ભાગ ૧૪: કોફી શોપમાં પહેલી ડેટ
સાડા ત્રણ વાગ્યા હતા. ફાર્માકોલોજી લેબમાં બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ટેબલ પર ગોઠવાઈ ગયા હતા. ડૉ. શશાંક વ્યાસ લેબના મુખ્ય ટેબલ પાસે હાથ પાછળ બાંધીને ઊભા હતા. એમની નજર સતત લેબના દરવાજા અને આધ્યા પર ફરી રહી હતી.
આધ્યા પોતાની જગ્યા પર ઊભી હતી. એના ટેબલ પર એક બર્નર અને બે કાચના બીકર હતા.
"આજે આપણે એક સિમ્પલ હીટ-રિએક્શન જોઈશું," ડૉ. વ્યાસે ધીમા અને ક્રૂર અવાજે ક્લાસને સંબોધતા કહ્યું. "દરેક વિદ્યાર્થી પોતાના બીકરમાં રહેલા કેમિકલને ધીમા તાપે ગરમ કરશે."
આધ્યાએ પોતાના બીકર તરફ જોયું. એમાં એક આછા પીળા રંગનું પ્રવાહી હતું. એણે બર્નરની સ્વિચ ચાલુ કરવા માટે હાથ લંબાવ્યો.
બરાબર એ જ સેકન્ડે, લેબનો દરવાજો ધડાકાભેર ખૂલ્યો!
આરવ એક ચિત્તાની ઝડપે લેબમાં પ્રવેશ્યો. એની નજર સીધી આધ્યાના ટેબલ પર ગઈ. આરવની કેમિકલ વોરફેરની ટ્રેનિંગ એને ચીખી ચીખીને કહી રહી હતી કે આધ્યાના બીકરમાં સામાન્ય કેમિકલ નહિ, પણ હાઈલી વોલેટાઈલ 'પિક્રિક એસિડ' (Picric Acid) નું સોલ્યુશન છે! જેવું એને ગરમ કરવામાં આવશે, એ એક ભયાનક વિસ્ફોટ કરશે, અને કાચના ટુકડા સીધા આધ્યાના ચહેરા અને ગરદનને ચીરી નાખશે. એક્સિડેન્ટલ ડેથ!
આધ્યાએ બર્નર ઓન કર્યું.
"આધ્યા, પાછળ હટ!"
આરવ ક્લાસની વચ્ચેથી દોડ્યો. કોઈ કંઈ સમજે એ પહેલાં જ એણે આધ્યાના ટેબલ પાસે પહોંચીને બિલકુલ જાણીજોઈને પોતાનો પગ એક સ્ટૂલ સાથે અથડાવ્યો અને પડવાનું નાટક કર્યું. પડતી વખતે એનો હાથ જાણીજોઈને આધ્યાના ટેબલ સાથે જોરથી અથડાયો.
છપાક !
બીકર જમીન પર પડીને ફૂટી ગયું અને પીળું કેમિકલ ફ્લોર પર ઢોળાઈ ગયું. વિસ્ફોટ ટળી ગયો.
આખી લેબમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર આરવ પર હતી.
"આઈ એમ સોરી સર..." આરવે કપડાં ખંખેરતા ઊભા થઈને અત્યંત ગભરાયેલા વિદ્યાર્થીનો અભિનય કરતા કહ્યું, "મારો પગ લપસી ગયો."
ડૉ. વ્યાસના ચહેરા પરનો ગુસ્સો છુપાવ્યો છુપાય એવો નહોતો. એમનો માસ્ટરપ્લાન આરવે માત્ર એક નાટકથી નિષ્ફળ બનાવી દીધો હતો. એમની મુઠ્ઠી વળી ગઈ. "ગેટ આઉટ ઓફ માય લેબ, આરવ! અને બીજું નવું બીકર આપો આને."
આધ્યા આઘાતમાં હતી. એને સમજાયું નહોતું કે હમણાં શું થયું, પણ આરવે એની સામે જોતાં જે હળવો ઈશારો કર્યો, એનાથી એને એટલી ખબર પડી ગઈ કે આરવ કોઈ કારણસર સમયસર પહોંચી ગયો હતો. આરવે ડૉ. વ્યાસની આંખોમાં આંખો નાખી. એ બંને વચ્ચે કોઈ શબ્દો ના બોલાયા, પણ આરવની સાયલન્ટ ચેલેન્જ સ્પષ્ટ હતી: 'હું જીવતો છું ત્યાં સુધી આધ્યાને કોઈ આંચ નહિ આવે.'
સાંજ ના પાંચ વાગ્યા. કોલેજની બહાર આવેલું 'કેફે મોચા'.
કેફેમાં ધીમું, રોમેન્ટિક ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાગી રહ્યું હતું. પીળા રંગની વોર્મ લાઈટ્સ વાતાવરણને અત્યંત હૂંફાળું બનાવી રહી હતી.
આરવ કેફેના એક ખૂણાના ટેબલ પર બેઠો હતો. એની નજર દરવાજા પર હતી. ત્યાં જ આધ્યા પ્રવેશી. એણે બ્લેક જીન્સ અને પીચ કલરનું શોર્ટ ટોપ પહેર્યું હતું. એના ખુલ્લા વાળ અને કાજળભરી આંખો જોઈને આરવના હ્રદયનો એક ધબકારો ખરેખર ચૂકી ગયો.
આધ્યા આવીને સામે બેઠી. બંનેની આંખો મળી, અને એક અદભુત, અકથ્ય શાંતિ બંનેના ચહેરા પર છવાઈ ગઈ.
"તું તો જાણે મારો જીવ બચાવવાનો કોન્ટ્રાક્ટ લઈને જ ફરતો હોય એવું લાગે છે!" આધ્યાએ હળવાશથી હસતા હસતા કહ્યું. "સવારે માથું દબાવે છે અને બપોરે લેબમાં બીકર તોડે છે. ખરેખર શું ચાલી રહ્યું છે તારા મગજમાં?"
આરવે કોફીનો ઓર્ડર આપ્યો અને પછી ટેબલ પર પોતાના બંને હાથ જોડીને, થોડો આગળ ઝૂક્યો.
"મારા મગજમાં શું ચાલી રહ્યું છે એ જાણવું કદાચ તારા માટે અત્યારે અઘરું છે આધ્યા. પણ મારા હ્રદયમાં શું ચાલી રહ્યું છે, એ હવે છુપાવવું મારા માટે અશક્ય છે."
આધ્યાના ચહેરા પરની મસ્તી ધીમે ધીમે એક ઊંડી લાગણીમાં ફેરવાઈ ગઈ.
આરવે અત્યંત ધીમા, ઋજુ અને ગળગળા અવાજે કહ્યું, "મારી દુનિયામાં અત્યાર સુધી માત્ર ગુમાવવાનો જ ડર હતો. મેં ઘણા લોકોને મારાથી દૂર જતા જોયા છે. એટલે મેં મારી આસપાસ એક દીવાલ ચણી લીધી હતી. પણ તેં... તેં તારી જીદ અને તારા પ્રેમથી એ દીવાલ તોડી નાખી. તેં મને ફરીથી શ્વાસ લેતા શીખવાડ્યું છે આધ્યા. હું તને કોઈ મોટા વચનો નથી આપી શકતો, કારણ કે મારી જિંદગીનું કોઈ ઠેકાણું નથી. પણ હું એટલું ચોક્કસ કહી શકું છું કે..."
આરવ અટક્યો. એણે ધીમેથી આધ્યાનો હાથ પોતાના હાથમાં લીધો. "કે હવેથી... હું પૂરી રીતે તારો છું. મારો દરેક શ્વાસ તારા નામ પર છે."
આધ્યાની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. આ ખુશીના આંસુ હતા. વર્ષોની તપસ્યા પછી જાણે કોઈ વરદાન મળ્યું હોય, એવો અહેસાસ એને થઈ રહ્યો હતો. એણે આરવના હાથને પોતાના હોઠ પાસે લઈ જઈને હળવું ચુંબન કર્યું.
"મને તારી દુનિયા, તારા ભૂતકાળ કે તારા રહસ્યોથી કોઈ જ ફરક નથી પડતો આરવ. મને માત્ર તારી જરૂર છે. હું છેલ્લી સેકન્ડ સુધી તારી પડખે ઊભી રહીશ."
બંને વચ્ચે એક એવો ભાવનાત્મક સેતુ બંધાઈ ચૂક્યો હતો, જેને દુનિયાની કોઈ તાકાત તોડી શકે તેમ નહોતી. કોફીનો સ્વાદ આજે બંનેને અમૃત જેવો લાગી રહ્યો હતો.
અડધો કલાક પછી.
આરવે બીલ ચૂકવ્યું અને બંને ઊભા થવાની તૈયારી કરતા હતા. આધ્યા વોશરૂમ તરફ ગઈ.
બરાબર એ જ વખતે...
ઝઝ્ઝ... ઝઝ્ઝ...
આરવની સ્માર્ટવોચ વાઇબ્રેટ થઈ.
"સ્પીક, ફેલ્કન." આરવે ધીમેથી કાન પાસે માઈક એડજસ્ટ કરતા કહ્યું. એનો અવાજ રોમાન્સમાંથી અચાનક ફરી એક એજન્ટના કઠોર સ્વરમાં બદલાઈ ગયો.
"કેપ્ટન! મેં પેલા જાસૂસ 'શેડો' ના ફોનનું ડાર્ક-વેબ સિગ્નલ ઇન્ટરસેપ્ટ કર્યું છે. મને એનું લાઈવ લોકેશન મળી ગયું છે!" ફેલ્કનનો અવાજ અત્યંત ટેન્શનમાં હતો.
"લોકેશન ક્યાં છે? કઈ હોસ્ટેલમાં છે એ?" આરવે નજર ચારે બાજુ ફેરવતા પૂછ્યું.
"હોસ્ટેલમાં નથી, કેપ્ટન!" ફેલ્કને લગભગ બૂમ પાડતા કહ્યું. "સિગ્નલ પિંગ થઈ રહ્યું છે... બિલકુલ તમારા જ લોકેશન પરથી! 'શેડો' અત્યારે એ જ કેફે મોચામાં બેઠો છે અને તમને જ જોઈ રહ્યો છે!"
આરવના પગ તળેથી જમીન ખસી ગઈ.
એણે વીજળીની ઝડપે પાછળ વળીને આખા કેફેમાં નજર ફેરવી.
કેફેમાં માત્ર ત્રણ જ ટેબલ ભરાયેલા હતા. એક પર બે વૃદ્ધ કપલ બેઠું હતું. બીજા ટેબલ પર એક છોકરી લેપટોપમાં કામ કરી રહી હતી. અને ત્રીજા ટેબલ પર...
ત્રીજા ટેબલ પર એક યુવાન બેઠો હતો, જેણે પોતાના ચહેરા પર મેનુ-કાર્ડ આડું રાખ્યું હતું.
આરવની આંખો શિકારીની જેમ સાંકડી થઈ ગઈ. એ ધીમા, બિલાડીના પગલે એ ટેબલ તરફ આગળ વધ્યો. એણે પોતાની કમર પાછળ છુપાયેલી પિસ્તોલના હેન્ડલ પર હાથ મૂક્યો. આજે ડૉ. વ્યાસના આ 'શેડો' નો ચહેરો દુનિયા સામે આવવાનો હતો.
આરવે ટેબલ પાસે પહોંચીને એક જ ઝાટકે પેલાના હાથમાંથી મેનુ-કાર્ડ ખેંચી લીધું!
અને મેનુ-કાર્ડ પાછળ રહેલો ચહેરો જોતાં જ... આરવના શ્વાસ અધ્ધર થઈ ગયા!
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર