ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 65
શિર્ષક:- ચમત્કારોની ભીતરમાં
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 65.."ચમત્કારોની ભીતરમાં"
આધ્યાત્મિક ક્ષેત્રમાં ચમત્કારની ચર્ચા ન હોય તેવું ભાગ્યે જ બને. સંતોનાં, ભક્તોનાં ચરિત્રો ચમત્કારોથી ભરપૂર હોય. આ ચમત્કારોમાં કેટલું તથ્ય હશે તેની કોઈને પરવા નથી હોતી. શ્રદ્ધા અને તેમાં પણ અંધશ્રદ્ધાનું ક્ષેત્ર સંશોધકો વિનાનું હોય, એટલે સત્ય-અસત્યનો ભેદ કરવો તેમના માટે લગભગ શક્ય નથી હોતો. આ ચમત્કારોની કથાઓ તથા ચમત્કારપ્રિય અભિગમે ભારતને પારાવાર હાનિ પહોંચાડી છે. પ્રત્યેક કુદરતી કે અકુદરતી આપત્તિમાં માણસો કોઈક ચમત્કારની અપેક્ષા રાખતા થઈ જાય છે. વ્યક્તિના વ્યક્તિગત પ્રશ્નો હોય તોપણ કોઈ સંતપુરુષ આશીર્વાદ આપે ને હું પૈસાદાર થઈ જાઉં, મારી દીકરી પરણી જાય, મને લૉટરી લાગી જાય-તેવી અપેક્ષા રાખે છે.
ચમત્કારોની માયા એટલા મોટા પ્રમાણમાં શિક્ષિત-અશિક્ષિત પ્રજામાં ફેલાયેલી છે કે તેને નિર્મૂળ કરવામાં ઘણી જ કઠિનાઈ પડી રહી છે. અસંખ્ય ભગવાનો આ દેશમાં લોકોના ઉદ્ધાર માટે ફરી રહ્યા છે. પ્રત્યેક ભગવાન સુપરમૅન હોવાનો દાવો કરે છે. તેમના દાવાને પડકાર આપનાર કોઈ નથી. નાસ્તિકતાના ક્ષેત્રમાંથી કાંઈક પડકાર થયો, પણ નાસ્તિકતાના કારણે તેની પ્રભાવશક્તિ સીમિત હોવાથી લોકોના માનસને તે પ્રભાવિત ન કરી શક્યો. આસ્તિકતાના ક્ષેત્રથી આવો પડકાર થવો જોઈતો હતો, પણ આસ્તિકતાનું ક્ષેત્ર ચમત્કારોના સરળ લાભોથી પોતાને વંચિત કરવા તૈયાર થાય તો આવો પડકાર કરી શકાય ને? સૌ કોઈને આ સરળ માર્ગના વિપુલ લાભો ગમતા હોવાથી સૌ કોઈ ચૂપ રહે છે.
મેં એક-બે મોક્ષદાતા ભગવાનોને કહ્યું, તમે બહુ ચમત્કારી ભગવાન છો, તેવું તમારી જાતે કહો છો, હજારો ભક્તોને કશા જ ક્રમ વિના જ મોક્ષ કરી દેનારા તમે રાજકોટ જાઓ અને તરસે મરતી પ્રજાને પાણી આપો. સૌરાષ્ટ્ર પાણી વિના વલખાં મારે છે, જાઓ, તેમને પાણી પીતા કરો. જો તેવું ન કરો તો ભગવાન કહેતાં શરમાઓ, લાજી મરો. લોકો જો જાગૃત થાય તો આવા ભગવાનને પાણી આપવાનું બંધ કરે, પાણી આપો તો પાણી મળે તેવો પડકાર ફેંકનાર નીકળે તો આ બિલાડીના ટોપ જેવા ફૂટી નીકળેલ ભગવાનો આપોઆપ સમાપ્ત થઈ જાય. જે દેશમાં આટલા બધા ભગવાન હોય તે દેશ અન્ન વિના, જળ વિના, મકાનો વિના ( ઝૂંપડપટ્ટીઓમાં) વાહનો વિના, અરે જીવનની કોઈ સગવડ વિના તરફડતો હોય તેવું કેમ બને !
યુરોપ-અમેરિકામાં આવાં ચમત્કારિક ભગવાનો નથી. છતાં ત્યાં પ્રજાને સુખસગવડો મળે છે, જે સ્વચ્છ રાજકારણ, કાર્યદક્ષતા અને પ્રમાણિક અધિકારીઓ, સાચા વ્યાપારીઓ અને દેશભક્ત છે તેવું અહીં કેમ નથી? કારણ કે પ્રજાને ગુમરાહ કરનારા આ ભગવાનો, ચમત્કાર અને મોક્ષના નામે લોકોને ઊંધા માર્ગે ચડાવી રહ્યા છે.
મારી સાથે અસંખ્ય ચમત્કારોની ઘટનાઓ સંકળાયેલી છે. જો લોકરુચી તથા અભિગમને હું પ્રોત્સાહન આપું તો હું પોતે પણ એક ચમત્કારિક પુરુષ થઈ શકું તેમ છું. પણ હું જાણું છું કે આ ચમત્કારો છે જ નહિ, આ તો માત્ર વિશિષ્ટ અભિગમથી થનારી માત્ર કલ્પના છે. ચમત્કારમાં ગણાવી શકાય તેવા અસંખ્ય પ્રસંગોમાંથી બે-ચાર પ્રસંગો અહીં આપીશ.
એક નાના સરખા ગામની સીમમાં ઝૂંપડી બાંધીને હું રહું. પ્રવચન કરવા તથા જમવા પૂરતો જ ગામમાં જાઉં, લોકોને મારા પ્રત્યે ચાહના તથા અહોભાવ જાગેલો. એક રાત્રે દોઢ વાગે ગામનો વૃદ્ઘ વાળંદ તથા તેની દીકરી તથા એક વર્ષના દૌહિત્રને લઈને ઝૂંપડીએ આવ્યો. ડરતાં ડરતાં મને જગાડ્યો. પેલું એક વર્ષનું સાવ માંદલું, હાડપિંજર માત્ર, રડવાની પણ શક્તિ વિનાનું મડદાલ બાળક મારા પગમાં મૂકીને બન્ને રડવા માંડ્યાં. હું ઘટનાને સમજી શક્યો નહિ. અત્યંત કરગરીને બન્નેએ કહ્યું કે આ બાળક જિવાડો તોયે તમારું અને મારો તોયે તમારું. મેં જોયું કે બાળક સાવ મરી જાય તેવું થઈ ગયું હતું. મેં તેમને સમજાવવા પ્રયત્ન કર્યો કે હું કાંઈ દવા જાણતો નથી. તમે સવારે કોઈ ડૉક્ટર પાસે લઈ જાઓ. પણ પેલાં માને નહિ ઘણાયે ડૉક્ટરોને બતાવ્યું બાપા, પણ કોઈ વળ્યું નહિ, હવે તો તમે જ તારણહાર છો.' મેં તેમને ચાલ્યા જવા ખૂબ સમજાવ્યાં પણ તે ખસે નહિ. મને ઊંઘ આવતી હતી અને આ ખસતાં ન હતાં. એટલે છેવટે આ બલાને કાઢવાની દષ્ટિથી મારી પાસે મારા ગુરુજીએ આપેલી શરદીની ગોળીઓ પડી હતી તેમાંથી બે ગોળીઓ પેલા બાળકને ખવડાવી. ભગવાન સારું કરી દેશે તેવું આશ્વાસન આપીને તેમને વિદાય કરી સૂઈ ગયો.
બીજા દિવસથી ગામમાં મારો પ્રભાવ વધવા લાગ્યો. જ્યાં જાઉં ત્યાં અત્યંત અહોભાવ જોવા મળે! મને નવાઈ લાગે. એક મહિનાથી પ્રવચન કરું છું પણ આ એકદમ આટલો બધો પ્રભાવ કેમ વધી ગયો હશે?
બનેલું એવું કે પેલા વૃદ્ધ વાળંદે બીજા જ દિવસથી ગામમાં પ્રચાર કરવા માંડેલો કે મારી દીકરીનું બાળક મરી ગયેલું, તે મડદું લઈને અમે રાત્રે બાપજીની ઝૂંપડીએ ગયેલાં અને બાપજીએ સજીવન કરી આપ્યું વગેરે... વગેરે... સજીવન થયેલા બાળકને જોઈને ગામનાં નરનારીઓનો મારા પ્રત્યે અત્યંત અહીંભાવ વધી ગયો હતો.
ખરેખર તે બાળક મરી ગયું ન હતું પણ માંદું હતું. પણ પેલા વાળંદે પોતાની ભાષા પ્રમાણે રંગોળી પૂરવા માંડેલી એટલે વાતમાં જોર આવ્યું મેં તેને જે દવા આપેલી હતી તે તો શરદીની હતી. કશું જાણ્યા-સમજ્યા વિના માત્ર તેને અહીંથી રવાના કરવા પૂરતી જ આપી હતી, પણ તેનાથી પેલા બાળકને રાહત થઈ હતી. સવારે તે સાજું થઈ ગયું હતું. કદાચ તે તેના માટે ઔષધિરૂપ પણ નીવડી હોય. બસ પછી તો શું પૂછવું? હવે મારી માન્યતા વિદ્વાન તરીકે નહિ, પણ ચમત્કારિક સિદ્ધ પુરુષ તરીકે થઈ ગઈ.
બીજી ઘટનાઃ શ્રદ્ધાળુ ભક્તો પોતાના પૂજ્ય સાધુ-સંતો પ્રત્યે ચમત્કારિક ભાવ રાખતા જ હોય છે, તેમાં પણ કોઈ સાચીખોટી એકાદ ઘટના વહેતી થઈ જાય તો પછી ટોળાં ઊભરાતાં વાર ન લાગે.
વાળંદની ઘટનાએ આખા ગામમાં મારું જુદું જ સ્વરૂપ નિખરાવી દીધું હતું. તેવામાં એક બીજી ઘટના બની. હું સાંજે ફરવા જાઉં, ત્રણચાર માઈલ અત્યંત ગતિમાં ચાલું, કોઈ સાથે હોય તો તેને દોડવું જ પડે. ત્યારે સડકો બનેલી નહિ, ધૂળિયા રસ્તા અને બન્ને બાજુ ખેતરોની ઊંચી ઊંચી વાડો. હું સપાટાબંધ ચાલ્યો જતો હોઉં. એક કાટખૂણાવાળા વળાંકે જઈને પાછા વળવાનું મેં નક્કી. કર્યું. બીજી તરફ થુવરની ઊંચી ઊંચી વાડો હતી. બરાબર કાટખૂણે જઈને અત્યંત ગતિમાં પાછો ફર્યો, તેવો બીજી દિશામાંથી એક ઠાકોરનો છોકરો આવતો હતો. તેની નજર મારા ઉપર પડી. મારું પાછું વળવું અને ગતિમાં ચાલવું તથા કાટખૂણાની બીજી બાજુથી તેનું પણ આ બાજુ નીકળતું - આ બધું એક જ ક્ષણે થયું. એટલે તેને તો એમ જ થયું કે હું જમીનમાંથી પ્રગટ થયો છું. આટલામાં ક્યાંય હતા નહિ અને મહારાજ જમીનમાંથી પ્રગટ્યા છે. તે છોકરો મારી પાછળ દોડ્યો અને પગમાં પડીને ખૂબ નમસ્કાર કર્યા. મને તો ખ્યાલ સરખો પણ નહિ કે આ છોકરો મને ભૂમિમાંથી પ્રગટ થયેલો માનીને આવી રીતે નમસ્કાર કરી રહ્યો છે. ગામમાં જઈને તેણે લોકો આગળ પ્રચાર કરવા માંડ્યો કે મહારાજને મેં સગી આંખે જમીનમાંથી પ્રગટ થતા જોયા.' વાળંદની હવા તો હતી, તેમાં આ બીજી ઘટના મળી. હવે તો ગામમાં મારું માન અત્યંત વધી ગયું. મારા કાને આ ચમત્કારોની વાતો આવવા લાગી ત્યારે મેં કથામાં લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો કે હું સામાન્ય માણસ છું. કશા જ ચમત્કારો જાણતી નથી. પણ મારી વાતની અસર ઊલટી પડી. લોકો કહે કે મહારાજ તો આપણને ભુલાવામાં નાખવા આવું કહે છે. તે તો પૂરેપૂરા ચમત્કારિક પુરુષ છે. ચમત્કારોની હવા એટલી સરળતાથી પ્રસરાવી શકાય છે કે ધાર્મિક ક્ષેત્રમાં બીજા બધા માર્ગો કરતાં આ ટૂંકો માર્ગ અપનાવવા લગભગ સૌ તૈયાર થઈ જાય છે.
ત્રીજી ઘટના : આશ્રમમાં બેઠો બેઠો અનાજ લેવા આવનારને હું કાર્ડ કાઢી આપતો હતો. એક વૃદ્ધ ડોસાને કાર્ડ આપવા માટે નામઠામ વગેરે લખીને કાર્ડ ઊલટાવી બીજી તરફ લખવા પ્રયત્ન કર્યો. હું કાર્ડની સામે જ જોતો રહી ગયો. કાર્ડની ઉપર લાલ રંગના છાંય પડેલા હતા. હું સમજી શક્યો નહીં. આજુબાજુ બેઠેલા માણસોને મેં કાર્ડ બતાવ્યું. તેમણે લાલ રંગનાં છાંટણાં જોયાં. સૌ ચમક્યા, અને રાજી રાજી થઈ ગયા. ‘બાપજી, કંકુનાં છાંટણાં થયાં છે..... નક્કી..... કંકુના છાંટા પડ્યા છે.” સૌ કોઈ આનંદમાં આવી ગયા. પણ મારું મન માનતું ન હતું. હું વિચારે ચડી ગયો. તેવામાં મારા મસ્તિષ્કમાં ચમકારો થયો. હું હસી પડ્યો. બનેલું એવું કે હું ખુરશી ઉપર ખુલ્લા આકાશમાં નીચે બેઠેલો, ચોમાસાનાં વાદળાં આકાશમાં હતાં. તેમાંથી કોઈ કોઈ છાંટો પડ્યા કરતો હતો. કાર્ડને નોંધવા માટેનું જે રજિસ્ટર મારા હાથમાં હતું તે તેનું પૂંઠું લાલ રંગનું હતું. પેલા છાંટા લાલ ચામડાના પૂંઠા ઉપર પડેલા, તેના ઉપર મેં કાર્ડ મૂકેલું, અને પછી ઉલટાવેલું એટલે પૂંઠાનો રંગ કાર્ડને ચોટલો આ રીતે કાર્ડ ઉપર લાલ રંગનાં છાંટણાં દેખાયેલાં. મેં સૌને વાત સમજાવી ત્યારે સૌનું સમાધાન થયું.
જો આ ઘટનાને સમાચાર પત્રોમાં મોકલી આપી હોત તો અવશ્ય છપાઈ ગઈ હોત. લોકોમાં મારા આશ્રમની પ્રતિષ્ઠા કોઈ દૈવી શક્તિના રૂપમાં વધી ગઈ હોત. લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હોત. પણ આમ કરીને તો લોકોની અંધશ્રદ્ધાને જ પોષનારો થાત. સામાન્ય બાબત પણ કેવી રીતે ચમત્કારિક થઈ જાય તેનો આ નમૂનો કહેવાય.
ચોથી ઘટના : એક નગરથી આખી બસ ભરીને ભક્તો ભજન કરવા આવ્યા. આવતાં પહેલાં તેમણે જ રસોઇયા વગેરેને રસોઈ કરવા મોકલેલા. સાઠેક માણસની રસોઈ માટે જે-જે સીધું જોઈએ તે મેં આપ્યું અને રસોઈ થઈ. સાંજના સમયે બસ આવી. પ્રથમ સૌ જમવા બેઠા. જમીને ભજન કરવા બેઠા. ભજન સાંભળવા ગામમાંથી અસંખ્ય સ્ત્રી-પુરુષો, બાળકો વગેરે આવવા લાગ્યા.આ સૌને મેં જમાડ્યાં. અઢીસો ઉપર માણસો જમ્યાં. ભજન કરનારાઓને નવાઈ લાગી. તેમણે પોતાના જ મોકલેલા મહારાજને બોલાવીને પૂછ્યું કે “રસોઈ કેટલી કરેલી?” તેણે જવાબ આપ્યો કે "પંચાવન માણસની!” તો પછી આ અઢીસો ઉપર માણસો કેવી રીતે જમ્યાં?” રસોઇયો ભક્ત માણસ હતો. તેણે કહ્યું કે મને નવાઈ લાગે છે. રસોઈ ખૂટતી જ નથી. બાપજી ચમત્કારિક પુરુષ છે.' બસ સૌને થઈ ગયું કે હું ચમત્કારિક પુરુષ છું. સૌનો મારા પ્રત્યેનો અહોભાવ વધી ગયો હતો.
ખરેખર ઘણા માણસ જમવામાં આવું કારણ હતું. પ્રથમ તો પંચાવન માણસ કરતાં વધારે મેં સીધું આપેલું. જેથી દસ-વીસ માણસો ભળી શકે. બીજું, પેલી મંડળી છેક સાંજે આવેલી પાણી પી પીને પેટ ભરી ચૂકેલી એટલે થોડું જ જમી. ત્રીજું ગામમાંથી જે લોકો આવતાં તે જમીને જ આવતાં, છતાં મારા આગ્રહથી જમવા બેસતાં. એટલે તે બધાં નામમાત્ર જ જમતાં. આ રીતે ઘણા માણસો જમ્યાં. આમાં કશો જ ચમત્કાર ન હતો, પણ ચમત્કારોની હવામાં જ લોકોને જીવતા કરવા હોય તે આવી રીતે ઘટનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે. હું પ્રચાર ન કરું, અરે વિરોધ કરું તોપણ લોકો સ્વયં પ્રચાર કરે. લોકોને પોતાની પૂજ્ય વ્યક્તિના ચમત્કારોનું વર્ણન કરવામાં અનહદ આનંદ આવતો હોય છે. રંગોળીઓ પૂરીપૂરીને વાતો ચગાવતા હોય છે. સમાચારપત્રોના કટારલેખકોને તો આવો મસાલો જોઈતો જ હોય છે. પોતે જેને સાચી ન માનતા હોય તેવી ઘટનાઓને પણ તેઓ છાપતા હોય છે. લોકોની વિકૃત રુચિને પંપાળવામાં તેમનો ધંધો ચાલતો હોય છે.
પાંચમી ઘટના : એક ગામમાં કથા-પ્રવચનનો કાર્યક્રમ થયો. આખું ગામ હિલોળે ચડયું. મંદિરના પૂજારીને મારા પ્રત્યે બહુ જ ભાવ થઈ ગયો હતો. હું વિદાય થયો. થોડા જ દિવસો પછી પેલા પૂજારીને સાપ કરડ્યો. ઘરવાળાં ગભરાયાં. ભૂત-ભૂવા, દવા વગેરે કરવાનો આગ્રહ કર્યો પણ પેલા પૂજારીએ સાફ ના પાડી દીધી. મારું નામ લઈને ત્રણ વાર ધૂળ પેલા ડંખ ઉપર નાખી: જય સચ્ચિદાનંદ મહારાજ' સર્પ ઊતરી ગયો અને સારું થઈ ગયું, તેણે તથા મારા પ્રેમી ભક્તોએ ખૂબ પ્રચાર ચલાવ્યો કે બાપજીએ સર્પનું ઝેર ઉતારી નાખ્યું, અરે મહારાજ તો હાજરાહજૂર છે વગેરે.
ખરેખર શું થયેલું ? જે સાપ કરડેલો તે બિનઝેરી હતો. (બધા જ સર્પો કાંઈ ઝેરી નથી હોતા.) એટલે તેને નામ માત્રનું જ ઝેર ચડેલું જે સમય જતાં આપોઆપ ઊતરી ગયેલું. હા, એટલું જરૂર કે શ્રદ્ધાના બળથી તેને અવલંબન મળ્યું, જેથી તે હિંમત રાખી શક્યો. નહિ તો સર્પના ઝેર કરતાં પણ હિંમત હારી જવાથી વધુ હાનિ થતી હોય છે. આવા પ્રસંગમાં કાંઈ જ ચમત્કાર ન હોવા છતાં ચમત્કારનું રૂપ ઘડાઈ જાય છે. આ જ પૂજારીને તીવ્ર ભાવનાના કારણે હું મંદિરમાં દેખાયેલો અને મને પાણી પિવડાવવા પ્યાલો લઈને તે દોડેલો. ખરેખર તો હું ત્યાં હતો જ નહિ, પણ તેની મનોભૂમિકાએ મારું દૃશ્ય ઉપસ્થિત કરેલું, બીજા બધા બેઠેલા પણ કોઈને ન દેખાતાં તેને જ માત્ર હું દેખાયેલો.આ ઉપરથી પ્રચાર થયો કે હું અનેક શરીર ધારણ કરી દર્શન આપી શકું છું; ખરેખર તો મારામાં આવી કશી જ શક્તિ ન હતી. હું જાણતો પણ ન હતો, પણ તેની મનોભૂમિકાએ મારી ઝાંખી થયેલી. મનોભૂમિકાથી અદૃશ્ય વિચારો કેટલીક વાર દેશ્ય રૂપ ધારણ કરી વસ્તુની ઝાંખી કરાવતા હોય છે.
હું મારા પોતાના જીવન ઉપરથી કહી શકું છું કે મેં કદી પણ કોઈ પ્રત્યક્ષ ચમત્કાર જોયો નથી. ચમત્કારિક પુરુષોમાંથી જેના જેના સંપર્કમાં આવ્યો છું, ત્યાં પ્રચારતંત્રની પ્રબળતાને કારણે પ્રયત્નપૂર્વક ચમત્કારોની હવા ફેલાવાતી જોઈ શકાય છે. એટલે મને એક સામાન્ય માણસ ગમે છે તેટલો ચમત્કારિક પુરુષ નથી ગમતો.
આભાર
સ્નેહલ જાની