Laal Diary - 5 in Gujarati Horror Stories by Kinjaal Pattell books and stories PDF | લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 5

Featured Books
Categories
Share

લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 5

ભાગ ૫: રક્ત અને કલમ


અવનીના હાથમાં રહેલી પેન જાણે કોઈ અદ્રશ્ય શક્તિના તાલે નાચી રહી હતી. કાગળ પર લખાયેલું નામ 'આર્યન' જોઈને તેના ધબકારા તેજ થઈ ગયા. આર્યન—તેનો શ્રેષ્ઠ મિત્ર અને ન્યૂઝરૂમમાં તેનો સૌથી મોટો સહારો. જે માણસે તેને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું, આજે તેનું જ નામ મોતની યાદીમાં સૌથી ઉપર હતું.

અવનીએ કાગળ ફાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો, પણ એ કાગળ પથ્થર જેવો સખત થઈ ગયો હતો. જેવો તેણે કાગળને અડક્યો, તેની આંગળીમાંથી લોહી નીકળ્યું અને એ લોહી કાગળ પર લખાયેલા નામમાં શોષાઈ ગયું. આર્યનનું નામ હવે સોનેરી પ્રકાશથી ચમકવા માંડ્યું.

"ના! આ હું નહીં થવા દઉં!" અવની ચીસ પાડી ઉઠી.

તેણે તરત જ આર્યનને ફોન લગાવ્યો. ફોન જતો હતો પણ સામેથી કોઈ ઉપાડતું નહોતું. બહાર વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અવનીની નજર ફરી પેલા ઢાંકેલા અરીસા પર ગઈ. કપડાની પાછળથી કોઈક બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય તેમ કાપડ ફૂલી રહ્યું હતું.

અચાનક, તેના ઘરની ડોરબેલ વાગી. ટિંગ-ટોન્ગ... ટિંગ-ટોન્ગ...

અવની ફાટી આંખે દરવાજા તરફ જોઈ રહી. આટલી રાતે કોણ હોઈ શકે? તેણે ગૂંચવણમાં દરવાજો ખોલ્યો. સામે આર્યન ઊભો હતો. તે આખો પલળેલું હતું અને તેના ચહેરા પર એક અજીબ ગભરાટ હતો.

"અવની! તું ઠીક તો છે ને?" આર્યને હાંફતા હાંફતા પૂછ્યું. "મને ઓફિસેથી ઘરે જતી વખતે એવું લાગ્યું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. મેં તને કેટલા ફોન કર્યા, પણ તારો ફોન વ્યસ્ત આવતો હતો."

અવની તેને અંદર લેતા ધ્રૂજી રહી હતી. "આર્યન, તારે અહીં નહોતું આવવું જોઈતું. તું અત્યારે જ જતો રહે, પ્લીઝ!"

પણ આર્યનની નજર હોલની વચ્ચોવચ પડેલા પેલા ઢાંકેલા અરીસા પર ગઈ. "આ શું છે અવની? તેં આ બધું કેમ ઢાંકી રાખ્યું છે?"

"એને અડતો નહીં!" અવનીએ બૂમ પાડી, પણ મોડું થઈ ગયું હતું.

આર્યને કુતૂહલવશ અરીસા પરથી કપડું ખેંચી લીધું. જેવું કાપડ નીચે પડ્યું, આખા રૂમમાં એક ભેદી સન્નાટો છવાઈ ગયો. અરીસો તૂટેલો હોવો જોઈતો હતો, પણ તે સાજો નરવો હતો અને તેમાંથી એક કાળો ધુમાડો નીકળી રહ્યો હતો.

અરીસામાં આર્યનનું પ્રતિબિંબ દેખાતું હતું, પણ એ પ્રતિબિંબની ગરદન આખી કપાયેલી હતી અને તેમાંથી કાળું લોહી વહી રહ્યું હતું. આર્યન સ્તબ્ધ થઈ ગયો. તે કાંઈ બોલે એ પહેલાં જ અવનીના ગળામાંથી પેલો ભયાનક અવાજ નીકળ્યો:

"દસમો બલિ આવી ગયો છે... વિધિ પૂર્ણ કરો!"

અવનીનો પોતાનો જ હાથ આપમેળે રસોડામાં પડેલા ચપ્પુ તરફ ખેંચાયો. તેની આંખો કાળી પડી ગઈ હતી અને ચહેરા પર લોહીની નસો ઉભરી આવી હતી. તે પોતાના જ શરીર પર કાબૂ ગુમાવી રહી હતી. તે આર્યન તરફ ધીમે પગલે વધવા માંડી.

"અવની! આ તું શું કરે છે? પાગલ થઈ ગઈ છે?" આર્યન પાછળ હટતા હટતા દીવાલ સાથે ભટકાયો.

અવનીના મનની અંદરનો અસલી અવાજ ચીસો પાડી રહ્યો હતો, પણ તેનું શરીર શૈતાનનું ગુલામ બની ગયું હતું. તેણે ચપ્પુ ઉઠાવ્યું અને જેવું તે આર્યન પર ઘા કરવા ગઈ, તેની નજર ટેબલ પર પડેલી 'લાલ ડાયરી' પર ગઈ.

ડાયરીના કોરા પાના પર હવે એક નવું વાક્ય દેખાયું: "બલિદાન લોહીનું નહીં, પણ સાચા પ્રેમનું જોઈએ. જેનું નામ લખાયું છે, તેને બચાવવા માટે તારે તારો પોતાનો પડછાયો અરીસાને સોંપવો પડશે."

અવની અટકી ગઈ. તેનો હાથ ધ્રૂજી રહ્યો હતો. તેણે જોયું કે અરીસાની અંદરથી લાખો ચીસો સંભળાઈ રહી હતી. તેણે આર્યન તરફ જોવાને બદલે, ચપ્પુ પોતાની જ હથેળી પર ફેરવ્યું અને લોહીના ટીપાં અરીસા પર છાંટ્યા.

તેણે ચીસ પાડીને કહ્યું, "મારો આત્મા લઈ લે, પણ આર્યનને છોડી દે!"

એક જોરદાર ધડાકો થયો. અરીસાની અંદરથી એક જોરદાર ખેંચાણ શરૂ થયું. આર્યન નીચે ફસડાઈ પડ્યો, પણ અવનીનું પ્રતિબિંબ અરીસાની અંદર ખેંચાવા લાગ્યું. અવનીને અનુભવાયું કે તેનો જીવ તેના શરીરમાંથી ખેંચાઈ રહ્યો છે.

અચાનક, બધું જ અંધકારમય થઈ ગયું.

જ્યારે સવારે આર્યનની આંખ ખુલી, તેણે જોયું કે અવની જમીન પર પડી હતી. તે જીવતી હતી, શ્વાસ લેતી હતી, પણ તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તે ઉભી થઈ, આર્યન તરફ જોયું અને હસી... પણ એ હાસ્યમાં કોઈ જીવંતતા નહોતી.

આર્યને રાહતનો શ્વાસ લીધો કે અવની બચી ગઈ, પણ જ્યારે અવની રૂમની બહાર નીકળી અને સૂરજની રોશની તેના પર પડી, ત્યારે આર્યનની ચીસ નીકળી ગઈ.

જમીન પર અવનીનો કોઈ પડછાયો જ પડતો નહોતો!