ભાગ ૩૭: યુનિવર્સિટી ટોપર
સેકન્ડ યર MBBS ની યુનિવર્સિટી પરીક્ષાઓ પૂરી થયાને બે મહિના વીતી ચૂક્યા હતા.
આજે સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના મુખ્ય નોટિસ બોર્ડ પાસે વિદ્યાર્થીઓનું મોટું ટોળું જમા થયું હતું. આજે પરિણામનો દિવસ હતો!
વિદ્યાર્થીઓના ધબકારા તેજ હતા. કોઈ પોતાના ભગવાનને યાદ કરી રહ્યું હતું, તો કોઈ આંગળીઓના નખ કરડી રહ્યું હતું.
ભીડ ચીરીને કેતન અને જિગ્નેશ નોટિસ બોર્ડ સુધી પહોંચ્યા. બંનેની આંખો રિઝલ્ટ શીટ પર પોતાના રોલ નંબર શોધી રહી હતી.
અચાનક જિગ્નેશ મોટેથી કૂદી પડ્યો!
"અલા કેતિયા! હું પાસ! હું ફાર્માકોલોજી અને માઇક્રોબાયોલોજી... બધામાં પાસ થઈ ગયો!" જિગ્નેશની આંખોમાં હરખના આંસુ આવી ગયા.
કેતને પણ પોતાનો રોલ નંબર જોયો અને એણે જિગ્નેશને ભેટી લીધો. "જીગા, હું પણ ક્લિયર! મારા બાપાનું ટ્રેક્ટર હવે કોઈ બીજો ચલાવશે, હું તો ડૉક્ટર જ બનીશ! અને સાચું કહું... આ બધો જાદુ પેલા આરવનો છે. એણે પરીક્ષાની આગલી રાતે જે પેથોલોજીની નોટ્સ સમજાવી હતી ને, એ જ બેઠી પરીક્ષામાં પૂછાઈ ગઈ!"
બંને મિત્રો ખુશીથી આરવને શોધવા લાગ્યા. પણ અચાનક... નોટિસ બોર્ડ પાસે ઉભેલા ટોળામાં એક અજીબ પ્રકારનો સન્નાટો અને પછી ગણગણાટ શરૂ થઈ ગયો.
સૌની નજર રિઝલ્ટ શીટના સૌથી ઉપરના નામે ચોંટી ગઈ હતી.
એ નામ કોલેજના કોઈ કહેવાતા રેન્કર અને પુસ્તકિયા કીડા વિદ્યાર્થીનું નહોતું. એ નામ હતું:
૧. આરવ શર્મા – ૮૯% (યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક - ગોલ્ડ મેડલિસ્ટ પ્રોસ્પેક્ટ).
આખી કોલેજ દંગ હતી! જે આરવને લોકો એક 'રફ એન્ડ ટફ' અને શાંત રહેવાવાળા છોકરા તરીકે ઓળખતા હતા, જેણે એકલા હાથે ભાઉરાવના ગુંડાઓનો સામનો કર્યો હતો, એ જ આરવે આજે ભણતરમાં યુનિવર્સિટીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા!
ભીડની બિલકુલ પાછળ, કોરિડોરના એક ખૂણે આરવ શાંતિથી ઊભો હતો. એના ચહેરા પર કોઈ મોટો ઉત્સાહ કે અહંકાર નહોતો, બસ એક સંતોષભર્યું, હળવું સ્મિત હતું.
ત્યાં જ એને કોઈકના પગલાંનો અવાજ સંભળાયો.
આધ્યા ધીમા પગલે એની પાસે આવી રહી હતી. આધ્યાના હાથમાં એની પોતાની માર્કશીટની પ્રિન્ટ હતી (એણે પણ ક્લાસમાં ટોપ ૫ માં સ્થાન મેળવ્યું હતું), પણ અત્યારે એની આંખોમાં આરવ માટેનો એક અદભુત અહોભાવ અને આશ્ચર્ય બંને સ્પષ્ટ દેખાતા હતા.
"તું ખરેખર કોઈ જાદુગર છે કે શું?" આધ્યાએ આરવની બિલકુલ નજીક આવીને, એની આંખોમાં જોતાં ધીમેથી પૂછ્યું. "જે હાથ આટલી તાકાતથી કોઈના ગળાના હાડકાં તોડી શકે છે... એ જ મગજ આટલી બારીકાઈથી હ્યુમન એનાટોમી અને ડ્રગ્સના કેમિકલ લોચા કેવી રીતે યાદ રાખી શકે? આખી યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક! મિસ્ટર આરવ, હું ખરેખર તને ઓળખવામાં થાપ ખાઈ ગઈ."
આરવે એક ડગલું આગળ વધીને અત્યંત નરમાશથી આધ્યાના હાથમાંથી એની માર્કશીટ લીધી.
"મેં તને કહ્યું હતું ને આધ્યા, કે હું યુનિવર્સિટી ટોપરને ટક્કર આપીશ." આરવે હસીને કહ્યું. "પણ આમાં કોઈ જાદુ નથી. એક સાચો યોદ્ધા માત્ર પોતાના સ્નાયુઓથી નથી લડતો, એ પોતાના મગજથી લડે છે. અને જો એક યોદ્ધા તરીકે મારું લક્ષ્ય 'બેસ્ટ' બનવાનું હોય, તો પછી એક વિદ્યાર્થી તરીકે હું પાછળ કેવી રીતે રહી શકું?"
આધ્યાના હ્રદયમાં આરવ માટેનું માન શિખર પર પહોંચી ગયું. એક એવી વ્યક્તિ જે તાકાત અને બુદ્ધિ... બંનેનું અદભુત સંગમ હતો.
બરાબર એ જ વખતે કોરિડોરમાંથી ડૉ. વ્યાસ પસાર થઈ રહ્યા હતા.
એમની નજર નોટિસ બોર્ડ પર પડી. આરવનું નામ સૌથી ઉપર જોઈને ડૉ. વ્યાસના ચહેરા પરથી જાણે કોઈએ લોહી નીચોવી લીધું હોય એવો ફિક્કો પડી ગયો!
એમને સમજાઈ ગયું હતું કે આ આરવ શર્મા કોઈ સામાન્ય વિદ્યાર્થી નથી. આ માણસ એમનું આખું ડ્રગ્સનું નેટવર્ક તોડી ચૂક્યો હતો અને હવે બુદ્ધિમાં પણ એણે વ્યાસના અહંકારને કચડી નાખ્યો હતો. વ્યાસ ચૂપચાપ, નજર નીચી ઢાળીને ત્યાંથી નીકળી ગયા.
"આરવ ભાઈ!" કેતન અને જિગ્નેશ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા. "અલા ભાઈ, તેં તો ભૂક્કા બોલાવી દીધા! ગુજરાત યુનિવર્સિટિમાં ફર્સ્ટ! આજે તો તારે પાર્ટી આપવી જ પડશે!"
આરવે હસીને બંને મિત્રોને ગળે લગાવ્યા. "ચોક્કસ! આજે સાંજે કેન્ટીનમાં મારી તરફથી પાર્ટી."
વિદ્યાર્થીઓનું ટોળું આરવને અભિનંદન આપવા માટે ઘેરી વળ્યું. આરવ બધાની સાથે એક સામાન્ય વિદ્યાર્થીની જેમ હસી-મજાક કરી રહ્યો હતો.
પણ આ કોલાહલ વચ્ચે... એની કાંડા ઘડિયાળમાં એક અત્યંત ધીમું વાઇબ્રેશન થયું.
ફેલ્કન સરનો એક એન્ક્રિપ્ટેડ મેસેજ હતો:
"કેપ્ટન, સ્વિસ બેંક એકાઉન્ટનું કનેક્શન ડીકોડ થઈ ગયું છે. એક મોટું નામ સામે આવ્યું છે. અને... એક બીજો રિપોર્ટ છે. આજે સાંજે આધ્યાના પિતા અચાનક કોલેજ આવી રહ્યા છે. બી રેડી."
આરવની હસતી આંખોમાં અચાનક પેલી ગંભીરતા પાછી ફરી. આધ્યાના પિતા? અચાનક કેમ?
વાર્તા હવે એક નવો વળાંક લઈ રહી હતી. એક બાજુ સ્કોર્પિયો સિન્ડિકેટનું 'સ્વિસ કનેક્શન' ખૂલી રહ્યું હતું, અને બીજી બાજુ આરવની અંગત જિંદગીમાં એક નવી કસોટી ઊભી થવા જઈ રહી હતી.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર