part 60 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 60

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 60


માયાવી જંગલથી બહાર નીકળ્યા પછી નિલક્રિષ્ના અને અવનિલ તરત જ પિતા ધૃણ પાસે આવી પહોંચ્યા. ત્યારે પૃથ્વીનું વાતાવરણ અસાધારણ ગંભીર હતું. આકાશમાં જાણે કોઈ અજાણ્યું ભારણ છવાઈ ગયું હોય એમ લાગતું હતું. સમુદ્રના મોજાં પણ સામાન્ય કરતાં વધુ ગર્જના કરી રહ્યાં હતાં અને પવનમાં એક અશુભ સંકેતનો અહેસાસ થતો હતો.

પિતા ધૃણની પાસે ધરા, બાબા આર્દ અને અન્ય દિવ્ય આત્માઓ પહેલેથી જ ઉપસ્થિત હતાં. સૌના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ સાથે સાથે આશાની એક ઝાંખી પણ હતી, કારણ કે હવે નિલક્રિષ્ના તેમની વચ્ચે હાજર હતી.

 ધરાની નજર નિલક્રિષ્ના પર પડી, એમની આંખોમાં વર્ષોથી દબાયેલા લાગણીઓના દરિયા ઊભરાઈ આવ્યા. એક પળ માટે તો તેઓ સ્થિર થઈ ગયા. જાણે સમય થંભી ગયો હોય. પછી અચાનક જ ધરા દોડી આવી અને નિલક્રિષ્નાને પોતાની બાહોમાં ભરી લીધી. વર્ષોનું વિયોગ, અનંત પીડા અને માતૃત્વની તરસ એકસાથે આંસુઓ બનીને એમની આંખોમાંથી વહેવા લાગી.

તેઓ નિલક્રિષ્નાના માથા પર વારંવાર હાથ ફેરવતાં બોલ્યાં,

"તું મારી પુત્રી છો...! તું ઘરતી પુત્રી છો, 
હું તારી માતુશ્રી છું. અને સમુદ્રક તારાં પિતા છે. પિતા ધૃણ તારાં નાના છે. તું અમારી લાડકી પુત્રી છો...!"

આ શબ્દો સાંભળીને નિલક્રિષ્ના સ્તબ્ધ બની ગઈ.

એનાં હૃદયમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતાં. જે સત્યની શોધમાં એ ભટકી રહી હતી, એ સત્ય આજે એની સામે ઊભું હતું. એની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યાં. કંપતા સ્વરે એ બોલી,

"ધરા મા...!"

આટલું બોલીને એ પણ ધરાને વળગી પડી. માતા અને પુત્રી એકબીજાને ભેટી પડ્યાં હતાં. આ મિલન માત્ર બે વ્યક્તિઓનું નહોતું. આ મિલન હતું વર્ષોથી વિખૂટા પડેલા પ્રેમનું. આ મિલન હતું ભાગ્ય સામે જીતેલા સંબંધોનું.
અને આ મિલન હતું એ સત્યનું, જેને સમય પણ ક્યારેય નષ્ટ કરી શક્યો નહોતો. આ દૃશ્ય જોઈને બાબા આર્દની આંખો પણ ભીની થઈ ગઈ. સમુદ્રકની આંખોમાં ગર્વ અને કરુણાનો સંગમ દેખાતો હતો. પિતા ધૃણ પણ ભાવુક બની ગયા હતા, પરંતુ સમય બહુ ઓછો હતો.
ધરતી પર સંકટના વાદળો ઝડપથી ઘેરાઈ રહ્યા હતાં.

તેમણે ગંભીર સ્વરે નિલક્રિષ્ના સંબોધીને કહ્યું,

"પુત્રી, ધરતી પર ભયંકર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. સમય હવે આપણા હાથમાંથી સરકી રહ્યો છે. તું જલ્દીથી વિરમન્યુ સાથે તારાં હૃદયનાં તાર જોડી અને એનાં સુધી પહોંચવાનો માર્ગ શોધ. ઉત્તર ધ્રુવ તરફ સમુદ્રકની અગાધ ગહેરાઈઓમાં એ ક્યાંક છે. એને શોધી કાઢવું હવે અત્યંત જરૂરી છે."

નિલક્રિષ્નાએ આશ્ચર્યથી પૂછ્યું,

"મા, મારાં હૃદયનાં તાર વિરમન્યુ સાથે કેવી રીતે જોડાઈ શકે?"

ધરાએ પ્રેમથી થોડી પકડી. એમના ચહેરા પર માતૃત્વનું તેજ ઝળહળી રહ્યું હતું. તે ધીમે સ્વરે બોલ્યાં,

"તારાં માટે પોતાના પ્રાણોની પરવા કર્યા વિના રેતમહેલ બનાવનાર શિવમન્યુને તો તું પહેલેથી જ ભાઈ માને છે. પરંતુ એ માત્ર તારો માનેલો ભાઈ નથી...! એ હકીકતમાં પણ તારો જ ભાઈ છે."

નિલક્રિષ્નાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

ધરાએ આગળ કહ્યું,

"અને વિરમન્યુ પણ તારો જ ભાઈ છે. લોહીના સંબંધો માત્ર શરીરથી નથી બંધાતા, આત્માના તારોથી પણ બંધાય છે. તમારાં ત્રણેયનાં આત્મા એક જ દિવ્ય શક્તિના અંશો છે. તેથી જો તું મનને સંપૂર્ણ શાંત કરીને હૃદયની ઊંડાઈમાં ઉતરશે, તો વિરમન્યુના આત્માના સ્પંદનોને અનુભવી શકીશ."

પિતા ધૃણે ઉમેર્યું,

"સંબંધોની શક્તિ અંતરથી ક્યારેય કમજોર થતી નથી. હજારો યોજન દૂર હોવા છતાં હૃદયનાં તાર એકબીજાને સ્પર્શી શકે છે. તારે માત્ર વિશ્વાસ રાખવાનો છે."

નિલક્રિષ્નાના અંતરમાં અચાનક એક નવી શક્તિનો સંચાર થવા લાગ્યો. જાણે વર્ષોથી ખોવાયેલું અસ્તિત્વ હવે પૂર્ણ થઈ રહ્યું હતું. ધરાએ પોતાના આશીર્વાદરૂપે હાથ નિલક્રિષ્નાના માથા પર મૂક્યો.

"તું હવે જરાકેય વિલંબ ન કર...! અમારા આશીર્વાદ હંમેશાં તારી સાથે છે. તું મારી ખોવાઈ ગયેલી શાન ફરીથી મેળવવા માટે જ જન્મી છે. મને વિશ્વાસ છે કે તું કામયાબ થઈશ." 

એમના શબ્દો સાથે જ નિલક્રિષ્નાના શરીરમાંથી દિવ્ય નીલવર્ણ પ્રકાશ પ્રસરી ઊઠ્યો. આસપાસનો આખો વિસ્તાર એ પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. સમુદ્રના મોજાં શાંત થવા લાગ્યા. પવન પણ જાણે થંભી ગયો. નિલક્રિષ્નાએ આંખો બંધ કરી. હૃદયમાં પોતાના ભાઈ વિરમન્યુનું સ્મરણ કર્યું. અને એ જ ક્ષણે એને પોતાની અંદરથી એક અજાણી ધડકન સંભળાઈ...! 
જાણે હજારો યોજન દૂર સમુદ્રની અગાધ ગહેરાઈઓ 

સમય હવે રેતીની જેમ હાથમાંથી સરકી રહ્યો હતો.

અવનિલ, નિલક્રિષ્ના, પિતા ઘૃણ, અને સમુદ્રક, ધરા એ બધાં જાણતા હતાં કે જો હવે જરા પણ કોઈ નિર્ણય લેવામાં વિલંબ થશે, તો કદાચ મનુષ્યજાતિનો અસ્તિત્વ જ ઈતિહાસ બની જશે. આ માત્ર એક યુદ્ધ નહોતું, માત્ર એક સંકટ નહોતું; આ તો સૃષ્ટિના ભવિષ્યનો નિર્ણય કરનાર ક્ષણ હતો.

ધરાના ચહેરા પર એક અદભુત શાંતિ હતી, પરંતુ એની આંખોમાં બ્રહ્માંડ જેટલી ગહનતા દેખાતી હતી.
એણે પોતાના હાથમાં રહેલો અમર પટ્ટો આકાશ તરફ ઊંચો કર્યો.

એ અમર પટ્ટો સામાન્ય ન હતો. એમાં યુગોનું તપ, દેવતાઓના આશીર્વાદ અને સૃષ્ટિની અવિનાશી ઊર્જા સમાયેલી હતી. ધરાએ આંખો બંધ કરી, હોઠો પર કોઈ અજાણ્યો દિવ્ય મંત્ર પ્રગટ્યો. અને પછી, નિલક્રિષ્ના એ અમર પટ્ટો સમુદ્રની ગહનતામાં ફેંકી દીધો. અમર પટ્ટો જળને સ્પર્શ્યો એ ક્ષણે સમગ્ર સમુદ્રમાં એક ભયંકર ગર્જના પ્રસરી ગઈ.

દરિયાઈ મોજાં જાણે બે ભાગમાં વિભાજિત થવા લાગ્યાં. પાણીની અંદરથી નીલવર્ણ પ્રકાશનો એક મહાપ્રવાહ ફાટી નીકળ્યો. થોડી જ ક્ષણોમાં સમુદ્રની ગહનતા વચ્ચે એક વિશાળ માર્ગ રચાઈ ગયો. એ માર્ગ ક્યાંથી શરૂ થતો હતો અને ક્યાં પૂરો થતો હતો એ દેખાતું નહોતું. જાણે અનંત તરફ જતો કોઈ દિવ્ય સેતુ હોય. એ ક્ષણે ધરાના અંતરમાં એક વિચાર જાગ્યો,

જેમ સમગ્ર બ્રહ્માંડમાં એક જ વાયુ અસંખ્ય રૂપોમાં વ્યાપેલો હોય છે, જેમ એક જ સૂર્ય લાખો કિરણોમાં વિભાજિત થઈ સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરતો હોય છે, તેવી જ રીતે પરમશક્તિએ પણ મનુષ્યજાતિને બચાવવા માટે આ અદભુત સંયોગ રચ્યો હતો.

કોઈએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી એક ભૂમિ ફરીથી પ્રગટ થવાની હતી, નિલભૂમિ.

ધરાએ પોતાની શક્તિઓ પ્રચંડ કરતાં જોયું કે, એક એવી ભૂમિ, જે સમયના પડછાયામાં હજારો વર્ષોથી છુપાઈ ગઈ હતી. એમાં વાયુ હતો, જલ હતું, પ્રકાશ હતો. અગ્નિ હતી. વનસ્પતિઓ હતી. જીવન માટે જરૂરી દરેક તત્ત્વ ત્યાં અખૂટ માત્રામાં હાજર હતું. એનું સૌંદર્ય શબ્દોની સીમાથી પર હતું. નીલવર્ણ પર્વતો આકાશને સ્પર્શતા હતાં. સ્ફટિક જેવા પારદર્શક જળાશયો ચમકી રહ્યાં હતાં. અજાણી સુગંધ ધરાવતા ફૂલોની સુવાસ પવનમાં ભળી રહી હતી. અને સમગ્ર ભૂમિ પર એક દિવ્ય નીલ આભા પથરાયેલી હતી.

પણ એ જ ક્ષણે એક અદ્ભુત ઘટના બની. સમુદ્રની અંદરથી એક પ્રચંડ તેજપુંજ પ્રગટ થયો. એ તેજ વીજળીની ગતિએ ધરા તરફ ધસી આવ્યો. સમગ્ર પૃથ્વી ધ્રુજવા લાગી. આકાશ ગર્જવા લાગ્યું. સમુદ્ર ઊછળવા લાગ્યો. અને એ તેજ સીધો ધરાના શરીરમાં પ્રવેશી ગયો.

એક ક્ષણે સમય જાણે સ્થિર થઈ ગયો. આ પ્રક્રિયા થોડી મિનિટ સુધી ચાલી. પછી અચાનક બધું શાંત થઈ ગયું.‌ પરંતુ હવે ધરા પહેલાં જેવી ન રહી હતી. એણે પોતાના કર્મોથી ગુમાવેલી દેવીશક્તિઓ ફરી પ્રાપ્ત કરી લીધી હતી. એ હવે માત્ર એક સ્ત્રી નહોતી. એ હવે પૂર્ણરૂપે પૃથ્વીનું જીવંત સ્વરૂપ બની ગઈ હતી. એની આંખોમાં હવે ખંડો અને મહાસાગરો ઝળહળતા હતાં. એના શ્વાસમાં પવન વહેતો હતો. એના હૃદયમાં સમગ્ર સૃષ્ટિ ધબકતી હતી. ધરાએ પોતાના બંને હાથ ફેલાવ્યાં. અને સમુદ્રનું પાણી હજારો કિલોમીટર સુધી પાછળ હટવા લાગ્યું.

પાણીની નીચે છુપાયેલી જમીન ધીમે ધીમે ઉપર આવવા લાગી. જાણે પૃથ્વી પોતે જ પોતાના ગર્ભમાંથી નવી ધરતીને જન્મ આપી રહી હોય. બધાં આશ્ચર્યથી આ દૃશ્ય જોઈ રહ્યાં હતાં. તેમને નવી જમીન મળી ગઈ હતી. નવી આશા મળી ગઈ હતી. દેવતાઓએ પણ આ કાર્યમાં સહયોગ આપ્યો. વાયુદેવએ શુદ્ધ હવા પ્રસારી. અગ્નિદેવે ઉષ્મા આપી. સૂર્યે નવા પ્રદેશને પ્રકાશિત કર્યો. વરસાદે જમીનને જીવંત બનાવવાનું શરૂ કર્યું.

ધીમે ધીમે નિલભૂમિ મનુષ્યવસાહત માટે તૈયાર થવા લાગી. પણ, સૃષ્ટિ ક્યારેય કોઈ વરદાન પરીક્ષા વગર આપતી નથી. આ નવી પૃથ્વીમાં એક ભયંકર રહસ્ય છુપાયેલું હતું. નિલક્રિષ્ના જ્યારે આ ભૂમિ પર સૌપ્રથમ પગ મૂકવા ગઈ ત્યારે એને એક અજીબ અનુભવ થયો. જમીનમાંથી ઝેરી ઉષ્ણતા પ્રસરી રહી હતી. હવામાં એક અજાણ્યો દાહ હતો. વનસ્પતિઓમાં વિષનો અંશ હતો. અને સમગ્ર ભૂમિ જાણે કોઈ પ્રાચીન શાપથી ઘેરાયેલી હતી. નિલક્રિષ્ના ધ્યાનમાં ઊતરી. ભૂમિના સ્મૃતિચિહ્નો વાંચવાનો પ્રયત્ન કર્યો. અને પછી એને હજારો વર્ષો જૂનો ઈતિહાસ દેખાયો. આ ભૂમિ સામાન્ય ન હતી. આ તક્ષક નાગ દ્વારા રચાયેલી પ્રાચીન નાગભૂમિ હતી. જ્યારે નાગલોકના નાગો અને નાગણીઓ પ્રથમ વખત સમુદ્ર પાર કરીને પૃથ્વી પર આવ્યા હતા, ત્યારે એ અહીં વસ્યા હતા.

આ ભૂમિ એમનું પ્રથમ આશ્રયસ્થાન હતી. પરંતુ સમય જતાં એમના સ્વરૂપોમાં પરિવર્તન આવવા લાગ્યું. અર્ધ નાગ અને અર્ધ મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને તેઓ આગળ પૃથ્વી તરફ વધ્યા. કહેવામાં આવે છે કે સૌપ્રથમ તેઓ ભારતની ભૂમિ પર આવ્યા. કાશ્મીરના ઉત્તરીય પ્રદેશોમાં એમણે પોતાનો વસવાટ શરૂ કર્યો. પછી ધીમે ધીમે તેઓ મનુષ્યજાતિમાં ભળી ગયા. પરંતુ અહીંથી જતા પહેલાં તેઓ પોતાનું પ્રચંડ વિષ આ ભૂમિમાં છોડી ગયા હતા હજારો વર્ષોથી એ વિષ આ જમીનમાં સૂતેલું હતું. નિલક્રિષ્નાએ જ્યાં નજર કરી ત્યાં પ્રાચીન નાગચિહ્નો દેખાતા હતાં. વિશાળ શિલ્પો, અર્ધભંગ મંદિરો, નાગાકૃતિઓ અને સમયના ભારથી ઘસાઈ ગયેલા સ્થાપત્યો.

આ બધું સાબિત કરતું હતું કે આ ભૂમિ ક્યારેક નાગસંસ્કૃતિનું કેન્દ્ર રહી ચૂકી હતી. નિલભૂમિના ઝેરીલા રહસ્યને જાણ્યા પછી નિલક્રિષ્નાના મનમાં અસંખ્ય પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. લાખો મનુષ્યોનું ભવિષ્ય હવે એની એક યાત્રા પર આધારિત હતું. જો ઝેર દૂર ન થાય તો નિલભૂમિ ક્યારેય વસવાટ માટે યોગ્ય બની શકે નહીં.

ધૃણે તરત જ આ નિલભુમિને શુધ્ધ કરવા માટે અમીના કુવામાંથી અમી ભરીને અહીં આ જમીન‌ પર અમીના છાંટણા કરવા બાબતે વાત કરી. એ જ સાથે એક ગંભીર શાંતિ છવાઈ ગઈ. સમુદ્રક, પિતા ધૃણ, ધરા, અવનિલ અને બાબા આર્દ ગહન વિચારમાં પડી ગયા.

ત્યારે નિલક્રિષ્નાએ ધીમા સ્વરે પ્રશ્ન કર્યો,

"પિતા ધૃણ, આ અમીનો કૂવો ક્યાં આવેલો છે? હું કઈ દિશામાં જાઉં? અને એને કેવી રીતે શોધી શકીશ?"

ધૃણે થોડો સમય આંખો બંધ કરી.

જાણે હજારો વર્ષ જૂની સ્મૃતિઓના દ્વાર ફરીથી ખોલી રહ્યા હોય.

પછી ધીમે ધીમે એમણે આંખો ખોલી.

એમની આંખોમાં ચિંતા પણ હતી અને સત્યનો ભાર પણ. તેઓ બોલ્યા,

"પુત્રી, અમીનો કૂવો કોઈ સામાન્ય સ્થાન પર નથી. એ સમુદ્રની સૌથી ગહન તીરાડમાં છુપાયેલો છે. પરંતુ એને શોધવું જ મુશ્કેલ નથી...! એ સુધી પહોંચવું તો એથી પણ વધુ ભયંકર છે."

નિલક્રિષ્ના એકાગ્રતાથી સાંભળવા લાગી.

ધૃણે આગળ કહ્યું,

"વિરમન્યુ એ અમીના કુવાને પોતાના શરીરની નીચે દબાવીને પથરાયો છે."

આ સાંભળતાં જ ત્યાં હાજર બધા સ્તબ્ધ થઈ ગયા.‌ ધૃણનો અવાજ વધુ ગંભીર બની ગયો.

"જ્યારે વિરમન્યુએ અમીના અસ્તિત્વ વિશે જાણ્યું ત્યારે એના મનમાં એક વિચાર જન્મ્યો હતો. એ માનતો હતો કે જો અમી સંપૂર્ણપણે એની પાસે રહેશે, તો એક દિવસ એ મૃત્યુ, સમય અને નિયતિથી પણ ઉપર ઊઠી શકશે. એ પોતે જ ઈશ્વર બનવા માંગતો હતો."

સમુદ્રની બહારથી ગર્જનાઓ સંભળાઈ રહી હતી.

ધૃણે પોતાની વાત ચાલુ રાખી.

"એ માટે એ સમુદ્રની ગહનતમ તીરાડ સુધી ગયો. જ્યાં સર્જન અને વિનાશની શક્તિઓ એકસાથે ધબકે છે. ત્યાં જઈને એ પોતાના વિશાળ શરીર સાથે પથરાઈ ગયો. અમીનો કૂવો એના શરીરની નીચે જ દબાઈ ગયો."

નિલક્રિષ્નાના મનમાં વિરમન્યુનું વિશાળ સ્વરૂપ ઊભું થઈ ગયું.

એણે પૂછ્યું,

"તો પછી હું અમી સુધી કેવી રીતે પહોંચીશ?"

ધૃણે લાંબો શ્વાસ લીધો.

"એ જ સૌથી ભયંકર વાત છે, પુત્રી."

ગુફાની અંદર એક અજીબ મૌન છવાઈ ગયું.

"વિરમન્યુનું શરીર માત્ર એક જીવનું શરીર નથી. એ હવે સમુદ્રના તળનો એક ભાગ બની ગયું છે. એના શરીરના ભારથી જ એ તીરાડ બંધ છે. જો એ જરાક પણ પડખું ફેરવશે, જો એ ઊભો થવાનો પ્રયત્ન કરશે...! તો હજારો વર્ષોથી દબાયેલી દરિયાઈ તીરાડ ફરીથી ખુલવા લાગશે."

અવનિલે આશ્ચર્યથી પૂછ્યું,

"અને પછી?"

ધૃણનો અવાજ ગર્જના જેવો બની ગયો.

"પછી વિનાશ શરૂ થશે."

બધા મૌન બની ગયા.

"એ તીરાડની નીચે અગ્નિના મહાસાગરો ધધકી રહ્યા છે. સમુદ્રના અસંખ્ય સ્તરોનું દબાણ ત્યાં બંધાયેલું છે. જો વિરમન્યુ ખસશે તો એ દબાણ મુક્ત થઈ જશે. મહાસાગરો ઉછળશે. ભૂખંડો તૂટી પડશે. અને જે વિનાશ હાલમાં ચાલી રહ્યો છે, એથી અનેકગણો ભયંકર પ્રલય સર્જાશે."

નિલક્રિષ્નાના ચહેરા પર ચિંતા દેખાવા લાગી.

એણે પૂછ્યું,

"તો શું અમી મેળવવી અને પૃથ્વીને બચાવવી એકસાથે શક્ય જ નથી?"

ધૃણે થોડા ક્ષણ મૌન રહીને જવાબ આપ્યો,

"સંભવ છે, પરંતુ એ માટે તારે સમયને પણ હરાવવો પડશે."

"વિરમન્યુ જ્યારે જાગશે અને પોતાની સ્થિતિ બદલશે, ત્યારે તારે એ ક્ષણનો લાભ લેવો પડશે. તીરાડ ખુલવાની શરૂઆત થાય એ પહેલાં જ તારે અમીના કુવા સુધી પહોંચવું પડશે. કમંડલમાં અમી ભરવી પડશે. અને પાછી ફરવું પડશે."

ધરાએ ચિંતાભરી નજરે નિલક્રિષ્નાને જોતાં કહ્યું,

"આ યાત્રા માત્ર જોખમી નથી, પુત્રી. કદાચ આ આખા યુગની સૌથી કઠિન પરીક્ષા છે."

ધૃણે પોતાના કમંડલને બંને હાથમાં લઈને નિલક્રિષ્નાને આપ્યું. કમંડલમાંથી હળવો સુવર્ણ પ્રકાશ પ્રસરી રહ્યો હતો. ધૃણે કહ્યું,

"આ કમંડલ સામાન્ય નથી. અમીના એક ટીપાથી પણ આ ભરાઈ શકે છે. પરંતુ યાદ રાખજે અમીનો કૂવો કોઈને પોતાની નજીક સહેલાઈથી આવવા દેતો નથી. એની આસપાસ પ્રાચીન શક્તિઓનો પહેરો છે."

નિલક્રિષ્નાએ કમંડલ સ્વીકાર્યું. એની આંખોમાં હવે ભય નહોતો. માત્ર નિશ્ચય હતો. લાખો મનુષ્યોની આશા એની સાથે બંધાયેલી હતી. નિલભૂમિનું ભવિષ્ય એની સાથે બંધાયેલું હતું. ધરાએ એના માથા પર હાથ મૂક્યો. બાબા આર્દે આશીર્વાદ આપ્યા.

અવનિલે કહ્યું,

"તું પાછી ફરશે. કારણ કે હવે આ યુદ્ધ ફક્ત તારું નથી. આખી સૃષ્ટિ તારી સાથે છે."

નિલક્રિષ્નાએ સમુદ્રની ગહનતા તરફ નજર કરી. દૂર ક્યાંક અંધકારમય દરિયાઈ તીરાડોમાં વિરમન્યુ પોતાના વિશાળ શરીર સાથે નિદ્રાધીન પડ્યો હતો. અને એના નીચે, સૃષ્ટિના સૌથી રહસ્યમય ખજાનામાંનું એક, અમીનો કૂવો હતો.

 હવે નિલક્રિષ્નાની યાત્રા શરૂ થવાની હતી. એક એવી યાત્રા, જેમાં એક ટીપું અમી મેળવવાની સાથે આ પ્રલયને પણ પડકારવાનો હતો.


- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️