ભાગ ૩૬: પરીક્ષાનો તણાવ
યુથ ફેસ્ટિવલની એ ભયાનક રાતને વીત્યે હવે ત્રણ અઠવાડિયાં થઈ ચૂક્યા હતા.
ડૉ. વ્યાસની હાલત હવે પાંજરામાં પૂરાયેલા અને નખ કપાઈ ગયેલા કોઈ વૃદ્ધ વાઘ જેવી થઈ ગઈ હતી. એમની કેબિનમાં હવે કોઈ ષડયંત્રો નહોતા ઘડાતા, પણ આરવનો અદ્રશ્ય ડર એમને રાત-દિવસ કોરી રહ્યો હતો. કેમ્પસમાં શાંતિ હતી, અને ડ્રગ્સનું નેટવર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું.
પણ... મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક નવો અને સૌથી મોટો 'ડર' દરવાજે ટકોરા મારી રહ્યો હતો— સેકન્ડ યર યુનિવર્સિટી એક્ઝામ્સ! (દ્વિતીય વર્ષની વાર્ષિક પરીક્ષાઓ).
બોય્ઝ હોસ્ટેલના રૂમ નંબર ૧૧૨ નું દ્રશ્ય કોઈ યુદ્ધ પછીના મેદાનની તબાહી જેવુ હતું. પથારી પર કપડાંની જગ્યાએ 'પેથોલોજી' (Pathology), 'ફાર્માકોલોજી' (Pharmacology) અને માઇક્રોબાયોલોજી ના જાડા થોથાં વિખેરાયેલા પડ્યા હતા. રૂમના ખૂણામાં ખાલી કોફીના કપનો ઢગલો હતો.
જિગ્નેશ (જીગો) પથારીમાં ઊંધો પડીને માથું કૂટી રહ્યો હતો.
"અલા કેતિયા... આ ફાર્માકોલોજી વાળા ડૉ. વ્યાસ કરતા તો એમના આ દવાઓના નામ વધારે ખતરનાક છે! 'સલ્ફોનામાઇડ્સ', 'મેક્રોલાઇડ્સ'... સાલું આ દવાઓના નામ યાદ રાખવા કરતા તો ઝેર પી લેવું સહેલું છે!"
કેતન, જેની આંખો ઉજાગરાથી લાલ ટામેટા જેવી થઈ ગઈ હતી, એણે જાડું પુસ્તક બંધ કરતા નિસાસો નાખ્યો. "ભાઈ જીગા, ઝેર પીવાની વાતો ના કર. જો આ વખતે હું પેથોલોજીમાં ફેઈલ થયો ને, તો મારા બાપા મને ગામડે બોલાવીને સીધો ટ્રેક્ટર પર બેસાડી દેશે. અને મારી પેલી સગાઈની વાત ચાલુ છે, ત્યાં એ લોકોને ય ના પાડી દેશે કે છોકરો તો ફેઇલ થયો છે!"
બંનેની આ મધ્યમવર્ગીય લાચારી અને પરીક્ષાનો ડર જોઈને, દરવાજા પાસે ઊભેલો આરવ ધીમેથી હસી પડ્યો. એના હાથમાં ગરમાગરમ ત્રણ કટિંગ ચા હતી.
"ચા પી લો ડૉક્ટર્સ... મગજની નસો થોડી ખુલી જશે," આરવે ચાના કપ ટેબલ પર મૂકતાં કહ્યું.
જિગ્નેશ તરત ઊભો થયો. "આરવ ભાઈ, તને જરાય ટેન્શન નથી થતું? કાલથી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થાય છે અને તારા ચહેરા પર તો એવું નૂર છે જાણે કાલે તારા લગ્ન હોય!"
આરવ માત્ર મલકાયો. એ આ નિર્દોષ મિત્રોને ક્યાંથી કહે કે એણે તો વર્ષો પહેલાં જ MBBS ની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે પાસ કરી લીધી હતી! આ પુસ્તકો, આ સિલેબસ એના માટે ડાબા હાથનો ખેલ હતો. એ તો અહીં માત્ર દેશની રક્ષા માટે સેકન્ડ યરના વિદ્યાર્થીનો વેશ ધારણ કરીને બેઠો હતો.
"ટેન્શન લઈને શું ફાયદો જીગા?" આરવે પથારી પર બેસતાં પેથોલોજીની બુક હાથમાં લીધી. "લાવ, તને કયો ટોપિક નથી સમજાતો? હું સમજાવું."
આગળની અડધી કલાકમાં આરવે પેથોલોજીનો એક અત્યંત અઘરો ટોપિક એવી સરળ અને દેશી ભાષામાં જિગ્નેશ અને કેતનને સમજાવી દીધો કે બંનેના મોં ખુલ્લા રહી ગયા!
"અલા આરવ!" કેતને આશ્ચર્યથી કહ્યું, "તું માણસ છે કે ફરતી લાઈબ્રેરી? તેં તો એવી રીતે સમજાવ્યું જાણે તું પોતે જ કોઈ મોટો પ્રોફેસર હોય! જો તું ના હોત તો અમારું શું થાત?"
આરવે હસીને બંનેના ખભા થપથપાવ્યા. "તમે પાસ થઈ જશો, એ મારી ગેરંટી. હવે ચૂપચાપ વાંચવા બેસો. હું લાઈબ્રેરીમાંથી એક બુક લઈને આવું છું."
રૂમની બહાર નીકળીને આરવ હોસ્ટેલની અગાસી પર ગયો. રાતનો સમય હતો. એણે પોતાની સ્માર્ટવોચ પર અત્યંત ગુપ્ત કોડ ડાયલ કર્યો.
"જય હિન્દ, ફેલ્કન સર."
"જય હિન્દ, કેપ્ટન." સામે છેડેથી ફેલ્કનનો અવાજ ગંભીર હતો.
"સર, ડૉ. વ્યાસનું ડ્રગ સપ્લાય હવે સંપૂર્ણપણે રોકાઈ ગયું છે. કેમ્પસ સુરક્ષિત છે," આરવે રિપોર્ટ આપ્યો.
"કેપ્ટન, ડૉ. વ્યાસ તો માત્ર આ ભયાનક ષડયંત્રનું એક નાનકડું મહોરું (Pawn) હતો," ફેલ્કને ચોંકાવનારી માહિતી આપતા કહ્યું. "આપણે જે ડ્રગ્સની ટ્રક પકડી હતી, એમાંથી મળેલા સેટેલાઇટ ફોનના ડેટા મેં ડીકોડ કર્યા છે. આ આખું નેટવર્ક કોઈ લોકલ ગેંગનું નથી... આ ષડયંત્ર પાછળ આંતરરાષ્ટ્રીય 'સ્કોર્પિયો સિન્ડિકેટ' (Scorpio Syndicate) નો હાથ છે! એ જ સ્કોર્પિયો, જેણે આપણી એજન્ટ નૈના જોશીની હત્યા કરી હતી!"
આરવની આંખોમાં અચાનક એ જ જૂની અને કાતિલ આગ સળગી ઉઠી. 'સ્કોર્પિયો'... આ એ જ નામ હતું જેણે આરવના મિશનની શરૂઆત કરાવી હતી.
"તો એમનું આગલું પગલું શું હોઈ શકે સર?" આરવે પૂછ્યું.
"આપણને સ્વિટ્ઝર્લેન્ડના એક બેંક એકાઉન્ટનું કનેક્શન મળ્યું છે, કેપ્ટન. પણ એ ડીકોડ થતાં સમય લાગશે. અત્યારે તમારું કામ કોલેજમાં રહીને તમારી 'સ્ટુડન્ટ' તરીકેની ઓળખ મજબૂત કરવાનું છે. પરીક્ષાઓ પર ધ્યાન આપો. આપણે દુશ્મનને એવું જ લાગવા દેવું છે કે આરવ માત્ર એક સામાન્ય હોશિયાર વિદ્યાર્થી છે."
આરવે કોલ કટ કર્યો.
વ્યાસ ભલે હારી ગયો હતો, પણ અસલી જંગ તો હવે શરૂ થવાની હતી!
બીજા દિવસે સવારે, કોલેજની મોટી એક્ઝામ હોલમાં બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા. આધ્યા આરવની બિલકુલ પાછળની બેન્ચ પર બેઠી હતી. એણે આરવના ખભા પર પેનથી હળવો ટકોરો માર્યો.
આરવે પાછળ વળીને જોયું. આધ્યાના ચહેરા પર પરીક્ષાનું ટેન્શન અને આરવ માટેનો પ્રેમ, બંને દેખાઈ રહ્યા હતા.
"મિસ્ટર આરવ, ઓલ ધ બેસ્ટ," આધ્યાએ ધીમેથી કહ્યું. "મને ખબર છે તું ગમે તેટલો રફ એન્ડ ટફ હોય, પણ ભણવામાં તારું ભેજું બહુ જ તેજ ચાલે છે."
આરવે એક આત્મવિશ્વાસથી ભરેલું સ્મિત કર્યું. "જોઈએ... કદાચ યુનિવર્સિટી ટોપર ને હું ટક્કર આપું!
અને આરવની એ વાત માત્ર કોઈ મજાક નહોતી! આવનારા દિવસોમાં આરવ શર્માની બુદ્ધિમત્તાનો એવો જાદુ છવાવાનો હતો કે આખી મેડિકલ કોલેજ દંગ રહી જવાની હતી.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર