નિલક્રિષ્નાએ આંખો બંધ કરી. ઘૃણે આપેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ અમર વૃક્ષનું સ્મરણ કરવા લાગી. એની આંખો ભલે બંધ હતી, પરંતુ એનું ચિત્ત, એનો આત્મા અને એનું સંકલ્પ અમર વૃક્ષ તરફ દોડી રહ્યા હતા. અવનિલ પણ એની બાજુમાં ઉભો હતો. આસપાસનું માયાવી જંગલ જાણે જીવંત બની ગયું હતું. વૃક્ષો ધીમે ધીમે પોતાની જગ્યાએથી ખસવા લાગ્યા. જમીનમાંથી અજાણ્યા અવાજો આવવા લાગ્યા.
એ સમયે અચાનક તેમની સામે એક વિશાળ કાળી બિલાડી પ્રગટ થઈ. એની આંખો અગ્નિ જેવી લાલ હતી.
એની અંદર હજારો ભ્રમો વસતા હતા. જે કોઈ એની આંખોમાં જોતું, એ પોતાના જીવનની સૌથી મોટી ઇચ્છાઓ, સૌથી મોટા ડર અને સૌથી પ્રિય સ્મૃતિઓમાં ખોવાઈ જતું. ચારે તરફ ખીખિયાટા ગુંજવા લાગ્યા.
ક્યારેક એવું લાગતું કે કોઈ બાળક રડી રહ્યું છે. ક્યારેક એવું લાગતું કે કોઈ મદદ માટે બૂમો પાડી રહ્યું છે.
પણ નિલક્રિષ્નાએ આંખો ખોલી નહીં. એ જાણતી હતી કે આ બધું માયા હતી. માયા એનો અંતિમ પરીક્ષણ લઈ રહી હતી. થોડા સમય પછી બિલાડીનો અવાજ બંધ થઈ ગયો. ખીખિયાટા પણ શાંત થઈ. અને અચાનક સમગ્ર જંગલ નિર્જન બની ગયું.
એ ક્ષણે નિલક્રિષ્ણાની આંખોમાંથી એક દિવ્ય નીલવર્ણ પ્રકાશ નીકળ્યો.એ પ્રકાશ જમીન પર પડ્યો. જમીન ધ્રૂજવા લાગી. પછી ધીમે ધીમે એક ગુપ્ત માર્ગ પ્રગટ થયો. આ માર્ગ સામાન્ય માર્ગ નહોતો. એ ચાંદી જેવા પ્રકાશથી બનેલો હતો. એની બંને બાજુ અસંખ્ય નીલ કમળ ખીલેલા હતા. દરેક કમળની અંદર એક જીવંત સ્મૃતિ બંધ હતી.
હજારો વર્ષ પહેલાં જે આત્માઓ અમર વૃક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કરી ચૂક્યા હતા, તેમની સ્મૃતિઓ આ કમળોમાં સચવાઈને રહી ગઈ હતી. નિલક્રિષ્ના અને અવનિલ એ માર્ગ પર આગળ વધવા લાગ્યા. જેટલા તેઓ આગળ વધતા ગયા, એટલી જ આસપાસની દુનિયા બદલાતી ગઈ.
થોડા સમય પછી તેઓ એક વિશાળ ખીણ પાસે પહોંચ્યા.
આ ખીણનું નામ હતું, "સમયનો ખાડો".
અહીં સમય એકસરખો વહેતો નહોતો. એક બાજુ હજારો વર્ષો એક ક્ષણમાં પસાર થઈ જતા હતા.
અને બીજી બાજુ એક ક્ષણ હજારો વર્ષો જેટલી લાંબી બની જતી હતી. ખીણની વચ્ચે પ્રકાશનો એક પુલ હતો.
માત્ર શુદ્ધ હૃદય ધરાવનાર જ એ પુલ પર ચાલી શકતો હતો. નિલક્રિષ્ના અને અવનિલ નિર્ભયતાથી પુલ પાર કરી ગયા.
પુલની પેલે પાર પહોંચતા જ તેઓ જે દૃશ્ય જોયું, તે જોઈને તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
તેમની સામે અમર વૃક્ષ ઊભું હતું. એ સામાન્ય વૃક્ષ નહોતું.
એ આખા પર્વત જેટલું વિશાળ હતું. એની મૂળિયાં પાતાળલોક સુધી પહોંચતી હતા. એની ડાળીઓ આકાશગંગા સુધી વિસ્તરેલી હતી. એનાં પાંદડાં સોનાં, ચાંદી અને નીલમણિના તેજથી ઝગમગતા હતા.
દરેક પાન પર બ્રહ્માંડના કોઈને કોઈ રહસ્ય લખાયેલું હતું. એનાં ફળો તારાઓની જેમ ચમકતા હતા. અને એ વૃક્ષની આસપાસ સમય જાણે થંભી ગયો હતો.
કોઈ પવન નહોતો. કોઈ અવાજ નહોતો. માત્ર એક દિવ્ય શાંતિ હતી. પરંતુ અમર વૃક્ષનું સૌથી મોટું રહસ્ય હજુ છુપાયેલું હતું. ઘૃણે ક્યારેય નિલક્રિષ્નાને સંપૂર્ણ સત્ય કહ્યું નહોતું. વાસ્તવમાં અમર વૃક્ષ કોઈ વૃક્ષ જ નહોતું. એ તો સમગ્ર સૃષ્ટિની સ્મૃતિઓનું જીવંત ભંડાર હતું. જ્યારે બ્રહ્માંડની રચના થઈ હતી, ત્યારે પ્રથમ પ્રકાશના કણમાંથી આ વૃક્ષનો જન્મ થયો હતો.
એ દરેક યુગને જોતું આવ્યું હતું. દરેક જન્મ અને મૃત્યુનો સાક્ષી રહ્યું હતું. અને સૌથી મોટું રહસ્ય એ હતું કે,
જે વ્યક્તિ અમર વૃક્ષના હૃદય સુધી પહોંચે, તે પોતાનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એકસાથે જોઈ શકે.
પણ એની કિંમત પણ ભારે હતી. કારણ કે જે વ્યક્તિ પૂર્ણ સત્ય જોઈ લેતી, એ પછી ક્યારેય સામાન્ય જીવન જીવી શકતી નહોતી. એના મનમાં બ્રહ્માંડના અસંખ્ય રહસ્યો હંમેશા જીવંત રહેતા.
નિલક્રિષ્ના વૃક્ષની નજીક પહોંચી. ત્યારે વૃક્ષના થડ પર એક અજાણી આકૃતિ દેખાવા લાગી. ધીમે ધીમે એ આકૃતિ એક ચહેરામાં બદલાઈ ગઈ. એ ચહેરો હજારો વર્ષ જૂનો હતો.
વૃક્ષનો આત્મા બોલ્યો,
"નિલક્રિષ્ના...! તું આવી ગઈ."
"હું તારી રાહ યુગોથી જોઈ રહ્યો છું."
"કારણ કે તું અમર વૃક્ષને શોધવા આવેલી પ્રથમ વ્યક્તિ નથી. તું તો એ જ પ્રાચીન આત્માનો પુનર્જન્મ છે, જેણે હજારો વર્ષ પહેલાં આ વૃક્ષનું રહસ્ય પોતાની અંદર બંધ કરી દીધું હતું."
આ સાંભળીને નિલક્રિષ્ના અને અવનિલ બંને સ્તબ્ધ બની ગયા. કારણ કે હવે તેમને સમજાઈ રહ્યું હતું કે અમર વૃક્ષની શોધનો અંત આવ્યો નહોતો. વાસ્તવમાં, તેમની સાચી યાત્રા તો હવે શરૂ થવાની હતી.
એમની સામે વિશાળ અમર વૃક્ષ ઊભું હતું. એ માત્ર એક વૃક્ષ નહોતું, પરંતુ યુગોનું જ્ઞાન, સમયનું રહસ્ય અને સૃષ્ટિના અણગણિત જન્મોનો સાક્ષી હતું. એની વિશાળ ડાળીઓ આકાશના અનંત વિસ્તાર સુધી ફેલાયેલી હતી, જ્યારે એની મૂળિયાં પાતાળના ગહન અંધકાર સુધી પહોંચી હતી. એના પાંદડાંમાંથી નીકળતો આછો સુવર્ણ પ્રકાશ સમગ્ર વિસ્તારને દિવ્ય તેજથી ઝગમગાવી રહ્યો હતો. નિલક્રિષ્ના અને અવનિલ ધીમે ધીમે એ વૃક્ષની વધુ નજીક પહોંચ્યાં.
જેમ જેમ તેઓ નજીક આવતા ગયા, તેમ તેમ તેમના હૃદયમાં એક અજાણી શાંતિ ઉતરતી ગઈ. માયાવી જંગલના ભયાનક અવાજો હવે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા હતા. જાણે અમર વૃક્ષની સીમામાં પ્રવેશતાં જ તમામ માયા અને ભ્રમોની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય.
અચાનક સમગ્ર વિસ્તાર ધ્રૂજવા લાગ્યો. વૃક્ષના હજારો પાંદડાં એકસાથે ઝણઝણાટ કરવા લાગ્યાં. એ ઝણઝણાટ કોઈ સામાન્ય અવાજ નહોતો. એમાં પ્રાચીન મંત્રોની ગુંજ હતી. જાણે હજારો ઋષિઓ એકસાથે સ્તુતિ ગાઈ રહ્યા હોય. એ પછી વૃક્ષના વિશાળ થડની મધ્યમાં એક તેજસ્વી વર્તુળ પ્રગટ થયું.
ધીમે ધીમે એ વર્તુળનો પ્રકાશ વધવા લાગ્યો. સુવર્ણ, નીલ અને રજત રંગની કિરણો ચારે તરફ ફેલાઈ ગઈ. અવનિલે પોતાની આંખો ઢાંકી લીધી, કારણ કે એ પ્રકાશ સામાન્ય આંખો સહન કરી શકે એવો નહોતો.
પરંતુ નિલક્રિષ્ના સ્થિર ઊભી રહી. એના હૃદયમાં કોઈ ભય નહોતો. એ જાણતી હતી કે અમર વૃક્ષ એને ઓળખી ચૂક્યું છે. થોડા સમય પછી એ પ્રકાશના કેન્દ્રમાંથી એક દિવ્ય વસ્તુ ધીમે ધીમે બહાર આવવા લાગી.
એ એક પટ્ટો હતો. પરંતુ એ કોઈ સામાન્ય પટ્ટો નહોતો.
એની રચના કોઈ ધાતુ કે વસ્ત્રમાંથી થઈ હોય એવું લાગતું નહોતું. જાણે ચાંદની, સૂર્યપ્રકાશ અને તારાઓના તેજને એકસાથે ગૂંથીને એનું સર્જન કરવામાં આવ્યું હોય.
પટ્ટા પર અસંખ્ય પ્રાચીન લિપિઓ કોતરાયેલી હતી.
દરેક અક્ષર જીવંત હતો. એ અક્ષરોમાંથી આછો નીલવર્ણ પ્રકાશ નીકળતો હતો. ક્યારેક એ અક્ષરો બદલાઈ જતા અને નવી રચનાઓમાં પરિવર્તિત થઈ જતા. જાણે પટ્ટો પોતે જ સજીવ હોય. અચાનક વૃક્ષના આત્માનો ગંભીર અવાજ સમગ્ર વિસ્તારમાં ગુંજી ઊઠ્યો,
"આ છે અમર પટ્ટો...!"
"સમય પહેલાં જન્મેલો અને સમય પછી પણ અસ્તિત્વમાં રહેનારો. આ પટ્ટો શક્તિનું પ્રતીક નથી. આ જવાબદારીનું પ્રતીક છે. જે એને ધારણ કરે છે, તેને માત્ર અમરત્વનો અધિકાર મળતો નથી, પરંતુ સૃષ્ટિના સંતુલનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા પણ લેવી પડે છે."
આ શબ્દો સાંભળીને નિલક્રિષ્નાના હૃદયમાં એક અજાણી કંપારી દોડી ગઈ. એ સમજી ગઈ કે આ કોઈ ભેટ નહોતી. આ તો એક દિવ્ય દાયિત્વ હતું. પટ્ટો ધીમે ધીમે પ્રકાશમાં તરતો તરતો નિલક્રિષ્નાની સામે આવીને અટકી ગયો.
થોડી ક્ષણો માટે સમગ્ર જગત નિઃશબ્દ બની ગયું.
ન પવન વહેતો હતો ન પાંદડાં હલતાં હતાં. ન સમય આગળ વધી રહ્યો હતો. જાણે આખું બ્રહ્માંડ એ ક્ષણનો સાક્ષી બનીને ઉભું હતું.
નિલક્રિષ્નાએ ધીમેથી પોતાના હાથ આગળ વધાર્યા.
જેમ જ એના હાથનો સ્પર્શ અમર પટ્ટાને થયો, તેમ જ એક પ્રચંડ ઊર્જા એના સમગ્ર શરીરમાં પ્રવેશી ગઈ.
એની આંખોમાંથી નીલવર્ણ પ્રકાશ ફૂટી નીકળ્યો.
એના મસ્તક પર દિવ્ય તેજ પ્રગટ થયું. એની સામે હજારો વર્ષોની સ્મૃતિઓ જીવંત થઈ ઊઠી. એણે પ્રાચીન યુગો જોયા.એણે ભૂલાઈ ગયેલી સંસ્કૃતિઓ જોઈ. એણે દેવો અને દાનવો વચ્ચે થયેલાં યુદ્ધો જોયાં. અને એણે પોતાનો જ એક અજાણ્યો ભૂતકાળ પણ જોયો. એ સમજવા લાગી કે એ માત્ર નિલક્રિષ્ના નહોતી. એનું અસ્તિત્વ યુગોથી ચાલી આવતી એક દિવ્ય ગાથા સાથે જોડાયેલું હતું. થોડા સમય પછી પ્રકાશ ધીમે ધીમે શાંત થવા લાગ્યો. અમર પટ્ટો પોતે જ નિલક્રિષ્નાના જમણા હાથ પર બંધાઈ ગયો. અને એ ક્ષણે પટ્ટા પર કોતરાયેલાં અક્ષરો ઝગમગી ઊઠ્યાં.
એક નવી લિપિ પ્રગટ થઈ, "અમરત્વ પ્રાપ્ત થયું નથી. અમરત્વ માટેની યોગ્યતા પ્રાપ્ત થઈ છે."
આ શબ્દો જોઈને નિલક્રિષ્ના આશ્ચર્યમાં પડી ગઈ.
કારણ કે હવે એને સમજાઈ ગયું હતું કે અમર પટ્ટાની પ્રાપ્તિ યાત્રાનો અંત નહોતી. આ તો માત્ર પ્રથમ દ્વાર હતું. અમરત્વનું સાચું રહસ્ય શું છે અને કયા છુપાયેલું હશે, એને મેળવવા માટે હજુ અનેક પરીક્ષાઓ બાકી હતી.
અમર પટ્ટો નિલક્રિષ્નાના હાથમાં આવતા જ સમગ્ર માયાવી જંગલમાં એક અદભુત પરિવર્તન શરૂ થઈ ગયું.
જાણે યુગોથી રાહ જોવાતી કોઈ દિવ્ય ઘટના આખરે પૂર્ણ થઈ હોય. અમર વૃક્ષના પાંદડાં એકસાથે ઝગમગી ઊઠ્યાં. એમાંથી નીકળતો સુવર્ણ અને નીલવર્ણ પ્રકાશ આખા જંગલમાં ફેલાઈ ગયો. વર્ષો સુધી અંધકાર અને રહસ્યોમાં ઘેરાયેલો પ્રદેશ અચાનક દિવ્ય તેજથી ભરાઈ ગયો. પવન ગર્જવા લાગ્યો. પરંતુ એ ગર્જનામાં વિનાશનો સ્વર નહોતો. એમાં મુક્તિનો આનંદ હતો. જાણે જંગલ પોતે કોઈ ભારે જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યું હોય.
વિશાળ વૃક્ષોની ડાળીઓ ધીમે ધીમે નમવા લાગી.
સદીઓથી અડગ ઊભેલાં એ વૃક્ષો આજે નિલક્રિષ્ના અને અવનિલને નમન કરી રહ્યાં હોય એવું લાગતું હતું.
પક્ષીઓના અજાણ્યા કલરવો ગુંજી ઊઠ્યા. આકાશમાં નીલવર્ણ પ્રકાશના વર્તુળો સર્જાવા લાગ્યા. અને જમીન પર ખીલેલાં દુર્લભ પુષ્પો પોતાની પાંખડીઓ ખોલીને સુગંધ ફેલાવવા લાગ્યાં. નિલક્રિષ્ના આ બધું આશ્ચર્યથી જોઈ રહી હતી. એણે અનુભવ્યું કે જાણે આખું જંગલ એને ઓળખતું હતું. એણે અમર પટ્ટા પર હાથ ફેરવ્યો.
પટ્ટામાંથી નીકળતી ઊર્જા હજુ પણ એના શરીરમાં પ્રવાહિત થઈ રહી હતી. એ જ સમયે અમર વૃક્ષના હૃદયમાંથી એક ગર્જના સંભળાઈ. એ ગર્જના સાથે સમગ્ર વિસ્તાર પ્રકાશથી ભરાઈ ગયો. અને અચાનક એમની સામે એક દિવ્ય રથ પ્રગટ થયો. એ રથ સામાન્ય રથ નહોતો. એની રચના કોઈ ધાતુ કે લાકડામાંથી થઈ હોય એવું લાગતું નહોતું. જાણે ચંદ્રપ્રકાશ અને તારાઓના કણોને ગૂંથીને એનું નિર્માણ કરવામાં આવ્યું હોય. રથના પૈડાં જમીનને સ્પર્શતા નહોતા. એ હવામાં જ તરતો હતો. એના આગળ ચાર દિવ્ય અશ્વો જોડાયેલા હતા. એ અશ્વોના શરીર પારદર્શક હતાં અને એમની આંખોમાં આકાશગંગા જેવી ચમક હતી. રથની આસપાસ અસંખ્ય પ્રકાશકણો નૃત્ય કરી રહ્યા હતાં.
જાણે માયાવી જંગલ પોતે પોતાના મહેમાનોને વિદાય આપવા આવ્યું હોય. એક મધુર અવાજ સમગ્ર વાતાવરણમાં ગુંજી ઊઠ્યું,
"અમર પટ્ટાના ધારકો, તમારી યાત્રાનો આ અધ્યાય પૂર્ણ થયો છે. હવે પૃથ્વી તમારું આગલું ગંતવ્ય છે."
ભયંકર ભ્રમો, માયાવી પ્રાણીઓ, અંધકારમય પરીક્ષાઓ અને અજાણ્યાં રહસ્યોને પાર કરીને તેઓ અહીં સુધી પહોંચ્યા હતા. હવે પાછા ફરવાનો સમય આવી ગયો હતો. એ બંને રથમાં સવાર થઈ ગયા. તેઓ રથમાં બેઠાં, તેમ જ દિવ્ય અશ્વોએ ગતિ પકડી. રથ ધીમે ધીમે આકાશમાં ઊંચે ઊઠવા લાગ્યો. નીચે આખું માયાવી જંગલ દેખાતું હતું. પરંતુ હવે એ પહેલાની જેમ ભયાનક લાગતું નહોતું. હવે એ શાંત અને દિવ્ય લાગતું હતું. જાણે એની સાચી ઓળખ હવે પ્રગટ થઈ ગઈ હોય. રથ આગળ વધતો ગયો. અને એની સાથે જ માયાનું આવરણ દૂર થવા લાગ્યું. ઘેરો ધુમ્મસ વિખરાઈ ગયો. ભ્રમોથી બનેલા મહેલો અદૃશ્ય થઈ ગયા. અંધકારની ગુફાઓ પ્રકાશમાં ઓગળી ગઈ. જંગલની અસંખ્ય રહસ્યમય રચનાઓ એક પછી એક ગાયબ થવા લાગી. થોડા સમય પછી આખો પ્રદેશ ધૂંધળો બનવા લાગ્યો. જાણે કોઈ સ્વપ્ન ધીમે ધીમે આંખોમાંથી સરકી રહ્યું હોય. નિલક્રિષ્નાએ છેલ્લી વાર પાછળ નજર કરી. એની આંખોમાં કૃતજ્ઞતા હતી. કારણ કે આ જંગલે એને માત્ર અમર પટ્ટો જ આપ્યો નહોતો. એણે પોતાની ઓળખ વિશેની અનેક કડીઓ પણ આપી હતી. અવનિલ પણ પાછળ જોઈ રહ્યો હતો.
રથ પૃથ્વીની દિશામાં આગળ વધતો રહ્યો. માયાવી જંગલ હવે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો હતો.
પરંતુ પાછળ એક પ્રશ્ન છૂટી રહ્યો હતો,
નરવીર ખરેખર કોણ હતો?
શું એ માત્ર માયાવી જંગલનો રક્ષક હતો?
શું એ અમર વૃક્ષનો પ્રાચીન સેવક હતો?
કે પછી એ કોઈ અમર આત્મા હતો?
આ પ્રશ્નનો જવાબ હજુ પણ રહસ્યના પડછાયામાં છુપાયેલો હતો. ઘણા લોકો માત્ર વ્યક્તિ જ નથી હોતા એ પોતે જ એક અધૂરી ગાથા હોય છે.
(ક્રમશ:)
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️