પવનમહેલમાંથી બહાર નીકળીને સમુદ્રક અને ધરા સોમનાથ તરફ આગળ વધી રહ્યાં હતાં. સમુદ્રની ગર્જના જાણે પાંચ હજાર વર્ષ જૂની કથાના રહસ્યોને ફરીથી જીવંત કરી રહી હતી. ક્ષિતિજ પર અસ્તાચળે જતો સૂર્ય લોહીતવર્ણ બની ગયો હતો, જાણે વિરમન્યુના રક્તપિપાસુ સ્વભાવની જ સાક્ષી આપી રહ્યો હોય.
ધરાએ સમુદ્રક તરફ કરુણાભરી નજરે જોયું અને ધીમા સ્વરે પૂછ્યું,
"સ્વામી, વિરમન્યુ અને શિવમન્યુ તો એક જ ગર્ભમાંથી જન્મેલા જુડવા પુત્રો હતાં. તો પછી એમના સ્વભાવમાં આકાશ-પાતાળ જેટલો ભેદ કેવી રીતે સર્જાયો?"
સમુદ્રકે ઊંડો નિઃશ્વાસ લીધો. સમુદ્રની લહેરો તરફ જોતા તે બોલ્યો,
"પાતાળમાં પહોંચ્યા પછી પણ પૃથ્વી તું પુત્ર વિયોગે તારું મન શાંત થઈ શક્યું નહોતું. મહાદેવના શ્રાપની યાદ તારા અસ્તિત્વના કણેકણમાં ગુંજતી રહેતી હતી. તે કરેલી ભૂલનું ભારણ એટલું ગહન હતું કે સમય વીતી ગયો છતાં તારા અંતરમાં પસ્તાવાની જ્વાળા શમી નહોતી. તું સતત ધ્રુજતી રહેતી, જાણે પોતાના જ અપરાધથી ભયભીત થઈ ગઈ હોય. આ કંપનથી પાતાળલોકના અનેક પ્રદેશોમાં પણ અશાંતિ વ્યાપવા લાગી.
ત્યારે સર્જનહાર બ્રહ્માજીએ વિચાર કર્યો કે જો પૃથ્વી આ રીતે ધ્રુજતી રહેશે, તો સૃષ્ટિનું સંતુલન જ ખોરવાઈ જશે. તેમણે શેષનાગને આજ્ઞા આપી કે તેઓ પાતાળમાં જઈ પૃથ્વીને સ્થિરતા આપે. બ્રહ્માજીની આજ્ઞા મળતાં જ સહસ્ત્ર ફેણધારી શેષનાગ પાતાળમાં પ્રગટ થયા. તેમના દિવ્ય તેજથી આખો પાતાળલોક ઝગમગી ઉઠ્યો. તેમણે પોતાની વિશાળ ફેણો ફેલાવી અને ધ્રુજતી પૃથ્વીને અત્યંત કરુણાભાવથી ધારણ કરી. શેષનાગે પૃથ્વીને એવી રીતે પોતાની અણી પર સ્થિર કરી કે પછી તેના કંપનની શક્તિ પણ શાંત થઈ ગઈ.
વર્ષો પછી પ્રથમ વખત તને શાંતિનો અનુભવ થયો. જાણે કોઈ માતા રડતા બાળકને ખોળામાં લઈ લે અને બધું દુઃખ હરાઈ જાય, તેવી અનુભૂતિ પૃથ્વી તને થઈ. તારા અંતરના તોફાનો ધીમે ધીમે શમી ગયા. શેષનાગના આ અદ્દભુત ત્યાગ અને સમર્પણથી પ્રસન્ન થઈ શ્રીહરિ વિષ્ણુએ પણ પોતાનું આસન બનાવવાનું નક્કી કર્યું. ક્ષીરસાગરના નિર્મળ જળમાં, શેષનાગની ફેણો પર શ્રીહરિ શયન કરવા લાગ્યા. કારણ કે જ્યાં પૃથ્વી હતી, ત્યાં હવે સ્વયં સ્થિરતા, ધૈર્ય અને કરુણાનું નિવાસ બની ગયું હતું.
આ રીતે મહાદેવના શ્રાપથી વિખેરાઈ ગયેલી અને ભયથી ધ્રુજતી તને (પૃથ્વી) શેષનાગે પોતાના શિરે ધારણ કરીને સ્થિર કરી, જ્યારે શ્રીહરિએ પોતાની ઉપસ્થિતિથી આશ્વાસન આપ્યું. ત્યારથી પાતાળ માત્ર અંધકારનું સ્થાન ન રહ્યું, પરંતુ ધૈર્ય, પ્રાયશ્ચિત્ત અને દિવ્ય રક્ષણનું કેન્દ્ર બની ગયું.
પરંતુ સમયનું ચક્ર ક્યારેય થંભતું નથી. યુગો પસાર થયા.
પૃથ્વી પર ફરી એકવાર અધર્મના વાદળો ઘેરાવા લાગ્યા. આપણા આ અસુર પુત્ર વિરમન્યુના અહંકાર, ક્રોધ અને અસીમ શક્તિએ સમગ્ર ધરતીને ભયભીત કરી દીધી. તેની મહત્ત્વાકાંક્ષા હવે માત્ર વિજય સુધી સીમિત નહોતી રહી; તે સમગ્ર સૃષ્ટિને પોતાના વશમાં કરવા ઇચ્છતો હતો. જ્યાં જ્યાં તેનો પ્રભાવ વધતો ગયો, ત્યાં ત્યાં સત્ય, દયા અને ધર્મ ક્ષીણ થવા લાગ્યાં. નદીઓનું સંગીત મૌન બનવા લાગ્યું, યજ્ઞોના ધુમાડા ઓસરવા લાગ્યા અને પ્રજાના હૃદયોમાં ભય ઘર કરવા લાગ્યો. પ્રકૃતિ પણ વિરમન્યુના પાપોથી વ્યથિત થવા લાગી. જાણે આખી સૃષ્ટિ સહાય માટે દેવોને પોકારી રહી હોય.
જ્યારે વિરમન્યુએ મણીનો ઉપયોગ કરી અસ્ત્ર બનાવ્યું.
અને એની અણી પૃથ્વી પર ભરાવી તા આખું બ્રહ્માંડ ડોલી ગયું.
શ્રીવિષ્ણુ ફરી મહાદેવે સર્જીત ધરતીને બચાવવા માટે દોડી આવ્યા. પાતાળમાં શેષનાગની અણી પર સ્થિર રહેલી પૃથ્વીએ ફરી એ અશાંતિ અનુભવી. તેના અંતરમાંથી નીકળેલી કરુણ પોકાર ક્ષીરસાગર સુધી પહોંચી. શ્રીહરિ વિષ્ણુએ જ્યારે આ પીડાનો અનુભવ કર્યો, ત્યારે તેમની દિવ્ય દૃષ્ટિએ સમગ્ર ભૂલોકને નિહાળ્યો. તેમણે જોયું કે વિરમન્યુના કારણે અધર્મનું પારડું ભારે થતું જઈ રહ્યું છે અને ધર્મ સંકટમાં મુકાઈ રહ્યો છે. શેષનાગે મસ્તક નમાવ્યું. ક્ષીરસાગરના જળમાં તરંગો ઉછળ્યા. દેવતાઓએ અનુભવ્યું કે શ્રીહરિ હવે કોઈ મહાન કાર્ય માટે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે.
એક દિવ્ય પ્રકાશ સાથે વિષ્ણુ પાતાળમાંથી પ્રસ્થાન કરીને ભૂલોક તરફ આગળ વધ્યા. તેમના દરેક પગલાં સાથે આશાનું નવું કિરણ પ્રગટ થતું હતું. દેવતાઓના હૃદયોમાં ફરી વિશ્વાસ જાગવા લાગ્યો.
અને જ્યારે શ્રીહરિ પૃથ્વી પર પહોંચ્યા, ત્યારે કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ મહાદેવે પણ પોતાની ત્રીજી આંખથી સમયની ગંભીરતા જાણી લીધી. મહાદેવ સમજી ગયા કે હવે આ માત્ર એક યુદ્ધ નથી; આ ધર્મ અને અધર્મ વચ્ચેનો નિર્ણાયક સંઘર્ષ છે.
કૈલાસ ધ્રુજી ઉઠ્યો. નંદી ગર્જી ઉઠ્યા. ગણો સતર્ક બની ગયા. અને મહાદેવ પોતાની જટાઓમાં ગંગાને ધારણ કરીને, ગળામાં વસુકીને શોભાવી, ત્રિશૂલ હાથમાં લઈ કૈલાસમાંથી પ્રસ્થાન કરી ભૂલોક પર પધાર્યા.
એક બાજુ શ્રીહરિ વિષ્ણુ અને બીજી બાજુ દેવાધિદેવ મહાદેવ.
જ્યારે આ બે પરમ શક્તિઓ શિવમન્યુની સહાય માટે પૃથ્વી પર એકત્રિત થઈ, ત્યારે દેવલોકથી લઈને પાતાળ સુધી એક જ સંદેશ ગુંજી ઉઠ્યો,
"હવે અધર્મનો અંત નિશ્ચિત છે. કારણ કે જ્યારે સૃષ્ટિના પાલનહાર અને સંહારક એકસાથે ધર્મની રક્ષા માટે ઊભા થાય, ત્યારે સમય પણ તેમના નિર્ણયને બદલવાની શક્તિ ધરાવતો નથી."
પરંતુ સ્વામી આ મણીનું રહસ્ય શું છે? અને વિરમન્યુને આ મણિનું રહસ્ય કોણે કહ્યું?
"આ શ્રીકૃષ્ણની મણી છે, જે નિયમ મુજબ બે વિરુદ્ધના દેવતાનું મિલન પછી જન્મેલ દેવીય સંતાન જ ઉપયોગ કરી શકે. એટલે કે, આ મણીનો પ્રયોગ આપણા સંતાનો કરી શકે. એ સત્ય હું જાણતો હતો. પરંતુ આ રહસ્ય અભ્યાસ દરમિયાન વિરમન્યુ અને શિવમન્યુના ગુરુ એ કહ્યુ હતું."
"આ મણિના સાચા અધિકારી તો શ્રીકૃષ્ણ હતા. શ્રીકૃષ્ણના સમયમાં સ્યામંતક મણિ માત્ર એક રત્ન નહોતું. તે હિંદુ સંસ્કૃતિની સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ અને ધર્મના સંતુલનનું પ્રતીક હતું. તેની શક્તિ દૃશ્ય કરતાં વધુ અદૃશ્ય હતી. તે લોકોના હૃદયમાં સદભાવ, સમૃદ્ધિ અને ધર્મનિષ્ઠા જાળવવામાં સહાયક બનતી હતી. પરંતુ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને કુરુવંશનો વિનાશ થયો. ગાંધારીએ પોતાના પુત્રોના મૃત્યુથી વ્યથિત થઈ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો. એ શ્રાપના પરિણામે યાદવવંશનો પણ અંત આવ્યો. ત્યારે શ્રીકૃષ્ણ સમજી ગયા કે સમયનું ચક્ર બદલાઈ ગયું છે. સ્યામંતક મણિ પર પણ એ વિનાશની છાયા પડી ગઈ છે. જ્યારથી આ મણિ શ્રાપના પ્રભાવ હેઠળ આવી, ત્યારથી તેનું સંતુલન બદલાવા લાગ્યું. જ્યાં પહેલાં તે કલ્યાણનું સાધન હતી, ત્યાં હવે તેની અંદર વિનાશની શક્તિ પણ જાગૃત થવા લાગી. ત્યારે શ્રીકૃષ્ણે નક્કી કર્યું કે આ મણિ દુનિયાની નજરથી દૂર રાખવી જરૂરી છે.
એક દિવસ શ્રીકૃષ્ણ સ્યામંતક મણિ લઈને પ્રભાસક્ષેત્ર તરફ નીકળ્યા. ત્યાં મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું પવિત્ર સ્થાન હતું. શ્રીકૃષ્ણે વિચાર્યું કે સમગ્ર પૃથ્વી પર જો કોઈ સ્થાન આ મણિની શક્તિને સંભાળી શકે તો તે માત્ર આ જ્યોતિર્લિંગ જ હોઈ શકે. જ્યારે તેઓ મણિને જ્યોતિર્લિંગની નીચે સ્થાપિત કરવા જઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો.
અને આ મણિને પુનઃસ્થાપિત કોણ કરી શકશે. એ દિવ્ય શકાશે જણાવ્યું. આ મણિનું એક રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. તેનું સ્થૂલ અને સૂક્ષ્મ બે સ્વરૂપ છે.
મણિના સ્થૂલ સ્પર્શથી ધાતુઓ સોનામાં પરિવર્તિત થઈ શકે છે. સમૃદ્ધિ અને વૈભવ પ્રગટ થઈ શકે છે. પરંતુ તેનું સૂક્ષ્મ સ્વરૂપ અત્યંત ભયંકર છે. તેની અદૃશ્ય શક્તિ સંતુલન ગુમાવી દે તો વિનાશ સર્જી શકે છે. એટલે જ શ્રીકૃષ્ણે તેની શક્તિનો ઉપયોગ વૈભવ માટે કર્યો નહીં.
તેમણે સોમનાથને ભવ્ય બનાવ્યું, પરંતુ મણિના ચમત્કારથી દુનિયા પર સોનાનો વરસાદ વરસાવ્યો નહીં.
કારણ કે તેઓ જાણતા હતા કે જ્યાં અતિશય લોભ જન્મે છે, ત્યાંથી ધર્મનો પતન શરૂ થાય છે. શ્રીકૃષ્ણ જીવનના અંતિમ દિવસો સુધી આ રહસ્યની રક્ષા કરતા રહ્યા. તેઓ જાણતા હતા કે જો આ મણિ ક્યારેય કોઈ શૈતાની મનવૃત્તિ ધરાવનારના હાથમાં જશે, તો તેનું પરિણામ માત્ર એક રાજ્ય કે એક યુગનો વિનાશ નહીં હોય. આખી માનવસંસ્કૃતિ જોખમમાં પડી જશે.
શ્રીકૃષ્ણે પ્રભાસમાં દેહત્યાગ કર્યો, પરંતુ તેઓ એક ચેતવણી પાછળ છોડી ગયા. જો ક્યારેય સ્યામંતક મણિ શૈતાની સ્વભાવ ધરાવનારના હાથમાં જશે, તો કલિયુગમાંથી સુવર્ણયુગની સ્થાપના કરવી અત્યંત કઠિન બની જશે. કારણ કે તે સમયે શત્રુ બહાર નહીં, પરંતુ મનુષ્યના લોભ, અહંકાર અને કપટના રૂપમાં અંદર જ જન્મી ચૂક્યો હશે.
એક દિવસ ગુરુજી આપણા પુત્રોનું તેજ જોઈને તેમના વર્ષોની તપસ્યા, અનુભવ અને રહસ્યોનો ભાર ખોલતાં કહેવા લાગ્યા.
"વિરમન્યુ, શિવમન્યુ...! તમે જે સ્યામંતક મણિ વિશે જાણો છો, એ તો માત્ર તેના તેજનો એક અંશ છે. આ મણિનું સાચું રહસ્ય તો યુગોથી ગુપ્ત રાખવામાં આવ્યું છે."
બંને ભાઈઓ એકાગ્રતાથી ગુરુજીની વાત સાંભળવા લાગ્યા. ગુરુજીએ પોતાની આંખો બંધ કરી અને કહ્યું,
"આ શ્રીકૃષ્ણની મણિ છે, જેનો ઉપયોગ સામાન્ય મનુષ્ય તો શું, દેવતાઓ પણ પોતાની ઇચ્છાથી કરી શકતા નથી. આ મણિનો અધિકાર માત્ર એવા દિવ્ય સંતાનને મળે છે, જે બે વિરુદ્ધ શક્તિઓના મિલનથી જન્મ્યું હોય."
વિરમન્યુ આશ્ચર્યથી બોલ્યો,
"બે વિરુદ્ધ શક્તિઓ એટલે શું, ગુરુજી?"
ગુરુજી સ્મિત કરતાં બોલ્યા,
"જેમ અગ્નિ અને જળ, દિવસ અને રાત્રિ, પૃથ્વી અને આકાશ...! પ્રકાશ અને અંધકાર. જ્યારે આવી વિરુદ્ધ શક્તિઓ એકબીજાના વિરોધમાં નહીં પરંતુ સંતુલનમાં આવે, ત્યારે જે દિવ્ય સંતાન જન્મે, તે જ આ મણિની અસીમ શક્તિને ધારણ કરી શકે."
શિવમન્યુના ચહેરા પર ગંભીરતા આવી ગઈ.
"એટલે કે, આ મણિનો ઉપયોગ અમે કરી શકીએ છીએ?"
"હા."
ગુરુજીએ માથું હલાવ્યું.
"કારણ કે તમારું અસ્તિત્વ પણ સામાન્ય નથી. તમારી અંદર દેવત્વ અંશોનું તેજ છે."
થોડા સમય સુધી મૌન છવાઈ ગયું.
પછી વિરમન્યુએ પ્રશ્ન કર્યો,
"જો કોઈ અન્ય વ્યક્તિ આ મણિ મેળવી લે તો શું થશે? શું તે તેની શક્તિનો ઉપયોગ કરી શકશે?"
ગુરુજીના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ.
"ના...!"
તેમનો અવાજ ગર્જના સમો બની ગયો.
"આ મણિ કોઈ રત્ન નથી કે જેને હાથમાં લઈને તેનો ઉપયોગ કરી શકાય. જે વ્યક્તિને આ મણિ મેળવવાનો અધિકારી ન હોય, તેના માટે આ મણિ આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ બની જાય છે."
વિરમન્યુની આંખો પહોળી થઈ ગઈ.
ગુરુજી આગળ બોલ્યા,
"જ્યારે અધર્મી મનુષ્ય આ મણિની નજીક આવે છે, ત્યારે મણિ તેની અંદર છુપાયેલા લોભ, અહંકાર અને ક્રોધને હજારો ગણા વધારી દે છે. ધીમે ધીમે તે પોતાની જ વાસનાઓનો ગુલામ બની જાય છે."
પછી ગુરુજી બોલ્યા,
"એટલે જ આ મણિ આજે પણ રાહ જોઈ રહી છે."
"કોની રાહ?" વિરમન્યુએ પૂછ્યું.
ગુરુજીની આંખોમાં અજોડ તેજ ઝળહળી ઊઠ્યું.
"તે પોતાના સાચા અધિકારીની રાહ જોઈ રહી છે. એવા સંતાનની રાહ, જેની અંદર પ્રકાશ અને અંધકાર બંને હશે, પરંતુ જે બંને પર વિજય મેળવી શકશે. એવા યોદ્ધાની રાહ, જે મણિને મેળવવા નહીં, પરંતુ ધર્મની રક્ષા કરવા જન્મ્યો હશે."
આ બધું સાંભળ્યા બાદ ધરાએ આશ્ર્ચર્ય સાથે સમુદ્રકને પૂછ્યું,
"આપણા સંતાનો ને એનાં ગુરુજીએ એક સરખુ જ્ઞાન આપી, સત્ય અને ધર્મનો માર્ગ શીખવ્યો હતો. તો કેમ
વિરમન્યુ અધર્મનું આચરણ કરવા લાગ્યો?"
(ક્રમશ:)
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️