ભાગ ૩૮: આધ્યાના પિતા સાથે આરવની પહેલી મુલાકાત
સાંજના સાડા છ વાગ્યા હતા. સૂર્ય ધીમે ધીમે ક્ષિતિજમાં ઓગળી રહ્યો હતો અને કેમ્પસના બગીચામાં સોનેરી આછો તડકો પથરાયેલો હતો.
કોલેજના વીઆઈપી ગેસ્ટ હાઉસના ગાર્ડનમાં એક અત્યંત પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિત્વ ધરાવતા પ્રૌઢ વ્યક્તિ ઊભા હતા. સફેદ શર્ટ, ગ્રે પેન્ટ અને ચહેરા પર એક કડક, શિસ્તબદ્ધ પિતાનો રૂઆબ. એ હતા આધ્યાના પિતા— શ્રી દુષ્યંત દેસાઈ.
આધ્યા ધીમા પગલે બગીચામાં પ્રવેશી, અને એની પાછળ પાછળ બે ડગલાં અંતર રાખીને આરવ આવી રહ્યો હતો.
જે આરવ દુશ્મનોની બંદૂકો સામે આંખનું મટકું માર્યા વગર ઊભો રહી શકતો હતો, એ આરવના હ્રદયના ધબકારા આજે પહેલીવાર એક સામાન્ય યુવાનની જેમ વધી ગયા હતા! કોઈ પણ છોકરા માટે પોતાની પ્રેમિકાના પિતાનો સામનો કરવો એ દુનિયાનું સૌથી અઘરું મિશન હોય છે.
"પપ્પા..." આધ્યા પોતાના પિતાને હળવેથી ગળે લગાવી લીધા.
દુષ્યંતભાઈના કડક ચહેરા પર એક વ્હાલભર્યું સ્મિત આવી ગયું. એમણે આધ્યાના માથા પર હાથ ફેરવ્યો, પણ એમની બાજ જેવી નજર આધ્યાની પાછળ શાંતિથી ઊભેલા આરવ પર સ્થિર થઈ ગઈ. એક પિતાની નજર હંમેશા એ વ્યક્તિનું પારખું સેકન્ડોમાં કરી લેતી હોય છે, જેની સાથે એની દીકરીનું નામ જોડાયેલું હોય.
"પપ્પા, આ આરવ છે." આધ્યાએ આરવ તરફ ઈશારો કરતા કહ્યું. એના અવાજમાં એક છૂપી નર્વસનેસ અને ગર્વ બંને હતા.
આરવે તરત જ આગળ વધીને અત્યંત નમ્રતાથી બંને હાથ જોડીને પ્રણામ કર્યા. "નમસ્તે, અંકલ."
દુષ્યંતભાઈએ આંખો થી આરવ ના પ્રણામ ને સ્વીકાર્યા પણ એમની નજરો આરવનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી રહી હતી. આરવની ઊભી રહેવાની સીધી ટટ્ટાર મુદ્રા, એની વિશાળ છાતી અને એની આંખોમાં રહેલી એક અજીબ પ્રકારની શૂન્યતા અને સ્થિરતા.
"આવ, બેસ દીકરા." દુષ્યંતભાઈએ લોનના બાંકડા તરફ ઈશારો કર્યો.
ત્રણેય જણા બેઠા. થોડીક સેકન્ડો સુધી એક ભારેખમ શાંતિ છવાયેલી રહી.
"આધ્યાએ મને બધું જ કહ્યું છે, આરવ." દુષ્યંતભાઈનો અવાજ ધીમો પણ વજનદાર હતો. "યુથ ફેસ્ટિવલની એ રાત્રે... જ્યારે અમુક ગુંડાઓ કેમ્પસમાં ઘૂસ્યા હતા, ત્યારે તેં મારી દીકરીનો જીવ બચાવ્યો હતો. એક પિતા તરીકે હું તારો આજીવન ઋણી રહીશ."
"એમાં ઋણ કે આભાર માનવાની કોઈ જરૂર નથી, અંકલ." આરવે બિલકુલ સહજતાથી, પણ આંખોમાં આંખો પરોવીને જવાબ આપ્યો. "મારી જગ્યાએ કોઈ પણ હોત, તો એણે પણ એક સ્ત્રીના રક્ષણ માટે આ જ કર્યું હોત."
દુષ્યંતભાઈના ચહેરા પર એક આછું આશ્ચર્ય આવ્યું. એમણે અત્યંત બારીકાઈથી આરવ સામે જોયું.
"ના આરવ..." દુષ્યંતભાઈએ એક ઊંડો શ્વાસ લીધો, "મારી ઉંમર માણસો પારખવામાં ગઈ છે. દરેકના હાથમાં આટલી તાકાત અને આંખોમાં આટલી શાંતિ નથી હોતી. મારી દીકરીએ મને એ પણ કહ્યું છે કે આજે તું ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો છે. એક જ માણસમાં આવું શૌર્ય અને આવું ગહન જ્ઞાન... તું કોઈ સામાન્ય મેડિકલ સ્ટુડન્ટ નથી લાગતો મને. તારા સંસ્કારો કોઈ અલગ જ માટીના બનેલા છે."
આધ્યાનું હ્રદય ધક ધક થવા લાગ્યું. એના પિતા આરવની અસલી ઓળખ (RAW એજન્ટ) સુધી પહોંચી રહ્યા હતા!
પણ આરવના ચહેરા પર કોઈ જ ગભરામણ નહોતી.
એણે અત્યંત ગર્વ અને આત્મીયતા સાથે કહ્યું, "તમારી પારખવાની શક્તિ બિલકુલ સાચી છે, અંકલ. હું માત્ર પુસ્તકો વાંચીને મોટો નથી થયો. મારા પિતા... ઇન્ડિયન આર્મીમાં હતા. મેજર રઘુવીરસિંહ. એમણે મને નાનપણથી જ શિસ્ત, રક્ષણ અને માતૃભૂમિ માટે જીવવાની તાલીમ આપી છે."
'મેજર રઘુવીરસિંહ' આ નામ સાંભળતા જ દુષ્યંતભાઈની આંખોમાં એક અદભુત આદર છવાઈ ગયો. એક શહીદનો દીકરો! દુષ્યંતભાઈની બધી જ શંકાઓ અને ડર જાણે હવામાં ઓગળી ગયા.
એમણે પોતાનો જમણો હાથ લંબાવીને આરવના ખભા પર મૂક્યો. આ એક સ્પર્શ માત્ર નહોતો, આ એક પિતાનો ભરોસો હતો.
"મને ગર્વ છે આરવ... કે મારી દીકરી આવા સંસ્કારી અને બહાદુર પરિવારના દીકરા સાથે છે. એક પિતા તરીકે મારે હવે આધ્યાની સુરક્ષાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી એ તારા પડછાયામાં છે, મને ખબર છે કે એને કોઈ આંચ નહીં આવે."
આધ્યાના ચહેરા પર શરમ અને ખુશીની લાલિમા છવાઈ ગઈ. એણે છૂપી રીતે આરવ સામે જોઈને આંખ મારી.
મુલાકાત પૂરી થઈ. આધ્યા દુષ્યંતભાઈને એમની કાર સુધી મૂકવા ગઈ.
આરવ હજુ ગાર્ડનમાં જ ઊભો હતો. એના હ્રદયમાં આધ્યાના પિતાએ મૂકેલો ભરોસો ગુંજી રહ્યો હતો. એણે પોતાની જાતને વચન આપ્યું કે દુનિયાની કોઈ પણ તાકાત સામે એ આધ્યાના આ પ્રેમને આંચ નહીં આવવા દે.
ત્યાં જ એના ખિસ્સામાં રહેલો સિક્યોર ફોન વાઇબ્રેટ થયો. ફેલ્કનનો કોલ હતો.
આરવે ફોન કાને લગાવ્યો. અવાજ હવે પેલા વિનમ્ર યુવાનનો નહોતો, પણ ફરી એક કઠોર કમાન્ડોનો થઈ ગયો હતો. "યસ, ફેલ્કન સર. આધ્યાના પિતા નીકળી ગયા છે. સ્વિસ એકાઉન્ટ વિશે શું ઇન્ફોર્મેશન છે?"
"કેપ્ટન, ખબર બહુ ચોંકાવનારી છે." ફેલ્કનનો અવાજ ટેન્શનમાં હતો. "એ સ્વિસ બેંક એકાઉન્ટ કોઈ કંપનીનું નથી, પણ ઇન્ટરનેશનલ માફિયાના સૌથી ખતરનાક માસ્ટરમાઇન્ડનું છે. અન્ડરવર્લ્ડમાં લોકો એને માત્ર એક જ નામથી ઓળખે છે... 'ધ સ્નોમેન' (The Snowman). ડૉ. વ્યાસ અને ભાઉરાવ તો માત્ર એના નાનકડા પ્યાદાં હતાં. અસલી ગેમ હવે આ 'સ્નોમેન' રમવા જઈ રહ્યો છે, અને એનું લોકેશન ટ્રેસ થયું છે."
"લોકેશન ક્યાંનું છે સર?"
"સ્વિટ્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળાઓ..." ફેલ્કને જવાબ આપ્યો. "તમારે અને આધ્યાએ બહુ જલ્દી દેશ બહાર જવું પડશે, કેપ્ટન. સ્નોમેન આપણી પાછળ આવે એ પહેલાં, આપણે એના ઘરમાં ઘૂસીને એને ખતમ કરવો પડશે."
આરવની નજર દૂર કાર તરફ જતી આધ્યા પર હતી. ભવિષ્યમાં બરફીલી ખીણોમાં મોતનો જે ખેલ ખેલાવાનો હતો, એનો પાયો નખાઈ ચૂક્યો હતો.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર