Part 49 in Gujarati Thriller by Dr. Nilesh Thakor books and stories PDF | કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 49

Featured Books
Categories
Share

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 49

ભાગ ૪૯: સાત ફેરા અને એક કાયમી બંધન

અમદાવાદની ગુલાબી ઠંડીવાળી સાંજ ધીમે ધીમે એક સુંદર અને તારાઓથી ભરેલી રાતમાં ફેરવાઈ રહી હતી.

શહેરના એક અત્યંત ભવ્ય અને શાહી રિસોર્ટમાં લગ્નનો મંડપ સજાવવામાં આવ્યો હતો. આખા રિસોર્ટને રજવાડી થીમ પર શણગારવામાં આવ્યો હતો. ચોમેરથી આવતી ગુલાબ અને મોગરાની સુગંધ, અને બેકગ્રાઉન્ડમાં વાગતા ધીમા શરણાઈના સૂરોએ વાતાવરણને એકદમ દિવ્ય બનાવી દીધું હતું.

ગ્રીન રૂમમાં, અરીસા સામે ડૉ. આરવ શર્મા ઊભો હતો.

આજે એણે કોઈ સાદો શર્ટ કે એપ્રન નહોતું પહેર્યું. એના શરીર પર ક્રીમ અને ગોલ્ડન રંગની અત્યંત આકર્ષક રજવાડી શેરવાની હતી, માથા પર મરૂન રંગનો સાફો હતો અને કમર પર તલવાર લટકી રહી હતી. એના મજબૂત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પર આ રજવાડી પોશાક અદભુત લાગી રહ્યો હતો.

પણ અરીસામાં જોતી વખતે આરવની આંખોમાં થોડી ભીનાશ હતી. એના મનમાં એક શહીદ પિતા અને સ્વર્ગસ્થ માતાની છબી તરવરી રહી હતી.

"પપ્પા... મમ્મી... આજે તમારા દીકરાના લગ્ન છે. કાશ તમે બંને આજે અહીંયા હોત..." આરવે મનોમન એક ઊંડો શ્વાસ લીધો. એણે પોતાની જાતને સંભાળી, કારણ કે એ જાણતો હતો કે એના માતા-પિતાના આશીર્વાદ હંમેશા એની સાથે જ છે.

"અલા વરરાજા!" રૂમનો દરવાજો ખોલીને જિગ્નેશ અને કેતન અંદર આવ્યા. બંનેએ પણ સુંદર કુર્તા અને સાફા પહેર્યા હતા.

જિગ્નેશે આરવને નજર ઉતારતો હોય એમ હાથ ફેરવીને કહ્યું, "અલા ભાઈ, તું તો કોઈ ફિલ્મી હીરોને પણ પાછો પાડે એવો લાગે છે! આજે આધ્યાભાભી તને જોઈને બીજી વાર તારા પ્રેમમાં પડી જશે!"

આરવ હસી પડ્યો. "ચાલો હવે, મંડપનું મુહૂર્ત થઈ ગયું છે."

મંડપમાં પંડિતજીના વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા હતા. અગ્નિદેવ પ્રજ્વલિત થઈ ચૂક્યા હતા. આરવ પોતાની જગ્યાએ બેઠો હતો, પણ એની નજરો રિસોર્ટના મેઈન એન્ટ્રન્સ તરફ જડાયેલી હતી.

અને ત્યારે જ... વાતાવરણમાં શરણાઈના સૂર બદલાયા.

'દિન શગના દા ચઢિયા...' ના મધુર સંગીત સાથે આધ્યાનો પ્રવેશ થયો!

આરવના શ્વાસ જાણે એક સેકન્ડ માટે થંભી ગયા. લાલ રંગના પાનેતર અને ભારે કુંદનના આભૂષણોમાં સજ્જ આધ્યા કોઈ અપ્સરાથી કમ નહોતી લાગી રહી. ફૂલોની ચાદર નીચે ધીમા પગલે ચાલતી આધ્યાની નજરો ઢળેલી હતી, પણ એના ચહેરા પરનું શરમાળ સ્મિત એની ખુશીને વ્યકત કરી રહ્યું હતું.

જ્યારે આધ્યા મંડપમાં આવીને આરવની સામે બેઠી, ત્યારે આરવે ધીમેથી એની આંખોમાં જોયું. એ નજરમાં દુનિયાભરનો પ્રેમ અને એક કાયમી સુરક્ષાની ખાતરી હતી.

લગ્નની વિધિઓ શરૂ થઈ.

દુષ્યંતભાઈએ જ્યારે કન્યાદાનની વિધિ કરી, ત્યારે એમનો અવાજ ભરાઈ આવ્યો હતો. એમણે આધ્યાનો હાથ આરવના હાથમાં મૂકતા અત્યંત ભાવુક સ્વરે કહ્યું, "આરવ... મારી જિંદગીની સૌથી કિંમતી મૂડી આજે હું તને સોંપી રહ્યો છું. એના આંસુ જમીન પર ના પડવા દેતો દીકરા."

આરવે દુષ્યંતભાઈના બંને હાથ પકડી લીધા. "હું મારો શ્વાસ છોડી દઈશ પપ્પા, પણ આધ્યાનો સાથ ક્યારેય નહિ છોડું."

અને પછી આવ્યો લગ્નનો સૌથી પવિત્ર તબક્કો— સાત ફેરા.

મંડપમાં પ્રજ્વલિત અગ્નિની સાક્ષીએ આરવ અને આધ્યાએ એકબીજાનો હાથ પકડ્યો. પંડિતજીના મંત્રોચ્ચાર સાથે બંનેએ પહેલો ફેરો શરૂ કર્યો.

દરેક ફેરા સાથે, આધ્યા મનોમન આરવને પરમેશ્વર માનીને સમર્પણના વચનો લઈ રહી હતી. જ્યારે આરવ, એક સાચા પ્રેમી અને એક અદ્રશ્ય રક્ષક તરીકે પોતાની જ અંદર અમુક અફર વચનો લઈ રહ્યો હતો:

"પહેલો ફેરો... આધ્યા, હું જિંદગીભર તારા સન્માનની રક્ષા કરીશ."

"બીજો ફેરો... તારા દરેક સપના, તારી ડૉક્ટર તરીકેની સફરને હું મારી મંઝિલ માનીશ."

"ત્રીજો ફેરો... દુનિયાની કોઈ પણ આફત, કોઈ પણ દુશ્મન તારા સુધી પહોંચતા પહેલાં મારા અસ્તિત્વથી ટકરાશે. હું તારી ઢાલ બનીશ!"

સાતમો ફેરો પૂરો થયો અને બંને પોતપોતાના સ્થાને બેઠા.

આરવે અત્યંત હળવેથી આધ્યાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. આધ્યાની આંખમાંથી ખુશીનું એક આંસુ સરીને એના ગાલ પર પડ્યું. આરવે પોતાના હાથમાં ચપટીભર સિંદૂર લીધું, અને આધ્યાના સેંથામાં એ લાલ રંગ પૂરી દીધો.

પંડિતજીએ હસીને આશીર્વાદ આપ્યા, "લગ્ન સંપન્ન થયા. આજથી તમે બંને પતિ-પત્ની છો!"

આખા મંડપમાં ગુલાબની પાંખડીઓનો વરસાદ થયો! તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. જિગ્નેશ અને કેતને જોરથી સીટીઓ વગાડી.

આધ્યાએ નજર ઊંચી કરીને આરવ સામે જોયું. "ફાઇનલી... મિસ્ટર ડૉક્ટર. હું તમારી થઈ ગઈ."

આરવે હસીને જવાબ આપ્યો, "તમે મારા જ હતા, ડૉક્ટર સાહેબા. આજે તો માત્ર દુનિયાએ એની નોંધ લીધી છે."

બંનેએ વડીલોના આશીર્વાદ લીધા. આજે આરવના જીવનની એક બહુ મોટી ખાલીપો ભરાઈ ગઈ હતી. એને એક પરિવાર મળી ગયો હતો.

પણ... આરવની સ્માર્ટવોચના અદ્રશ્ય રડાર પર હજુ એક સિગ્નલ ઝબૂકી રહ્યું હતું.

આવતીકાલે રાત્રે એમનું ગ્રાન્ડ રિસેપ્શન હતું, અને રિસેપ્શનમાં RAW ના ચીફ, ફેલ્કન સર તરફથી એક અત્યંત ગુપ્ત અને ચોંકાવનારી ભેટ આવવાની હતી... જે એમની આ નવી જિંદગીને એક ભયાનક તોફાન તરફ લઈ જવાની હતી!

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર