part 55 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 55

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 55

(નિલક્રિષ્નાએ કૃત્રિમ દુનિયાની એક નાનકડી ઝુંપડીમાં પાંચ દિવસ વિતાવ્યાં. આ પાંચ દિવસ દરમિયાન તેણે પૃથ્વી અને તેના રહસ્યો વિશેનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાનપ્રાપ્તિ પૂર્ણ થતાં બે જ તે સીધી સોમનાથ મંદિર પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તેણે પંડિતજીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિપૂર્વક અને શ્રદ્ધાભાવથી સંપન્ન કર્યા.
ત્યારબાદ નિલક્રિષ્નાએ પોતાના અદમ્ય સંકલ્પ અને અસાધારણ શક્તિના બળે ધરતીની અંદર એક ગુપ્ત સુરંગ ખોદવાનું શરૂ કર્યું. લાંબી મહેનત પછી તે સુરંગ ધૃણના અવાજ સુધી પહોંચી. હજારો વર્ષોથી સમુદ્રના ગહન તળિયે દટાયેલું ધૃણનું શરીર તેણે શોધી કાઢ્યું અને અત્યંત કાળજીપૂર્વક તેને બહાર કાઢીને સુરક્ષિત સ્થાને રાખ્યું.

ધૃણને સુરક્ષિત કર્યા પછી નિલક્રિષ્નાએ તેની પાસેથી મળેલી સલાહને પોતાના માટે માર્ગદર્શન બનાવ્યું. હવે તેના જીવનની આગળની યાત્રા એક નવા રહસ્ય તરફ વળી રહી હતી. ધૃણે દર્શાવેલા માર્ગ પર ચાલવા માટે તેણે મન મક્કમ કર્યું અને અજાણી શક્તિઓ, ચમત્કારો તથા અગણિત રહસ્યોથી ભરેલા ભયાનક માયાવી જંગલ તરફ પોતાની સફર શરૂ કરી. તેની આંખોમાં ધ્યેયની જ્વાળા પ્રગટતી હતી અને હૃદયમાં આવનારા સંઘર્ષોને પાર કરવાની અડગ તૈયારી હતી. હવે તેની સામે એક એવી દુનિયાના દ્વાર ખુલવાના હતા, જ્યાં દરેક પગલે રહસ્ય, જોખમ અને ચમત્કાર તેની રાહ જોઈ રહ્યા હતા.)


માયાવી જંગલ કોઈ સામાન્ય વનપ્રદેશ ન હતો. એ જાણે પૃથ્વીના ગર્ભમાં રહેલા રહસ્યોનું જીવંત સામ્રાજ્ય હતું. હજારો વર્ષોથી સૂર્યનાં કિરણો પણ જ્યાં સંપૂર્ણ રીતે પહોંચી શક્યાં ન હતાં, એવું ઘનઘોર અરણ્ય ચારેય તરફ ફેલાયેલું હતું.

જંગલનાં વૃક્ષો એટલાં વિશાળ હતાં કે તેમની ટોચ આકાશમાં વાદળોને સ્પર્શતી હતી. કેટલાક વૃક્ષોના થડમાં હજારો વર્ષોની વયનાં ચિહ્નો કોતરાયેલા દેખાતા હતાં. તેમની જડોએ ધરતીને એવી રીતે વીંટાળી લીધી હતી જાણે કોઈ વિશાળ અજગર પોતાના શિકારને ભીંસી રહ્યો હોય.

દિવસના સમયે પણ ત્યાં સાંજ જેવો અંધકાર છવાયેલો રહેતો. પવન જ્યારે વૃક્ષોની ડાળીઓ સાથે અથડાતો ત્યારે જાણે હજારો આત્માઓ એકસાથે રડતા હોય એવો ભયાનક અવાજ સંભળાતો. ક્યારેક કોઈ અજાણી હાંસી સંભળાતી, તો ક્યારેક કોઈ સ્ત્રીના કરુણ રુદનનો આભાસ થતો. પરંતુ નજીક જઈને જોવામાં આવતું તો ત્યાં કોઈ જ ન હોતું.

જંગલની અંદર વહેતી નદીઓનું પાણી પણ સામાન્ય ન હતું. દિવસ દરમિયાન તે નિર્મળ દેખાતું, પરંતુ રાત્રે ચંદ્રપ્રકાશ પડતાં જાણે લોહીનો પ્રવાહ વહેતો હોય એવું ભાસતું. પાણીમાં પોતાની પરછાંયાં જોનાર વ્યક્તિ ઘણીવાર પોતાની જ જગ્યાએ કોઈ અજાણ્યા ચહેરાને જોતો અને ભયથી ચીસો પાડી ઊઠતો.

જંગલના દરેક ખૂણામાં માયા વસતી હતી. અહીં ઝાડો ચાલતાં હતાં, પડછાયાઓ બોલતી હતી અને નિર્જીવ પથ્થરો પણ જીવંત બની જતાં હતાં. ક્યાંક સોનાનાં મહેલો દેખાતા, તો ક્યાંક સ્વર્ગ જેવી બાગ-બગીચાઓ. પરંતુ જે કોઈ એ લાલચમાં આગળ વધતું, તે ક્યારેય પાછું ફરી શકતું નહોતું.

લોકોમાં એવી માન્યતા હતી કે આ જંગલ જીવંત છે. તે પોતાના અંદર પ્રવેશનાર દરેક વ્યક્તિના મનને વાંચી લે છે. પછી તેની સૌથી મોટી કમજોરી, સૌથી મોટો ડર અને સૌથી મોટી ઇચ્છાનું સ્વરૂપ ધારણ કરીને તેને પોતાની જાળમાં ફસાવી લે છે.

એટલા માટે જ લોકો આ વિસ્તારનું નામ લેતાં પણ ડરતાં હતાં. વૃદ્ધો પોતાના બાળકોને ચેતવતા,

"માયાવી જંગલનો રસ્તો ભૂલથી પણ પકડતા નહીં. કારણ કે ત્યાં માણસ રસ્તો નથી ભૂલતો, પરંતુ પોતાને જ ભૂલી જાય છે."

અને આજે એ જ ભયાનક, રહસ્યમય અને જીવંત માયાવી જંગલના દ્વાર પર નિલક્રિષ્ના ઉભી હતી.

પિતા ધૃણે નિલક્રિષ્નાને જે માર્ગ બતાવ્યો હતો, તે જ માર્ગે તે અડગ મનોબળ સાથે આગળ વધી રહી હતી. ધૃણે કહ્યું હતું કે, જ્યાં સમય પણ ભટકી જાય અને પ્રવેશ કરનાર દરેક જીવ પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. છતાં પણ નિલક્રિષ્નાને કોઈ ડર ન હતો.

ઘણા દિવસો સુધી સતત ચાલ્યા પછી એક દિવસ દૂર ક્ષિતિજ પર નિલક્રિષ્નાની નજર પડી. તેની સામે એક વિશાળ, ઘનઘોર અને ભયાનક જંગલ ઊભું હતું. આકાશને અડતા વૃક્ષો, કાળા વાદળોથી ઢંકાયેલું આકાશ અને જંગલમાંથી નીકળતી અજાણી ગર્જનાઓ જાણે કોઈ ભયાનક રહસ્યની સાક્ષી આપી રહી હતી. 
અમર વૃક્ષની શોધમાં નિલક્રિષ્નાનું હૃદય આતુર બની ઊઠ્યું. 

પરંતુ ઉતાવળમાં તે ધૃણની સૌથી મહત્વની ચેતવણી ભૂલી ગઈ.

"આ જંગલ તારી સામે હજારો માયાઓ ઉત્પન્ન કરશે. હાવલા બોલશે, તને ડરાવશે, લલચાવશે, ભ્રમિત કરશે. પણ યાદ રાખજે, પાછું વળીને જોતી નહીં અને કોઈ સાથે વાત પણ કરતી નહીં."

જંગલમાં પ્રવેશ કરતાં જ આસપાસનું દૃશ્ય બદલાવા લાગ્યું. ઝાડો વચ્ચે કૂદતાં વાનરો હવે સામાન્ય મનુષ્યો જેવા દેખાવા લાગ્યા. ભયાનક અવાજો મધુર સંવાદોમાં ફેરવાઈ ગયા. થોડા જ સમયમાં એવું લાગવા લાગ્યું કે જાણે આ જંગલમાં માણસોનો જ વસવાટ હોય.

એક મનુષ્યરૂપ ધારણ કરેલા વાનરે તેની સામે આવી પૂછ્યું,

"દેવી...! આટલા ભયંકર જંગલમાં એકલા શું શોધવા નીકળ્યાં છો? જ્યાં તમે જઈ રહ્યાં છો, ત્યાં સુધી પહોંચવું કોઈ સામાન્ય વાત નથી."

નિલક્રિષ્ના જવાબ આપવા જતી હતી ત્યાં જ તેને ધૃણની વાત યાદ આવી ગઈ.

તેણે મૌન રાખ્યું. માત્ર ઈશારાથી કહ્યું,

"હું મારા પરછાંયાને શોધવા નીકળી છું."

એ સાંભળીને માયા જ ગૂંચવાઈ ગઈ. પરછાંયો શોધવી હોય તો કેવી રીતે? માયાવી પ્રાણીઓ પોતપોતાની પરછાંયો પકડવા માટે ઊલટા દોડવા લાગ્યા. આમ કહી નિલક્રિષ્નાની ચતુરાઈએ માયાને જ માયામાં ફસાવી દીધી હતી. થોડું આગળ વધતાં તેના કાનમાં અત્યંત મધુર ધ્વનિ સંભળાયો. જાણે કોઈ દેવતા જપ કરી રહ્યાં હોય.જાણે સ્વર્ગમાંથી ભક્તિના મંત્રો વરસી રહ્યાં હોય. પરંતુ નિલક્રિષ્ના સમજી ગઈ હતી કે આ પણ એક માયા જ છે.

તે હસીને બોલી,

"અધર્મનો નાશ કરવો હોય તો ક્યારેક માયાની વચ્ચે પ્રવેશવું જ પડે."

અને ફરી એકવાર તે ભ્રમને હરાવી આગળ વધી ગઈ. આગળ જતાં ભયંકર સાપોના ભોંયરાઓ આવ્યાં. એક વૃદ્ધ નાગે પોતાની ઇચ્છાધારી શક્તિ વડે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તેની આંખોમાં ઝેર સળગી રહ્યું હતું. તેણે નિલક્રિષ્ના તરફ ઝેરનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. પરંતુ અદભૂત ઘટના બની. જે ઝેર નિલક્રિષ્નાને સ્પર્શતું, તે અમૃત બની જતું. નાગો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું ઝેર ખૂટી ગયું, પણ નિલક્રિષ્નાના ચહેરા પર ઝેરનું  એક પણ ચિહ્ન ના આવ્યું. અંતે નાગોએ જ માર્ગ છોડવો પડ્યો. સમય પસાર થતો ગયો. હવે ભૂખ નિલક્રિષ્નાની સૌથી મોટી શત્રુ બની રહી હતી. માયાવી જંગલની કોઈ પણ વસ્તુ ખાવા યોગ્ય ન હતી. પરંતુ થાક અને ભૂખથી વ્યાકુળ થઈ તે એક ઝાડ પરથી ફળ તોડવા આગળ વધી. અને એ જ ક્ષણે માયાએ તેને ઘેરી લીધી.

અચાનક તેની સામે સ્વાદિષ્ટ ભોજનના થાળીઓ દેખાવા લાગી. પરંતુ નજીક જઈને જોયું તો તે ભોજન નહોતું. મનુષ્યોના માંસમાંથી બનાવેલા ભયાનક પિંડો હતા. નિલક્રિષ્નાના શરીરમાં શિયાળો ફરી વળ્યો. તેણે તરત જ પોતાની આંખો બંધ કરી અને મહાદેવનું સ્મરણ કર્યું.

માયા ફરી નિષ્ફળ ગઈ. આ જંગલ વર્ષોથી માનવ અને પશુઓનું ભક્ષણ કરતું આવ્યું હતું. રાત્રે સોમનાથ તરફ જતા મુસાફરો અચાનક ગાયબ થઈ જતા. લોકો માનતા કે કોઈ અજાણ્યું શૈતાન રાત્રિના અંધકારમાં તેમનું લોહી પી જતું હતું. એક રાત્રે નિલક્રિષ્નાએ જંગલમાં કોઈ અજાણી હલચલ જોઈ.

તે તેનો પીછો કરવા લાગી. અંધકાર વચ્ચે અચાનક બે લાલ અગ્નિ જેવી આંખો ચમકી ઊઠી. છરા જેવા તીક્ષ્ણ દાંત બહાર નીકળેલા. ભયાનક સ્વરૂપ. પરંતુ દેવી શક્તિ સામે તે શૈતાન પણ નિર્બળ હતો. તે હુમલો કરી શકે એ પહેલાં જ અંધકારમાં ગાયબ થઈ ગયો. થોડું આગળ વધતાં નિલક્રિષ્નાને એક મૃતદેહ દેખાયો. શરીર પર કોઈ ઘા નહોતો. કોઈ ઈજા નહોતી. માત્ર ગળા પાસે બે ભાલા જેવા દાંતના નિશાન હતાં.શરીરમાંથી જાણે આખું લોહી ચૂસી લેવામાં આવ્યું હતું.

નિલક્રિષ્નાએ મૃતદેહનું નિરીક્ષણ કર્યું. પછી નજીક પડેલા પશુઓ તરફ દોડી ગઈ. એક પછી એક ડંખમાંથી ઝેર ચૂસવા લાગી. તે જીવ બચાવી રહી હતી. દૂર ઊભેલો માયાવી નાગ સિન્ધુ આ દૃશ્ય જોઈ ભયભીત થઈ ગયો.

"જો આ આમ જ ચાલતું રહેશે તો જંગલના બધા જીવ એની તરફ થઈ જશે. પછી મારું અસ્તિત્વ જ જોખમમાં આવી જશે."

એ વિચારીને તેણે વધુ ભયાનક યોજના ઘડવાનું શરૂ કર્યું.

આમ કરતાં કરતાં ચાર મહિના વીતી ગયા. નિલક્રિષ્ના હજુ સુધી પરત ફરી નહોતી. ધૃણની ચિંતા હવે ભયમાં ફેરવાઈ રહી હતી. જતાં પહેલાં નિલક્રિષ્નાએ પોતાની તલવાર ધૃણને સોંપી હતી.

"જો આ તલવાર ક્યારેય આપોઆપ મ્યાનમાંથી બહાર નીકળી જાય, તો સમજી જજો કે હું ગંભીર સંકટમાં છું."

ધૃણે તે તલવાર સમુદ્રની નીચે પડેલા તૂટેલા જહાજમાં સાચવી રાખી હતી. એક દિવસ અચાનક ધડાકા સાથે તલવાર મ્યાનમાંથી બહાર નીકળી જમીન પર પડી ગઈ. ધૃણના હૃદયમાં વીજળી ત્રાટકી. તે સમજી ગયો. નિલક્રિષ્ના ભયંકર માયાજાળમાં ફસાઈ ગઈ હતી. એ તરફ જંગલમાં માયા પોતે વિચારવા લાગી હતી.

"જો નિલક્રિષ્ના પોતાનું કાર્ય પૂર્ણ કરી દેશે તો અમારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. એના કરતાં એને ભ્રમમાં જ કેદ રાખવી સારી."

અને માયાએ તેની આસપાસ અંધકારનું એવું જાળું રચ્યું કે નિલક્રિષ્ના પોતાની આંખો ખોલવા પણ અસમર્થ બની ગઈ. ધૃણ શોકમાં ડૂબેલો હતો.તે જંગલમાં પ્રવેશી શકતો નહોતો. પરંતુ એ સમયે દૂરથી એક અવાજ સંભળાયો.

પહેલા ધીમો, પછી સ્પષ્ટ અવાજ આવ્યો.

"નિલક્રિષ્ના...!"

"નિલક્રિષ્ના ક્યાં છો તું?"

"તને ધરતી ખાઈ ગઈ કે આસમાન?"

ધૃણે ચમકી ઊઠીને પાછળ જોયું.

દૂર દરિયાઈ અંધકારમાં કોઈ અજાણી આકૃતિ તેની તરફ આગળ વધી રહી હતી.

(ક્રમશ:)

-હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️