંયા તો થોડુંઘણું કામ કરવા દયો, આમને આમ તો હું આળસુ બની જઈશ અને પછી મારું બાળક પણ આળસુ નીકળ્યું તો?..."

" હમમ..,જોયું કડવી આપણી દિકરી કેટલી સમજદાર થઈ છે..."

" કેમ હું પહેલા સમજદાર નહોતી?" અનન્યા એ નાટકીય અંદાજમાં કહ્યું.

" કેટલીક સમજ લગ્ન પછી જ આવે છે બેટા...અનુભવ વિનાની સમજણ માત્ર પુસ્તકમાં લખાયેલા સુવિચારોની જેમ છે...ખબર બધી છે, યાદ પણ છે પણ સુવિચારો જીવનમાં ઉતરે તો જ એ સુવિચાર સાચો સાબિત થાય છે..."

" મારા ગયા પછી તો પપ્પા ફિલોસોફોર બની ગયા, હેં મમ્મી..."

" મારું છોડ તું તારું બોલ સાસરીયે સાસુ વધારે ખીજાતા તો નથી ને?" કડવી બેને ચિંતા જતાવતા કહ્યું.

" સાચું કહું મમ્મી તો સાસુ મા મને તો ઘરે દિકરીની જેમ જ સાચવે છે, હું ખરેખર ભાગ્યશાળી છું કે એક સાસુ રૂપે મળી છે..."

" ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે મારી દીકરીને સાસુ તો સારી મળી ગઈ..." કડવીબેને આંખ બંધ કરીને પોતાના ઇષ્ટદેવને યાદ કર્યા.

" હા પણ જમાઈ રાજાનું શું? એ કેમ છે? બરોબર સાચવે છે ને?" રમણીકભાઈ એ કહ્યું.

પપ્પાના સવાલ સામે અનન્યાની બોલતી જાણે બંધ જ થઈ અને પરંતુ જવાબ આપવો જરૂરી હોવાથી તેણે વિચારીને કહ્યું. " હા હા આદિત્ય મને સારી રીતે સાચવે જ છે...મમ્મી જલ્દી મારા માટે થેપલા બનાવી દે ને તારા હાથના થેપલા મેં ખૂબ મિસ કર્યા છે..."

" હા હા હમણાં બનાવી દવ..." કડવી બેને હરખાતાં હરખાતાં કહ્યું.

" ચલ હું પણ આવું છું જોવ તો ખરા મારા ગયા પછી રસોડામાં કંઈ બદલાઈ તો નથી ગયું ને..." પપ્પાના સવાલ જવાબથી બચવા માટે અનન્યા પોતાની મા સાથે રસોડામાં જતી રહી.

રમણીકભાઈ એ ખાસ ધ્યાન ન દોર્યું અને ટીવી ચાલુ કરીને સમાચાર જોવા લાગ્યા.

અનન્યાની પ્રેગનેન્સીના બે મહિના પૂર્ણ થઈ ચૂક્યા હતા. એક મહિના જેટલો સમય તેમણે સાસરીયે વિતાવ્યો અને બીજો મહિનો તેણે પોતાનાં ઘરે પસાર કર્યો.

અનન્યા પોતાના ફોનમાં જૂના ફોટો જોઈ રહી હતી ત્યાં કિંજલનો એના પર કોલ આવ્યો.

" અનન્યા ક્યાં છે તું?"

" હું ઘરે જ છું..."

" તો જલ્દી તારાં ઘર નજદીક પાણીપુરી વાળો છે ને ત્યાં આવી જા..."

" યાર પાણી પૂરી ખાવાની ઈચ્છા તો ઘણી છે પણ ડોક્ટરે ના પાડી છે..."

" અરે આપણી કોલેજની બધી ફ્રેન્ડ અહીંયા ભેગી થઈ છે ચલ ને આવ ને થોડીક પૂરી ખાઈશ તો કંઈ તબિયત ખરાબ નહિ થઈ જાય, ચલ આવ ઝડપથી અમે તારી રાહ જોઈએ છીએ ઓકે બાય..."

" અરે પણ કિંજલ..." કિંજલે ત્યાં સુધીમાં ફોન કટ જ કરી નાખ્યો.

" શું કરું જાવ કે ન જાવ...મમ્મીને કહીશ તો જવા નહિ દેય એક કામ કરું ફ્રેન્ડને મળવા જાવ છું કહીને જઈ આવું...હા આ ઠીક રહેશે..." મનમાં અનન્યા એ પ્લાન બનાવી નાખ્યો.

" મમ્મી...હું મારી ફ્રેન્ડને મળવા જાવ છું, હમણાં થોડી વારમાં આવી જઈશ..." અનન્યા એ ગેટ પાસે ઊભીને કહ્યું.

" હા પણ પૂરી ઓછી ખાજે...યાદ છે ને ડોકટરે ના પાડી છે..." મમ્મી એ સામે ઉત્તર આપ્યો.

" હા હું યાદ રાખીશ અને થેન્ક્યુ મમ્મી....." અનન્યા ચપ્પલ પહેરીને ઘરેથી નીકળી ગઈ.

વર્ષો બાદ આજે બધી કોલેજ ફ્રેન્ડને એકસાથે જોઈને અનન્યાના દિલમાં હરખ નહતો સમાતો. સાત આઠ મિત્રોના ગૃપે આખા પાણીપૂરીવાળાને ફરતેકોરથી ઘેરી લીધો હતો. ખાટી મીઠી પાણીપુરીની સાથે શરૂ થયેલી વાતો તીખી પાણીપુરી સુધી ચાલી. અડધી કલાક સૌ એ ભેગા મળીને જૂની નવી બધી વાતો એકસાથે કરી લીધી. એક પછી એક કોલ આવતા બધા ધીમે ધીમે છુમંતર થવા લાગ્યા અને છેલ્લે બચી કિંજલ.

" જોયું અનન્યા અહીંયા પણ છેલ્લે તારી સાથે હું જ બચી ને?" કિંજલે વટ કરતા કહ્યું.

" હા હા તું તો મારી છે જને બેસ્ટ ફ્રેન્ડ..." કિંજલના ગાલ ખેંચતી અનન્યા એ કહ્યું.

" અરે હા હું તને પૂછવાની હતી કે આદિત્યનો ગુસ્સો શાંત થયો કે નહિ?"

" મને લાગે છે આ લડાઈ ખૂબ લાંબી ચાલશે..." ઉદાસ થતી અનન્યા એ કહ્યું.

" તું ચિંતા ન કર, જો આદિત્ય ન માને તો હું એને સમજાવીશ..અને તો પણ ન માને તો તારા પપ્પાને સમજાવીશ..."

" મારા પપ્પાને કેમ?"

" અરે ડિવોર્સ લેવા માટે...."

" આ તું શું વાત કરે છે?"

" હું સાચું તો કહુ છું તું જ વિચાર કર, કે જે વ્યક્તિ લગ્નના બે ત્રણ મહિનાઓમાં જ તને આટલો હેરાન કરવા લાગ્યો હોય એવા વ્યક્તિ સાથે જીવન વિતાવવાનો શો અર્થ?"

" લાગે છે કે પાણીપુરી તારા દિમાગમાં ચડી ગઈ છે...તું હવે જા ઘરે અને હું પણ જાવ છું...લેટ થઈ જશે તો મમ્મી ફરી આવવા પણ નહિ દેય..."

" ઓકે બાય...ધ્યાન રાખજે તારું...." કિંજલ ત્યાંથી પોતાના રસ્તા તરફ નીકળી ગઈ અને અનન્યા એ પોતાના ઘર તરફ કદમ વાળ્યા.

સાંજનો સમય હોવાથી રસ્તે ટ્રાફિક ઘણી હતી. રસ્તાની બન્ને સાઈડથી ગાડીની અવરજવર વધી રહી હતી. આવા સમયે અનન્યા રસ્તાની પેલે પાર જવા આગળ વધી તો અચાનક એક છોકરો જોરથી એની સાથે ટકરાયો. જેથી અનન્યાનું બેલેન્સ બગડ્યું અને એ જમીન પર પડવાની જ હતી કે પાછળથી એક અજાણ્યા હાથે એના હાથને થામી લીધો અને અનન્યા પડતી પડતી બચી ગઈ. અનન્યા એ મનમાં હાશકારો અનુભવ્યો અને મદદ કરનારા એ વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા પાછળ ફરીને જોયું તો અનન્યા જોતી જ રહી ગઈ. ચારેકોર ગાડીઓની અવરજવર નિરંતર ચાલુ જ હતી છતાં પણ અનન્યા રસ્તાની વચ્ચે એ વ્યક્તિના સહારે ઊભી જ રહી. જાણે અનન્યા માટે સમય જ થંભી ગયો હતો. અનન્યા હોશમાં આવી અને અને કહ્યું. " રાહુલ તું???"

ક્રમશઃ