Part 29 in Gujarati Thriller by Dr. Nilesh Thakor books and stories PDF | કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 29

Featured Books
Categories
Share

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 29

ભાગ ૨૯: માઇક્રો-બગ્સ અને લાઈવ ઓડિયો ટ્રેકિંગ

ડૉ. વ્યાસની કેબિનમાં સન્નાટો એવો હતો કે આરવ પોતાના ધબકારા પણ સાંભળી શકતો હતો.

ટેબલની બિલકુલ સામે ખૂણે રહેલો દરવાજો ખૂલ્યો. અંદર પ્રવેશનાર વ્યક્તિના બૂટનો અવાજ કાર્પેટ પર દબાયેલો હતો, પણ આરવની RAW ટ્રેઈન્ડ ઇન્દ્રિયો માટે એ અવાજ કોઈ તોપના ગોળા જેવો હતો. ડૉ. વ્યાસના પગલાં ટેબલની પાસે આવીને અટક્યા. એણે પોતાની ખુરશી પાછળ કરી અને આરામથી બેઠો.

ખુરશીની ઘર્ષણનો અવાજ આરવના માથા ઉપરથી પસાર થયો. જો ડૉ. વ્યાસે સહેજ પણ પગ લંબાવ્યો હોત, તો આરવનો બૂટ એમની નજરમાં આવી ગયો હોત!

ડૉ. વ્યાસે ટેબલ પર રહેલા લેન્ડલાઈન ફોનનો રિસીવર ઉપાડ્યો.

"હા... બધું તૈયાર છે ને?" વ્યાસનો અવાજ હવે બિલકુલ બદલાઈ ગયો હતો. એમાં એ કોલેજના પ્રોફેસર જેવી નમ્રતા નહોતી, પણ એક કુખ્યાત ડ્રગ લોર્ડની ક્રૂરતા હતી.

આરવે અત્યંત સાવધાનીથી પોતાની સ્માર્ટવોચના માઈક્રો-ઓડિયો મોડને ઓન કર્યો. ફેલ્કન સર અહીંથી જ બધું લાઈવ સાંભળી રહ્યા હતા.

"યુથ ફેસ્ટિવલની રાત્રે, જ્યારે આખી કોલેજ સંગીત અને ડાન્સમાં મગ્ન હશે, ત્યારે જ આ કામ પૂરું કરવાનું છે," વ્યાસે ફોન પર કહ્યું. "આરવ સિંહ ભલે ગમે તેટલો હોશિયાર હોય, પણ એને ખબર નથી કે એની પ્રેયસી આધ્યાનું નામ જ એની મોતનું વોરંટ છે! એકવાર આધ્યા ગઈ, એટલે આરવ માનસિક રીતે ભાંગી પડશે. અને પછી... એને જીવતો રહેવાની કોઈ જરૂર જ નથી."

આરવની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ. એના લોહીમાં અત્યારે માત્ર ગુસ્સો નહોતો, પણ એક ઠંડો બદલાની ભાવના હતી.

વ્યાસે ફોન કટ કર્યો. એણે ટેબલનું ડ્રોઅર ખોલ્યું. આરવ જોઈ શકતો હતો કે વ્યાસ અત્યારે પેલા પ્રોજેક્ટની ફાઈલ કાઢી રહ્યા હતા.

વ્યાસે ખુરશીમાંથી ઊભા થઈને રૂમમાં આંટા મારવાનું શરૂ કર્યું. એ બરાબર ટેબલની આસપાસ ફરી રહ્યો હતો. આરવ અત્યારે વ્યાસના બૂટની બિલકુલ નીચે હતો! વ્યાસનો એક ખોટો ડગલો આરવનો જીવ લઈ શકે તેમ હતો, પણ આરવ એક સ્થિર મૂર્તિની જેમ જકડાઈને પડ્યો રહ્યો.

વ્યાસ બારી પાસે જઈને ઊભા રહ્યા. એ કેમ્પસના અંધારા મેદાન તરફ જોઈ રહ્યા હતા.

"આ કોલેજ માત્ર મારું કામકાજનું સ્થળ નથી... આ મારું સામ્રાજ્ય છે," વ્યાસ પોતાનામાં જ બબડ્યા. "અહીંયા કોઈ પણ વસ્તુ મારી પરવાનગી વગર હલી શકતી નથી. પછી એ આરવ હોય કે પછી એની પેલી જાસૂસ જેવી દેખાતી આધ્યા!"

અચાનક, વ્યાસે પોતાની પાછળ ફરીને એક આદેશ આપ્યો, "મિહિર! અંદર આવ."

દરવાજો ફરી ખૂલ્યો. ડૉ. મિહિર અંદર આવ્યો. આરવને આ મિહિરના પગના અવાજ પરથી જ સમજાયું કે આ જ એ 'શેડો' હતો જેણે જિગ્નેશ પર હુમલો કર્યો હતો.

"સાહેબ, બંદોબસ્ત તૈયાર છે," મિહિરે અહેવાલ આપ્યો. "ગાર્ડ્સને કહી દીધું છે કે ફેસ્ટિવલના દિવસે સિક્યુરિટીમાં છૂટછાટ રાખે, જેથી આપણા માલની ટ્રક કોઈ પણ ચેકિંગ વગર કેમ્પસની બહાર નીકળી શકે."

"ગુડ," વ્યાસે કહ્યું. "અને આરવનું શું?"

"એના પર નજર છે સાહેબ. એ જ્યાં જાય છે, ત્યાં આપણી ટીમના બે માણસો સાયલન્ટ મોડ પર એની પાછળ જ હોય છે. જો એ આજે રાત્રે કે કાલ સવારે કંઈ પણ શંકાસ્પદ કરે, તો... એને સીધો 'ખતમ' કરી નાખવાનો ઓર્ડર છે."

આરવને સમજાયું કે એ અત્યારે ચારે બાજુથી ઘેરાયેલો હતો. એક બાજુ વ્યાસનો પ્લાન અને બીજી બાજુ એના જ કેમ્પસમાં એની પાછળ પડેલા હત્યારાઓ!

વ્યાસ ફરીથી ટેબલ પાસે આવ્યા અને ખુરશી પર બેઠા. એમણે લેપટોપ ઓન કર્યું.

"આધ્યાને એકવાર જાળમાં ફસાવી લઈએ, એટલે આખો ખેલ પતી જશે," વ્યાસે મિહિરને કહ્યું.

મિહિર ત્યાંથી બહાર નીકળી ગયો. વ્યાસ લેપટોપમાં કંઈક ટાઈપ કરી રહ્યા હતા. આરવ જાણતો હતો કે આ સમય બહુ કિંમતી હતો. એણે ધીમેથી પોતાની સ્માર્ટવોચને ટેબલની નીચેના ખૂણા સાથે અડાડી. ફેલ્કન સરને ડેટા ડાઉનલોડ કરવા માટે માત્ર ૨૦ સેકન્ડની જરૂર હતી.

બીપ... બીપ...

સ્માર્ટવોચમાંથી એક અત્યંત ધીમો અવાજ આવ્યો.

વ્યાસ અચાનક ચોંક્યા. એણે ખુરશી પરથી ફરીને આસપાસ જોયું.

"કોણ છે ત્યાં?" વ્યાસે શંકાથી પૂછ્યું.

આરવના શ્વાસ થંભી ગયા. વ્યાસ અત્યારે ખુરશી પરથી ઊભા થઈને ટેબલની નીચે જોવા માટે નમવા લાગ્યા!

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર