e vakhte Iran ane parsio in Gujarati Anything by SUNIL ANJARIA books and stories PDF | એ વખતે ઈરાન અને પારસીઓ

Featured Books
Categories
Share

એ વખતે ઈરાન અને પારસીઓ

ઈરાન વિરુદ્ધ ઘણા દેશો નું યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યારે ઈરાન સાથે રાજદ્વારી સંબંધો એટલા પૂરતા છે કે ઓઈલ હોર્મુઝ પાર  કરીને ભારત પહોંચે. બાકી તટસ્થ છે. 

ઇરાનમાં પણ મુસ્લિમોનું, કંઈક અંશે કટ્ટરવાદી રાજ્ય છે. જોવાનું એ છે કે એના રાજા પોતાને શહેનશાહ કહેવરાવે છે એટલે કે જેની હકુમત એક થી વધારે દેશો પર હોય. જ્યારે બીજા મુસ્લિમ રાજવીઓ પોતાને સુલતાન જ કહેવરાવે છે.

ક્યારેક ઈરાન પારસીઓથી વસેલું હતું. પારસીઓ આજે તો ભારતીય, કહો કે સવાઈ ભારતીય બની ગયા છે.

ઇતિહાસ કહે છે કે પારસીઓ ઈરાન થી આવ્યા અને ભારતને તેમનું વતન બનાવી ઘણે ક્ષેત્રે સિંહફાળો આપ્યો. સહુને પારસીઓ માટે ગર્વ છે જ. 

મને એક સંસ્મરણ યાદ આવ્યું. પછીથી નેટ પર ચેક કરતાં ઈરાનના શાહની મુલાકાત 1968 બતાવે છે પણ મારી જિંદગીના અમુક માઇલસ્ટોન યાદ છે એ મુજબ આ મુલાકાત 1966 કે 67 માં જ હતી. એ વખતે મુંબઈમાં પારસીઓએ ઈરાનના શાહ નું સન્માન કરેલું, કોઈએ  એ શાહ નું સ્તુતિ ગાન રચેલું. તો વિચાર આવે છે કે શું એ વખતે, આજથી 60 વર્ષ અગાઉ  ઈરાન સંપૂર્ણ મુસ્લિમ દેશ, radical વિચારસરણી વાળો નહીં હોય? 

ભારતના વતન પ્રેમ ઉપરાંત ત્યારે 60 કે 70 ઉપરની વયના પારસીઓ ઈરાન ને પણ મૂળ વતન ગણતા  હશે?  તેમનાં મૂળ ઈરાન માંથી છે એ વિચારે ઈરાન પ્રત્યે પ્રેમ હોવો સ્વાભાવિક હશે પણ આ 60 વર્ષ અગાઉનું સંસ્મરણ છે.

મને આજની ઈરાનની વાતો જોતાં આ એટલે યાદ આવ્યું કે 1966 - 67 માં ઈરાનના રાજા ભારતની અને તેમાં એક દિવસ મુંબઈની મુલાકાતે આવ્યા. 

એ વખતે મારા મામા ભાવનગર ઇન્ડિયન એરલાઇન્સ માં હતા અને ત્યારે પ્લેનમાં મુસાફરોને વાંચવા અખબાર અપાતું. એવું એક મુંબઈ સમાચાર તેઓ એ દિવસોમાં ઘેર લઈ આવ્યા.  જેમાં અહેવાલ હતો કે ઇરાનના રાજા એટલે તેમના શબ્દોમાં શહેનશાહ સફેદ , લશ્કરી ડ્રેસમાં ખુલ્લી જીપમાં મુંબઈ ચોપાટી, મરીન ડ્રાઇવ અને એ પટ્ટી પર ફર્યા અને પારસી કોમ્યુનિટીએ લાઇનોમાં ઊભી તેમનું  ઉમળકાભેર સ્વાગત કર્યું. 

એ ફોટો મનમાં કોઈક રીતે યાદ રહી ગયો છે. એ સાથે, એક પારસી જમશેદજી ભરૂચાએ લખેલ પંક્તિ -

"અય આર્યમિહિર શહેનશાહ એ ઈરાન

તું રોશનવાન બાસી તું ઓ કામરાન." 

આગળ પણ લખેલું. મને એ પંક્તિ જેમ ની તેમ યાદ રહી ગઈ છે. 

રોશન વાન બાસી એટલે કદાચ તેજ પુંજમાં રહેનાર. કામરાન એટલે સમૃદ્ધ, ઇચ્છાઓ પૂરી કરનાર.

60 વર્ષ અગાઉ જે 70 ના હોય એમના  ત્રણ થી પાંચેક પેઢી અગાઉ  ના વડવા ઈરાનથી આવ્યા હોય એટલે ભરૂચા જેવી અટક હોવા છતાં ઈરાનના શાહ વિશે આવી પ્રશસ્તિ તેમણે લખી હોય. એ મુંબઈ સમાચારમાં હતી.

મુંબઈ સમાચાર પારસી ગ્રુપે ચાલુ કરેલું.  હજી ચાલે છે, સહુથી જૂનું ગુજરાતી અખબાર છે. તેમાં એક કોલમ નું નામ પારસી તારી આરસી  હતું એ યાદ છે.

આવું બીજા 60 વર્ષે મને યાદ કેમ છે? ઈશ્વર જાણે.

 એ ફોટામાં રાજા  પ્રમાણમાં યુવાન દેખાતા હતા.એક ફોટો નેટ પરથી શોધ્યો, પણ જામ્યો નહીં. ફોટામાં કંઈક આવું હતું. ખુલ્લી જીપમાં સહુને હાથ ઊંચો કરી ગ્રીટ કરતા ઇરાનના શહેનશાહ, સાથે કોઈ ડીગ્નિટી ઊભા છે, પારસીઓ તેમને હાથ ઊંચા કરે છે.

આજે ધોરણો બદલાઈ ગયાં છે. આજે ન એ સત્તાધીશ ખલીફા આ રીતે આવે કે ન કોઈ પારસી એ રીતે એનું સ્વાગત કરે.

સમયનાં ચક્રો કેવાં ફરે છે? 

કહે છે કે એ વખતે પણ 1965માં ઈરાને પાકિસ્તાનને શસ્ત્રો  આપ્યાં એટલે ભારતે લાલ આંખ કરેલી. ભારત સાથે સંબંધો ન બગડે એ માટે શહેનશાહ અને પછી 69 માં એમનાં બેગમ સાથે ફરીથી આવી ગયેલ.


એ વખતે જે  જોયું હતું તે  આજે માની ન શકાય એટલે મારું આ સંસ્મરણ મૂક્યું. ફેસબુક પર કોણ જાણે કેમ, એના એક લાખ વ્યુ થઈ ગયા છે!