ભાગ ૩૫: સાયકોલોજીકલ વોરફેર
રાતના ત્રણ વાગ્યા હતા.
કોલેજના ગ્રાઉન્ડમાં ડીજેનો ઘોંઘાટ હવે શાંત થઈ ગયો હતો અને આખા કેમ્પસમાં એક ભેંકાર, કાળમીંઢ સન્નાટો પથરાયેલો હતો.
એચઓડી (HOD) ની એસી કેબિનમાં ડૉ. વ્યાસ પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠા હતા. એમના હાથમાં મોંઘી સ્કોચ વ્હિસ્કીનો ગ્લાસ હતો. એમના ચહેરા પર એક ક્રૂર, વિજયી સ્મિત હતું. એમની ગણતરી મુજબ, અત્યાર સુધીમાં ડ્રગ્સની બંને ટ્રક હાઈવે ક્રોસ કરી ચૂકી હશે અને આધ્યા... આધ્યા કદાચ હોસ્ટેલના કોઈ ખૂણે હંમેશા માટે શાંત થઈ ગઈ હશે.
ડૉ. વ્યાસે ઘડિયાળમાં જોયું. ડૉ. મિહિરનો કે સપ્લાયર્સનો હજુ સુધી કોઈ રિપોર્ટ કેમ નહોતો આવ્યો? એમની અંદર એક અજીબ પ્રકારની અકળામણ થવા લાગી.
અચાનક... ટ્રીન... ટ્રીન... ટ્રીન...
ટેબલ પર પડેલો લેન્ડલાઈન ફોન રણકી ઉઠ્યો.
ડૉ. વ્યાસે તરત જ રિસીવર ઉઠાવ્યું. "હા! ક્યાં છે તમે લોકો? માલ પહોંચી ગયો?"
સામે છેડેથી કોઈ સપ્લાયર કે મિહિરનો ગભરાયેલો અવાજ નહોતો. સામે છેડે એક અત્યંત શાંત, બર્ફીલો અને લોહી થીજવી દે એવો ગંભીર અવાજ હતો.
"તમારો માલ પોલીસ કસ્ટડીમાં પહોંચી ગયો છે, ડૉક્ટર સાહેબ... અને તમારા માણસો પોતાનો જીવ બચાવીને શહેર છોડીને ભાગી ગયા છે."
ડૉ. વ્યાસના હાથમાંથી વ્હિસ્કીનો ગ્લાસ છૂટી ગયો! છન્ન્ન્ક! કાચના ટુકડાઓ આખા કાર્પેટ પર વિખેરાઈ ગયા.
"કો... કોણ બોલે છે?" વ્યાસનો અવાજ ડરથી ફાટી ગયો.
"જે શિકારીને તમે જાળમાં ફસાવવા માંગતા હતા, એ જ શિકારી અત્યારે તમારી માઇન્ડ ગેમ્સ રમી રહ્યો છે," સામે છેડેથી આરવનો અવાજ એક વિજેતાના અહંકારથી ગુંજ્યો. "તમારો 'શેડો' ડૉ. મિહિર પણ હવે તમારો સાથ છોડી ચૂક્યો છે. તમારો અભેદ્ય કિલ્લો અંદરથી તૂટી રહ્યો છે, ડૉ. વ્યાસ."
વ્યાસને પરસેવો છૂટી ગયો. "આરવ... તું નહિ બચી શકે. તને ખબર નથી તું કોની સાથે દુશ્મની લઈ રહ્યો છે! હું તને અને પેલી આધ્યાને..."
"આધ્યાનું નામ તમારા ગંદા હોઠ પરથી લેવાની ભૂલ પણ ન કરતા!" આરવનો અવાજ અચાનક એક ગર્જનામાં ફેરવાઈ ગયો, જેમાં એક રક્ષણાત્મક પ્રેમીનો ક્રોધ હતો. "તમે એને ટાર્ગેટ સમજી હતી ને? જરા તમારો પોતાનો ફોન ચેક કરો. મેં તમને એક નાનકડી ભેટ મોકલી છે."
ડૉ. વ્યાસે ધ્રૂજતા હાથે પોતાનો મોબાઈલ ખોલ્યો. એમાં એક અનામી નંબર પરથી મેસેજ આવ્યો હતો.
મેસેજમાં એક ફોટો હતો... એ ફોટો એમની જ તિજોરીમાં પડેલી પેલી કાળા પૂંઠાવાળી ડાયરીના છેલ્લા પાનાનો હતો! જેમાં મેજર રઘુવીરસિંહ અને આધ્યાના ફોટા પર લાલ ચોકડી મારેલી હતી!
ડૉ. વ્યાસની આંખો ફાટીને ડોળા બહાર આવી ગયા. એમના પગ નીચેથી જાણે ધરતી ફાટી ગઈ!
"આ... આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો?" વ્યાસ શ્વાસ લેવાનું ભૂલી ગયા. એમની નજર પોતાની ખુરશી પાછળ છુપાયેલી તિજોરી પર ગઈ.
"તમે જ્યારે તમારી કેબિનમાં બેસીને પોતાની જાતને સૌથી સુરક્ષિત માનતા હતા ને સાહેબ... ત્યારે હું તમારા જ ટેબલની નીચે બેસીને તમારા શ્વાસ ગણી રહ્યો હતો," આરવના શબ્દો કોઈ ઝેરીલા બાણની જેમ વ્યાસના મગજમાં ઘૂસી રહ્યા હતા. આ શારીરિક હિંસા કરતા પણ ભયાનક 'સાયકોલોજીકલ વોરફેર' (Psychological Warfare) હતું. દુશ્મનને એ અહેસાસ કરાવવો કે એ ક્યાંય સુરક્ષિત નથી!
"તમે એક સાચા દેશભક્ત, મેજર રઘુવીરસિંહને પીઠ પાછળ વાર કરીને માર્યા હતા," આરવના અવાજમાં હવે એક અદભુત ખુમારી અને ન્યાયની આગ હતી. "પણ આજે એમનો દીકરો તમારી છાતી પર પગ મૂકીને ઊભો છે. ડ્રગ્સની ટ્રક મેં રોકી, તમારા માણસો મેં ભગાવ્યા, અને હોસ્ટેલના જે વિદ્યાર્થીઓને તમે ઝેર આપ્યું હતું, એમને પણ મેં બચાવી લીધા છે. તમારી રમત પૂરી થઈ ગઈ છે, ડૉક્ટર."
વ્યાસ બિલકુલ ભાંગી પડ્યા હતા. "તું... તું શું ઈચ્છે છે? પૈસા? ડિગ્રી? જે જોઈએ તે લઈ લે..."
"મારે તમને પલ-પલ મરતા જોવા છે," આરવે અત્યંત શાંતિથી કહ્યું. "આજથી તમારી રાતોની ઊંઘ હરામ થઈ જશે. દરેક પગલે તમને મારો પડછાયો દેખાશે. આ તો માત્ર શરૂઆત છે. ધીમે ધીમે હું તમારા આખા સામ્રાજ્યને કાયદા અને સત્યની આગમાં ભસ્મીભૂત કરી દઈશ."
ક્લિક. ફોન કટ થઈ ગયો.
ડૉ. વ્યાસ પોતાની ખુરશીમાં ફસડાઈ પડ્યા. એમની અંદરનો બધો જ અહંકાર અને રૂઆબ એક જ રાતમાં ચકનાચૂર થઈ ગયો હતો. આરવે એક પણ ગોળી ચલાવ્યા વગર, એક પણ ટીપું લોહી વહેવડાવ્યા વગર, કોલેજના સૌથી શક્તિશાળી માણસને માનસિક રીતે અપંગ બનાવી દીધો હતો.
બીજી બાજુ...
મેડિકલ કોલેજની હોસ્ટેલની બહાર, એક જૂના બાંકડા પર આરવ શાંતિથી બેઠો હતો.
સવાર પડવાની તૈયારી હતી. રાતનો થાક એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. એણે પોતાનું કામ પૂરી નિષ્ઠાથી અને બુદ્ધિચાતુર્યથી પાર પાડ્યું હતું.
હોસ્ટેલના દરવાજેથી આધ્યા ધીમા પગલે બહાર આવી. એણે હજુ પણ પેલી લાલ સાડી જ પહેરી હતી. રાતભરની દોડાદોડ અને દર્દીઓની સારવાર પછી સાડીનો પાલવ સહેજ વિખેરાયેલો હતો, એના વાળ અસ્તવ્યસ્ત હતા, અને કપાળ પર પરસેવાનું ઝાકળ હતું... છતાંય આરવની નજરમાં આજે એ દુનિયાની સૌથી સુંદર અને પવિત્ર સ્ત્રી લાગી રહી હતી.
આધ્યા આવીને આરવની બિલકુલ બાજુમાં બેસી ગઈ. એણે કશું જ પૂછ્યા વગર, અત્યંત સહજતાથી પોતાનું માથું આરવના મજબૂત ખભા પર ઢાળી દીધું.
આરવે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનો હાથ આધ્યાના ખભા પર વીંટાળી દીધો. એનું કઠોર, શસ્ત્રો ચલાવતું શરીર અત્યારે આધ્યાને એક સંપૂર્ણ સુરક્ષાની હૂંફ આપી રહ્યું હતું.
"થાકી ગઈ છે?" આરવે આધ્યાના વાળમાં અત્યંત હળવાશથી આંગળીઓ ફેરવતા પૂછ્યું.
"જ્યાં સુધી આ ખભો મારો આશ્રય છે, ત્યાં સુધી મને કોઈ થાક નહિ લાગે, આરવ." આધ્યાએ આંખો બંધ કરીને અત્યંત લાગણીસભર અવાજે કહ્યું. "આજે રાત્રે તેં જે રીતે હોસ્ટેલના છોકરાઓના જીવ બચાવ્યા, જે રીતે તેં પરિસ્થિતિ સંભાળી... મને તારા પર એટલો બધો ગર્વ છે કે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. તું ખરેખર મારો હીરો છે."
આરવના હોઠ પર એક સંતોષભર્યું સ્મિત આવી ગયું. પિતાના હત્યારાને હરાવવાની શરૂઆત થઈ ચૂકી હતી, પણ અત્યારે એના માટે સૌથી મોટી જીત એ હતી કે એનો પ્રેમ, એની આધ્યા એના ખભા પર સંપૂર્ણપણે સુરક્ષિત હતી.
સવારનો પહેલો સોનેરી તડકો કેમ્પસના વૃક્ષોના પાંદડામાંથી પસાર થઈ ને બંનેના ચહેરા પર પડી રહ્યો હતો જાણે પ્રકૃતિ પણ આ પવિત્ર પ્રેમ ની નવી સવાર ને આશીર્વાદ આપી રહી હતી !
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર