ભાગ ૫૦: રિસેપ્શનમાં ફેલ્કનનો ગુપ્ત મેસેજ
લગ્નના પવિત્ર સાત ફેરા ફર્યા પછીની સાંજ.
અમદાવાદની ફાઈવ-સ્ટાર હોટેલ 'ધ ગ્રાન્ડ ભગવતી' નો વિશાળ બેન્ક્વેટ હોલ આજે કોઈ હોલીવુડ ફિલ્મના સેટ જેવો લાગી રહ્યો હતો. ધીમું પિયાનો મ્યુઝિક, ક્રિસ્ટલના ઝુમ્મરો અને હજારો ઓર્કિડ ફૂલોની સજાવટ. આજે ડૉ. આરવ અને ડૉ. આધ્યાનું વેડિંગ રિસેપ્શન હતું.
સ્ટેજ પર ઉભેલું આ નવદંપતી કોઈ રાજકુમાર અને રાજકુમારીથી ઓછું નહોતું લાગી રહ્યું.
આરવે આજે અત્યંત શાર્પ, બ્લેક કલરનો ઇટાલિયન ટક્સીડો (Tuxedo) પહેર્યો હતો. એના પહોળા ખભા અને ફિટ બોડી પર આ સૂટ અદભુત લાગતો હતો. જ્યારે આધ્યાએ પીચ (Peach) અને સિલ્વર કલરનું અત્યંત આકર્ષક ઇવનિંગ ગાઉન પહેર્યું હતું. એના ગળામાં ચમકતો હીરાનો સેટ અને સેંથામાં પૂરેલો લાલ સિંદૂર એના આધુનિક રૂપમાં એક સંસ્કારી ભારતીય પત્નીની ઝલક આપી રહ્યો હતો.
"તું આજે એટલી સુંદર લાગી રહી છે ડૉક્ટર આધ્યા, કે મને ડર છે કે કોઈ પેશન્ટને જોવા કરતા મારું આખું ધ્યાન તારા પર જ રહેશે," આરવે ફોટોગ્રાફર સામે પોઝ આપતાં આધ્યાના કાનમાં ધીમેથી ગણગણાટ કર્યો.
આધ્યાએ શરમાઈને આરવના બાવડા પર હળવી ચીમટી ભરી. "મિસ્ટર ડૉક્ટર, હવે તો હું તમારી કાયદેસરની પત્ની છું. હવે મને જોવાની કોઈ ફી નહિ લાગે!"
ત્યાં જ જિગ્નેશ અને કેતન હાથમાં કોલ્ડ-ડ્રિંકના ગ્લાસ લઈને સ્ટેજ પર આવ્યા.
"અલા ભાઈ, તમારું આ રોમાન્સનું ચેપ્ટર પૂરું થયું હોય તો થોડું જમી લઈએ? ભૂખ લાગી છે!" જિગ્નેશે મજાક કરતા કહ્યું.
બધા હસી પડ્યા. મેડિકલ કોલેજના પ્રોફેસરો, ડીન સાહેબ અને દુષ્યંતભાઈના ખાસ મહેમાનોથી હોલ ભરેલો હતો.
રિસેપ્શન અડધે પહોંચ્યું હતું, ત્યારે એક વેઈટર ચાંદીની ટ્રેમાં એક અત્યંત સુંદર, લાલ વેલ્વેટનું બોક્સ લઈને આરવ પાસે આવ્યો.
"સર, દિલ્હીથી કોઈ સ્પેશિયલ કુરિયર આવ્યું છે. એમણે કહ્યું છે કે આ ભેટ માત્ર તમારે અને મેડમે જ ખોલવાની છે."
આધ્યા ઉત્સાહમાં આવી ગઈ. "દિલ્હીથી? તારા પપ્પાના કોઈ આર્મીના મિત્રએ મોકલ્યું હશે આરવ! જલ્દી ખોલ."
આરવે વેઈટરનો આભાર માનીને એ બોક્સ હાથમાં લીધું. બોક્સ પર મોકલનારનું નામ નહોતું, માત્ર એક નાનકડો ગોલ્ડન લોગો હતો— એક ઉડતા બાજ (Falcon) નો લોગો!
આરવના હ્રદયનો એક ધબકારો ચૂકાઈ ગયો. એનું કમાન્ડો મગજ તરત જ એલર્ટ થઈ ગયું. 'ફેલ્કન સર!'
પણ એણે પોતાના ચહેરાના હાવભાવ બિલકુલ બદલવા ન દીધા. એકદમ સહજતાથી એણે બોક્સ ખોલ્યું.
અંદર બે અત્યંત લક્ઝુરિયસ, ફર્સ્ટ-ક્લાસ ફ્લાઈટ ટિકિટ્સ હતી.
આધ્યાએ ઉત્સાહથી ટિકિટ્સ હાથમાં લીધી. એની આંખો ફાટી ગઈ. "ઓહ માય ગોડ! આરવ! આ... આ તો સ્વિટ્ઝર્લેન્ડની ટિકિટ્સ છે! ઝુરિચ! અને સાથે આલ્પ્સ (Alps) પર્વતમાળાઓના એક અત્યંત પ્રાઈવેટ લક્ઝરી રિસોર્ટનું સાત દિવસનું બુકિંગ!"
આધ્યાએ ખુશીથી આરવને ગળે લગાવી લીધો. "આરવ... આ દુનિયાની બેસ્ટ વેડિંગ ગિફ્ટ છે! મને હંમેશાથી બરફવાળા પહાડોમાં હનીમૂન પર જવું હતું! તારા દિલ્હીવાળા અંકલને મારો થેન્ક યુ કહેજે!"
"ચોક્કસ..." આરવ હસ્યો, પણ એની નજર બોક્સની અંદર પડેલા એક નાના, બ્લેક કલરના કાર્ડ પર ગઈ. આધ્યાનું ધ્યાન ટિકિટ્સ પર હતું, એટલે આરવે અત્યંત ચાલાકીથી એ કાર્ડ પોતાના હાથમાં સરકાવી લીધું.
કાર્ડ પર કોઈ લેખિત મેસેજ નહોતો, બસ એક નાનકડો ક્યૂ-આર (QR) કોડ હતો.
થોડીવાર પછી, જ્યારે આધ્યા પોતાની બહેનપણીઓ સાથે ફોટા પડાવી રહી હતી, ત્યારે આરવ ધીમેથી સ્ટેજની પાછળ ગયો. એણે પોતાની સ્માર્ટવોચથી એ ક્યૂ-આર કોડ સ્કેન કર્યો.
તરત જ વોચની નાનકડી સ્ક્રીન પર ફેલ્કન સરનો એન્ક્રિપ્ટેડ, ગાયબ થઈ જતો (Self-destructing) ટેક્સ્ટ મેસેજ ફ્લેશ થયો:
"હેપ્પી મેરેજ લાઈફ, કેપ્ટન. પણ રજાઓ પૂરી થઈ ગઈ છે. ટાર્ગેટ 'સ્નોમેન' સ્વિટ્ઝર્લેન્ડના એ જ વિસ્તારમાં એક્ટિવ થયો છે, જ્યાં તમારું બુકિંગ છે. ઇન્ટરનેશનલ બોર્ડર હોવાથી આપણી પાસે કોઈ ઓફિશિયલ બેકઅપ નહિ હોય. આ તમારું અને આધ્યાનું હનીમૂન પણ છે, અને તમારું સૌથી ઘાતક સોલો મિશન (Solo Mission) પણ છે. હનીમૂન સ્યુટમાં તમારા 'રમકડાં' (હથિયારો) પહોંચી જશે. બી કેરફુલ, કેપ્ટન. સ્નોમેન બહુ ક્રૂર છે."
મેસેજ પાંચ સેકન્ડમાં જાતે જ ડિલીટ થઈ ગયો.
આરવે ઊંડો શ્વાસ લીધો. એણે પોતાના ટક્સીડોના બટન ખોલ્યા અને ફરીથી બંધ કર્યા. એની આંખોમાં હવે વરરાજાની શરમ નહોતી, પણ એક ખૂંખાર શિકારીની આગ હતી.
એક બાજુ એની નવી પરણેલી પત્ની, એનો પહેલો પ્રેમ હતો, અને બીજી બાજુ એ જ પત્નીની નજરોથી છુપાઈને પાર પાડવાનું એક ભયાનક આંતરરાષ્ટ્રીય મિશન!
સ્વિટ્ઝર્લેન્ડનો એ સફેદ બરફ... હવે લોહીથી લાલ થવાનો હતો.
આરવ પાછો સ્ટેજ પર આવ્યો. આધ્યાએ હસીને એનો હાથ પકડી લીધો.
"શું વિચારે છે મિસ્ટર આરવ શર્મા? સ્વિટ્ઝર્લેન્ડની ઠંડીની તૈયારીઓ?"
આરવે આધ્યાની કેડ પર હાથ મૂકીને એને પોતાની બિલકુલ નજીક ખેંચી લીધી.
"હું વિચારી રહ્યો છું આધ્યા... કે આલ્પ્સના એ થીજી ગયેલા બરફમાં પણ, હું તને જરાય ઠંડી નહિ લાગવા દઉં. ત્યાંની સફર... જિંદગીભર યાદ રહેશે આપણને!"
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર