ઈશ્વરનું કાર્ય તો અવિરત રીતે ચાલી જ રહ્યું હતું. સમયના અજાણ્યા પ્રવાહમાં તે એવી ગૂંથણીઓ રચી રહ્યો હતો, જેનો અર્થ કોઈ સામાન્ય માનવી તરત સમજી શકે તેમ નહોતો. પરંતુ એ જ ઈશ્વરીય આયોજન મને સત્યની વધુ નજીક લઈ જઈ રહ્યું હતું. દરેક ઘટના જાણે કોઈ અદૃશ્ય હાથ દ્વારા ગોઠવાઈ રહી હતી, અને એ ગોઠવણીનો એક મહત્વનો ભાગ નિલક્રિષ્ના સુધી પણ પહોંચી ગયો હતો.
તમને પણ કદાચ પ્રશ્ન થતો હશે કે,
"એવું કયું પાસું હતું, જે માયાના ભયંકર મુખમાં પહોંચી ગયેલી નિલક્રિષ્નાની શોધ કરતાં કરતાં ત્યાં સુધી આવી પહોંચ્યું હતું?"
તો એ પાસું બીજું કોઈ નહીં, પરંતુ કૃત્રિમ દુનિયામાં નિલક્રિષ્નાને મળેલો અવનિલ જ હતો.
નિલક્રિષ્ના સાથે થયેલી અચાનક મુલાકાત પછી અવનિલના મનમાં અનેક પ્રશ્નો જન્મ્યા હતા. નિલક્રિષ્નાની રહસ્યમયતા, તેની આંખોમાં છુપાયેલું અજાણ્યું દુઃખ અને તેની આસપાસ ફેલાયેલું અદ્ભુત તેજ અવનિલના મન પર એવી છાપ છોડી ગયા હતાં કે તે તેને ભૂલી શકતો નહોતો. સમય પસાર થતો ગયો, પરંતુ નિલક્રિષ્નાની યાદો તેના મનમાંથી ઓછી થવાને બદલે વધુ ગાઢ બનતી ગઈ.
એક દિવસ નિલક્રિષ્ના અચાનક ગાયબ થઈ ગઈ. કોઈને ખબર ન પડી કે તે ક્યાં ગઈ, કેવી રીતે ગઈ અને શા માટે ગઈ. પરંતુ અવનિલનું મન માનવા તૈયાર નહોતું કે તેમની મુલાકાત માત્ર એક સંયોગ હતી. તેને લાગતું હતું કે નિલક્રિષ્નાનું જીવન કોઈ વિશાળ રહસ્ય સાથે જોડાયેલું છે અને એ રહસ્યનો અંત શોધવો હવે તેની પોતાની નિયતિ બની ગયો છે.
એટલે જ તેણે તેની શોધ શરૂ કરી. રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવી, ભયાનક અવરોધો આવ્યા, અજાણી શક્તિઓનો સામનો કરવો પડ્યો, છતાં અવનિલ પાછો ફર્યો નહીં. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને સતત આગળ ધકેલી રહી હતી. અંતે તેની આ શોધ તેને ત્યાં સુધી લઈ આવી, જ્યાં હજારો વર્ષોથી માયાનું સામ્રાજ્ય પોતાનો ભયંકર પ્રભાવ જમાવી રહ્યું હતું.
અવનિલને પોતાની સામે જોઈને ધૃણ પણ ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે તેને લાગ્યું નહોતું કે એક સામાન્ય માનવી આટલી દૂર સુધી પહોંચી શકશે.
ધૃણે ગંભીર નજરે અવનિલને જોતાં પૂછ્યું,
"તું નિલક્રિષ્નાને કઈ રીતે ઓળખે છે?"
ધૃણના પ્રશ્નમાં માત્ર જિજ્ઞાસા જ નહોતી, પરંતુ એક રહસ્યને જાણવાની ઉત્કંઠા પણ છુપાયેલી હતી. કારણ કે નિલક્રિષ્ના કોઈ સામાન્ય યુવતી નહોતી. તેના જીવન સાથે અનેક યુગોના રહસ્યો જોડાયેલા હતાં. તેથી ધૃણ જાણવા માંગતો હતો કે આ યુવકનો નિલક્રિષ્ના સાથે શું સંબંધ છે અને કયા બંધને તેને મૃત્યુ અને માયાના ભયને પાર કરીને અહીં સુધી ખેંચી લાવ્યો છે.
ધૃણના પ્રશ્ન પછી અવનિલ થોડો મૌન રહ્યો. તેની આંખોમાં નિલક્રિષ્નાની યાદો તરવરી ઊઠી. પછી તેણે ધીમા સ્વરે જવાબ આપવાની શરૂઆત કરી, અને તેની સાથે જ નિલક્રિષ્નાના ભૂતકાળનું એક નવું અધ્યાય ખુલવા લાગ્યું.
અવનિલે પોતાની આખી આપવીતી ધૃણ સમક્ષ વર્ણવી. કૃત્રિમ દુનિયામાં નિલક્રિષ્ના સાથે થયેલી મુલાકાતથી લઈને તેની શોધમાં કરેલી લાંબી યાત્રા સુધીની દરેક વાત તેણે નિખાલસપણે કહી. અવનિલના શબ્દોમાં કોઈ સ્વાર્થ નહોતો, કોઈ લાલચ નહોતો; માત્ર એક નિષ્ઠાવાન લાગણી અને નિલક્રિષ્નાને શોધી કાઢવાનો અડગ સંકલ્પ હતો.
ધૃણ શાંતિથી તેની વાતો સાંભળતો રહ્યો. અવનિલની આંખોમાં છુપાયેલો વિશ્વાસ, તેની વાણીમાં રહેલી સચ્ચાઈ અને હૃદયમાં વસેલી નિષ્ઠા જોઈને ધૃણના મનની શંકાઓ ધીમે ધીમે દૂર થવા લાગી.
અંતે તેણે મનમાં નિશ્ચય કર્યો,
"આ યુવક સામાન્ય નથી. તેના હૃદયમાં કપટ નથી અને તેની ઇચ્છાશક્તિ પણ અડગ છે. અમર પટ્ટાની શોધમાં નિલક્રિષ્નાને મદદ કરવા માટે કદાચ ઈશ્વરે આને જ પસંદ કર્યો છે."
આ વિચાર સાથે ધૃણ પોતાના સ્થાનેથી ઊભો થયો. તેણે પોતાની બાજુમાં રાખેલું એક દિવ્ય હથિયાર હાથમાં લીધું. એ હથિયાર સામાન્ય નહોતું. તેની ધાર પર અજાણી પ્રકાશરેખાઓ ઝળહળી રહી હતી. જાણે તેમાં અનેક યોગીઓના તપનું તેજ સમાયેલું હોય. હથિયારમાંથી નીકળતો પ્રકાશ આસપાસના અંધકારને ચીરી રહ્યો હતો.
ધૃણે એ દિવ્ય હથિયાર અવનિલના હાથમાં આપતાં કહ્યું,
"પુત્ર, આ હથિયાર માત્ર યુદ્ધ માટે નથી. આ તને માયાના ભ્રમો ઓળખવામાં મદદ કરશે. જ્યારે તારી બુદ્ધિ ગૂંચવાઈ જશે, જ્યારે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાશે નહીં, ત્યારે આ હથિયાર તને સાચો માર્ગ બતાવશે."
અવનિલે બંને હાથથી એ દિવ્ય હથિયાર સ્વીકાર્યું. તેના હૃદયમાં જવાબદારીનું ભારણ વધુ વધી ગયું. હવે તે માત્ર નિલક્રિષ્નાની શોધમાં જ નહોતો નીકળવાનો, પરંતુ એક એવા માર્ગ પર આગળ વધવાનો હતો જ્યાં દરેક પગલે મૃત્યુ અને માયા તેની રાહ જોઈ રહ્યાં હતાં.
પછી ધૃણે દૂર ક્ષિતિજ તરફ આંગળી ચીંધી.
દૂર, ધુમ્મસ અને અંધકારથી ઘેરાયેલું એક વિશાળ જંગલ દેખાતું હતું. એ જ જંગલ, જ્યાં નિલક્રિષ્ના ગઈ હતી. એ જ માયાવી જંગલ, જેના વિશે અનેક ભયાનક કથાઓ પ્રચલિત હતી.
ધૃણની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.
તે ગંભીર સ્વરે બોલ્યો,
"પુત્ર, તું જ હવે મારી છેલ્લી આશા છે. નિલક્રિષ્નાને બચાવવાની શક્તિ કદાચ તારી અંદર જ છે. પરંતુ યાદ રાખજે, એ જંગલ સામાન્ય નથી. ત્યાં હજારો વર્ષોથી માયાનો પ્રભાવ છે. ત્યાંની દરેક દિશા ભ્રમ પેદા કરે છે. વૃક્ષો બોલે છે, પડછાયાઓ જીવંત બની જાય છે અને અવાજો માણસના મનને કાબૂમાં લે છે."
થોડો વિરામ લઈને તેણે વધુ ગંભીરતાથી કહ્યું,
"સૌથી મહત્વની વાત એ છે કે, તું ગમે તે થાય, પરંતુ પાછળ ફરીને જોતો નહીં. રસ્તામાં તને અનેક ઓળખીતાં અવાજો સંભળાશે. ક્યારેક તારી માતા બોલાવતી હોય એવું લાગશે, ક્યારેક મિત્રોની પોકાર સંભળાશે, તો ક્યારેક નિલક્રિષ્નાનો અવાજ પણ તને પાછળથી બોલાવશે. પરંતુ એ બધું માયાનું જાળ છે. જે ક્ષણે તું પાછળ વળીને જોઈશ, એ ક્ષણે માયા તને પોતાની કેદમાં લઈ લેશે."
ધૃણના શબ્દોમાં વર્ષોનો અનુભવ અને ચેતવણીનો ભાર હતો.
અવનિલે મસ્તક ઝુકાવીને કહ્યું,
"હું સાવચેત રહીશ. નિલક્રિષ્નાને શોધ્યા વિના પાછો નહીં ફરું."
પ્રસ્થાન પહેલાં અવનિલ પોતાની પ્રિય ઘોડી પાસે ગયો. વર્ષોથી એ ઘોડી તેની સાથીદાર હતી. અનેક સંકટોમાં તેણે અવનિલનો સાથ આપ્યો હતો. અવનિલે પ્રેમથી તેની ગરદન પર હાથ ફેરવ્યો અને પછી તેની લગામ ધૃણના હાથમાં સોંપી.
ધૃણ આશ્ચર્યથી તેને જોતો રહ્યો.
અવનિલ સ્મિત કરતાં બોલ્યો,
"આ ઘોડી મારી સહીસલામતીની નિશાની બની રહેશે."
ધૃણે પ્રશ્નાર્થ નજરે જોયું.
ત્યારે અવનિલે સમજાવ્યું,
"જ્યાં સુધી આ ઘોડીનો રંગ નિર્મળ સફેદ રહેશે, ત્યાં સુધી સમજજો કે હું જીવિત છું અને સંઘર્ષ કરી રહ્યો છું. મારી પાછા આવવાની આશા જીવંત છે."
તેની આંખોમાં અડગ વિશ્વાસ ઝળક્યો.
"પરંતુ જો આ ઘોડીનો રંગ ધીમે ધીમે કાળો થવા લાગે, તો સમજી લેજો કે માયાએ મને પણ પોતાના અંધકારમાં ઘેરી લીધો છે. પછી કદાચ હું પાછો ફરી શકીશ નહીં."
આ શબ્દો સાંભળીને ધૃણના હૃદયમાં એક અજાણી વ્યથા જાગી. જાણે અવનિલ કોઈ સામાન્ય યાત્રા પર નહીં, પરંતુ ભાગ્ય સાથેના યુદ્ધમાં ઉતરી રહ્યો હોય. અવનિલે અંતિમવાર ધૃણ તરફ જોયું, દિવ્ય હથિયાર મજબૂત રીતે હાથમાં પકડ્યું અને માયાવી જંગલ તરફ આગળ વધવા લાગ્યો. ધીમે ધીમે તેની આકૃતિ ધુમ્મસમાં ઓગળવા લાગી.
ધૃણ ત્યાં જ ઊભો રહ્યો.
એક તરફ તેની નજર સફેદ ઘોડી પર હતી, અને બીજી તરફ માયાવી જંગલના અંધકારમાં અદૃશ્ય થતાં અવનિલ પર.
તેના હોઠ પર માત્ર એક જ પ્રાર્થના હતી,
"હે ઈશ્વર, મારી આ છેલ્લી આશાને સુરક્ષિત રાખજો."
(ક્રમશ)
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️